કિરણ મોરેએ એવું શું કર્યું હતું કે જાવેદે કૂદવાનું શરૂ કરી દીધું હતું, મિયાંદાદની કહાણી

જાવેદ મિયાંદાદ 1992ના ક્રિકેટ વર્લ્ડ કપમાં બીજા ક્રમના સૌથી વધુ રન કરનાર ક્રિકેટર હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જાવેદ મિયાંદાદ 1992ના ક્રિકેટ વર્લ્ડ કપમાં બીજા ક્રમના સૌથી વધુ રન કરનાર ક્રિકેટર હતા
    • લેેખક, રશીદ શકૂર
    • પદ, વરિષ્ઠ રમતગમત પત્રકાર
    • દ્વારા રિપોર્ટિંગ, કરાચીથી, બીબીસી હિન્દી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

એક સમય હતો જ્યારે ક્રિકેટનાં મેદાનો પર જાવેદ મિયાંદાદ પોતાની શાનદાર બેટિંગથી જ નહીં, પરંતુ પોતાની રસપ્રદ હરકતો અને આકર્ષક વાતોથી પ્રશંસકોનાં દિલ પર રાજ કરતા હતા.

પરંતુ હવે તેમના સ્વભાવમાં અસાધારણ ગંભીરતા આવી ગઈ છે.

કરાચીના ગિઝરી વિસ્તારમાં આવેલા પોતાના નિવાસસ્થાનમાં ભૂતકાળની સુંદર યાદો સાથે તેઓ શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યા છે. ગત મહિને, 12 જૂને મિયાંદાદ 69 વર્ષના થઈ ગયા છે.

આ ઉંમરે પણ તેઓ પોતાની જૂની સેન્સ ઑફ હ્યૂમર નથી ભૂલ્યા અને તક મળતાં ટુચકા સંભળાવે છે; પોતે પણ હસે છે અને બીજાઓને પણ હસાવી દે છે.

મેં, આપણે બધા જેમને પ્રેમથી જાવેદભાઈ કહીએ છીએ એ જાવેદ મિયાંદાદને પૂછ્યું, "હમણાં કયાં કાર્યો કરો છો?"

જાવેદે જવાબ આપ્યો, "કોઈ ખાસ નહીં. હમણાં તો કશું નથી કરતો. ઘરે જ હોઉં છું. હા, કોઈનું નિમંત્રણ આવે છે, તો તેમની ખુશીમાં ચોક્કસ સામેલ થઈ જાઉં છું."

મેં પૂછ્યું, "આજકાલ ક્રિકેટને ફૉલો કરો છો?" જાવેદ બોલ્યા, "ના. ટીવી પર હાઈલાઇટ્સ આવે તો જોઈ લઉં છું."

ત્યાર પછીનો મારો સવાલ હતો, "તમારા જૂના સાથી ક્રિકેટરો સાથે તો સંપર્ક થતો રહેતો હશે?"

જાવેદનો જવાબ હતો, "રહે છે. જો મળવાનું ન થાય તો ફોનથી એકબીજાના ખબરઅંતર જાણી લઈએ છીએ."

છ વર્લ્ડ કપ રમનાર ખેલાડી

પાકિસ્તાનના દિગ્ગજ બૅટ્સમેન રહેલા જાવેદ મિયાંદાદ આજે 69 વર્ષના થઈ ગયા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનના દિગ્ગજ બૅટ્સમેન રહેલા જાવેદ મિયાંદાદ આજે 69 વર્ષના થઈ ગયા છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અહીં પાકિસ્તાન કસ્ટમ્સ ક્રિકેટ ટીમના પૂર્વ મૅનેજર વકાર હુસૈનનો ઉલ્લેખ કરવો પણ જરૂરી છે, જેઓ જાવેદ મિયાંદાદના સતત સંપર્કમાં રહે છે, બલકે તેમનો નિયમ છે કે તેઓ અઠવાડિયામાં ત્રણ-ચાર દિવસ નિયમિત રીતે જાવેદ મિયાંદાદને મળવા તેમની પાસે જાય છે.

ઘરે ગપ્પાં માર્યા પછી બંને ભોજન કરવા માટે બહાર જતા રહે છે.

મેં વાતચીતને થોડી આગળ વધારી અને પૂછ્યું, "તમે ખેલાડી, કૅપ્ટન અને કોચ તરીકે મેદાન પર રહ્યા છો. થોડા સમય માટે ક્રિકેટ બોર્ડમાં પણ રહ્યા. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના કયા ચેરમૅન સાથે કામ કરવામાં મજા આવી?"

જાવેદ મિયાંદાદે વિના વિલંબ લેફ્ટનન્ટ જનરલ (સેવાનિવૃત્ત) તૌકીર ઝિયાનું નામ લીધું. તેઓ કહેવા લાગ્યા, "જનરલસાહેબની સૌથી મોટી ખૂબી એ હતી કે તેમનામાં વહીવટી સૂઝ-સમજ હતી. તેમને પોતાના સાથીઓ પાસેથી કામ લેતાં આવડતું હતું."

"તેઓ દરેકની વાત અને સૂચન ધીરજથી સાંભળતા હતા અને જે બાબત ક્રિકેટ માટે સારી હતી તેને અમલમાં લાવતા હતા. તેમની સાથે મારે સારું અંડરસ્ટૅન્ડિંગ હતું. તેમના સમયમાં પાકિસ્તાનના ક્રિકેટની ઘણી પ્રગતિ થઈ."

જાવેદ મિયાંદાદ જેવા ક્રિકેટર સાથે ઔપચારિક વાતચીત પછી મારા માટે એ શક્ય નહોતું કે હું એક ખટકે તેઓ સવાલ ન કરું, જે ઘણા સમયથી મારા મનમાં હતો અને આ એ સવાલ હતો, જેના જવાબમાં જાવેદ મિયાંદાદનો સૂર તરત જ બદલાઈ ગયો.

મેં પૂછ્યું, "શું એ વાત સાચી છે કે 1996ના વર્લ્ડ કપની ટીમમાં તમને લેવા માટે પસંદગીકારો પર ખૂબ જ રાજકીય દબાણ હતું?"

જાવેદ ચોંકી ગયા અને કહેવા લાગ્યા, "આવું કોણ કહે છે?"

મેં કહ્યું, "આ હું નથી કહેતો, પરંતુ વસીમ અકરમે પોતાના પુસ્તક સુલ્તાનમાં લખ્યું છે કે અમે એ સમયે સાંભળ્યું હતું કે પસંદગીકારો પર સિંધ પ્રાંતના મુખ્ય મંત્રી સૈયદ અબ્દુલ્લાશાહનું દબાણ હતું કે જાવેદ મિયાંદાદને ટીમમાં પાછા લેવામાં આવે, જેથી તેઓ બધા છ વર્લ્ડ કપ રમનાર પહેલા ખેલાડી બની જાય."

સાંભળીને જાવેદ ભાવુક થઈ ગયા અને કહેવા લાગ્યા, "આખી દુનિયાને ખબર છે કે હું મારી ક્રિકેટ ગૌરવપૂર્ણ રીતે રમ્યો છું, કોઈ ભલામણથી નથી રમ્યો અને કોઈએ ધક્કો મારીને મને આગળ નહોતો વધાર્યો."

"હું જ્યારે પણ રમતો હતો, પાકિસ્તાનની જનતાને મારા પર વિશ્વાસ રહેતો હતો કે જાવેદ ક્રીઝ પર ઊભો છે એટલે મૅચ પણ જિતાડશે અને મૅચ બચાવશે પણ ખરા. તે અલ્લાહનો મારા પર વિશેષ કરમ અને મારાં માતા-પિતાની દુઆઓનું પરિણામ હતું."

મજાકમસ્તીઓ, જેનાથી કોઈ ન બચ્યું

જાવેદ મિયાંદાદ બૅટિંગ ઉપરાંત પોતાની વાતોથી પણ વિરોધી ટીમના ખેલાડીઓને પરેશાન કરતા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જાવેદ મિયાંદાદ બૅટિંગ ઉપરાંત પોતાની વાતોથી પણ વિરોધી ટીમના ખેલાડીઓને પરેશાન કરતા હતા

પૂર્વ ટેસ્ટ ક્રિકેટર હારૂન રશીદ જાવેદ મિયાંદાદના બાળપણના મિત્ર છે. તેઓ જાવેદ મિયાંદાદને એક એવા બાળક તરીકે એળખે છે, જે પોતાની નિર્દોષ મજાકમસ્તીઓના કારણે પ્રખ્યાત રહ્યા છે.

હારૂન રશીદ જણાવે છે, "હું અને જાવેદ કરાચીની ચર્ચ મિશન સ્કૂલમાં ભણતા હતા. આ એ જ સ્કૂલ છે, જ્યાંથી પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદઅલી ઝીણાએ પણ શિક્ષણ મેળવ્યું હતું."

"જાવેદના સૌથી મોટા ભાઈ બશીર મિયાંદાદ અમારી સ્કૂલની ટીમના કૅપ્ટન હતા. જાવેદ મિયાંદાદના બીજા એક ભાઈ હનીફ મિયાંદાદ નવમા ધોરણમાં મારી સાથે હતા, જ્યારે જાવેદ મિયાંદાદ છઠ્ઠા ધોરણમાં હતા."

"બશીર મિયાંદાદ સ્કૂલમાંથી ગયા પછી હું સ્કૂલની ટીમનો કૅપ્ટન બન્યો. બશીરભાઈએ મને કહ્યું કે મારા નાના ભાઈ જાવેદને પણ જોઈ લેજો, તે પણ ખૂબ સારો ક્રિકેટર છે. જ્યારે સ્કૂલની ટીમ બનાવવાનો સમય આવ્યો ત્યારે મેં મારા શિક્ષક સર પૉલ સાથે વાત કરી. તેમણે જ્યારે જાવેદને જોયા તો કહેવા લાગ્યા કે આ તો ખૂબ નાનો છે, જો તેને રમાડ્યો તો દડો વાગી જવાનું જોખમ છે, આને આ વર્ષે ટીમમાં નથી રાખતા."

"બાળપણથી જ જાવેદ અસાધારણ ક્ષમતાઓ ધરાવતા હતા. હું પહેલાં શાહીન જિમખાના તરફથી રમતો હતો, પછી મેં મુસ્લિમ જિમખાનાનું સભ્યપદ લીધું, જ્યાં જાવેદ રમતા હતા. શરૂઆતમાં તો તેઓ એટલા નાના હતા કે તેમની પાસે માત્ર ફીલ્ડિંગ કરાવતા હતા."

હારૂન રશીદ કહે છે, "અમારાં બંનેનાં ઘર એકબીજાની નજીક હતાં. અમે ઘણી વાર જાવેદની બિલ્ડિંગના ધાબા પર ક્રિકેટ રમતા હતા. પરંતુ અમે રમતી વખતે ખૂબ જ અવાજ કરતા હોવાથી પડોશી પરેશાન થઈ જતા હતા અને અમને રમવાની ના પાડી દેતા હતા. જેના લીધે જાવેદને ખૂબ ગુસ્સો આવતો હતો અને તેઓ એ પડોશીના દરવાજે કોઈ ને કોઈ વસ્તુ મૂકીને આવી જતા કે તેઓ અમને ના કેમ પાડે છે."

જાવેદ મિયાંદાદ અને વસીમ અકરમ 1992માં વર્લ્ડ કપ જીતનારી પાકિસ્તાનની ટીમના ભાગ હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જાવેદ મિયાંદાદ અને વસીમ અકરમ 1992માં વર્લ્ડ કપ જીતનારી પાકિસ્તાનની ટીમના ભાગ હતા

હારૂન રશીદે એમ પણ જણાવ્યું, "જ્યારે અમે પાકિસ્તાનની ક્રિકેટ ટીમમાં આવી ગયા, ત્યારે પણ જાવેદની મજાકમસ્તી ઘટી નહોતી. બલકે જ્યારે અમે વિમાનમાં મુસાફરી કરતા હતા ત્યારે તે એવા અવાજો કાઢતા હતા કે નજીકથી પસાર થનારા સ્ટીવર્ડ અને પર્સર એવું સમજતા કે કોઈ જીવજંતુ કે દેડકો તેમના કોટ કે શર્ટમાં આવી ગયો છે અને તેઓ પરેશાન થઈને કોટ અને શર્ટ ઉતારીને જોવા માટે મજબૂર થઈ જતા."

જાવેદ મિયાંદાદની સેન્સ ઑફ હ્યૂમર અને સામેની વ્યક્તિને હેરાન-પરેશાન કરી દેનારી એક ઘટના વસીમ અકરમ સાથે સંબંધ ધરાવે છે.

વસીમ અકરમે પોતાના પુસ્તક સુલ્તાનમાં લખ્યું છે, "જ્યારે હું પહેલી વાર ન્યૂઝીલૅન્ડના પ્રવાસ માટે પાકિસ્તાન ટીમમાં પસંદ થયો ત્યારે મેં જાવેદ મિયાંદાદને ફોન કર્યો, જે કૅપ્ટન હતા. મેં તેમને પૂછ્યું કે આ પ્રવાસમાં મારા કેટલા પૈસાનો ખર્ચ થશે? મારે કેટલા પૈસા સાથે રાખવા પડશે? જાવેદ મિયાંદાદે ખૂબ જ ગંભીરતાથી જવાબ આપ્યો, 'એક લાખ રૂપિયા'."

"આ સાંભળતાં જ વસીમ અકરમ ચિંતામાં પડી ગયા અને બોલ્યા, 'જાવેદભાઈ, આટલી રકમ તો મારી પાસે નથી, તેથી હું આ પ્રવાસ નહીં કરી શકું.' બીજી તરફ જાવેદ મિયાંદાદનું હાસ્ય ગુંજ્યું અને તેઓ બોલ્યા, 'મૂર્ખ! તારે એક પણ પૈસા આપવાની જરૂર નથી, પરંતુ તને રમવા માટે પૈસા મળશે'."

ખેલાડીઓ સાથે તકરાર

જાવેદ મિયાંદાદ પાકિસ્તાનના સૌથી વધારે ચર્ચામાં રહેલા ક્રિકેટર્સમાંના એક છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જાવેદ મિયાંદાદ પાકિસ્તાનના સૌથી વધારે ચર્ચામાં રહેલા ક્રિકેટર્સમાંના એક છે

સુનીલ ગાવસ્કર અને જાવેદ મિયાંદાદ વચ્ચે ગાઢ દોસ્તી છે. ગાવસ્કરે યુવા જાવેદ મિયાંદાદને પહેલી વાર 1975ના વર્લ્ડ કપના પ્રસંગે લંડનની હોટલની લૉબીમાં જોયા હતા, જ્યારે અંગ્રેજી પર પકડ ન હોવાના કારણે તેમને ચાઇનીઝ રેસ્ટોરન્ટનો રસ્તો પૂછવામાં તકલીફ પડી રહી હતી.

ગાવસ્કર જાવેદ મિયાંદાદના મોટા ફૅન પણ રહ્યા છે. તેઓ માત્ર તેમની ક્રિકેટની ક્ષમતાઓનો જ ખુલ્લા દિલે સ્વીકાર નથી કરતા, પરંતુ તેમની સેન્સ ઑફ હ્યૂમરનાં પણ હંમેશાં વખાણ કરતા રહ્યા છે.

તેમને જ્યારે પણ તક મળે છે, તેઓ જાવેદ મિયાંદાદની રસપ્રદ ઘટનાઓ ટીવી શોઝ અને અંગત મહેફિલોમાં તેમના જ અવાજમાં સંભળાવીને સૌને ખૂબ હસાવે છે. તેમાં સ્પીનર દિલીપ દોશી સાથેની મિયાંદાદની વાતચીત મહત્ત્વની છે.

જાવેદ મિયાંદાદે 1982માં ભારત વિરુદ્ધ ઘરેલુ સિરીઝમાં દિલીપ દોશીને ટાર્ગેટ પર રાખ્યા હતા અને તેમના દરેક બૉલ પર તેઓ મજાક ઉડાવતા હતા અને કહેતા હતા: "તમારો રૂમ નંબર કયો છે?"

જ્યારે વાત સહનશક્તિની હદ વટાવી ગઈ ત્યારે શાંત સ્વભાવના દિલીપ દોશીએ કૅપ્ટન ગાવસ્કરને મિયાંદાદની ફરિયાદ પણ કરી હતી.

બીજી એક મૅચમાં જાવેદ મિયાંદાદ વિકેટકીપર કિરણ મોરે દ્વારા સતત કૉમેન્ટ અને અપીલ કરવાના લીધે ખૂબ જ પરેશાન હતા. તેમણે અમ્પાયરને ફરિયાદ પણ કરી, એ દરમિયાન તેમણે એમ પણ કહ્યું, "અહીં માણસ રમી રહ્યા છે."

આ પ્રસંગે મિયાંદાદને કોણ જાણે શું સૂઝ્યું કે ઝડપથી રન લીધા પછી તેમણે પોતાના બૅટને બંને હાથથી પકડીને ઉપર-નીચે કૂદવાનું શરૂ કરી દીધું. હકીકતમાં તે કિરણ મોરેની અપીલ કરવાની સ્ટાઇલની નકલ હતી.

1981માં પાકિસ્તાન ટીમના ઑસ્ટ્રેલિયા પ્રવાસમાં ફાસ્ટ બૉલર ડેનિસ લિલી દ્વારા મિયાંદાદને લાત મારવી અને મિયાંદાદનું બૅટ ફેરવતાં લિલીની તરફ દોડવું સૌને યાદ છે, પરંતુ બીજા એક ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બૉલર મર્વ હ્યૂજ સાથેની મિયાંદાદની તકરાર પણ રસપ્રદ છે.

જાવેદ મિયાંદાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચ પણ રહ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જાવેદ મિયાંદાદ પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચ પણ રહ્યા છે

મિયાંદાદે બૅટિંગ દરમિયાન પોતાની ટેવ પ્રમાણે, મર્વ હ્યૂજને એમ કહીને છંછેડ્યા કે, "તમે એટલા જાડા છો, તમારે ક્રિકેટ ન રમવી જોઈએ. તમે તો બસ, બસ-કંડક્ટર લાગો છો."

મર્વ હ્યૂજ પોતાના ભારે શરીર અને જાડી મૂછોના કારણે ખતરનાક રેસલર જેવા લાગતા હતા, તેમણે મિયાંદાદને તરત જ આઉટ કરી દીધા.

જ્યારે મિયાંદાદ તેમની નજીકથી પસાર થતાં ડ્રેસિંગ રૂમ તરફ જતા હતા ત્યારે મર્વ હ્યૂજે પણ હાથમાં આવેલી તકને જતી ન કરી અને તેમને સંબોધીને કહ્યું: "ટિકિટ પ્લીઝ."

જાવેદ મિયાંદાદ કહે છે, "બેટિંગ હોય કે ફીલ્ડિંગ, હું ચૂપ નહોતો રહેતો અને બોલતો રહેતો હતો, તેનો ઇરાદો વિરોધી ખેલાડીઓને માનસિક રીતે પરેશાન કરવાનો હતો."

"ઑસ્ટ્રેલિયાની ટીમ અહીં આવી હતી. મેં મારી આદત પ્રમાણે, બેટિંગ દરમિયાન ઑસ્ટ્રેલિયન ક્રિકેટર્સ સાથે વાત કરવાની કોશિશ કરી તો ડેવિડ બૂન અને અન્ય ખેલાડીઓએ મોં ફેરવી લીધાં."

"ડીન જોન્સ સાથે મારે સારી દોસ્તી હતી. તેઓ એક મૅચ પહેલાં સુધી મારી સાથે વાત કરતા હતા, પરંતુ પછી તેઓ પણ શાંત દેખાયા, એટલે મેં લાહોરથી કરાચીની ફ્લાઇટ દરમિયાન તેમને પૂછ્યું કે આખરે મામલો શું છે?"

"તો ડીન જોન્સે જવાબ આપ્યો: 'જ્યારે મેં તમારી સાથે વાત કરી હતી, ત્યારે મારી ટીમે મને દંડ કર્યો હતો, કેમ કે, અમે બધાએ મીટિંગમાં એવું નક્કી કર્યું હતું કે મિયાંદાદની કોઈ વાતનો જવાબ નથી આપવાનો, કેમ કે તેઓ આપણું ધ્યાન ભટકાવી દે છે'."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન