કતારની ગૅસ કંપનીમાં વિસ્ફોટમાં સુરતના યુવાનનું મૃત્યુ, મૃતદેહની રાહ જોતા પરિવારે શું કહ્યું

ઇમેજ સ્રોત, Rupesh Sonwane/Getty
કતારની ગૅસ કંપનીમાં બે દિવસ અગાઉ થયેલા વિસ્ફોટમાં 12 ભારતીયો સહિત કુલ 13 લોકોનાં મોત થયાં હતાં, જેમાં સુરતના ડુમસ નજીક ભીમપોરના યુવાનનો પણ સમાવેશ થાય છે.
ભીમપોરના મોટા મોહલ્લાના વતની 35 વર્ષીય સની પટેલનો બે દિવસથી કોઈ સંપર્ક થઈ રહ્યો ન હતો, જેના કારણે તેમનો પરિવાર ભારે ચિંતામાં હતો. હવે સની પટેલના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ થઈ છે.
ગામના રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે સનીની સાથે જ કતારમાં કામ કરતા તેના મોટા ભાઈ રવિએ સનીનું મૃત્યુ થયું હોવાનું જણાવ્યું છે. સુરતના કલેક્ટર તેજસ પરમારે પણ આ વાતની પુષ્ટિ કરી છે.
સની પટેલનો પરિવાર બે દિવસ કરતા વધુ સમયથી સની વિશે જાણકારી મેળવવા પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ હવે જે જાણકારી મળી તે તેમના માટે આઘાતજનક છે.
સનીના પરિવારજનો હાલમાં વાત કરી શકવાની સ્થિતિમાં નથી, પરંતુ તેમના નિકટનાં સ્વજનો અને પડોશીઓનું કહેવું છે કે હવે તેઓ સનીનો મૃતદેહ ભારત લાવી શકાય અને તેની અંતિમવિધિ કરી શકાય તે માટે પ્રયાસ કરી રહ્યાં છે. તેમને આશા છે કે આ માટે વિદેશ મંત્રાલયની મદદ મળી રહેશે.
નવ મહિના અગાઉ જ સુરતથી કતાર ગયા હતા સની પટેલ

ઇમેજ સ્રોત, Rupesh Sonwane
સની પટેલના એક સ્વજન બન્ટી પટેલે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે સનીને ચાર વર્ષીય પુત્ર છે અને તે નવ મહિના અગાઉ જ કામની શોધમાં કતાર ગયા હતા જ્યાં તેમના ભાઈ રવિ પહેલેથી કામ કરે છે.
કતારમાં વિશ્વના સૌથી મોટા એલએનજી પ્રોસેસિંગ પ્લાન્ટ પૈકી રાસ લફાન એલએનજી કૉમ્પ્લેક્સમાં તેઓ કામ કરતા હતા જ્યાં 21 જૂને વિસ્ફોટ થયો હતો.
કતાર સરકારના જણાવ્યા પ્રમાણે ટેકનિકલ ક્ષતિના કારણે આ વિસ્ફોટ થયો હતો, જેમાં કેટલાય ડઝન લોકોને ઈજા થઈ છે જેમાં ભારતીયો ઉપરાંત પાકિસ્તાન અને બાંગ્લાદેશના નાગરિકો પણ સામેલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Rupesh Sonwane
ખાલિજ ટાઇમ્સના અહેવાલ પ્રમાણે 12 ભારતીયો ઉપરાંત એક પાકિસ્તાની નાગરિકનું આ વિસ્ફોટમાં મૃત્યુ થયું છે.
સનીના એક સ્વજન અને પડોશી બન્ટી પટેલના જણાવ્યા પ્રમાણે મૃતક યુવાન મિકેનિકલ કામ કરતા હતા અને તેઓ નાઇટશિફ્ટમાં હતા તે દરમિયાન પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હતો. છેલ્લે તેમણે સુરતસ્થિત પત્ની પિંકલ સાથે ફોન પર વાત કરી હતી.
સુરતના સની પટેલનો મૃતદેહ પરત લાવવા માટે પ્રયાસો

ઇમેજ સ્રોત, Rupesh Sonwane
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સનીના પિતા અને મોટાભાઈના નિધન પછી રવિ અને સની કમાવા માટે કતાર ગયા હતા.
સોશિયલ મીડિયા પર કતાર બ્લાસ્ટના સમાચાર આવ્યા ત્યારથી તેમનો પરિવાર ખૂબ ચિંતિત હતો અને સનીની ખબર મેળવવા માટે પ્રયાસ કરી રહ્યો હતો.
આ દરમિયાન સ્થાનિક પોલીસ અધિકારીઓએ સનીના ઘરની મુલાકાત લીધી હતી અને જરૂરી મદદ કરવાનું જણાવ્યું હતું.
સનીના પરિવારજનોને હવે આશા છે કે તેમનો મૃતદેહ સુરત લાવવામાં આવશે. જોકે, તેમણે કહ્યું કે અમને મળેલી માહિતી મુજબ બધા મૃતદેહો બહુ ખરાબ રીતે બળી ગયા છે તેથી આ કામ કેવી રીતે થશે તેની ચિંતા છે.
હાલમાં તેમના ઘરમાં માત્ર સનીનાં વૃદ્ધ માતા, મોટાભાઈ રવિનાં પત્ની અને સનીનાં પત્ની પિંકલ જ રહે છે.
સુરતના કલેક્ટર તેજસ પરમારે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે, "ભારતીય દૂતાવાસમાંથી આવેલી માહિતી પ્રમાણે યુવકના મૃત્યુની પુષ્ટિ થઈ છે."
"અમે તેમનાં (સનીના) સ્વજનોને આ વિશે જાણ કરી છે. હવે આગળની પ્રક્રિયામાં જે સંકલન કરવાનું હશે તે કરવામાં આવશે."
તેમણે એમ પણ કહ્યું કે "યુવાનના મૃતદેહને ભારત પરત લાવવામાં આવશે કે નહીં તેની માહિતી નથી મળી, કારણ કે આ આગની ઘટના હતી. ભારતીય દૂતાવાસ અને રેસિડન્ટ કમિશનરની કચેરી આ માટે સંકલન કરી રહી છે."
ગુજરાતમાંથી રોજગારની શોધમાં વિદેશ જતા યુવાનોને કેવી મુશ્કેલીઓ થાય છે

ઇમેજ સ્રોત, Rupesh Sonwane
ભારતથી હજારો કિલોમીટર દૂર વિદેશમાં યુવાનનું મૃત્યુ થવાથી લગભગ 30 હજારની વસતી ધરાવતા ભીમપોરમાં શોકનો માહોલ છે.
ડુમસ બીચ નજીક આવેલા આ ગામના સેંકડો યુવાનો રોજગારની શોધમાં પરદેશમાં કમાણી માટે ગયા છે.
હિરેન પટેલ નામની એક વ્યક્તિએ બીબીસી સાથે વાત કરતા કહ્યું કે તેઓ પોતે 25 વર્ષથી અબુધાબીમાં ઑઇલ અને ગૅસ સેક્ટરમાં કામ કરે છે અને હાલમાં થોડા દિવસોની રજા પર આવ્યા છે.
તેમણે કહ્યું કે "આઈટીઆઈ અથવા ડિપ્લોમા કે ડિગ્રી ઍન્જિનિયરિંગ કરીને ગામના મોટા ભાગના યુવાનો મધ્ય-પૂર્વના દેશમાં રોજગારી માટે જાય છે કારણ કે અહીં તેમને બહુ મામૂલી પગાર મળે છે જ્યારે વિદેશમાં બેથી ત્રણ ગણો પગાર મળી શકે છે."
જોકે, મધ્ય-પૂર્વના દેશોમાં ઑઇલ અને ગૅસ સેક્ટરમાં કામ કરવું સરળ નથી.
હિરેન પટેલે જણાવ્યું કે "ઘરથી દૂર રહેવાના કારણે હંમેશાં ચિંતા રહે છે, આ ઉપરાંત વિદેશમાં તેમણે બહુ બંધનો વચ્ચે કામ કરવું પડે છે."
તેમણે પોતાનો મોબાઇલ ફોન દેખાડ્યો જેમાં કૅમેરા પણ ન હતો અને કહ્યું કે અમને ફોનમાં જીપીએસ રાખવાની પણ મંજૂરી નથી હોતી.
તેઓ કહે છે કે ભણેલા યુવાનોને પણ અહીં 10-12 હજાર રૂપિયાની નોકરી મળે છે. બહુ અનુભવ હોય તો 25 હજાર રૂપિયા સુધી મળી શકે જ્યારે અખાતના દેશોમાં તેનાથી બમણા અથવા વધુ રૂપિયાનો પગાર મળતો હોવાથી યુવાનો વિદેશ જવા પ્રેરાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





















