ડેટિંગ ઍપ્સ યુવાનો માટે સાથી શોધવાની તક છે કે નવી મુશ્કેલીઓની શરૂઆત?

ડેટિંગ ઍપ્સ, બીબીસી ગુજરાતી, યુવાનો, ડેટિંગ, dating, dating apps, youth

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, થોમસ જર્મેન
    • પદ, બીબીસી ફ્યુચર
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 8 મિનિટ

ડાઉનલોડ, બર્નઆઉટ, ડિલીટ, રિપીટ. વિજ્ઞાન કહે છે કે ડેટિંગ ઍપના વપરાશકર્તાઓ એક અનુમાનિત અને ખતરનાક પેટર્નને અનુસરે છે. આ, તમે તેની જાળમાં કેવી રીતે ફસાઈ રહ્યા છો તેના સંકેત છે. તેનાથી બચવું કઈ રીતે?

ફર્નાન્ડા આરએ બે વર્ષ પહેલાં ડેટિંગ ઍપ્સ ડિલીટ કરી નાખી હતી અને સોગંદ લીધા હતા કે તેઓ હવે તેનો ઉપયોગ ક્યારેય નહીં કરે.

પછી તેમના દોસ્તોએ ઑનલાઇન મળેલા પાર્ટનર્સ સાથે સંબંધ બાંધવાનું શરૂ કર્યું અને બધા એકસમાન કહાણી સંભળાવવા લાગ્યા.

તેથી, 29 વર્ષનાં ઇન્ટરનૅશનલ અફેર્સ ઍડવાઇઝર ફર્નાન્ડાએ ફરી પ્રયાસનો નિર્ણય કર્યો અને કેટલીક ડેટિંગ ઍપ્સ ફરી ડાઉનલોડ કરી.

ફર્નાન્ડા કહે છે, "મને એમ હતું કે આ વખતે કશુંક અલગ હશે." પરંતુ તેઓ ખોટાં સાબિત થયાં.

તેઓ ટૂંક સમયમાં એકસાથે અનેક લોકો સાથે વાતચીત કરવા લાગ્યાં.

વારંવાર પોતાનો ફોન ચેક કરવા લાગ્યાં અને રમૂજી તથા રસપ્રદ બની રહેવા માટે સતત દબાણ હેઠળ રહેવાં લાગ્યાં.

ફર્નાન્ડા કહે છે, "આ બહુ વધારે પડતું લાગે છે. એક પ્રકારનું વણદેખ્યું દબાણ હોય છે. તેની અસર તમારી અસલી દોસ્તી અને કામ પર પણ થાય છે."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઍપની એલ્ગોરિધમે તેમની મુલાકાત અનેક લોકો સાથે કરાવી, પરંતુ કોઈની સાથે જામ્યું નહીં. ફર્નાન્ડા વિચારતાં રહ્યાં કે તેનો શો અર્થ છે.

બે વર્ષ સુધી સિંગલ રહેવા દરમિયાન તેમણે જેટલી એકલતા અનુભવી ન હતી એટલી તેઓ હવે અનુભવી રહ્યાં છે.

ફર્નાન્ડાની કહાણી મેં હજારો વખત સાંભળી છે અને તેને એક નામ આપવામાં આવ્યું છેઃ ડેટિંગ ઍપ બર્નઆઉટ.

સંશોધનમાં જાણવા મળ્યું છે કે આવી ઍપ્સ તેના વપરાશકર્તાઓમાં એક ઓળખી શકાય એવી પેટર્ન પેદા કરી શકે છે, જે ડેટિંગ જેવી ઓછી અને અનિયંત્રિત તણાવપૂર્ણ નોકરીની અસર જેવી લાગે છે.

તે થાક, નિરાશાવાદ તથા તમે જે કરી રહ્યા છો તેનાથી કોઈ લાભ થતો નથી અને સમસ્યા તમારામાં જ છે, તેવી ધીમે ધીમે થતી લાગણી હોય છે.

