શાહિદ આફ્રિદી : મૅચ ફિક્સિંગના આરોપથી લઈને બૉલ ટેમ્પરિંગના વિવાદ સુધી, પાકિસ્તાનના એ ખેલાડી જેણે ક્રિકેટ જગતમાં મચાવ્યો હતો હોબાળો

ઇમેજ સ્રોત, Chris Hyde-ICC/ICC via Getty Images
- લેેખક, રશીદ શકૂર
- પદ, બીબીસી હિંદી માટે, કરાચીથી વરિષ્ઠ ખેલ પત્રકાર
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 13 મિનિટ
ઘણી વાર કહેવાય છે કે સપનાં સાચાં પડે છે. પરંતુ ઝડપી અને આક્રમક બૅટિંગ માટે જાણીતા પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ કદાચ ક્યારેય વિચાર્યું નહીં હોય કે, તેમણે જોયેલું એક સપનું આટલી જલદી સાચું પડશે.
શાહિદ આફ્રિદીનું જીવન ઘણું ઘટનાસભર રહ્યું છે. શોએબ અખ્તરની જેમ તેઓ પણ પોતાની કારકિર્દી દરમિયાન અને ત્યાર પછી સતત ચર્ચામાં રહ્યા. શરૂઆતમાં તેમની આક્રમક બૅટિંગને કારણે અને પછી તેમનાં નિવેદનોને કારણે.
તેમની આત્મકથા 'ગેમ ચેન્જર'માં પણ તેમના આ સ્વભાવની ઝલક જોવા મળે છે.
વેસ્ટ ઇન્ડીઝ નહીં, નૈરોબીમાં ચમક્યું નસીબ
શાહિદ આફ્રિદીએ પહેલી વાર 4 ઑક્ટોબર, 1996ના રોજ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું.
નૈરોબીમાં શ્રીલંકા સામે તેમણે માત્ર 37 બૉલમાં સદી ફટકારી હતી. એ સમયે વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ સૌથી ઝડપી સદી હતી.
જોકે, શાહિદ આફ્રિદીનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આગમન પણ કોઈ સપનાંથી ઓછું નહોતું.
તેઓ પાકિસ્તાનની શરૂઆતની ટીમમાં સામેલ નહોતા. એ સમયે તેઓ પાકિસ્તાનની અન્ડર-19 ટીમ સાથે વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે હતા.
પાકિસ્તાનની સિનિયર ટીમના લેગ સ્પિનર મુશ્તાક અહમદ ઈજાગ્રસ્ત થયા પછી આફ્રિદીને અચાનક વેસ્ટ ઇન્ડીઝથી નૈરોબી મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એ સમયે પાકિસ્તાનની અન્ડર-19 ટીમના કોચ હારૂન રશીદ હતા.
તેમણે બીબીસી હિંદીને કહ્યું, "મને બરાબર યાદ છે કે મેં શાહિદને બોલાવીને કહ્યું હતું કે, તને વેસ્ટ ઇન્ડીઝથી પાછો મોકલીને કૅન્યા મોકલવામાં આવી રહ્યો છે. ત્યાં તારે પાકિસ્તાનની સિનિયર ટીમ સાથે જોડાવાનું છે. એક ક્ષણ માટે તો તેને વિશ્વાસ જ ન બેઠો કે આવું પણ થઈ શકે."
પાકિસ્તાનની અન્ડર-19 ટીમના વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ દરમિયાન ક્રિકેટર ઝીશાન પરવેઝ સાથે જોડાયેલો એક વિવાદ પણ બહાર આવ્યો હતો. એ જ સમયે શાહિદ આફ્રિદીને નૈરોબી મોકલવાનો નિર્ણય થયો હતો.
લોકોને સમજાતું નહોતું કે, આફ્રિદીને વેસ્ટ ઇન્ડીઝથી પાછા કેમ મોકલવામાં આવી રહ્યા છે. કેટલાક લોકો એમ પણ વિચારવા લાગ્યા કે, ક્યાંક તેમનું નામ પણ એ વિવાદ સાથે જોડાયેલું તો નથી ને.
હારૂન રશીદ જણાવે છે, "શાહિદના મોટા ભાઈ તારિક આફ્રિદીનો પણ મને ફોન આવ્યો હતો. તેમણે પૂછ્યું કે, શાહિદને વેસ્ટ ઇન્ડીઝથી પાછો કેમ મોકલવામાં આવી રહ્યો છે. મેં તેમને કહ્યું કે તમારે તો ખુશ થવું જોઈએ, કારણ કે તે પાકિસ્તાનની સિનિયર ટીમમાં જોડાવા જઈ રહ્યો છે. ત્યારે તેમને હકીકત સમજાઈ."
સપનામાં જયસૂર્યા અને મુરલીધરનને છગ્ગા ફટકાર્યા

ઇમેજ સ્રોત, Simon Cross/Getty Image
નૈરોબીમાં યોજાયેલી એ ટુર્નામેન્ટ દરમિયાન પાકિસ્તાનના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર શાદાબ કબીર શાહિદ આફ્રિદી સાથે એક જ રૂમમાં રહ્યા હતા. આફ્રિદી સાથે બનેલી એક રસપ્રદ ઘટનાના તેઓ સાક્ષી પણ છે.
શાદાબ કબીરે બીબીસી હિંદીને કહ્યું, "અમારી પ્રૅક્ટિસ દિવસ દરમિયાન થઈ હતી. પાછા આવ્યા પછી અમે ખૂબ થાકેલા હતા અને સૂઈ ગયા. સાંજે મેં શાહિદને જગાડ્યો અને કહ્યું કે મગરિબની નમાજનો સમય થઈ રહ્યો છે."
"જાગ્યા પછી તેમણે કહ્યું કે મેં સપનું જોયું છે કે, હું મુરલીધરન અને જયસૂર્યાના બૉલમાં છગ્ગા ફટકારી રહ્યો છું. મેં મજાકમાં કહ્યું કે બાકીના રન મૅચમાં બનાવી લેજો."
તેઓ જણાવે છે, "વાત ત્યાં જ પૂરી થઈ ગઈ. પરંતુ એ જ રાત્રે હું ગાઢ ઊંઘમાં હતો ત્યારે શાહિદ અચાનક ઊઠ્યા અને મૅચની તૈયારી કરવા લાગ્યા. તેમણે મને પણ જગાડીને કહ્યું કે ઊઠો, મૅચ માટે જવાનું છે."
"મેં તેમને કહ્યું, ભાઈ, સૂઈ જાઓ. અત્યારે રાતના અઢી વાગ્યા છે."
શાદાબ કબીરના જણાવ્યા મુજબ, "તેઓ મૅચને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા. આ બધું અલ્લાહની મરજીથી થાય છે કે માણસના મનમાં હોય છે શું અને તે બોલે છે શું. અલ્લાહે તેમને સન્માન આપવાનું હતું અને તેમને એ મળ્યું."
વકાર અને વસીમની બૉલિંગની રીત પણ બદલાઈ

ઇમેજ સ્રોત, LAKRUWAN WANNIARACHCHI/AFP via Getty Images
પાકિસ્તાનની ટીમમાં સામેલ થયા પછી શાહિદ આફ્રિદીએ નેટ પ્રૅક્ટિસમાં વસીમ અકરમ અને વકાર યુનિસના બૉલમાં આક્રમક બૅટિંગ કરી.
આ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા કે લેગ સ્પિનર તરીકે ટીમમાં આવેલો આ ખેલાડી આટલી સારી બૅટિંગ પણ કરી શકે છે.
બીજા દિવસે નેટ પ્રૅક્ટિસમાં વસીમ અને વકારની રીત પણ બદલાઈ ગઈ. બંને ઝડપી બૉલરોએ આફ્રિદીની કસોટી કરવા માટે પોતાના બૉલની ઝડપ વધારી દીધી.
પરંતુ બૉલની ઝડપ જેટલી વધતી ગઈ, આફ્રિદીના બૅટની તાકાત પણ એટલી જ વધતી ગઈ. તેઓ બંને બૉલરોના બૉલ પર વધુ જોરદાર શૉટ ફટકારવા લાગ્યા.
આ દરમિયાન વસીમ અકરમને અચાનક પાકિસ્તાન પાછા ફરવું પડ્યું. જતી વખતે તેમણે તેમની ગેરહાજરીમાં ટીમની કપ્તાની સંભાળી રહેલા સઇદ અનવરને કહ્યું કે યુવાન શાહિદ આફ્રિદીમાં ઘણો દમ છે. તેની બૅટિંગનો ફાયદો ઉઠાવવાનું ભૂલતા નહીં.
એ પછી જે બન્યું, તે ક્રિકેટના ઇતિહાસનો હિસ્સો બની ગયું

ઇમેજ સ્રોત, Ajay Aggarwal/Hindustan Times via Getty Images
આફ્રિદીએ જે શ્રીલંકાની ટીમ સામે સૌથી ઝડપી સદી ફટકારી હતી, તે ત્યારે વન-ડે ક્રિકેટની વિશ્વ ચૅમ્પિયન હતી.
તેમણે જે બૉલરો સામે ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો, તેમાં મુરલીધરન, જયસૂર્યા, ચામિન્ડા વાસ અને ધર્મસેના સામેલ હતા.
જયસૂર્યાએ પોતાની 10 ઓવરમાં 94 રન આપ્યા હતા, જ્યારે મુરલીધરનની 10 ઓવરમાં 73 રન બન્યા હતા.
શાહિદ આફ્રિદીએ એ ઇનિંગ્સમાં 40 બૉલમાં 102 રન બનાવ્યા હતા. તેમાં 11 છગ્ગા અને છ ચોગ્ગા સામેલ હતા.
શ્રીલંકાના ક્રિકેટર રોશન મહાનામા પણ એ મૅચમાં રમ્યા હતા. તેમણે પોતાના પુસ્તક 'રિટાયર્ડ હર્ટ'માં આફ્રિદીની એ ઇનિંગ્સનો ઉલ્લેખ કર્યો છે.
તેમણે લખ્યું છે કે આફ્રિદીના કેટલાક છગ્ગામાં બૉલ મેદાનની બહાર પાર્કિંગમાં જઈને પડ્યો હતો.
રોશન મહાનામાએ બીબીસી હિંદીને કહ્યું, "અમને પોતાની ટીમ પર પૂરો ભરોસો હતો. એ સમયે શ્રીલંકાએ પાકિસ્તાન અને ભારતને હરાવ્યાં હતાં. પરંતુ અમે ન તો શાહિદ આફ્રિદીને જોયા હતા કે ન તો તેમના વિશે સાંભળ્યું હતું."
"તે અમારા બધા માટે નવા હતા. એટલે તેમની ઇનિંગ્સ અમારા માટે મોટું આશ્ચર્ય હતી. તેમણે અમને સ્તબ્ધ કરી દીધા હતા."
"તેઓ સાવ અલગ રીતે ક્રિકેટ રમ્યા. જોકે, અમે પણ આવી ક્રિકેટ રમવા ટેવાયેલા હતા. અમારી ટીમમાં જયસૂર્યા અને અરવિંદ ડી સિલ્વા જેવા આક્રમક બૅટર હતા. પરંતુ એ દિવસ સંપૂર્ણપણે આફ્રિદીનો હતો."
"તમે મારા માટે શું બાકી રાખ્યું છે?"
પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન રમીઝ રાજા પણ એ મૅચને યાદ કરે છે.
તેમણે બીબીસી હિંદીને કહ્યું, "શાહિદ આફ્રિદીની જેમ હું પણ શરૂઆતની ટીમમાં સામેલ નહોતો. મને ઇંગ્લૅન્ડથી બોલાવવામાં આવ્યો હતો."
"જ્યારે અમે નેટ પ્રૅક્ટિસ કરી રહ્યા હતા ત્યારે સાથી ખેલાડીઓએ મને ચેતવણી આપી હતી કે, શાહિદ આફ્રિદીના લેગ-સ્પિનમાંથી આવતા ઝડપી બૉલથી બચજો. એ બહુ ખતરનાક હોય છે."
"એવું જ થયું. તેમનો ઝડપી બૉલ મારા પગના પંજામાં બહુ જોરથી વાગ્યો."
રમીઝ રાજા કહે છે, "શાહિદની બૅટિંગની વાત કરીએ તો તેમણે જે વિચાર સાથે બૅટિંગ કરી હતી, તેમાં ન ડર હતો કે ન કોઈ જાતનો ખોફ. તાજેતરમાં રઝા ઉલ્લાહની બૅટિંગમાં પણ આપણને આવો જ અંદાજ જોવા મળ્યો છે."
તેઓ જણાવે છે, "સૌથી ઝડપી સદી ફટકારીને શાહિદ આફ્રિદી આઉટ થયા અને પાછા જઈ રહ્યા હતા. એ જ સમયે હું બૅટિંગ કરવા મેદાનમાં જઈ રહ્યો હતો."
"હું રસ્તામાં રોકાયો અને મજાકમાં તેમને પૂછ્યું, 'તમે મારા માટે શું બાકી રાખ્યું છે?'"
એનો અર્થ એ હતો કે આફ્રિદીએ એટલી ઝડપથી બૅટિંગ કરી હતી કે હવે કોઈ ગમે તેટલી ઝડપથી રમે, એ રીતે રન બનાવી શકે તેમ નહોતું.
રમીઝ રાજા કહે છે, "એ સમયના હિસાબે એ અત્યંત અનોખી ઇનિંગ્સ હતી. આ પ્રકારની ક્રિકેટ રમવાની શરૂઆત શ્રીલંકાના ખેલાડીઓએ કરી હતી, પરંતુ એક નવા ખેલાડીએ પોતાની બૅટિંગથી તેમને જ આશ્ચર્યચકિત કરી દીધા."
રસપ્રદ વાત એ પણ છે કે રમીઝ રાજાએ જ શાહિદ આફ્રિદીને જણાવ્યું હતું કે તેમણે સૌથી ઝડપી સદીનો વિશ્વ રેકૉર્ડ બનાવી દીધો છે.
શાહિદ સૌથી ઝડપી સદીની યાદીમાં ત્રીજા સ્થાને

ઇમેજ સ્રોત, Hamish Blair/Getty Images
શાહિદ આફ્રિદીની આ સદી હવે સૌથી ઝડપી સદીની યાદીમાં ત્રીજા સ્થાને છે.
સૌથી પહેલાં ન્યૂઝીલૅન્ડના કોરી ઍન્ડરસને માત્ર એક બૉલના ફરકથી તેમનો રેકૉર્ડ તોડ્યો હતો. ત્યાર પછી દક્ષિણ આફ્રિકાના એબી ડિવિલિયર્સે 31 બૉલમાં સદી ફટકારીને નવો વિશ્વ રેકૉર્ડ બનાવ્યો.
પરંતુ 30 વર્ષ પછી પણ આફ્રિદીની એ ઇનિંગ્સની ચર્ચા એ જ રીતે થાય છે.
વિકેટકીપર મોઇન ખાન પણ એ મૅચમાં પાકિસ્તાનની ટીમનો ભાગ હતા.
તેમણે બીબીસી હિંદીને કહ્યું, "આફ્રિદી એવા ક્રિકેટર હતા, જેમણે પોતાની પહેલી ઇનિંગ્સથી લઈને કારકિર્દીના અંત સુધી એવી અસર છોડી કે વિરોધી ટીમ હંમેશાં પરેશાન રહેતી."
"બૅટિંગ હોય કે બૉલિંગ, તેઓ કંઈ પણ કરી શકતા હતા. માત્ર નૈરોબીની ઇનિંગ્સ જ નહીં, તેમણે પોતાની કારકિર્દીમાં આવી ઘણી યાદગાર ઇનિંગ્સ રમી હતી."
એ બૅટ સચીનનું નહીં, ગાંગુલીનું હતું
શાહિદ આફ્રિદીએ જે બૅટથી 37 બૉલમાં સદી ફટકારી હતી, તેના વિશે લાંબા સમય સુધી એવું જ કહેવાતું રહ્યું કે એ સચીન તેંડુલકરનું બૅટ હતું.
કહેવાતું હતું કે સચિને એ બૅટ વકાર યૂનુસને આપ્યું હતું.
શાહિદ આફ્રિદીએ પણ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે એ સચીન તેંડુલકરનું બૅટ હતું, જે વકાર યૂનુસ પાસે હતું. વકારે બૅટિંગ માટે એ બૅટ આફ્રિદીને આપ્યું હતું.
પરંતુ હવે વકાર યૂનુસે આ બૅટ વિશે અલગ વાત કહી છે. તેમના કહેવા મુજબ, એ બૅટ સચીન તેંડુલકરનું નહીં, પરંતુ સૌરવ ગાંગુલીનું હતું.

ઇમેજ સ્રોત, Sunil Saxena/Hindustan Times via Getty Images
વકાર યૂનુસે બીબીસી હિંદીને કહ્યું, "મારી સૌરવ ગાંગુલી સાથે મિત્રતા હતી. એક દિવસ તેમણે મને પોતાનું એક બૅટ બતાવ્યું."
"હું એ બૅટ તપાસવા લાગ્યો ત્યારે તેમણે કહ્યું કે તેનું સંતુલન બહુ સારું છે. ગમે તો રાખી લો."
"મેં તેમને કહ્યું કે તમને આ બૅટથી રમવામાં સરળતા રહેતી હોય તો હું સિયાલકોટમાં આવાં જ કેટલાંક બૅટ બનાવડાવીને તમને મોકલવાનો પ્રયાસ કરીશ."
વકાર યૂનુસ કહે છે, "એ બૅટ મારી પાસે હતું. નૈરોબીમાં શાહિદ આફ્રિદીએ નેટમાં ખૂબ આક્રમક બૅટિંગ કરી હતી."
"તેઓ શ્રીલંકા સામે બૅટિંગ કરવા જઈ રહ્યા હતા ત્યારે મેં એ બૅટ તેમને આપી દીધું અને કહ્યું કે આનાથી બૅટિંગ કરો."
"તેમણે એ બૅટથી ઐતિહાસિક ઇનિંગ્સ રમી. ત્યાર પછી મેં એ બૅટ તેમને ભેટમાં આપી દીધું. એક યુવા ખેલાડીએ રેકૉર્ડ બનાવનારી ઇનિંગ્સ રમી હતી, એટલે એ બૅટ પર તેમનો હક વધારે હતો. એ બૅટ હવે ચોક્કસપણે આફ્રિદી પાસે જ હશે."
સૌથી પહેલાં 'બૂમ-બૂમ' કોણે કહ્યું હતું?
લોકો ઘણી વાર પૂછે છે કે શાહિદ આફ્રિદી માટે 'બૂમ-બૂમ' શબ્દનો પહેલી વાર ઉપયોગ કોણે અને ક્યારે કર્યો હતો.
એનો જવાબ 15 એપ્રિલ, 2005ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે કાનપુરમાં રમાયેલી વન-ડે મૅચ સાથે જોડાયેલો છે.
એ મૅચમાં શાહિદ આફ્રિદીએ 10 ચોગ્ગા અને નવ છગ્ગાની મદદથી 45 બૉલમાં સદી ફટકારી હતી.
એ દરમિયાન કૉમેન્ટ્રી બૉક્સમાંથી 'બૂમ-બૂમ' શબ્દો સંભળાયા હતા. શાહિદ આફ્રિદી માટે સૌથી પહેલાં 'બૂમ-બૂમ' શબ્દનો ઉપયોગ રવિ શાસ્ત્રીએ કર્યો હતો.
ત્યાર પછી 'બૂમ-બૂમ' આફ્રિદીના નામનો એવો હિસ્સો બની ગયો કે આજે પણ લોકો તેમને આ નામથી બોલાવે છે.
'તમે મૅચ ફિક્સ કરી છે'
શાહિદ આફ્રિદીએ પોતાના પુસ્તકમાં કૅનેડાના ટોરોન્ટોમાં સહારા કપ દરમિયાન ભારત સામે ફટકારેલી એક સદીનો પણ ઉલ્લેખ કર્યો છે.
તેમણે દાવો કર્યો હતો કે, એ ઇનિંગ્સ દરમિયાન તેમના કૅપ્ટને તેમના પર મૅચ ફિક્સિંગનો આરોપ મૂક્યો હતો.
આફ્રિદી લખે છે, "મેં સઇદ અનવર સાથે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. સઇદ અનવર આઉટ થયા બાદ કૅપ્ટન આમિર સોહેલ બૅટિંગ કરવા આવ્યા."
"એ સમયે હું આક્રમક અંદાજમાં રમી રહ્યો હતો. આમિર સોહેલ પિચની વચ્ચે આવ્યા. મને લાગ્યું કે તેઓ મને કંઈક કહેવા માગે છે, એટલે હું તેમની પાસે ગયો."
"પરંતુ તેમણે અપશબ્દો બોલતાં મને બૂમ પાડીને કહ્યું, 'મને ખબર છે કે તમે વસીમ અકરમ સાથે મળીને આ મૅચ ફિક્સ કરી છે', ત્યારે મારા આશ્ચર્યનો પાર ન રહ્યો."
આફ્રિદી લખે છે, "આ સાંભળીને મારું હૈયું બેસી ગયું. હું વિચારવા લાગ્યો કે તેઓ શું કહી રહ્યા છે. એ સમયે હું એક યુવા ક્રિકેટર હતો. મારી આંખોમાં આંસુ આવી ગયાં."
"પરંતુ મેં મારી જાતને સંભાળી લીધી અને સદી ફટકારવામાં સફળ રહ્યો."
તેમણે આગળ લખ્યું, "હું ડ્રેસિંગ રૂમમાં પાછો આવ્યો ત્યારે આમિર સોહેલે મને કહ્યું, 'મારો સાથ આપો અને મારી પડખે રહો. હું તમને યોગ્ય લોકો સાથે મુલાકાત કરાવીશ. હું તમને મદદ કરવા માગું છું, જેથી તમે પાકિસ્તાન ક્રિકેટને ચલાવી શકો.'"
આફ્રિદીના જણાવ્યા મુજબ, તેમણે આખી ઘટના વિશે વસીમ અકરમ અને ઇન્ઝમામ-ઉલ-હકને જણાવ્યું.
ત્યાર પછી બંનેએ તેમને કહ્યું કે આ મામલો પોતાના સુધી જ રાખો અને ચૂપચાપ તેને સંભાળી લો.
કપ્તાન સામેના બળવાનો માસ્ટરમાઇન્ડ કોણ હતો?
2009ની આઈસીસી ચૅમ્પિયન્સ ટ્રોફી દરમિયાન પાકિસ્તાનની લગભગ આખી ટીમે કપ્તાન યૂનુસ ખાન સામે બળવો કર્યો હતો.
ખેલાડીઓને યૂનુસ ખાનની કડક વર્તણૂક સામે વાંધો હતો અને તેઓ તેમની કપ્તાની હેઠળ રમવા તૈયાર નહોતા.
એક રૂમમાં ખેલાડીઓની બેઠક મળી હતી. તેમાં સામેલ ખેલાડીઓએ કુરાન પર શપથ પણ લીધા હતા.
આ ખેલાડીઓમાં ટીમના ઉપકપ્તાન શાહિદ આફ્રિદી પણ સામેલ હતા.
આફ્રિદીએ પોતાના પુસ્તકમાં આ સમગ્ર ઘટના માટે પોતાના એક સાથી ક્રિકેટરને જવાબદાર ગણાવ્યો છે. જોકે, તેમણે તે ખેલાડીનું નામ આપ્યું નથી.
પોતાને નિર્દોષ ગણાવતાં આફ્રિદીએ પુસ્તકમાં લખ્યું છે કે તેમણે સાથી ખેલાડીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
તેમનું કહેવું હતું કે આ મુદ્દે સીધી યૂનુસ ખાન સાથે વાત કરવી જોઈએ અથવા ટીમ મૅનેજર સાથે ચર્ચા કરવી જોઈએ. પરંતુ બધા ખેલાડીઓ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચૅરમૅન એજાઝ બટને મળવા માગતા હતા.
રસપ્રદ વાત એ છે કે આ બળવામાં સામેલ શાહિદ આફ્રિદી, મોહમ્મદ યૂસુફ અને સઇદ અજમલ પાછળથી એક ટીવી કાર્યક્રમમાં સાથે આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ત્રણેયે આ બળવાની જવાબદારી પોતે લેવાને બદલે એકબીજા પર ઢોળી હતી.
જ્યારે યૂનુસ ખાન પણ એ જ કાર્યક્રમમાં મહેમાન તરીકે આવ્યા, ત્યારે તેમણે કહ્યું કે હવે દરેક ખેલાડી જવાબદારી બીજા પર ઢોળી રહ્યો છે.
દરેકનું કહેવું છે કે બીજા ખેલાડીને તેમની સામે ફરિયાદ હતી અને પોતાને કોઈ ફરિયાદ નહોતી.
યૂનુસ ખાને સવાલ કર્યો કે કોઈ ખેલાડીને તેમની સામે કોઈ ફરિયાદ નહોતી, તો તે બેઠકમાં સામેલ શા માટે થયો હતો?
યૂનુસ ખાને સ્પષ્ટપણે કહ્યું હતું કે સમગ્ર મામલો કપ્તાન બનવાની ઇચ્છા સાથે જોડાયેલો હતો.
આ બળવાના માસ્ટરમાઇન્ડ તરીકે તેમણે શાહિદ આફ્રિદી તરફ ઇશારો કર્યો હતો. તેમનું કહેવું હતું કે આફ્રિદી જ કરાચીથી વિમાનમાં લાહોર પહોંચ્યા હતા અને બોર્ડના ચૅરમૅન એજાઝ બટને મળ્યા હતા.
નેતાઓએ શી ઑફર કરી હતી?

ઇમેજ સ્રોત, AAMIR QURESHI/AFP via Getty Images
2019માં પ્રકાશિત થયેલી પોતાની આત્મકથામાં શાહિદ આફ્રિદીએ પાકિસ્તાનના કેટલાક અગ્રણી નેતાઓ તરફથી મળેલી ઑફરોનો પણ ઉલ્લેખ કર્યો છે.
આફ્રિદીના જણાવ્યા મુજબ, આ ઑફરો તેમનું સમર્થન મેળવવાના બદલામાં કરવામાં આવી હતી.
તેમણે લખ્યું છે, "આ એ સમયની વાત છે, જ્યારે ક્રિકેટ બોર્ડના ચૅરમૅન એજાઝ બટ સાથે મારે ગંભીર મતભેદો થયા હતા અને મને ફરીથી ટીમમાંથી કાઢી મૂકવામાં આવે એવી સ્થિતિ ઊભી થઈ હતી."
"તમને જાણીને નવાઈ લાગશે કે મને મદદની સૌ પ્રથમ ઑફર કોણે કરી હતી? બિલાવલ ભુટ્ટો ઝરદારીએ."
આફ્રિદી લખે છે, "આ ઑફર ઘણી રસપ્રદ હતી. પીપલ્સ પાર્ટીના લોકોએ કહ્યું હતું કે એજાઝ બટ સાથેનો મારો વિવાદ ઉકેલવામાં મદદ કરવામાં આવશે."
"તેના બદલામાં મારે આ યુવા નેતા એટલે કે બિલાવલ સાથે રાજકીય રેલીઓમાં સામેલ થવું પડશે."
તેમણે લખ્યું છે, "સ્વાભાવિક રીતે, મેં બિલાવલની મદદ અને તેમની ઑફર સ્વીકારી નહોતી."
આફ્રિદીએ આગળ લખ્યું છે, "દુર્ભાગ્યે, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી બેનઝીર ભુટ્ટો સાથે જ ખતમ થઈ ગઈ."
"લંડનમાં હું બિલાવલને મળ્યો હતો, ત્યારે તેઓ રાજકારણમાં પોતાનું સ્થાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ મને તેમની સાથે મળીને કામ કરવા અને તેમની ચૂંટણી ઝુંબેશમાં પણ જોડાવા કહેતા હતા."
આફ્રિદીના જણાવ્યા મુજબ, "હું તેમને માત્ર એટલા માટે મળ્યો હતો કે મારે બેનઝીર ભુટ્ટોના પુત્રને મળવું હતું. મને આશા હતી કે તેઓ તેમની સ્વર્ગસ્થ માતાના પગલે ચાલશે."
"પરંતુ થોડા જ સમયમાં મને ખબર પડી ગઈ કે પીપલ્સ પાર્ટીમાં ખરેખર નિર્ણયો કોણ લઈ રહ્યું છે. બિલાવલ ભુટ્ટો ઝરદારી માત્ર સામે દેખાય છે. તેમના હાથ કઠપૂતળીની જેમ બંધાયેલા છે."
શાહિદ આફ્રિદીએ પોતાના પુસ્તકમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફનો પણ ઉલ્લેખ કર્યો છે.
તેઓ લખે છે, "મિયાંસાહેબે મને તેમની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝમાં એક હોદ્દો આપવાની ઑફર કરી હતી."
"તેમણે પોતાની આગવી રીતે આ વાત સીધી કહેવાને બદલે ઇશારામાં કહી હતી. તેમણે કહ્યું હતું કે, હું મારા બૅટ પર સિંહનું સ્ટિકર લગાવી લઉં. સિંહ તેમની મુસ્લિમ લીગનું ચૂંટણીચિહ્ન છે."
આફ્રિદીના જણાવ્યા મુજબ, તેમણે હસીને આ વાત ટાળી દીધી હતી.
તેમણે લખ્યું છે, "એ જ રીતે, ઇમરાન ખાને પણ વડાપ્રધાન બન્યા પહેલાં મને પોતાની સાથે જોડાવાની ઑફર કરી હતી. આ એ સમયની વાત છે, જ્યારે તેમણે ઇસ્લામાબાદમાં ધરણાં કર્યાં હતાં."
એ પણ નોંધવું જરૂરી છે કે 2011માં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને શાહિદ આફ્રિદી વચ્ચે વિવાદ થયો હતો.
તે દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાની વેબસાઇટ પર સત્તાવાર નિવેદન બહાર પાડ્યું હતું.
તેમાં બોર્ડે શાહિદ આફ્રિદી પર લંડનમાં બિલાવલ ભુટ્ટો ઝરદારી સાથે મુલાકાત કરીને ક્રિકેટ બોર્ડ પર રાજકીય દબાણ લાવવાનો આક્ષેપ કર્યો હતો.
બોર્ડનું કહેવું હતું કે શાહિદ આફ્રિદી ટીમમાં પાછા ફરવા માટે અલગ-અલગ રાજકીય નેતાઓ અને જૂથો દ્વારા બોર્ડ પર દબાણ લાવી રહ્યા હતા.
બોર્ડે એમ પણ કહ્યું હતું કે આ મામલે તેને અલગ-અલગ લોકો તરફથી ગંભીર પરિણામ ભોગવવાની ધમકીઓ મળી રહી હતી.
આ એ સમય હતો, જ્યારે શાહિદ આફ્રિદીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના તે સમયના અધિકારીઓના કાર્યકાળ દરમિયાન રમવાનો ઇન્કાર કર્યો હતો.
ત્યાર પછી તેમને વન-ડે ટીમની કપ્તાનીમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. તેમનો સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ રદ કરવામાં આવ્યો હતો અને વિદેશમાં રમવા માટે જરૂરી એનઓસી પણ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું.
આફ્રિદીએ આ મામલે અદાલતમાં અરજી કરી હતી.
પછી આફ્રિદી અને ક્રિકેટ બોર્ડ વચ્ચે સમાધાન થઈ ગયું હતું. ત્યાર પછી તેમને વિદેશમાં રમવા માટે એનઓસી આપવામાં આવ્યું હતું.
સાથે જ તેમને 45 લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો હતો.
મિયાંદાદે કહ્યું, મારી પ્રશંસા કરજો

ઇમેજ સ્રોત, Tom Shaw/Getty Images
શાહિદ આફ્રિદીએ પોતાના પુસ્તકમાં પાકિસ્તાનની ટીમના 1999ના ભારત પ્રવાસનો પણ ઉલ્લેખ કર્યો છે.
તેમણે લખ્યું છે કે એ પ્રવાસ દરમિયાન ટીમના કોચ જાવેદ મિયાંદાદનું તેમની સાથેનું વર્તન સારું નહોતું.
આફ્રિદીના જણાવ્યા મુજબ, પ્રવાસ પહેલાંથી જ મિયાંદાદ ઇચ્છતા હતા કે તેમની જગ્યાએ આસિફ મુજતબાને ટીમમાં સામેલ કરવામાં આવે.
મિયાંદાદને આફ્રિદીની બૅટિંગની શૈલી અને ટેકનિક પસંદ નહોતી. જોકે, કપ્તાન વસીમ અકરમ અને મુખ્ય પસંદગીકાર સલાહુદ્દીન આફ્રિદીના પક્ષમાં હતા.
આફ્રિદી લખે છે કે એ પ્રવાસ દરમિયાન મિયાંદાદનું તેમની સાથેનું વર્તન સારું નહોતું.
પરંતુ આફ્રિદીએ ચેન્નાઈ ટેસ્ટમાં સદી ફટકારી ત્યારે મિયાંદાદે તેમને કહ્યું, "સાંભળો, પ્રેઝન્ટેશન અને ઇન્ટરવ્યૂમાં તમારે મારો આભાર માનવો છે."
"તમારે કહેવાનું છે કે મેં તમને કેટલી તાલીમ આપી છે અને એક સારો બૅટર બનાવ્યો છે. સમજ્યા?"
શાહિદ આફ્રિદી અને જાવેદ મિયાંદાદ વચ્ચે પાછળથી પણ ગંભીર મતભેદો બહાર આવ્યા હતા.
2016માં શાહિદ આફ્રિદીએ જાવેદ મિયાંદાદના એક વિવાદાસ્પદ નિવેદન પછી તેમની સામે અદાલતમાં જવાનો નિર્ણય કર્યો હતો.
મિયાંદાદે આફ્રિદી પર મૅચ ફિક્સિંગમાં સામેલ હોવાનો આક્ષેપ કર્યો હતો. પછી બંને વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હતું.
વિવાદ અને શાબ્દિક ટકરાવ
શાહિદ આફ્રિદી અને ભારતીય ક્રિકેટરો વચ્ચે પણ શાબ્દિક ટકરાવ થતા રહ્યા છે.
આ ભારતીય ક્રિકેટરોમાં ગૌતમ ગંભીર, શિખર ધવન અને ઇરફાન પઠાણનો સમાવેશ થાય છે.
ઇંગ્લૅન્ડમાં યોજાયેલી એક લેજન્ડ્સ ટુર્નામેન્ટમાં ભારતીય ક્રિકેટરોએ શાહિદ આફ્રિદી સાથે રમવાનો ઇન્કાર કર્યો હતો. ત્યાર પછી એ મૅચ રદ કરવી પડી હતી.
શાહિદ આફ્રિદીને અનેક વખત દંડ અને પ્રતિબંધોનો પણ સામનો કરવો પડ્યો છે.
આમાં પિચને નુકસાન પહોંચાડવું, દાંતથી બૉલ કરડવો અને એક દર્શકના ચહેરા પાસે ધમકીભરી રીતે બૅટ લઈ જવા જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























