ચૈતર વસાવાને સજા થઈ એ કેસ શું છે, ચુકાદામાં કોર્ટે શું કહ્યું?

ગુજરાત, ચૈતર વસાવા, આમ આદમી પાર્ટી, કોર્ટ, જેલ, નર્મદા, રાજપીપળા, રાજકારણ, વન વિભાગ, બીબીસી, ન્યૂઝ, ગુજરાતી

ઇમેજ સ્રોત, Sajid Patel

    • લેેખક, અપૂર્વ અમીન
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

નર્મદા જિલ્લાની રાજપીપળા એડિશનલ સેશન્સ કોર્ટે ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત અન્ય આરોપીઓને વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કરવા, હવામાં ફાયરિંગ કરવા અને જબરદસ્તીથી નાણાં પડાવવાના ગંભીર ગુનામાં સાત વર્ષની કેદની સજા ફટકારી છે.

આમ આદમી પાર્ટીના જાણીતા ચહેરા ચૈતર વસાવા તેમની પર વન વિભાગની જમીન સંબંધિત ચાલી રહેલા એક કેસમાં ઘણા સમયથી કાનૂની લડત આપતા હતા.

ત્યારે 23 જૂને કોર્ટે આમ આદમી પાર્ટી(આપ)ના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ તેમનાં પત્ની સહિત કુલ નવ આરોપીઓને કોર્ટે આ કેસમાં દોષિત ઠેરવ્યા છે.

તેમના પર વન વિભાગના કર્મચારીને લાફો મારવા અને હવામાં ફાયરિંગ કરવા સુધીના આરોપો હતા.

કોર્ટના ચુકાદા અનુસાર, આરોપીઓને આઈપીસી તથા આર્મ્સ ઍકટની જુદીજુદી કલમો હેઠળ કોર્ટે વધુમાં વધુ સાત વર્ષ સુધીની કેદ અને દંડની સજા કરી છે.

ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવા ડેડિયાપળા વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય છે, ત્યારે કોર્ટના આ ચુકાદામાં 'ધ પબ્લિક રિપ્રેઝેન્ટેશન ઑફ પીપલ ઍકટ-1951ની કલમ-8(3)'ની જોગવાઈ મુજબ ચુકાદાની એક નકલ સેશન્સ કોર્ટ મારફતે ગુજરાત રાજયના વિધાનસભાના અધ્યક્ષને તાત્કાલીક મોકલી આપવાનો પણ કોર્ટે ઉલ્લેખ કર્યો છે.

ત્યારે હવે કેસમાં શું ખરેખર ચૈતરને સાત વર્ષ જેલમાં રહેવું પડશે, ચૈતર વસાવા તરફથી બચાવ પક્ષના વકીલ શું કહે છે?

ચૈતર વસાવાને સજા થઈ એ સમગ્ર મામલો શું છે

ગુજરાત, ચૈતર વસાવા, આમ આદમી પાર્ટી, કોર્ટ, જેલ, નર્મદા, રાજપીપળા, રાજકારણ, વન વિભાગ, બીબીસી, ન્યૂઝ, ગુજરાતી

ઇમેજ સ્રોત, Hardik

ઇમેજ કૅપ્શન, વન અધિકારીઓ પર હુમલો અને ખંડણી કેસમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા દોષિત ઠર્યા

આ સમગ્ર વિવાદ નવેમ્બર 2023માં નોંધાયેલી એક સત્તાવાર પોલીસ ફરિયાદ સાથે જોડાયેલો છે.

આ ઘટના 30 ઑકટોબર 2023ના રોજ બની હતી. તેના અનુસંધાને 02 નવેમ્બર 2023ના રોજ એફઆઈઆર નોંધવામાં આવી અને 30 જાન્યુઆરી 2024ના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

કોર્ટના ચુકાદામાં નોંધેલી ફરિયાદ મુજબ, રાજપીપળાના બોગજ અને ઝાડોલી ગામની સીમમાં આરોપી રમેશભાઈ વસાવાએ સરકારી જમીનમાં ગેરકાયદેસર કપાસના પાકનું વાવેતર કરેલું હતું.

ફરિયાદ અનુસાર, તે જગ્યાએ આવીને વન વિભાગના કર્મચારીઓએ કપાસનો પાક ઉખેડી નાખ્યો અને સરકારી જમીન પરનું ગેરકાયદેસર દબાણ દૂર કર્યું હતું તેવું ફરિયાદમાં જણાવ્યું હતું.

ફરિયાદ અનુસાર, ચુકાદામાં દોષિત ઠેરવેલા તમામ આરોપીઓએ બળજબરીપૂર્વક વન વિભાગના કર્મચારીના નાણાં કાઢી લેવાના ઇરાદે 30 ઑકટોબર 2023ના અને 31 ઑકટોબર 2023 ધમકી આપી હતી.

ગુજરાત, ચૈતર વસાવા, આમ આદમી પાર્ટી, કોર્ટ, જેલ, નર્મદા, રાજપીપળા, રાજકારણ, વન વિભાગ, બીબીસી, ન્યૂઝ, ગુજરાતી

ઇમેજ સ્રોત, Hardik

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

"જેમાં કહ્યું હતું કે 'તમે ખેડૂતોનાં ખેતરોમાં જે કપાસ ઉખેડી નખેલું છે તે સારું નથી કર્યું અમારા વિસ્તારમાં કામ કરવું હોય તો આ ખેડૂતોને જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરો અને ખેડૂતો જે પૈસા કહે તે તમારે આપવા જ પડશે'"

આ ફરિયાદ મુજબ, ધારાસભ્ય ચૈતર વસાવા પર આક્ષેપ હતો કે ચૈતર વસાવાએ વન વિભાગના કર્મચારીઓને ફોન કરીને પોતાના બોગજ સ્થિત નિવાસસ્થાને બોલાવ્યા, ત્યાં તેમણે અધિકારીઓને ધમકાવ્યા હતા.

"આટલું જ નહીં, ચૈતર વસાવાએ ઉશ્કેરાઈને ફરિયાદી વન અધિકારીને લાફા મારી દીધા હતા અને ઘરમાંથી પિસ્તોલ માંગવીને ફરિયાદીઓની સામે જ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી"

ત્યારપછીના દિવસે, ચૈતર વસાવાના પીએ જીતેન્દ્ર વસાવા મારફતે વન કર્મચારીઓને ફરી ધમકી આપી ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે બોલાવી તેમની પાસેથી દબાણપૂર્વક 60 હજાર રૂપિયા વસૂલવામાં આવ્યા હતા.

આ ઘટનાના 1 મહિના અને 9 દિવસ બાદ તેઓ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. આ કેસમાં લાંબી કાયદેસરની કાર્યવાહી અને ટ્રાયલ બાદ કોર્ટે આ ચુકાદો આપ્યો છે.

અદાલતના હુકમ બાદ તમામ પાંચ પુરુષ આરોપીઓ અને ચાર મહિલા આરોપીઓને રાજપીપળા જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા છે.

સરકારી સાક્ષીઓની ફરી જુબાની લેવા કોણ સુપ્રીમમાં ગયું હતું

ગુજરાત, ચૈતર વસાવા, આમ આદમી પાર્ટી, કોર્ટ, જેલ, નર્મદા, રાજપીપળા, રાજકારણ, વન વિભાગ, બીબીસી, ન્યૂઝ, ગુજરાતી

આ ટ્રાયલ દરમિયાન કુલ 17 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી.

રાજ્ય સરકાર દ્વારા કેસની કાર્યવાહી ચલાવવા માટે સ્પેશિયલ પબ્લિક પ્રૉસિક્યૂટર અમિત નાયરની નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે તમામ આરોપીઓ વતી સીનિયર ઍડવોકેટ એસ. કે. જોશી હાજર રહ્યા હતા જેમણે સમગ્ર ટ્રાયલ દરમિયાન બચાવ પક્ષનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

બચાવ પક્ષે કેટલાક સરકારી સાક્ષીઓને ફરીથી બોલાવી તેમની પુનઃતપાસ કરવા માટે અરજી દાખલ કરી હતી.

આ અરજી સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી અને ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ તે નામંજૂર કરવામાં આવી હતી.

ત્યારબાદ આરોપી પક્ષે સુપ્રીમ કોર્ટનો આશરો લીધો હતો. સુપ્રીમ કોર્ટે પણ ગુજરાત હાઇકોર્ટના નિર્ણયને યથાવત્ રાખ્યો હતો.

આ તમામ આદેશોના પરિણામે લાંબા સમયથી બાકી રહેલી આ કેસની અંતિમ દલીલો શરૂ થઈ.

અંતિમ દલીલો પૂર્ણ થયા બાદ સેશન્સ કોર્ટે 23 જૂન 2026ના રોજ પોતાનો ચુકાદો જાહેર કર્યો હતો.

બચાવ અને આરોપી પક્ષે વકીલોએ શું કહ્યું?

ગુજરાત, ચૈતર વસાવા, આમ આદમી પાર્ટી, કોર્ટ, જેલ, નર્મદા, રાજપીપળા, રાજકારણ, વન વિભાગ, બીબીસી, ન્યૂઝ, ગુજરાતી

ઇમેજ સ્રોત, Amit Nair

આરોપી ચૈતર વસાવા પક્ષેથી દલીલો કરનાર વકીલ સુરેશચંદ્ર કે જોશીએ બીબીસી ગુજરાતી સાથેની વાતમાં જણાવ્યું કે, આ કેસ સાદો અને તરફેણમાં છે, જે સજા થઈ છે તેને લઈને અપીલમાં જઈશું અને છૂટી જવાય એવું છે એટલે હવે હાઇકોર્ટમાં અમે અપીલમાં જઈશું.

તેઓ જણાવે છે, ફરિયાદીનો કેસ માનીને કોર્ટે સજા કરી છે, અને સાત વર્ષની સજા છે એટલે સમાન્ય સંજોગોમાં જામીન મળી શકે તેવું લાગી રહ્યું છે.

રાજ્ય સરકાર તરફથી ખાસ સરકારી વકીલ અમિત નાયરે દલીલ કરી હતી કે સાક્ષીઓનાં નિવેદનો, દસ્તાવેજી પુરાવા, કૉલ ડિટેલ રેકૉર્ડ્સ તથા બૅન્ક સ્ટેટમેન્ટ્સ આરોપીઓની સંડોવણી સાબિત કરે છે.

તેમણે કોર્ટ સમક્ષ ચૈતર વસાવા સામે નોંધાયેલી તાજેતરની FIRઓની વિગતો પણ રજૂ કરી હતી અને દલીલ કરી હતી કે તે સમાન પ્રકારની વર્તણૂકનું પ્રતિબિંબ છે, જેમાં નાગરિકને તમાચો મારવા અને જાહેર અશાંતિ સર્જવાના આક્ષેપો સામેલ છે.

સ્પેશિયલ પબ્લિક પ્રૉસિક્યૂટર અમિત નાયરે જણાવ્યું હતું કે એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ પાસેથી કાયદાકીય માર્ગ અપનાવવાની અપેક્ષા રાખવામાં આવે છે અને કોઈપણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી.

ફરિયાદ પક્ષની દલીલો અને રજૂ થયેલા પુરાવાઓને માન્ય રાખતાં રાજપીપળા સેશન્સ કોર્ટે ચૈતર વસાવા તથા અન્ય આરોપીઓને દોષિત ઠરાવ્યા હતા.

"એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે, તેમને પોતાની ફરિયાદ કે અસંતોષ વ્યક્ત કરવા માટે કાયદેસર માર્ગો અને ઉપાયો અપનાવવા જોઈતા હતા, તેના બદલે આવી પ્રવૃત્તિ કરવી યોગ્ય નથી."

"પ્રૉસિક્યૂશને કેસને કૉલ ડિટેલ રેકૉર્ડ્સ (સીડીઆર્સ) અને બૅન્ક સ્ટેટમેન્ટ જેવા ડિજિટલ પુરાવાઓ અને પ્રત્યક્ષદર્શી સાક્ષીઓનાં નિવેદનો સાથે મળીને કેસને વધુ મજબૂત બનાવે છે."

અમિત નાયર જણાવે છે તેઓ આગળ કયા કાનૂની ઉપાયો અપનાવશે તેના વિશે હું કોઈ ટિપ્પણી કરી શકતો નથી.

ઉલ્લેખનીય છે કે ચુકાદામાં કોર્ટે ફરિયાદીઓ અને સાક્ષીઓની મૌખિક જુબાની, મેડિકલ પુરાવા, બૅન્ક સ્ટેટમેન્ટ અને ડિસ્કવરી પંચનામા જેવા દસ્તાવેજી પુરાવાઓને આધારે ચૈતર વસાવાને આર્મ્સ ઍક્ટ અને આઈપીસીની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવીને આ સજા સંભળાવી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન