અલ-અક્સા: ઇસ્લામનાં સૌથી પવિત્ર સ્થળોમાંની એક મસ્જિદ જ્યાંથી પયગંબર 'જન્નત ગયા', અહીં ઇઝરાયલ અને અમેરિકા કેવા ફેરફાર કરવા માગે છે?

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, વાયર ડેવિસ
- પદ, મધ્ય પૂર્વના સંવાદદાતા
- દ્વારા રિપોર્ટિંગ, યેરૂસલેમ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
"ઇઝરાયલની સમગ્ર ભૂમિ ઈશ્વરનાં સંતાનોને સોંપવાનું વચન આપવામાં આવ્યું હતું... અને અહીં જ આપણે નવું મંદિર બનાવવા જઈ રહ્યાં છીએ, જેથી સમગ્ર માનવતા અહીં આવીને એકસાથે પ્રાર્થના કરી શકે."
આ શબ્દો ઇઝરાયલના એક દક્ષિણપંથી રાષ્ટ્રવાદી રાજકારણી મોશે ફેઇગ્લિનના હતા.
યેરુશલેમની અલ અક્સા મસ્જિદના પરિસરમાંથી હું નીચે ઊતરી રહ્યો હતો, તે સમયે તેમણે મારી સાથે વાત કરી હતી. એ મસ્જિદમાં મેં લગભગ 20 યહૂદી આસ્થાળુઓના જૂથ સાથે પ્રાર્થના કરી અને ભક્તિ ગીતો ગાયાં.
ફેઇગ્લિને સહજતાપૂર્વક અને સ્પષ્ટતા સાથે એવી રીતે વાત કરી, જાણે તેમનું વલણ વિવાદાસ્પદ ન હોય.
પણ તેમણે જે કહ્યું અને કર્યું, તેનાથી એક નાજુક કરારનું ઉલ્લંઘન થયું હતું, એવો કરાર, જે વિશ્વનાં સૌથી પવિત્ર અને સાથે-સાથે સંવેદનશીલ સ્થળોમાંના એક સ્થળે શાંતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે.
મોશે ફેઇગ્લિન અને તેમના જેવા અન્ય લોકો માટે મુદ્દો સરળ છે. તેઓ બરાબર એ જ જગ્યા પર નવું, વિશાળ યહૂદી મંદિર બનાવવા માગે છે, જ્યાં છેલ્લાં 1,400 વર્ષોથી ઇસ્લામ ધર્મનાં અત્યંત પવિત્ર સ્થળોમાં સ્થાન ધરાવતી અલ-અક્સા મસ્જિદ આવેલી છે.
મુસ્લિમોમાં અલ-હરમ અલ-શરીફ (પવિત્ર અભયારણ્ય) તરીકે અને યહૂદીઓમાં ટૅમ્પલ માઉન્ટ તરીકે ઓળખાતી આ જગ્યા મધ્ય પૂર્વનાં સૌથી વિખ્યાત અને પ્રભાવશાળી સ્થળો પૈકીની એક છે.
સોનાનો ઢોળ ચઢાવેલું 'ડોમ ઑફ ધ રૉક' આ 35 હેક્ટર જમીન પર આવેલા આસ્થાના કેન્દ્રનું મુખ્ય આકર્ષણ છે અને માઇલો દૂરથી પણ તેને જોઈ શકાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કુરાનમાં અલ-અક્સાનો ઉલ્લેખ જોવા મળે છે અને મુસ્લિમોનું માનવું છે કે, મહમદ પયગંબર ત્યાંથી જ જન્નતમાં ગયા હતા.
વળી, આ જગ્યા માત્ર મુસ્લિમોની પ્રાર્થના માટે જ અનામત રાખવામાં આવી છે... પણ શું હવે તે વ્યવસ્થા બદલાઈ જશે?

ઇમેજ સ્રોત, Maarten Lernout/BBC
આ ઉપરાંત, આ સ્થળનું યહૂદી ધર્મમાં પણ વિશેષ મહત્ત્વ છે.
પરિસરની નીચે, તેને ટેકો આપનારી પશ્ચિમી દીવાલ (વેસ્ટર્ન વૉલ)ની બાજુમાં યહૂદીઓ પ્રાર્થના કરે છે અને 2,000 વર્ષો પૂર્વે રોમનો દ્વારા ઉપરના પ્લૅટફૉર્મ પર આવેલા યહૂદી મંદિરનો વિનાશ કરવામાં આવ્યો હતો, તેનો શોક મનાવે છે.
દાયકાઓથી લાગુ રહેલા કરાર "સ્ટેટસ ક્વો" અનુસાર અલ-અક્સા પરિસરનો કબ્જો (કસ્ટડી) જૉર્ડન દ્વારા સંચાલિત ઇસલામિક સંસ્થાઃ વક્ફને હસ્તક છે.
બિન-મુસ્લિમો અલ-અક્સાની મુલાકાત લઈ શકે છે, પણ તેમને ત્યાં પ્રાર્થના કરવાની કે ધાર્મિક વિધિ કરવાની પરવાનગી નથી.
ઇઝરાયલના ચીફ રેબિનેટ (યહૂદીના મુખ્ય ધર્મગુરુ) અને મોટાભાગના રૂઢિચુસ્ત પાદરીઓ પણ યહૂદી કાયદા સંબંધિત (હેલાખિક) કારણોસર આ સ્થળે યહૂદીઓના પ્રાર્થના કરવા પર પ્રતિબંધ ફરમાવે છે.
આ એ નિયમો અને ઠરાવો છે, જેનો ફેઇગ્લિન તથા અન્ય લોકો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે.
અલ-અક્સા મસ્જિદ "બહુ-ધાર્મિક કેન્દ્ર" કેમ છે

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇઝરાયલના તથા અમેરિકન અધિકારીઓ આ યથાસ્થિતિ ("સ્ટેટસ ક્વો")ને નાબૂદ કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા હોવાના તાજેતરના દાવાઓ અને અહેવાલોએ ચિંતા જગાવી છે.
"મિડલ ઇસ્ટ આઈ" મીડિયા હાઉસે વિવિધ સ્રોતોને ટાંકીને એવો સંકેત આપ્યો હતો કે, ઇઝરાયલી સરકાર દ્વારા રચવામાં આવેલી નવી સંસ્થા અલ-અક્સા પરિસરને "બહુ-ધાર્મિક કેન્દ્ર" જાહેર કરી દેશે.
તાજેતરમાં જ જ્યારે કૉંગ્રેસની સુનાવણી દરમિયાન તે અહેવાલો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે સેક્રેટરી ઑફ સ્ટેટ માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે, તેમને "આવા કોઈ અહેવાલની જાણ નથી."
જોકે, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિકટવર્તી અને ઇઝરાયલમાં અમેરિકાના રાજદૂત માઇક હકાબી યેરુસલેમ અને કબ્જા હેઠળના વેસ્ટ બૅન્કમાં આવેલાં પવિત્ર સ્થળો સાથેનાં યહૂદી જોડાણો વિશે વારંવાર વાત કરી ચૂક્યા છે.
અન્ય અહેવાલો સૂચવે છે કે, આ સ્થળ પર વ્યાપક સ્તરે યહૂદીઓને પ્રાર્થના કરવાની પરવાનગી આપવામાં આવશે, કારણ કે, ઇઝરાયલ ધીમે-ધીમે અલ-અક્સાનું વ્યવસ્થાપન પોતાને હસ્તક લઈ રહ્યું છે.
ઇઝરાયલે 1967ના મધ્ય પૂર્વના યુદ્ધ વખતે "ઓલ્ડ સિટી" તથા તેનાં પવિત્ર સ્થાનો સહિત બાકીના "વેસ્ટ બૅન્ક"ના પ્રદેશો જૉર્ડન પાસેથી આંચકી લીધા હતા અને તે પછી તેને પોતાના વિસ્તાર સાથે ભેળવી દીધા હતા. આ પગલાંને મોટાભાગના દેશોએ માન્યતા આપી નથી.
ઇઝરાયલનું વડા પ્રધાન કાર્યાલય વારંવાર જણાવતું આવ્યું છે કે, "સ્ટેટસ ક્વો"માં કોઈ ફેરફાર થયો નથી.

ઇમેજ સ્રોત, Maarten Lernout/BBC
વક્ફ કાઉન્સિલના ડેપ્યુટી ડિરેક્ટર ડૉક્ટર મુસ્તફા અબુ સ્વાઈ ચેતવણી ઉચ્ચારે છે કે, "આવું થવાનું નથી."
"ઓલ્ડ સિટી"ની એક ઊંચી જગ્યા પરથી વાત કરતાં તેઓ સ્વીકારે છે કે, અલ-અક્સા પરનું નિયંત્રણ એક સંવેદનશીલ મુદ્દો છે, જેમાં ઇઝરાયલી પક્ષો હવે સ્વયંને વધુ સાહસિક માની રહ્યા છે.
સાથે જ તેમને એવો ભય પણ છે કે, "સ્ટેટસ ક્વો"માં કોઈપણ પ્રકારનો સત્તાવાર ફેરફાર યહૂદીઓ અને મુસ્લિમો વચ્ચે સહેલાઈથી તણાવના નવા વિસ્ફોટને ઉત્તેજન આપી શકે છે.
ઇસ્લામિક અભ્યાસ અને પ્રાદેશિક ઇતિહાસના આદરણીય પેલેસ્ટિનિયન નિષ્ણાત અબુ સ્વાઈ વધુમાં કહે છે, "અલ-અક્સા મસ્જિદને તે જે સ્થિતિમાં છે, તે પ્રમાણે રાખવામાં નહીં આવે, તો તે સામે ચાલીને મુસીબત વહોરવા સમાન ગણાશે. તે આ પ્રદેશની શાંતિ જોખમાવે છે અને દરેક વ્યક્તિને એકબીજાની સામે ઊભી રાખે છે."
અલ-અક્સા મસ્જિદને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા કેમ છે?

ઇમેજ સ્રોત, Getty Images
જૉર્ડન, અખાતના દેશો અને ઇજિપ્ત જેવા દેશો અલ-અક્સા ખાતે ઇસ્લામિક સત્તા નબળી પડવાને લઈને ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે.
બ્રિટિશ સરકારે પણ જણાવ્યું છે કે, "યેરુસલેમમાં આવેલાં પવિત્ર સ્થળોએ ઐતિહાસિક "સ્ટેટસ ક્વો" કરારોનો આદર થવો જોઈએ."
પરંતુ, કેટલાક ઇઝરાયલી રાષ્ટ્રવાદીઓ હવે પોતાનો અભિપ્રાય છૂપાવતા નથી. તેઓ માને છે કે હવે તેમનો સમય આવી ગયો છે.
ગયા મહિને "યેરુસલેમ ડે" કૂચના વાઇરલ થયેલા એક વીડિયોમાં ઇઝરાયલના દક્ષિણપંથી રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇતામાર બેન-ગ્વીરે જુસ્સા સાથે કહ્યું હતું, "ટૅમ્પલ માઉન્ટ આપણું છે! તે આપણા હાથમાં છે!"
બેન-ગ્વીરે "ઓલ્ડ સિટી"ના મુસ્લિમ ક્વાર્ટર સહિતના પૂર્વીય યેરુસલેમથી લઈને અલ-અક્સાના પરિસર સુધી હાથમાં ધ્વજ લહેરાવીને ઇઝરાયલી રાષ્ટ્રવાદીઓના એક જૂથની કૂચનું નેતૃત્વ કર્યું હતું.

ઇમેજ સ્રોત, Reuters
વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની ગઠબંધનની સરકારના આ વિવાદાસ્પદ સભ્ય અલ-અક્સાની નિયમિત મુલાકાત લેતા રહે છે.
વીડિયોમાં તેઓ ગીતો ગાય છે અને "સ્ટેટસ ક્વો"નો ખુલ્લેઆમ વિરોધ કરતાં ઇઝરાયલનો ધ્વજ દર્શાવે છે.
પણ, પરિસરના કેટલાક ભાગોમાં યહૂદી પ્રાર્થના તથા ભક્તિ ગીતો ગાવાની મંજૂરી આપવા માટે પોતાના મંત્રીપદનો ઉપયોગ કરનારા બેન-ગ્વીર માટે તો આ સ્થળ પર યહૂદી તેમજ ઇઝરાયલી નિયંત્રણ મેળવવાની શરૂઆત જ છે.
25 વર્ષ કરતાં વધુ સમય પહેલાં સપ્ટેમ્બર, 2000માં દક્ષિણપંથી ઇઝરાયલી રાષ્ટ્રવાદી રાજકારણી એરિયલ શેરોને કંઈક એવું કર્યું હતું, જેની તે સમયે કલ્પના પણ થઈ શકે તેમ નહોતી. સેંકડો સશસ્ત્ર ઇઝરાયલી પોલીસ અધિકારીઓના કાફલા સાથે, વિરોધ પક્ષ લિકુડ પાર્ટીના તે નેતાએ ઓલ્ડ સિટીની મુલાકાત લીધી હતી અને તેમણે અલ-અક્સાના પરિસરમાં પ્રવેશ કર્યો હતો.
ઘણા લોકોએ આ તેમની આ હરકતને ભ઼ડકાઉ તથા ઇરાદાપૂર્વક કરાયેલી ઉશ્કેરણી ગણાવી હતી. અને અલ-અક્સા ઇન્તિફાદા તરીકે ઓળખાતા બીજા પેલેસ્ટિનિયન ઇન્તિફાદા - બળવાને ભડકાવવા પાછળ આ તણખો પણ જવાબદાર હતો.
તે પછીનાં પાંચ વર્ષોમાં ઇઝરાયલ અને વેસ્ટ બૅન્ક તેમજ ગાઝા પટ્ટીના કબ્જા હેઠળના પ્રદેશોમાં હિંસાના બનાવોમાં 4,000 કરતાં વધુ લોકોનો ભોગ લેવાયો હતો.
અલ-અક્સા રાજકીય દૃષ્ટિએ પૃથ્વી પરનું સૌથી સંવેદનશીલ સ્થળ છે અને ભૂતકાળની ઘટનાઓ અને હાલની તંગદિલી, બંને સમાન વિનાશકારી પરિણામોની આશંકા વધારે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





