આવી હાલતમાં તેને છોડી દેવામાં આવે તો પરિસ્થિતિ વધારે વણસે છે.

અભ્યાસોમાં ડેટિંગ ઍપ્સને ડિપ્રેશન, એંગ્ઝાયટી અને એકલતાના મોટાભાગના કિસ્સા સાથે સાંકળવામાં આવ્યા છે. તેની સૌથી ખરાબ અસર, પહેલેથી જ આવી સમસ્યાઓ સામે ઝઝૂમી રહેલા લોકો પર થાય છે.

અમેરિકાની એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીમાં રિલેશનશિપ્સ ઍન્ડ ટેકનૉલૉજી લેબનાં ડિરેક્ટર લીઝેલ શરાબી કહે છે, "આ ઍપ્સના હેતુ અને યૂઝર્સના હેતુમાં મૂળભૂત રીતે કોઈ મેળ ન હોય તેવું લાગે છે."

લોકોને સારી ભલામણ મળે અને તેઓ શાનદાર ડેટ્સ પર જતા હોય તો તેઓ કાયમ માટે આવી ઍપ્સ છોડી દે છે, "પરંતુ આવું થતું નથી. લોકો આવી ઍપ્સ પર સતત આવતા-જતા રહે છે."

ઉનાળામાં પ્રેમની શોધમાં તમે ફરીથી ઑનલાઇન થયા હો તો શક્ય છે કે તમે આ ચક્રમાં હજુ સુધી ફસાયેલા છો.

સારી વાત એ છે કે તમે એકવાર તેને બરાબર ઓળખી લો તો ખુદને બચાવવા માટે નક્કર પગલાં લઈ શકો છો.

તમે પારાવાર થાક અને નિરાશા (બર્નઆઉટ)ના ચક્રમાં ફસાયેલા છો?

ડેટિંગ ઍપ્સ, બીબીસી ગુજરાતી, યુવાનો, ડેટિંગ, dating, dating apps, youth

ઇમેજ સ્રોત, Serenity Strull/ BBC/ Getty Images

2024ના એક અભ્યાસમાં ડેટિંગ ઍપ્સના સેંકડો યુઝર્સ પર ત્રણ મહિના સુધી નજર રાખવામાં આવી હતી.

લીઝેલ શરાબી કહે છે, "સમય જતાં અમને જાણવા મળ્યું હતું કે ડેટિંગ ઍપ્સનો ઉપયોગ કરતા તમામ લોકો કોઈને કોઈ પ્રકારના બર્નઆઉટનો અનુભવ કરતા હતા."

આ વાત સમજાય તેવી છે. તમે ઍપમાં અટકેલા છો તો તેનો અર્થ એ છે કે તમે જેને શોધી રહ્યા છો એ તમને મળ્યું નથી, પરંતુ આ અનુભવ નિરાશાથી ઘણો વધારે ગંભીર હતો.

બર્નઆઉટ શબ્દનો ઉપયોગ એટલી બધી વખત કરવામાં આવે છે કે આ શબ્દ તેનો અસલી અર્થ ગુમાવી રહ્યો છે, પરંતુ તેની એક ઔપચારિક, મનોવૈજ્ઞાનિક પરિભાષા પણ છે.

બર્નઆઉટને ક્લાસિક ઇન્વેન્ટ્રી ત્રણ કૅટેગરીમાં માપે છેઃ ભાવનાત્મક થાક, નિરાશાવાદ (કે બીજાથી અલગ હોવાની અનુભૂતિ) અને અક્ષમતા.

જાણકારોએ આ સ્થિતિનો ઉલ્લેખ સૌથી પહેલાં વધારે પડતા દબાણવાળા કામના માહોલ સાથે કર્યો હતો, પરંતુ સંશોધનમાં જાણવા મળ્યું છે કે આવું તો જિંદગીના અન્ય હિસ્સાઓમાં પણ થઈ શકે છે. લીઝેલ શરાબીના જણાવ્યા મુજબ, ઑનલાઇન ડેટિંગ કરતા લોકોમાં પણ આવું જોવા મળે છે.

ભાવનાત્મક થાકને સમજવો આસાન છે. સ્વાઇપ કર્યા પછી પણ તમે નિસહાય, પરાજિત અને થાકેલા હોવાનો અનુભવ કરતા હો તો તે બર્નઆઉટનો સંકેત હોઈ શકે છે.

લીઝેલ શરાબીનું કહેવું છે કે પ્રોફાઇલ એક જેવી લાગે અને વાતચીતમાં માનવીય અનુભૂતિ ખતમ થઈ જાય તો તમે નિરાશા અને અલગાવ અનુભવવા લાગો છો.

ડેટિંગ ઍપ્સ, બીબીસી ગુજરાતી, યુવાનો, ડેટિંગ, dating, dating apps, youth

ઇમેજ સ્રોત, Getty Images

લીઝેલ શરાબીનું કહેવું છે કે આ સંદર્ભમાં અક્ષમતાનો અર્થ, ઍપ પર તમે જે કંઈ કરી રહ્યા છો તેનાથી કોઈ લાભ થવાનો નથી અથવા તો તમારામાં કોઈ ખામી છે, એવો થાય છે.

એક ટેકનૉલૉજી કંપનીમાં માર્કેટિંગનું કામ કરતાં મેડેલિન ડી કહે છે, "આખરે આપણા બધા જ માણસ છીએ."

"તેથી હું બધાની સાથે આદરપૂર્ણ વર્તન કરીશ, એવું વિચારીને મેં ઍપ પર શરૂઆત કરી હતી, પરંતુ તેના પ્રત્યે, મેં ઍપ પર જેટલો સમય વિતાવ્યો એટલી વધારે બેદરકાર થતી ગઈ."

"મને લોકોની કોઈ પરવા ન હતી. મને મારી આ વાત જરાય ગમી ન હતી, કારણ કે હું ઓછામાં ઓછી શાલીનતા અને આદર તો દેખાડીશ જ એવું વચન મારી જાતને આપ્યું હતું."

આ બાબતને 20-30 વર્ષના સિંગલ લોકોની સર્વસામાન્ય ફરિયાદ માનીને તેને અવગણવાનું આસાન છે.

ડેટિંગ મુશ્કેલ છે અને બીજું બધું પણ ખાસ કંઈ સારું હોતું નથી, પરંતુ સંશોધન કંઈક વધારે ગંભીર બાબત તરફ ઇશારો કરે છે.

લીઝેલ શરાબીએ તાજેતરમાં એક મેટા-એનાલિસિસ કર્યું હતું. તેમાં લગભગ 26,000 લોકોને આવરી લેતા 17 વર્ષ સુધી ચાલેલા અભ્યાસોને સામેલ કરવામાં આવ્યા હતા.

અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ડેટિંગ ઍપ્સનો ઉપયોગ કરતા લોકોનું માનસિક સ્વાસ્થ્ય, ડેટિંગ ઍપ્સનો ઉપયોગ ન કરતા લોકોની સરખામણીએ ઘણું ખરાબ હતું.

તેમાં ડિપ્રેશન, એંગ્ઝાયટી, ભાવનાત્મક અલગાવ, એકલાપણું અને માનસિક પરેશાની જેવી સમસ્યાઓનો સમાવેશ થતો હતો.

પહેલાંથી જ ખરાબ માનસિક સ્થિતિમાં હોય અને ડેટિંગ ઍપ્સનો ઉપયોગ શરૂ કરે તેવા લોકોમાં આ સમસ્યાઓની ગાઢ અસર થતી હોય છે.

લીઝેલ શરાબીના જણાવ્યા મુજબ, જેમને ડેટિંગ સૌથી મુશ્કેલ લાગતું હોય એટલે કે માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓને પાર્ટનરને સામસામે મળવું મુશ્કેલ હોય તેમના માટે આ ઍપ્સ એક સહારો છે, પરંતુ આવા યુઝર્સ બર્નઆઉટનો શિકાર બને તેવી શક્યતા સૌથી ઝડપી અને વધારે હોય છે.

તેઓ કહે છે, "આવા લોકો વધારે સંવેદનશીલ હોય છે. વાસ્તવમાં ડેટિંગ ઍપ્સે તેમની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે."

દોષારોપણનો ખેલ

પોતાના યુઝર્સ બર્નઆઉટનો શિકાર થાય એવું ડેટિંગ ઍપ ઉદ્યોગ ઇચ્છતો નથી.

એક ડેટિંગ ઍપ હિંજ (Hinge)ના એક પ્રવક્તાએ બીબીસીને કહ્યું હતું, "સમાજ અને ડેટિંગ કરતા લોકોની બદલાતી જરૂરિયાતો સાથે અમે લોકોના સાર્થક સંબંધ બાંધવા અને સંબંધને શાનદાર ડેટ્સમાં પરિવર્તિત કરવામાં મદદરૂપ થવા માટે પ્રતિબદ્ધ છીએ."

હિંજનું કહેવું છે કે ઍપને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તમારી જિંદગી બૅકગ્રાઉન્ડમાં રહે. કંપની ડેટિંગ કરતા લોકોના ફીડબૅકનો ઉપયોગ કરીને અનુભવને બહેતર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

લીઝેલ શરાબી કહે છે, "ડેટિંગ કાયમ થોડું ખરાબ જ રહ્યું છે અને મને લાગે છે કે ટેકનૉલૉજીને દોષ દેવાનું બહુ આસાન છે."

સાથે તેઓ એવું પણ માને છે કે ડેટિંગ ઍપ્સ કેટલીક ખાસ રીતે મુશ્કેલીમાં વધારો કરે છે.

એક કારણ છે 'ગેમિફિકેશન'. ડેટિંગ ઍપ્સ ઝડપી, આસાન હાવભાવ અને અસંગત વળતરના આધારે બનાવવામાં આવતા હોય છે.

ઘણા લોકો ફરિયાદ કરે છે કે ઍપ્સનું માળખું પ્રેમસંબંધ કરતાં સ્લૉટ મશીન જેવું વધારે છે અને મજા આવતી બંધ થઈ જાય પછી પણ યુઝર્સ લાંબા સમય સુધી તેમાં અટવાયેલા રહે છે.

લૉસ એન્જિલસમાં ઑફિસ ઍડમિનિસ્ટ્રેટર તરીકે કાર્યરત કરેન કોર્નેજો કહે છે, "સ્વાઈપ કરવામાં આનંદ મળે છે, પણ બીજા કશામાં એવું થતું નથી."

પોતાના જેવી કોઈ વ્યક્તિ મળવાની ઇચ્છા વ્યક્ત કરે ત્યારે રસ પડતો નથી.

કોર્નેજો કહે છે, "હવે મને તેમાં રસ પણ નથી." આ પ્રક્રિયા તેમને નિરુપયોગી જણાય છે.

બ્રુકલિન સ્થિત લેખક અને હાસ્ય કલાકાર ડલ્લાસ કોએલિંગ વર્ષોથી બે-ત્રણ ઍપ પર જતા-આવતા રહ્યા છે.

તેઓ સ્પષ્ટપણે કહે છે, "હિંજ પર મને લાઇક મળ્યાનું નોટિફિકેશન બંદુકથી ધમકી આપવા જેવું લાગે છે."

તેમાં છૂપો શ્રમ પણ છે.

કોએલિંગ કહે છે, "હિંજ પર દિવસ દરમિયાન સ્વાઇપ કરતા જેટલા લોકો જોવા મળે છે એટલા લોકો, તમે શેક્સપિયરના ઇંગ્લૅન્ડમાં રહેતા હો તો, તમને ક્યારેય જોવા નહીં મળે."

ડેટિંગ ઍપ્લિકેશન્સ સંભવિત પાટનર્સના સમૂહને વ્યાપક પ્રમાણમાં વિસ્તારે છે.

હકીકતમાં એ બાબત જ તેમને મહત્ત્વના બનાવે છે, પરંતુ વિપુલતા ડેટિંગને કામનું સ્વરૂપ આપી શકે છે.

મેડેલીન કહે છે, "તે બીજી ફૂલટાઇમ નોકરી જેવું લાગે છે, જે મારે મારા લંચ બ્રેક અથવા ઑફિસનું કામ પૂર્ણ થાય પછી કરવી પડે છે."

"હું મારા ફોન પર ચોંટી રહેવા ઇચ્છતી નથી અને સોશિયલ મીડિયાને તો ક્યારનું બાજુ પર મૂકી દીધું છે, પરંતુ ડેટિંગમાં એવી લાગણી થાય છે કે તમે આગલી જે વ્યક્તિ પર સ્વાઇપ કરશો તે એ વ્યક્તિ હોઈ શકે છે, જેની સાથે તમે લગ્ન કરશો."

"ડેટિંગ ઍપ્સ તમારો શિકાર કરતી હોય એવી લાગણી સતત થયા કરે છે."

ચહેરાઓનો અતાગ સમુદ્ર પણ બર્નઆઉટની લાગણીમાં ફાળો આપે છે, કારણ કે પ્રોફાઇલ તમને ઘણું જણાવી શકતી હોય છે, એમ જણાવતાં લીઝેલ શરાબી કહે છે, "તમે પ્રોફાઇલસના છેક અંત સુધીના અનંત ચક્રમાં ફસાઈ જાઓ છો અને પછી જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં પાછા આવી જાઓ છો."

આ બધા ઉપરાંત માળખાકીય તણાવને અવગણવો મુશ્કેલ છે.

ડેટિંગ ઍપ્લિકેશન્સ ખરેખર ઇચ્છે છે કે યુઝર્સ તેમના જેવા જ લોકોને શોધે.

આવું થાય તો બધા તેનો ઉપયોગ બંધ કરી દે, પરંતુ આ એક ધંધો પણ છે, જે સબ્સ્ક્રિપ્શન્સ અને પેઇડ સુવિધાઓ દ્વારા લગભગ તમામ કમાણી કરે છે. તેનો અર્થ એ થાય કે લોકો ઍપ્સનો ઉપયોગ કરવાનું છોડી દે તો તેમની કમાણી બંધ થઈ જાય.

ડેટિંગ ઍપ યુઝર્સ મને વર્ષોથી કહેતા રહ્યા છે કે તેમની સાથે હાથચાલાકી કરવામાં આવે છે અને ડેટિંગ ઍપ્સ શ્રેષ્ઠ યુગલોને એક થતા રોકે છે.

તેમની લાગણીઓનો ઉપયોગ કરીને તેમને ટેપ તથા સ્વાઇપ કરતા રાખે છે. (ડેટિંગ ઍપ કંપનીઓ આ વાતનો સ્પષ્ટપણે ઇનકાર કરે છે, પરંતુ ઍપની અલ્ગોરિધમ્સ એક રહસ્ય છે.)

2024ના એક ક્લાસ-ઍક્શન કેસમાં મૅચ ગ્રૂપ (ટિન્ડર, હિંજ અને અન્ય ઘણી લોકપ્રિય ડેટિંગ ઍપ્સની માલિકી ધરાવતા વિશાળ જૂથ) પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે કંપની તેની ઍપ્સને વ્યસનકારક બનાવે છે અને લોકોને પાર્ટનર શોધવામાં મદદ કરવાને બદલે ફરજિયાત ઉપયોગ વડે નફો કમાય છે.

મૅચ ગ્રૂપે આવા દાવાઓને "હાસ્યાસ્પદ" ગણાવીને ફગાવી દીધા હતા. બાદમાં આ કેસ આર્બિટ્રેશનમાં મોકલવામાં આવ્યો હતો. (મૅચ ગ્રૂપે ટિપ્પણી માટેની વિનંતીનો પ્રતિસાદ આપ્યો ન હતો)

હિંજના પ્રવક્તાએ કહ્યું હતું કે "અમારું મોટાભાગનું કામ હિંજ પર વિનામૂલ્ય અનુભવ સુધારવા પર કેન્દ્રિત છે. અમારી કૉમ્યુનિટીના 15 ટકાથી ઓછા લોકો પેઇડ સુવિધાઓનો ઉપયોગ કરે છે."

"આખરે તો અમારી સફળતાનો આધાર અમારી ઍપ પર સકારાત્મક અનુભવ મેળવતા લોકો, કોઈ અર્થપૂર્ણ વ્યક્તિ સાથેની મુલાકાત અને તેમના દ્વારા અન્યોને હિંજ વાપરવાની ભલામણ પર છે."

બર્નઆઉટના ચક્રને તોડવાની ચાર રીત

વપરાશકર્તાઓ સતત સ્વાઇપ કરતા રહે એ રીતે ઍપ ડિઝાઇન કરવામાં આવે છે અને અચાનક અનચેક કરવામાં આવે છે ત્યારે લોકો સ્વાઇપ અપ કરીને થાકી જાય છે, પરંતુ લીઝેલ શરાબીના કહેવા મુજબ, બર્નઆઉટ ટાળવા અને તમારા માનસિક સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે તમે કેટલાક સરળ પગલાંને અનુસરી શકો છો.

1. સૌપ્રથમ તો ઍપ્સને જ તમારો એકમાત્ર માર્ગ ન બનાવો.

લીઝેલ શરાબી કહે છે, "ડેટિંગ ઍપ્સનો ઉપયોગ નહીં કરવાનું હું લોકોને ક્યારેય કહેતી નથી, પરંતુ લોકોને મળવાનો તે એકમાત્ર માર્ગ ન હોવા જોઈએ." રન ક્લબમાં જોડાઓ.

તમારો જોડીદાર શોધી આપવા કોઈ મિત્રને કહો અને જૂના જમાનાની રીતથી કોઈને મળી શકાય એવી ગોઠવણ કરો.

આ રીતે, ઍપ પર થયેલી કોઈ નિરાશાજનક વાતચીત તમારા સપ્તાહનો એકમાત્ર મહત્ત્વનો હિસ્સો નહીં બની રહે.

2. હેતુપૂર્વક સ્વાઇપ કરો.

આડેધડ સ્વાઇપ કરવાથી કલાકો બરબાદ થાય છે અને તમને કશું મળતું નથી. કેટલાક હવે સોશિયલ મીડિયા પ્રત્યે જેવો અભિગમ રાખે છે તેવો જ અભિગમ ડેટિંગ ઍપ્સ પ્રત્યે રાખવાની ભલામણ કરતાં લીઝેલ શરાબી કહે છે, "નક્કી કરો કે હું અઠવાડિયામાં આટલા સમય માટે, આટલી વખત જ ઍપ જોઈશ."

તમારા મૂડ પર ધ્યાન આપો અને થાક લાગવાનું શરૂ થાય તે પહેલાં અટકી જાઓ, જેથી દરેક સેશનને અંતે ખાલી થઈ જવાને બદલે ઉત્સાહિત રહો.

3. તમારા દોસ્તો પર આધાર રાખો.

બર્નઆઉટ એકલતામાં પાંગરે છે અને તેનું સર્જન કરતું મોટાભાગનું સ્વાઇપિંગ પણ એકલતામાં જ થાય છે.

બર્નઆઉટનો અભ્યાસ કરતા સંશોધકો લાંબા સમય પહેલાં શોધી કાઢ્યું હતું કે સામાજિક સધિયારો આવા ફટકા સામે રક્ષણ આપે છે.

તમારી ક્ષમતામાં ભરોસો ધરાવતા લોકો સાથે તમારા ચડાવ-ઉતારની વાતો મોકળાશથી કરો.

4. ક્યારે છોડવું તે જાણી લો.

ડેટિંગ નિરાશાજનક હોઈ શકે છે, પરંતુ ઍપ્લિકેશન્સ તમારા આશાવાદને નષ્ટ કરતી હોય અને તમને કોઈ ક્યારેય મળશે નહીં એવું ધારીને તમને તમારા ફોનથી દૂર રહેવાની લાગણી થાય તો સમજો કે તે સંપૂર્ણપણે દૂર થવાનો સંકેત છે.

લીઝેલ શરાબી કહે છે, "આ બધી બાબતો, તમારે સંપૂર્ણ વિરામ લેવો જોઈએ, એ બાબતનો સંકેત હોઈ શકે છે."

ડેટિંગ ઍપ્સ આ બધી ચિંતાઓથી વાકેફ હોવાના સંકેતો છે. આ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

પેઇડ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યામાં ઉત્તરોતર ઘટાડો થઈ રહ્યો છે અને યુવા લોકો ઑફલાઇન પ્રેમ શોધવા ઉત્સુક હોવાના કેટલાક સંકેતો પણ મળે છે.

ઍક્ઝિક્યુટિવ્સ જેને "સ્વાઇપ ફટીગ" કહે છે તેનાથી પરેશાન ડેટિંગ ઍપ્સ ખુદને નવેસરથી રજૂ કરવા કામ કરી રહી છે.

બમ્બલે સ્વાઇપને સંપૂર્ણપણે દૂર કર્યું છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત મૅચમેકિંગના નવા પ્રવાહમાં હિંજ અને ટિન્ડર સામેલ થઈ રહ્યા છે.

ટિન્ડરના સીઈઓએ, ઍપ્લિકેશનને નવો આકાર આપવાના પ્રયાસમાં વ્યક્તિગત ઇવેન્ટ્સને સ્વીકારવાની યોજનાની જાહેરાત કરી છે.

હિંજના પ્રવક્તાએ કહ્યું હતું કે "ઓછી એકલતાવાળી દુનિયા" સર્જવી એ તેમની કંપનીનું મુખ્ય મિશન છે અને કંપની ઑનલાઇન તથા ઑફલાઇન સપોર્ટિવ કૉમ્યુનલ સ્પેસીસ બનાવવાની દિશામાં કામ કરી રહી છે.

તેમાંથી કશું ખરેખર થાય છે કે કેમ અથવા આ લોકોને સતત ટેપ કરતા રાખવાની એક નવી રીત છે કે કેમ તે જોવાનું બાકી રહે છે.

હાલમાં આ ચક્રમાં ફસાયેલા લોકોએ ખુદને જાતે જ સંભાળવાના રહેશે.

મેડેલીન હાલમાં ઍપ્લિકેશન્શથી દૂર રહે છે.

એ લાંબુ ટકશે, એવી તેમને આશા નથી. ઘણા બધા સંબંધ ઑનલાઇન શરૂ થતા હોય એવી દુનિયાથી દૂર રહેવું તે રોમાન્સના સંપૂર્ણ ત્યાગ જેવું લાગે છે.

મેડેલીન કહે છે, "મને લાગે છે કે આ એક વિરામથી વધારે કશું નથી, પરંતુ લોકો ગંભીરતાથી ડેટિંગ કરતા હોય એવા સમયે તેનાથી દૂર થઈ જાઓ ત્યારે ડેટિંગ મજાનું બની શકે છે."

"હું ઇચ્છું છું કે આ કરવાની કોઈ બહેતર રીત આપણી પાસે હોય."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન