એમકે સ્ટાલિન : નાટક ભજવીને મત મેળવ્યા, મુખ્ય મંત્રી બન્યા અને આખરે હાર્યા

    • લેેખક, મુરલીધર કાશીવિશ્વનાથન
    • પદ, બીબીસી તામિલ
  • વાંચવાનો સમય: 8 મિનિટ

તામિલનાડુના મુખ્ય મંત્રી એમકે સ્ટાલિન વિધાનસભા ચૂંટણીમાં પોતાની બેઠક હારી ગયા છે.

તામિલનાડુનાં આજે આવેલાં ચૂંટણી પરિણામોમાં સૌને ચોંકાવનારી પાર્ટી ટીવીકેના ઉમેદવાર વીએસ બાબુએ તેમને હરાવી દીધા છે.

ચૂંટણીપંચની વેબસાઇટ અનુસાર, કોલાથુર બેઠક પરથી એમ.કે.સ્ટાલિનને કુલ 74202 મત મળ્યા હતા તથા વીએસ બાબુને 82997 મત મળ્યા હતા. આમ, સ્ટાલિનની 8795 મતે હાર થઈ છે.

એમકે સ્ટાલિન 2021માં મુખ્ય મંત્રી બન્યા હતા. તેમની પાર્ટી ડીએમકે પણ સત્તા ગુમાવતી જણાઈ રહી છે.

દ્વવિડ મુન્નેત્ર કળગમ (ડીએમકે)ના નેતા અને તામિલનાડુના મુખ્ય મંત્રી એમકે સ્ટાલિન છેલ્લાં કેટલાક વર્ષોથી પ્રાદેશિક પક્ષના નેતાની ઓળખથી આગળ વધીને સમગ્ર દેશમાં નોંધપાત્ર નેતા બની રહ્યા હતા.

તામિલનાડુ વિધાનસભાની 2016ની ચૂંટણીમાં ડીએમકે બહુ ઓછા મતે જીત મેળવવામાં નિષ્ફળ રહ્યો હતો. તેના થોડા મહિના પછી પક્ષના નેતા એમ કરુણાનિધિએ ખરાબ સ્વાસ્થ્યને લીધે રાજ્યના રાજકારણથી અળગા થઈ ગયા ત્યારે પક્ષની જવાબદારી તેમના પુત્ર એમકે સ્ટાલિનના ખભા પર આવી હતી. પક્ષના કાર્યકારી પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી એમકે સ્ટાલિને 2019ની સંસદીય ચૂંટણીને ધ્યાનમાં રાખીને કામકાજ શરૂ કર્યું હતું.

2016થી 2019 વચ્ચેનાં ત્રણ વર્ષના સમયગાળામાં તેમણે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. એ પૈકીની ઘણી ટીકા વ્યક્તિગત સ્વરૂપની હતી.

ભારતીય નેતાઓને હુલામણા નામ આપવાના અને તેમને ઉપહાસને પાત્ર બનાવવાના સમગ્ર દેશમાંના ટ્રેન્ડમાંથી એમકે સ્ટાલિન પણ બચી શક્યા ન હતા.

જોકે, 2019ની ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે રાજકીય ક્ષેત્રે તેમના વિશેની ધારણા બદલાવા લાગી હતી. એ પછી તરત જ સ્ટાલિને 2021ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આગળની સફર શરૂ કરી હતી.

એમકે સ્ટાલિન મુખ્ય મંત્રી બન્યા તેને હવે પાંચ વર્ષ પૂર્ણ થવામાં છે. તેઓ હાલ ઇન્ડિયા ઍલાયન્સના મહત્ત્વપૂર્ણ નેતાઓ પૈકીના એક તરીકે પણ સામે આવ્યા હતા.

દ્રવિડ ચળવળના વરિષ્ઠ નેતાઓ પૈકીના એક એમ કરુણાનિધિના પુત્ર હોવા છતાં, એમકે સ્ટાલિનને આ પદ સુધી પહોંચવામાં લગભગ અડધી સદી લાગી હતી.

એમ કરુણાનિધિ અને તેમનાં બીજાં પત્ની દયાલુ અમ્માને ત્યાં 1953ની પહેલી માર્ચે એમકે સ્ટાલિનનો જન્મ થયો હતો. એમકે મુથુ અને એમકે અલાગીરિ પછી તેઓ એમ કરુણાનિધિના ત્રીજા સંતાન છે.

એમકે સ્ટાલિન: નાટક ભજવ્યું અને મત મેળવ્યા

સ્ટાલિન પરિસ્થિતિને સમજતા થયા ત્યારે તેમના પિતા પહેલેથી જ વિધાનસભાના સભ્ય હતા.

એમ. કે. સ્ટાલિને 1960ના દાયકાથી રાજકારણમાં રસ લેવાનું શરૂ કર્યું હતું. એ સમયગાળા દરમિયાન ડીએમકે દ્વારા પોંગલ તહેવાર અને અણ્ણાના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે, 1960ના દાયકાના અંતમાં ગોપાલપુરમમાં સ્થાનિક યુવાનોને એકત્ર કરીને સ્ટાલિને યુથ ડીએમકે નામના સંગઠનની રચના કરી હતી. આ સંગઠન નેતાઓના જન્મદિવસની ઉજવણી પર કેન્દ્રિત હતું.

આ સંગઠન દ્વારા યોજવામાં આવેલી બેઠકોમાં એમ. કરુણાનિધિ, એમ. જી. રામચંદ્રન, નંજિલ મનોહરન, પી. યુ. શણ્મુગમ અને અન્ય લોકો ભાગ લેતા હતા તથા પ્રવચન કરતા હતા.

પાછળથી આ સંગઠન ડીએમકેની યુવા પાંખ તરીકે વિકસિત થયું. એ પછી ચેન્નાઈના થાઉઝન્ડ લાઇટ્સ મતવિસ્તારના 75મા વૉર્ડના પ્રતિનિધિ તરીકે એમ. કે. સ્ટાલિનને પક્ષમાં પ્રથમવાર સ્થાન મળ્યું હતું.

ચેન્નાઈ મહાપાલિકાની 1968ની ચૂંટણીમાં વૉર્ડ નંબર 99ના ડીએમકેના ઉમેદવાર ટી. કે. કપાલી, વૉર્ડ 109ના ઉમેદવાર સદાગોપન અને વૉર્ડ 57ના ઉમેદવાર જેસુદાસ માટે સ્ટાલિને પ્રચાર કર્યો હતો.

એ પછી તેમણે ડીએમકે માટે વ્યાપકપણે બોલવાનું શરૂ કર્યું હતું. 1971ની સંસદીય ચૂંટણીમાં સ્ટાલિને "મુરાસુ મુઝાંગુ" નામનું નાટક રજૂ કર્યું હતું અને મત મેળવ્યા હતા.

આંતરિક કટોકટી સમયે સ્ટાલિને ભોગવી જેલ

એમ. કે. સ્ટાલિને 1975માં શાંતા સાથે લગ્ન કર્યાં હતાં. શાંતાને દુર્ગાવતી નામે પણ ઓળખવામાં આવે છે. થોડા જ મહિનામાં સમગ્ર દેશમાં કટોકટી જાહેર કરવામાં આવી હતી.

ફેબ્રુઆરી, 1976માં એમ. કે. સ્ટાલિનની તેમના ગોપાલપુરમ સ્થિત નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી.

કટોકટીના સમયગાળા દરમિયાન જેલમાં તેમને ખૂબ માર મારવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ સ્ટાલિને વિવિધ પ્રસંગોએ કર્યો છે.

એક વર્ષના કારાવાસ પછી જાન્યુઆરી, 1977માં સ્ટાલિનને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

એ પછીનો દાયકો ડીએમકે માટે ખૂબ જ પડકારજનક સમય હતો.

એ અનિશ્ચિતતાભર્યા સમયગાળામાં ડીએમકે રાજ્યમાં સતત વિરોધ પક્ષ બની રહ્યો હતો ત્યારે સ્ટાલિને પક્ષમાં પોતાનું સ્થાન બનાવવાનું શરૂ કર્યું હતું.

કટોકટી દરમિયાનના કારાવાસથી તેમને અલગ ઓળખ મળી હતી. 1980ની 20 જૂને ડીએમકેનાં પેટા સંગઠનો પૈકીના એક તરીકે યુવા પાંખ શરૂ કરવામાં આવી ત્યારે સ્ટાલિનની નિમણૂંક ઑર્ગેનાઇઝર તરીકે કરવામાં આવી હતી.

યુવા પાંખની શરૂઆત કરવામાં આવી ત્યારે ડીએમકેનાં પેટા સંગઠનો પૈકીની એક મજૂર પાંખ – એલપીએફ અત્યંત મજબૂત હતી.

જોકે. એલપીએફને બાજુ પર રાખીને યુવા પાંખ ટૂંક સમયમાં એક મજબૂત સંગઠન તરીકે ઊભરી આવી હતી.

યુવા પાંખ દરેક જિલ્લામાં ઑર્ગેનાઇઝર, ડેપ્યુટી ઑર્ગેનાઇઝર, યુનિયન સેક્રેટરી અને પ્રાદેશિક મંત્રી જેવા પક્ષના સમાંતર હોદ્દાઓ સાથે વિકાસ પામવા લાગી હતી.

એમકે સ્ટાલિન: 1984માં પહેલીવાર રાજકારણમાં પદાર્પણ કર્યું

1984ની વિધાનસભા ચૂંટણી દરમિયાન સ્ટાલિન પહેલીવાર ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ્યા હતા.

રાજકીય વિવેચક સોલાઈએ એક લેખમાં ઉલ્લેખ કર્યો હતો કે તેઓ એમ. કરુણાનિધિના પુત્ર હતા, તેથી તેમને આ તક આસાનીથી મળી ન હતી.

સોલાઈએ કહ્યું હતું કે "થાઉઝન્ડ લાઇટ્સ મતવિસ્તારના પક્ષના સભ્યોએ સર્વાનુમતે નિર્ણય કર્યો હતો કે સ્ટાલિન તેમના ઉમેદવાર બનશે. તેમણે થાઉઝન્ડ લાઇટ્સ હુસૈનના નેતૃત્વ હેઠળ કરુણાનિધિને આ બાબતની જાણ કરી હતી, પરંતુ કરુણાનિધિએ કહ્યું હતું કે સ્ટાલિન નહીં, પરંતુ હુસૈન ઉમેદવાર બનશે." બાદમાં તક મળી ત્યારે પણ તેઓ ચૂંટણી જીતી શક્યા ન હતા.

એ સમયગાળા દરમિયાન સ્ટાલિને ઓરે રથથમ, મક્કાઈ આનૈચિતલ જેવી ફિલ્મો અને કુરિજી મલાર તથા સૂર્યા જેવી ટીવી સિરિયલોમાં અભિનય કર્યો હતો.

1989માં સ્ટાલિન થાઉઝન્ડ લાઇટ્સ વિસ્તારમાંથી ચૂંટણી લડ્યા હતા અને વિજેતા બન્યા હતા.

1991ની ચૂંટણીમાં તેઓ એ જ મતવિસ્તારમાંથી હારી ગયા હતા. એ સમયે વાઈકો નામના એક નેતાએ આક્ષેપ કર્યો હતો કે એમ. કરુણાનિધિ પક્ષમાં તેમના રાજકીય વારસદાર તરીકે એમ. કે. સ્ટાલિનને પ્રોજેક્ટ કરી રહ્યા છે. તેને પગલે પક્ષમાં વધુ એકવાર ભાગલા પડ્યા હતા.

1996માં સ્ટાલિન ફરીવાર થાઉઝન્ડ લાઇટ્સ વિસ્તારમાંથી ચૂંટણી જીત્યા હતા અને ચેન્નાઈ કૉર્પોરેશનની મેયરની ચૂંટણી પણ જીત્યા હતા. એ સમયે મેયર તરીકે સ્ટાલિને કરેલા કામથી લોકોનું ધ્યાન તેમના પ્રત્યે ખેંચાયું હતું.

"સિંગારા ચેન્નાઈ" સૂત્રને આગળ ધપાવતાં સ્ટાલિને વિવિધ યોજનાઓનો અમલ કર્યો હતો.

સ્ટૉર્મવૉટર ડ્રેનેજ પ્રોજેક્ટ અને ચેન્નાઈના વિવિધ વિસ્તારોમાં 65 કરોડ રૂપિયાના ખર્ચે નવ ફ્લાઇઓવર્સનું નિર્માણ એવાં કામ છે, જેને સ્ટાલિન આજે પણ યાદ કરે છે તથા તેના વિશે વાત કરે છે.

કરુણાનિધિને પુત્ર સ્ટાલિન પર ખૂબ ભરોસો હતો

એમ. કે. સ્ટાલિન 2001માં થાઉઝન્ડ લાઇટ્સ મતવિસ્તારમાંથી ફરી ચૂંટણી લડ્યા હતા અને વિજેતા બન્યા હતા.

તેઓ ચેન્નાઈના મેયરપદની ચૂંટણી પણ જીત્યા હતા, પરંતુ ત્યારે એવો કાયદો લાવવામાં આવ્યો હતો કે એક વ્યક્તિ એક જ પદ સંભાળી શકે. તેથી સ્ટાલિને મેયર પદ પરથી રાજીનામું આપ્યું હતું.

2006માં ડીએમકે ફરીથી સત્તા પર આવી ત્યારે એમ. કે. સ્ટાલિને સ્થાનિક વહીવટી મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. એ કાર્યકાળમાં તેમણે કરેલાં કામોમાં હોગેનાક્કલ કમ્બાઇન્ડ પેયજળ પ્રકલ્પ અને અન્ના ગ્રામીણ કાયાકલ્પ યોજનાનો સમાવેશ થાય છે.

એ પછી સ્ટાલિનની નિમણૂક પક્ષના ખજાનચી તરીકે કરવામાં આવી હતી અને 2009માં તેમના નાયબ મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા.

2006થી 2011ના સમયગાળા દરમિયાન સ્ટાલિન તમિલનાડુ સરકારમાં મંત્રી અને પછી નાયબ મુખ્યમં ત્રી તરીકે ઊભરી રહ્યા હતા ત્યારે પણ તેમની સામે પક્ષમાંથી આંતરિક પડકારો સતત ઊભા થઈ રહ્યા હતા.

એ સમયગાળા દરમિયાન તેમના મોટાભાઈ એમ. કે. અલાગીરિ પણ ડીએમકેમાં સક્રિય રીતે કાર્ય કરવા લાગ્યા હતા.

તેમની નિમણૂક પક્ષના સાઉથ ઝોનના સંગઠન સચિવ તરીકે કરવામાં આવી હતી અને તેઓ કેન્દ્રિય મંત્રી પણ બન્યા હતા.

જોકે, કરુણાનિધિને તેમના પુત્ર એમ. કે. સ્ટાલિન પર બહુ ભરોસો હોવાની વાત જગજાહેર હતી.

2014ની શરૂઆતમાં સંઘર્ષ એ તબક્કે પહોંચ્યો હતો કે જ્યાં કરુણાનિધિએ પોતે કહ્યું હતું કે એમ. કે. અલાગીરિએ તેમની સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે.

એ પછી કરુણાનિધિ પક્ષમાં મજબૂત રીતે સ્ટાલિનની પડખે રહ્યા હતા અને અલાગીરિએ પાર્ટી છોડવી પડી હતી.

સ્ટાલિનના હાથ આવી ધુરા

2011ની વિધાનસભા ચૂંટણીમાં પરાજય પછી ડીએમકેએ 2014ની સંસદીય ચૂંટણી અને 2016ની વિધાનસભા ચૂંટણીમાં પણ સતત હારનો સામનો કરવો પડ્યો હતો.

2016માં કરુણાનિધિની તબિયત લથડતાં એમ. કે. સ્ટાલિને પક્ષના કાર્યકારી પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી હતી.

આ કારણસર, 2018માં કરુણાનિધિનું અવસાન થયું ત્યારે કોઈ મોટા વિક્ષેપ વિના પક્ષની ધુરા સ્ટાલિનના હાથમાં આવી ગઈ હતી.

વરિષ્ઠ પત્રકાર એન. રામે કહ્યું હતું કે "અનેક દાયકાઓનો અનુભવ હોવાને કારણે સ્ટાલિન પક્ષ અને વહીવટ બન્નેને સારી રીતે જાણે છે. ડીએમકે કોઈ એક વ્યક્તિકેન્દ્રી પક્ષ નથી. ટોચ પર ભલે એક વ્યક્તિ હોય, પરંતુ દરેક જવાબદારી માટે અલગ-અલગ વ્યક્તિ હોય છે."

"આ વાત સમજીને સ્ટાલિન પક્ષનું સંચાલન કરી રહ્યા છે. પક્ષનું માળખું વચ્ચે નબળું પડી ગયું હતું, પરંતુ તેમણે પક્ષના માળખાને ખૂબ જ અસરકારક રીતે મજબૂત બનાવ્યું છે."

1970 અને 1980ના દાયકામાં વ્યક્તિગત પ્રવૃત્તિઓને કારણે સ્ટાલિનની આકરી ટીકા કરવામાં આવી હતી.

રાજકીય સફર દરમિયાન પિતાનો પડછાયો પડતો રહ્યો હોવાને કારણે સ્ટાલિનના કામકાજની તુલના તેમના પિતા સાથે સતત કરવામાં આવતી રહી છે.

ઇતિહાસકાર એ. આર. વેંકટચલપતિએ કહ્યું હતું કે "સ્ટાલિન 2021માં સત્તા પર આવ્યા ત્યારે ઘણાને શંકા હતી કે તેઓ શાસન કરી શકશે નહીં અને તેઓ પૂરતા પરિપકવ છે કે નહીં. જે લોકોએ તેમને મત આપ્યા હતા તેમને પણ આવી શંકા હતી, પરંતુ સ્ટાલિને કરેલાં કાર્યોથી લોકોની એ શંકા દૂર થઈ છે."

"એ ઉપરાંત પુરાતત્વ, પુસ્તકાલય અને પુસ્તક પ્રકાશન જેવા ક્ષેત્રો માટે આ સરકારની સાંસ્કૃતિક નીતિ હતી. એવી જ રીતે તેમણે લેખકો અને બૌદ્ધિકોને માન્યતા આપવાનું શરૂ કર્યું હતું."

"તેની નકારાત્મક અસર પણ થઈ છે. સાથે એ પણ નોંધવું જોઈએ કે તેમના આ વલણને કારણે બૌદ્ધિકો સરકારની ટીકા કર્યા વિના સરકારની તરફેણ કરવાની સ્થિતિમાં ધકેલાઈ ગયા."

2021માં મુખ્ય મંત્રી તરીકે પદભાર સંભાળ્યા પછી સ્ટાલિને મહિલા અધિકાર ભથ્થું, મહિલાઓ માટે બસમાં મફત મુસાફરી, નાન મુધલવન અને બ્રેકફાસ્ટ સ્કીમ જેવી યોજનાઓનો અમલ કર્યો છે.

તેમ છતાં તેમની સરકારની આકરી ટીકા કરવામાં આવી રહી છે. આ સરકારનું સંચાલન અધિકારીઓ કરતા હોય તેવો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે.

એન. રામે કહ્યું હતું કે "તેઓ અધિકારીઓ અને તેમના અનુભવનો આદર કરે છે. કેટલાક લોકો એવું કહીને સ્ટાલિનની ટીકા કરે છે કે તેઓ અધિકારીઓની ઇચ્છા મુજબ શાસન કરે છે."

"જોકે, તેમની પાસે પોતાનું સ્પષ્ટ રાજકીય ફ્રેમવર્ક છે. એ ફ્રેમવર્કની અંદર રહીને તેઓ અધિકારીઓ દ્વારા આપવામાં આવતી સલાહ સાંભળે છે."

"અધિકારીઓ કહે તે બધું સ્વીકારી લેતા નથી. તે એક સારો ગુણ છે."

વિપક્ષનો નોંધપાત્ર અવાજ

તાજેતરનાં વર્ષોમાં રાષ્ટ્રીય સ્તરના મુદ્દાઓમાં સ્ટાલિનનો અવાજ નોંધપાત્ર બન્યો છે.

નવી શિક્ષણ નીતિ, વન નેશન-વન ઇલેક્શન અને સીમાંકન જેવા મુદ્દાઓ પર તેમણે માત્ર તમિલનાડુના પ્રતિનિધિ તરીકે નહીં, પણ ભારતીય જનતા પાર્ટીના વૈચારિક કાર્યક્રમો સામે રાષ્ટ્રીય સ્તરના મહત્ત્વના નેતા તરીકે પણ અવાજ ઉઠાવ્યો છે.

ભારત જોડો યાત્રામાં સહભાગી બનીને અને બિહારમાં મતદાર યાદીમાં સઘન સુધારાનો વિરોધ કરતી બેઠકમાં હાજરી આપીને સ્ટાલિન ડીએમકેના અવાજને રાજ્યની સીમાથી બહાર લઈ ગયા છે.

તેનું કારણ એ છે કે સ્ટાલિન પોતાના સંઘર્ષનું ક્ષેત્ર પસંદ કરે છે અને મેદાનમાં ઊતરે છે, એમ જણાવતાં એન. રામે ઉમેર્યું હતું કે "ક્યા મુદ્દે લડવું એ તેઓ બરાબર જાણે છે. નાણાકીય વિતરણના, NEETના અને રાજ્યપાલના મુદ્દાની માફક તેઓ ક્ષેત્ર પસંદ કરીને મેદાનમાં ઊતરે છે."

સ્ટાલિનની કેવી ટીકા થાય છે

સ્ટાલિન ડીએમકેમાં ઊભર્યા એ દરમિયાન વંશીય રાજકારણની જે ટીકા થઈ હતી, એવી ટીકા આજે પણ ચાલુ છે.

કરુણાનિધિના પુત્ર હોવાને કારણે તેમને ડીએમકેમાં પ્રમોટ કરવામાં આવ્યા છે, એવી ટીકા કરવામાં આવતી રહી છે, પરંતુ હવે સ્ટાલિન તેમના વારસદાર તરીકે ઉદયનિધિને પ્રમોટ કરી રહ્યા છે.

એડાપલ્લી પલાનીસ્વામી સહિતના વિપક્ષી નેતાઓ છેલ્લા પાંચ વર્ષથી, કાયદો અને વ્યવસ્થાથી માંડીને અધૂરાં ચૂંટણી વચનો સુધીના વિવિધ મુદ્દે સ્ટાલિનની ટીકા કરી રહ્યા છે.

તેઓ NEET મુક્તિ, વીજળીના માસિક બિલ અને રાંધણ ગૅસની સબસિડી જેવા ડીએમકેનાં અધૂરાં વચનો સામે આંગળી ચિંધી રહ્યા છે.

પોલીસ કસ્ટડીમાં મોત અને માદક પદાર્થોના ઉપયોગ બાબતે પણ વિરોધ પક્ષ સ્ટાલિનની ટીકા કરે છે.

ચૂંટણીપ્રચાર દરમિયાન સ્ટાલિન તેમના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલા કાર્યો અને યોજનાઓની વાતો કરે છે, પરંતુ તેઓ વિરોધ પક્ષોની ટીકાને પાછળ ધકેલીને વિજય પ્રાપ્ત કરશે તો તેઓ 1971 પછી સતત બીજીવાર ડીએમકે તરફથી મુખ્યમંત્રી બનશે.

(નોંધઃ સ્ટાલિનની પ્રારંભિક રાજકીય ગતિવિધિ વિશેની માહિતી ડીએમકેના તત્કાલીન મહામંત્રી અનબઝગમ દ્વારા 2010માં લખવામાં આવેલા એક લેખમાંથી લેવામાં આવી છે)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન