'PM 12 વર્ષ પછી ઊંઘમાંથી જાગ્યા છે', FICCIમાં મોદીના ભાષણ પર ખડગેનો પ્રહાર - ન્યૂઝ અપડેટ

'PM 12 વર્ષ પછી ઊંઘમાંથી જાગ્યા છે', FICCIમાં મોદીના ભાષણ પર ખડગેનો પ્રહાર - ન્યૂઝ અપડેટ બીબીસી ગુજરાતી
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

FICCIના શતાબ્દી સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ પર કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રહાર કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરીને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, કૉંગ્રેસ પાર્ટી આર્થિક ઉદારીકરણની જનની છે. તેમના જણાવ્યા અનુસાર, દેશમાં દાયકાના આધારે સરેરાશ આર્થિક વિકાસનો સૌથી ઊંચો દર કૉંગ્રેસ અને UPA સરકારોના કાર્યકાળ દરમિયાન નોંધાયો હતો.

તેમણે આરોપ મૂક્યો હતો કે, "વડા પ્રધાન મોદીએ FICCIમાં આપેલા પોતાના ભાષણ દરમિયાન પોતાની નિષ્ફળતાઓનો દોષ ઉદ્યોગજગત પર ઢોળવાનો પ્રયાસ કર્યો. એવું લાગતું હતું જાણે વડા પ્રધાન વિરોધ પક્ષના નેતા હોય અને 12 વર્ષ પછી ઊંઘમાંથી જાગ્યા હોય."

કૉંગ્રેસ અધ્યક્ષે વધુમાં કહ્યું હતું કે, તેમની પાર્ટીએ હંમેશાં દરેકને સમાન તક આપવાની વાત કરી છે. પાર્ટીએ સરકારને અનેક વખત ચેતવણી પણ આપી હતી; પરંતુ મોદી સરકારે દેશનાં તમામ સંસાધનો એક-બે મૂડીપતિ મિત્રોના હાથમાં સોંપી દીધાં છે. તેના કારણે નાના ઉદ્યોગો અને વેપારીઓને ભારે નુકસાન થયું છે.

ખડગેએ આરોપ મૂક્યો હતો કે, "આજે દેશમાં રોજગારીની અછત છે, લોકોની બચત ઘટી રહી છે અને મોંઘવારી ચરમસીમાએ પહોંચી ગઈ છે. જાહેર ક્ષેત્રનાં સાહસોને સમાપ્ત કરવામાં આવી રહ્યા છે; જ્યારે 'મેક ઇન ઇન્ડિયા' હવે 'બાય ફ્રૉમ ચાઇના' બની ગયું છે."

મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર નિશાન સાધતાં કહ્યું હતું કે, પાર્ટીએ પોતાના સ્વાર્થ માટે ભારતીય અર્થતંત્રનું નિયંત્રણ પસંદગીના કેટલાક પૂંજીપતિઓના હાથમાં સોંપી દીધું છે. તેમણે આ સ્થિતિને ભારતીય અર્થતંત્ર માટેનો સૌથી મોટો પડકાર અને આર્થિક વિનાશ ગણાવ્યો છે.

વાવાઝોડું 'અક્વાન' ઓડિશાના દરિયાકાંઠેથી પસાર થયું, 90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો

વાવાઝોડું દરિયાકાંઠેથી પસાર થયું ત્યારે 70 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો.
ઇમેજ કૅપ્શન, વાવાઝોડું દરિયાકાંઠેથી પસાર થયું ત્યારે 70 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો.

હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચક્રવાત 'અકવાન' ઓડિશાના દરિયાકાંઠેથી પસાર થઈ ગયું છે. શુક્રવારે સવારે 7:30 થી 8:30 વાગ્યાની વચ્ચે તે ઉત્તર આંધ્ર અને દક્ષિણ ઓડિશા વચ્ચે ગોપાલપુર નજીક દરિયાકાંઠેથી પસાર થયું હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દરિયાકાંઠાને પાર કરતી વખતે 70 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો. જોકે, વાવાઝોડાને સંપૂર્ણપણે દરિયાકાંઠાને પાર કરવામાં થોડો સમય લાગશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ચક્રવાતની અસરને કારણે ઉત્તર આંધ્રપ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ચક્રવાત દરિયાકાંઠેથી પસાર થઈ ગયું હોવા છતાં, APSDMAના MD અને RTGSના CEO પ્રખર જૈને શ્રીકાકુલમ જિલ્લાના લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે.

સુમુલ ડેરીએ દૂધના ભાવમાં એકથી છ રૂપિયાનો વધારો કર્યો

સુમુલ ડેરી
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતમાં અમૂલ અને દિલ્હીની મધર ડેરીએ દૂધના ભાવ વધાર્યા પછી સુરત અને તાપી જિલ્લાની સુમુલ ડેરીએ પણ દૂધના ભાવમાં પાઉચ દીઠ એકથી છ રૂપિયા સુધીનો વધારો કર્યો છે. 19 નવેમ્બરથી જ તેનો અમલ શરૂ થઈ ગયો છે.

સુમુલ હેઠળ મળતા અમૂલ બફેલો મિલ્ક દૂધના એક લિટરનો ભાવ છ રૂપિયા વધારવામાં આવ્યો છે. અગાઉ તેનો ભાવ 78 રૂપિયા હતો તે વધીને 84 થયો છે. જ્યારે સુમુલ ડેરીના અમૂલ ગોલ્ડના એક લિટરના પૅકેટનો ભાવ ચાર રૂપિયા વધારવામાં આવ્યો છે. 500 મિલીનું અમૂલ ગોલ્ડ દૂધ પાઉચ 38 રૂપિયામાં મળશે.

આ ઉપરાંત અમૂલ તાઝા મિલ્કના 500 મિલીના પાઉચનો ભાવ બે રૂપિયા વધીને 30 રૂપિયા થયો છે. સુમુલ ડેરીના ગાયના દૂધનો ભાવ 500 મિલીના પાઉચ દીઠ બે રૂપિયા વધારવામાં આવ્યો છે.

આ ભાવવધારા વિશે સુમુલ ડેરી સાથે સંકળાયેલા મોસાલી દૂધ ઉત્પાદક સંઘના પ્રતિનિધિ રાજેશકુમાર પાઠકે બીબીસીને જણાવ્યું કે, "ડેરી ક્ષેત્રે પશુપાલકો માટે નિભાવ ખર્ચ વધ્યો છે. તેથી ફેડરેશન દ્વારા પશુપાલકોને દૂધ ઉત્પાદન પોસાય તે જોવામાં આવે છે."

"છૂટક બજારમાં મળતા દૂધ કરતા પણ સારી ગુણવત્તાનું દૂધ કોઓપરેટિવ ક્ષેત્ર આપે છે. તેમાં ફેટનું પ્રમાણ અને શુદ્ધતા જળવાય તે જોવામાં આવે છે."

"મારી નહીં પણ ગાંધીની વાત તો માનો..."- પીએમ મોદીએ આવું કેમ કહ્યું?

નરેન્દ્ર મોદી

દિલ્હીમાં યોજાયેલી FICCI (ફેડરેશન ઑફ ઇન્ડિયન ચૅમ્બર્સ ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી)ના વાર્ષિક સંમેલનમાં પીએમ મોદીએ ભાષણ આપ્યું હતું.

આ ભાષણમાં પીએમ મોદીએ ઉદ્યોગપતિઓને ઉત્પાદન ક્ષેત્રમાં ઓછો વિકાસ, તથા ઘણા પડકારો વિશે ટકોર કરી હતી.

આ ભાષણમાં પીએમ મોદીએ કામદારોનાં વેતન અને રોજગારીની સ્થિતિ અંગે પણ વાત કરી હતી.

પીએમ મોદીએ ભારતના પ્રાઇવેટ સેક્ટરની થતી ટીકાઓ અંગે વાત કરી હતી. તેમણે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભરતાનો દાખલો આપીને કહ્યું હતું કે, "1930માં ગાંધીજીએ પણ તમને આવીને આ જ કહ્યું હતું. અને આજે આટલાં વર્ષો પછી પણ મારે તમને આ જ કહેવું પડે છે. આ તમારી સફળતા છે કે નિષ્ફળતા એ અંગે તમારે વિચારવું જોઈએ."

તેમણે કહ્યું હતું કે, "તમે મારી વાત ન માનો તો વાંધો નહીં, ગાંધીની વાત તો માનો. તેમણે પણ સ્વદેશીની વાત કરી હતી અને આત્મનિર્ભર ભારતની વાત કરી હતી. તમે 100 વર્ષ પૂર્ણ કર્યાં છે પણ હજુ પરિસ્થિતિ એવી ને એવી જ છે."

પીએમ મોદીએ ઇન્ડસ્ટ્રી લીડર્સને સવાલ પૂછ્યો હતો કે તેમની સરકારે કૉર્પોરેટ ટૅક્સ ઘટાડીને 22 ટકા કર્યો અને 12 લાખ સુધી કોઈ ઇન્કમ ટૅક્સ ન ભરવો પડે તેવી વ્યવસ્થા કરી. પણ શું તમે તમારા કર્મચારીઓનો પગાર વધાર્યો?

શૅરબજારમાં લિસ્ટિંગ વખતે ઍન્થ્રોપિક દુનિયાની સૌથી વેલ્યુએબલ કંપનીઓ પૈકી એક બની

ઍન્થ્રોપિકનું લિસ્ટિંગ
ઇમેજ કૅપ્શન, ઍન્થ્રોપિકનું લિસ્ટિંગ

શૅરબજારમાં તેના શૅરનું ટ્રેડિંગ શરૂ થયા પછી ઍન્થ્રોપિક એ વિશ્વની સૌથી મૂલ્યવાન જાહેર કંપનીઓમાંની એક બની ગઈ છે. તેનું વેલ્યુએશન આશરે 1.76 ટ્રિલિયન ડૉલર જેટલું થયું છે.

ગુરુવારે નાસ્ડેક સ્ટોક ઍક્સચેન્જમાં એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કંપનીનું પદાર્પણ એ આ ઇન્ડસ્ટ્રી માટે એક મહત્ત્વપૂર્ણ કસોટી હતું, કારણ કે ટેકનૉલૉજીને આગળ વધારવા માટે મોટા પ્રમાણમાં નાણાં ખર્ચવામાં આવી રહ્યા છે.

ઍન્થ્રોપિકના શૅર તેના 83 ડૉલર પ્રતિ શેરની ઍલોકેશન પ્રાઇઝને વટાવી ગયા હતા જે દર્શાવે છે કે AI ની આજુબાજુ ઘણો ઉત્સાહ દેખાઈ રહ્યો છે.

પરંતુ ટ્રેડિંગના થોડા કલાકોમાં જ, ઍન્થ્રોપિકના શૅરે બતાવ્યું કે રોકાણકારો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્યાં જઈ રહ્યું છે તેના અંગે અનિશ્ચિત છે. શૅરનો ભાવ તાત્કાલિક વધીને 111.53 ડૉલર સુધી ગયો હતો જેનાથી કંપનીનું બજાર મૂલ્ય લગભગ 2 ટ્રિલિયન ડૉલર થયું હતું. જોકે, દિવસના અંત સુધીમાં શેર 97.17 ડૉલર પર બંધ થતાં તે ઘટી ગયું.

કેટલાક રોકાણકારોએ જણાવ્યું હતું કે ઍન્થ્રોપિકનું ડેબ્યૂ સફળ રહ્યું હોય તેવું લાગે છે, કારણ કે દિવસ દરમિયાન શૅર લગભગ 17 ટકા વધ્યા હતા, પરંતુ વ્યાપક ટેક માર્કેટે સારું પ્રદર્શન કર્યું ન હતું.

ભારત-પાકિસ્તાનના સંબંધો અંગે રાહુલ ગાંધીને અમેરિકામાં પૂછાયો સવાલ, તેમણે શું કહ્યું?

રાહુલ ગાંધી
ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધી યુનિવર્સિટી ઑફ શિકાગોમાં આયોજિત એક કાર્યક્રમમાં

યુનિવર્સિટી ઑફ શિકાગોમાં આયોજિત એક કાર્યક્રમમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ઘણા લોકોએ સવાલ પૂછ્યા હતા.

આ કાર્યક્રમમાં પાકિસ્તાની મૂળના એક યુવાને રાહુલ ગાંધીને સવાલ પૂછ્યો હતો.

આ યુવકે સવાલ પૂછ્યો હતો કે, "શું બંને દેશો ભૂતકાળના આરોપ-પ્રત્યારોપોને ભૂલીને સંયુક્ત ફાયદા માટે આગળ વાતચીત કરી શકે છે? શું બંને દેશો વચ્ચે કોઈ સ્કોપ છે?"

આ સવાલનો જવાબ આપતાં રાહુલ ગાંધીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, "હા, સ્કોપ છે પરંતુ એક મોટી સમસ્યા છે. પાકિસ્તાન દ્વારા અમારા દેશમાં આતંકવાદને પ્રોત્સાહન અને ટેકો આપવામાં આવે છે."

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "અમારા દેશના નિર્દોષ નાગરિકોને એક તરફ મારવામાં આવે એ સ્વીકારી લેવું અને પાકિસ્તાન સાથે વાતચીત કરવી એ અશક્ય છે. જે ઘડીએ એ અટકી જશે ત્યારે કદાચ વાતચીત ચાલુ થઈ શકે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન