સુરત : 'અમે પણ માણસ છીએ, એક દિવસનો આરામ જરૂરી', ઍમ્બ્રૉઇડરી કામદારોની આંદોલનની ચીમકી

બીબીસી ગુજરાતી સુરત એમ્બ્રૉઇડરી વર્કર્સ આંદોલન હડતાલ પોલીસ કારખાનેદારો કામદારો
ઇમેજ કૅપ્શન, સુરતમાં અમરોલી, કતારગામ, કડોદરા, સચીન સહિતના વિસ્તારોમાં આવા ઍમ્બ્રૉઈડરી એકમો આવેલા છે
    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

સુરતમાં ઍમ્બ્રૉઇડરી વર્ક કરતા કામદારોએ લગભગ બે મહિના અગાઉ અઠવાડિયામાં એક પૅઇડ રજાની માગણી ઉઠાવી હતી અને મામલે પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું.

જોકે, હજુ સુધી ઍમ્બ્રૉઇડરી યુનિટના માલિકો કે કામદારો વચ્ચે સાપ્તાહિક રજા કે કામના કલાકના વિવાદનો ઉકેલ આવ્યો નથી અને તેના કારણે પહેલી ઑક્ટોબરે હજારો કામદારો ધરણા પર બેસે તેવી શક્યતા છે.

ઍમ્બ્રૉઇડરી વર્ક કરતા પરપ્રાંતિય કામદારો અઠવાડિયામાં એક દિવસની ચાલુ પગારે રજા મળવી જોઈએ એવી માગણી કરી રહ્યા છે, જ્યારે ઍમ્બ્રૉઇડરીનું જોબ વર્ક કરતા કારખાનેદારોનું કહેવું છે કે તેઓ રૉ મટીરિયલના ઊંચા ભાવ, લોનનાં વ્યાજ અને હરીફાઈથી પરેશાન છે અને કામદારોને એક દિવસની પણ રજા આપી શકે તેમ નથી.

'અમે પણ માણસ છીએ, એક દિવસનો આરામ જરૂરી છે'

બીબીસી ગુજરાતી સુરત એમ્બ્રૉઇડરી વર્કર્સ આંદોલન હડતાલ પોલીસ કારખાનેદારો કામદારો
ઇમેજ કૅપ્શન, ઑગસ્ટ મહિનામાં અમરોલી વિસ્તારમાં હજારો કામદારો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને એક દિવસની ફરજિયાત રજાની માગણી કરી હતી

સુરતમાં ઍમ્બ્રૉઇડરી ઉદ્યોગમાં મોટા ભાગના કામદારો ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડના છે અને તેઓ મહિને 25 હજારથી 35 હજાર રૂપિયા સુધીની કમાણી કરે છે. તેની સામે તેઓ રોજના 12 કલાકની ડ્યૂટી કરે છે. આ ઉપરાંત તેઓ ટાર્ગેટ પૂરો કરે તો બૉનસ પણ આપવામાં આવે છે.

અમરોલીની એક ઇન્ડસ્ટ્રિયલ ઍસ્ટેટમાં કામ કરતા કારીગર આઝાદ અલીએ જણાવ્યું કે "12 કલાકની સળંગ શિફ્ટના કારણે અમે અમારા પરિવારને પણ સમય આપી શકતા નથી. અમે એક દિવસની રજા માગીએ અથવા બીમારીના કારણે એક દિવસ કામ ન કરી શકીએ તો પણ પગાર કાપી લેવામાં આવે છે."

તેમણે કહ્યું કે "હું કપાત પગારે પણ રજા લેવા માગું છું, પરંતુ તેના માટે પણ ના પાડી દેવામાં આવી છે. અમે પણ માણસ છીએ, શરીરને પણ અઠવાડિયામાં એક દિવસના આરામની જરૂર હોય છે."

અલીએ જણાવ્યું કે, "હું જે ઍમ્બ્રૉઈડરી એકમમાં કામ કરું છું તેના માલિકોએ કહ્યું છે કે બધા એકમો ચાલુ પગારે રજા આપવા તૈયાર થશે તો અમને પણ વાંધો નથી, પરંતુ સંગઠન રજા આપવા તૈયાર નહીં થાય તો અમે પણ રજા નહીં આપી શકીએ."

તેમણે કહ્યું કે પહેલી ઑક્ટોબરે અમે કલેક્ટર ઑફિસે જઈને ધરણા પ્રદર્શન કરવાના છીએ.

ઍમ્બ્રૉઇડરી યુનિટના માલિકો શું કહે છે?

બીબીસી ગુજરાતી સુરત એમ્બ્રૉઇડરી વર્કર્સ આંદોલન હડતાલ પોલીસ કારખાનેદારો કામદારો
ઇમેજ કૅપ્શન, સુરતમાં ઍમ્બ્રૉઇડરી કારખાનેદારોના સંગઠન 'તેજસ'ની બેઠક મળી હતી
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ અઠવાડિયે સુરતમાં ઍમ્બ્રૉઇડરી યુનિટ્સના માલિકોએ એક બેઠક યોજી હતી જેમાં કામદારોને પેઇડ સાપ્તાહિક રજા તથા કામના કલાકો ઘટાડવા જેવા મુદ્દાની ચર્ચા થઈ હતી. ઍમ્બ્રૉઇડરી યુનિટ માલિકોના સંગઠને આ બેઠકમાં કામદારોની માગણી ફગાવી દીધી હતી.

ટૅક્સ્ટાઇલ ઍમ્બ્રૉઇડરી જોબવર્ક ઍસોસિયેશન ઑફ સુરત (તેજસ)ની બેઠકમાં કહેવામાં આવ્યું કે હાલમાં જે બિઝનેસ મૉડલ છે તેમાં એક સાપ્તાહિક રજાની માગણી સ્વીકારી શકાય તેમ નથી.

ટૅક્સ્ટાઇલ ઍમ્બ્રૉઇડરી જોબવર્ક ઍસોસિયેશનના કરુણેશ રાણપરિયાએ બીબીસી સાથે વાત કરતા કહ્યું કે, "કેટલાક કામદાર આગેવાનો આ પ્રશ્નને ખોટી રીતે ઉપાડીને કામદારોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે."

તેમણે કહ્યું કે "અત્યારે ઍમ્બ્રૉઇડરી ઉદ્યોગને કામ કરવું પોસાય તેવી સ્થિતિ નથી. બૅન્કો અમને લોન આપતી વખતે અમે 365 દિવસમાં કેટલું કામ કરી શકશું તે જોતી હોય છે. હરીફાઈ એટલી વધી ગઈ છે કે એક મહિનામાં 26 દિવસની કમાણી ખર્ચ અને પગારમાં જતી રહે છે. માત્ર ચાર દિવસની કમાણી જેટલો નફો થાય છે. જો કામદારોને સાપ્તાહિક રજા આપીએ તો અમારે એકમો બંધ કરી દેવા પડે."

ઍમ્બ્રૉઇડરી એકમોના સંગઠન તેજસે તાજેતરમાં એવો નિર્ણય પણ લીધો છે કે કામદારોને રજાનો પ્રશ્ન હોય તો તેઓ 12 કલાકના બદલે છ કલાકની શિફ્ટ આપવા તૈયાર છે.

તેમણે કહ્યું કે "ભારત કરતાં ચીનમાં ઓછા ખર્ચે ઉત્પાદન થાય છે, તેથી આપણી સામે પહેલેથી સ્પર્ધા છે. આ ઉપરાંત પાકિસ્તાન અને બાંગ્લાદેશ પણ આ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધી રહ્યા છે, તેથી સુરતમાં ઍમ્બ્રૉઇડરી એકમો બંધ થશે તો આ વેપાર બીજા રાજ્યમાં અથવા બીજા દેશોમાં જતો રહેશે."

ઍમ્બ્રૉઇડરી ઍસોસિયેશને જણાવ્યા પ્રમાણે સુરતમાં લગભગ 40 હજાર ઍમ્બ્રૉઇડરી યુનિટ છે જેમાં લગભગ પાંચ લાખથી વધુ મશીનો છે અને તેમાં 15 લાખ લોકો કામ કરે છે.

બીબીસી ગુજરાતી સુરત એમ્બ્રૉઇડરી વર્કર્સ આંદોલન હડતાલ પોલીસ કારખાનેદારો કામદારો
ઇમેજ કૅપ્શન, ઍમ્બ્રૉઇડરી કારખાનેદારોના સંગઠન તેજસના કરુણેશ રાણપરિયાએ કહ્યું કે આ ઉદ્યોગ રૉ મટીરિયલના ઊંચા ભાવ અને વધતા લેબર ખર્ચથી પરેશાન છે

કરુણેશ રાણપરિયાએ કહ્યું કે "ત્રણ વર્ષથી યુદ્ધ ચાલુ હોવાના કારણે ક્રૂડઑઇલ મોંઘું થયું છે, જેના કારણે રૉ મટીરિયલ, ભાડાં, યાર્નનો ભાવ, વીજળી બધું જ મોંઘું થઈ ગયાં છે. સાથે સાથે મજૂરીનો ખર્ચ વધી ગયો છે. તેની સામે હરીફાઈના કારણે ઍમ્બ્રૉઇડરી જોબ વર્કનો ભાવ વધ્યો નથી."

કડોદરામાં ઍમ્બ્રૉઇડરી જોબવર્ક યુનિટ ધરાવતા હાર્દિક નાવડિયાનો દાવો છે કે "90 ટકા કારીગરો હાલમાં જે સિસ્ટમ છે તે પ્રમાણે જ કામ કરવા માગે છે, બાકીના 10 ટકાને કામ નથી કરવું અથવા તેમને કોઈ ઉશ્કેરી રહ્યું છે. તેમના કહેવા પ્રમાણે તેમના કારખાનામાં કોઈ કારીગરે રવિવારની રજા માગી નથી. અમે કોઈ પણ ભોગે એક રજા આપી શકીએ તેમ નથી."

કામના કલાકો ઘટાડવા અને સાપ્તાહિક રજા વિશે કરુણેશ રાણપરિયાએ કહ્યું કે "મોટા ભાગના કારીગરો માઇગ્રન્ટ વર્કર છે, તેમને અહીં રહેવાની સુવિધા કારખાનેદારો દ્વારા આપવામાં આવે છે. કામદારો આઠ કલાકની શિફ્ટ અને બાકીના ચાર કલાક ઓવરટાઇમના ગણવા માગે છે, જે અમે આપી શકીએ તેમ નથી."

લેબર કાયદાનો અમલ થવો જરૂરી

બીબીસી ગુજરાતી સુરત એમ્બ્રૉઇડરી વર્કર્સ આંદોલન હડતાલ પોલીસ કારખાનેદારો કામદારો
ઇમેજ કૅપ્શન, કામદાર આગેવાન અજય દુબેએ કહ્યું કે કામદારોને અઠવાડિયામાં એક પેઇડ લીવ મળવી જ જોઈએ

ઍમ્બ્રૉઇડરીના કારખાનેદારોનો દાવો છે કે સામાન્ય કારીગરોને આંદોલનમાં રસ નથી, પરંતુ આ ઉદ્યોગ સાથે સંબંધ ન હોય તેવા લોકો તેમને ઉશ્કેરી રહ્યા છે.

આ વિશે સુરતસ્થિત 'મજદૂર બચાઓ આંદોલન'ના અજય દુબેએ બીબીસીને જણાવ્યું કે "અમે ઍમ્બ્રૉઇડરી યુનિટ માલિકો પાસેથી બીજું કઈ નહીં, પરંતુ માત્ર અમારો હક્ક માગીએ છીએ."

તેમણે કહ્યું કે "અમારી મુખ્ય માગણી છે કે કામના કલાક 12થી ઘટાડીને આઠ કલાક કરવામાં આવે, દર અઠવાડિયે એક રજા અથવા રવિવારની રજા આપવામાં આવે, લેબર કાયદા પ્રમાણે કામદારોને પ્રોવિડન્ટ ફંડ, બૉનસ, ગ્રેચ્યુઇટી જેવા લાભો આપવામાં આવે. આ માગણીઓ અંગે કોઈ પગલાં લેવાયાં નથી તેથી પહેલી ઑક્ટોબરે અમે કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજવાના છીએ. જ્યાં સુધી અમને સરકાર તરફથી અમારી માગણીઓને ધ્યાનમાં લેવાની લેખિતમાં ખાતરી આપવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા ચાલુ રાખીશું."

તેમણે કહ્યું કે "અમે માત્ર એટલું ઇચ્છીએ છીએ કે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ચાર નવા લેબર કોડ બનાવવામાં આવ્યા છે તેનો અમલ કરવામાં આવે. હાલમાં 15 તારીખ સુધી કામદારોને પગાર મળતો નથી."

દરમિયાન રજાના મામલે ઘર્ષણ થયા પછી કેટલીક જગ્યાએ કામદારોએ નોકરી છોડી દીધી હોય અથવા છૂટા કરવામાં આવ્યા હોય તેવું પણ બન્યું છે.

અમરોલીના એક કારખાનામાં કામ કરતા આઝાદ અલીએ કહ્યું કે "તાજેતરમાં જે લોકો ધરણા -પ્રદર્શનમાં ગયા હતા તેમાંથી કેટલાક લોકોને કારખાનેદારોએ છૂટા કરી દીધા છે અને બીજા કેટલાક લોકો જાતે નોકરી છોડી ગયા છે, જેના કારણે મશીનો બંધ પડ્યાં છે."

કામદાર આગેવાન દુબેએ કહ્યું કે, "તાજેતરમાં સુરતમાં એવી ઘટના બની હતી જેમાં માત્ર 10 હજાર રૂપિયાના બાકી નીકળતા પગાર મામલે એક વ્યક્તિએ કાપડ માર્કેટમાં કરોડો રૂપિયાનો માલ સળગાવી દીધો. કામદારોનું શોષણ થાય છે, પરંતુ તેમની વાત સાંભળવામાં આવતી નથી. અત્યારે કામદારો બીજા બધા મુદ્દા પડતા મૂકીને માત્ર એક દિવસની અઠવાડિક રજા માગે છે, તે પણ આપવા માટે તૈયાર નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન