ડિલિમિટેશન બિલ : શું આ વખતે મોદી સરકાર તેને પસાર કરાવી શકશે, શું કહે છે ગણિત?

ઇમેજ સ્રોત, AFP via Getty Images
કેન્દ્રીય સરકારની કૅબિનેટે ડિલિમિટેશન સાથે જોડાયેલા સંવિધાન સંશોધન બિલને મંજૂરી આપી દીધી છે.
અગાઉ કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ સંસદનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી હતી. એવી અટકળો છે કે આ દરમિયાન મોદી સરકાર ડિલિમિટેશન (પરિસીમન) સાથે જોડાયેલું બિલ પસાર કરાવવાનો પ્રયાસ કરશે.
હાલ રિજિજૂએ કોઈ ચોક્કસ એજન્ડાનો ઉલ્લેખ કર્યો નથી અને 'ઍક્સ' પર જારી કરેલા નિવેદનમાં વિશેષ સત્રનો હેતુ 'જરૂરી સરકારી કામકાજ પૂર્ણ કરવાનો' હોવાનું જણાવ્યું છે.
વિપક્ષી 'ઇન્ડિયા' ગઠબંધનની ભાગીદાર પાર્ટીઓમાંની એક એનસીપી (શરદ પવાર)નાં નેતા સુપ્રિયા સુળેએ બે દિવસ પહેલાં આપેલા નિવેદનથી આ ચર્ચાને વધુ વેગ મળ્યો હતો કે, "જો આ દેશનાં હિતમાં હશે તો તેના પર પણ સર્વસંમતિ થઈ શકે છે." જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે, "અમને હજી સુધી કંઈ ખબર નથી, પહેલાં બિલ આવવા દો."
નવાં બિલો રજૂ થવાના અહેવાલો વચ્ચે આ મુદ્દે ચર્ચા તેજ થઈ ગઈ છે કે શું બંધારણ સંશોધન બિલ પસાર કરાવવા માટે બીજેપીના નેતૃત્વવાળા સત્તારૂઢ ગઠબંધન એનડીએ પાસે બે-તૃતીયાંશ બહુમતી છે? કારણ કે આ જ વર્ષે એપ્રિલમાં થયેલા મતદાનમાં બે-તૃતીયાંશ બહુમતી ન મળવાને કારણે આ બિલ પસાર થઈ શક્યું નહોતું.
કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રીના જણાવ્યા અનુસાર, લોકસભાની બેઠક 30 નવેમ્બરે અને રાજ્યસભાની 2 ડિસેમ્બરે યોજાશે તથા 3 ડિસેમ્બરે આ વિશેષ સત્રનું સમાપન થઈ શકે છે.
એપ્રિલમાં શું થયું હતું?

ઇમેજ સ્રોત, ANI
મહિલા અનામત કાયદા અને ડિલિમિટેશન સંબંધિત 131મું બંધારણીય સુધારણા વિધેયક 17 એપ્રિલ, 2026ના રોજ લોકસભામાં નામંજૂર થયું હતું.
સંસદમાં મહિલાઓને 33 ટકા અનામત આપતા કાયદામાં સુધારા અને ડિલિમિટેશન સંબંધિત વિધેયકોના સમર્થનમાં જ્યારે મતદાન થયું ત્યારે તરફેણમાં 298 મત પડ્યા હતા, જ્યારે વિરોધમાં 230 મત પડ્યા હતા. 11 સાંસદો ગેરહાજર રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બંધારણ સંશોધન વિધેયક પસાર કરવા માટે લોકસભામાં ઓછામાં ઓછી બે-તૃતીયાંશ બહુમતી હોવી જરૂરી છે. ગયા એપ્રિલમાં લોકસભામાં 528 સભ્યો હાજર હતા અને વિધેયક પસાર કરાવવા માટે 352 મતોની જરૂર હતી. આમ, બિલ પસાર કરાવવા માટે 55 મતોની અછત રહી હતી.
ત્યારબાદ સરકારે પરિસીમન અને કેન્દ્રશાસિત પ્રદેશો સંબંધિત અન્ય બે વિધેયકોને પણ આગળ વધાર્યા નહોતા.
પરંતુ આ વખતે મોદી સરકાર આ વિધેયકને નવેસરથી સંસદમાં રજૂ કરી શકે છે અને તેને પસાર કરાવવા માટે સંપૂર્ણ પ્રયાસ કરશે.
'ઇન્ડિયન એક્સપ્રેસ' અનુસાર, કેન્દ્ર સરકારને બે-તૃતીયાંશ બહુમતી મળવાની આશા એટલા માટે છે કે અગાઉ 'ઇન્ડિયા' ગઠબંધનનો ભાગ રહેલી ડીએમકે તરફથી આ બિલના સમર્થનના સંકેત મળ્યા છે.
અખબારે સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે ડીએમકે ઇચ્છે છે કે તામિલનાડુની લોકસભા બેઠકોમાં હાલનો અંદાજિત 7.2 ટકા હિસ્સો જાળવી રાખવાની ખાતરી આપવામાં આવે.
હાલનું ગણિત શું છે?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હાલમાં લોકસભામાં કુલ 540 સાંસદો છે. આવી સ્થિતિમાં બે-તૃતીયાંશ બહુમતીનો આંકડો 360 સુધી પહોંચે છે. લોકસભા ચૂંટણી 2024માં એનડીએને 293 બેઠકો મળી હતી.
પરંતુ તૃણમૂલ કૉંગ્રેસના 20 વિદ્રોહી સાંસદો અલગ થઈને એનડીએને સમર્થન જાહેર કરતા આ આંકડો બદલાયો છે.
આ જ વર્ષે જૂનમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના છ સાંસદોએ પક્ષપલટો કરીને શિંદે જૂથમાં જોડાયા હતા, જે પહેલેથી જ એનડીએના સહયોગી છે. આ રીતે એનડીએની સંખ્યા વધીને 319 થઈ ગઈ હતી.
ડીએમકેએ અગાઉ ડિલિમિટેશન સાથે જોડાયેલા બિલનો વિરોધ કર્યો હતો, પરંતુ આ વખતે તેણે સમર્થનના સંકેતો આપ્યા છે.
શુક્રવારે ડીએમકેના પ્રવક્તા ટીકેએસ એલાનગોવને સમાચારસંસ્થા 'એએનઆઈ'ને કહ્યું, "જો આ (નવું) વિધેયક અમને સ્વીકાર્ય હશે, તો અમે તેનું સમર્થન કરીશું. પહેલાં વિધેયક આવવા દો."
લોકસભામાં ડીએમકેના 22 સાંસદો છે. તામિલનાડુમાં હાર પછી કોંગ્રેસ અલગ થઈ જતાં ડીએમકેએ 'ઇન્ડિયા' ગઠબંધનનો સાથ છોડી દીધો હતો.
'ઇન્ડિયન એક્સપ્રેસ' અનુસાર, ડીએમકેના એક નેતાએ સ્વીકાર્યું હતું કે સરકારે તેમની સાથે સંપર્ક કર્યો હતો અને જો તામિલનાડુની લોકસભા બેઠકોમાં હાલનો અંદાજિત 7.2 ટકા હિસ્સો જાળવી રાખવાની ખાતરી મળે, તો પાર્ટી પરિસીમનને સમર્થન આપી શકે છે.
એનસીપી (શરદ પવાર)નાં નેતા સુપ્રિયા સુળેએ બિલના સમર્થનના સંકેતો આપ્યા હતા, જોકે શુક્રવારે તેમણે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. લોકસભામાં પાર્ટીના આઠ સાંસદો છે.
સુપ્રિયા સુળેએ ગયા બુધવારે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું, "વિપક્ષે ભૂતકાળમાં અનેક મુદ્દાઓનું સમર્થન કર્યું છે, જેમ કે પહલગામ મુદ્દો, જીએસટી બિલ, મહિલા અનામત બિલ. અમે તેને સર્વસંમતિથી પસાર કરાવ્યા હતા. દેશહિતમાં ચર્ચા થવી જોઈએ."
જો લોકસભામાં મંજૂરી મળી જાય, તો વિધેયક રાજ્યસભાની બેઠકમાં રજૂ કરવામાં આવે તેવી અપેક્ષા છે. 245 સભ્યો ધરાવતી રાજ્યસભામાં એનડીએના 142 સાંસદો છે. બંધારણ સુધારણા માટે 161 સભ્યોના સમર્થનની જરૂર પડશે. આવી સ્થિતિમાં સત્તારૂઢ ગઠબંધનને 19 સાંસદોના સમર્થનની જરૂર છે.
રાજ્યસભામાં ડીએમકેના આઠ અને એનસીપી (શરદ પવાર)ના એક સાંસદ છે. પ્રાદેશિક પક્ષો સહિત એનડીએ બહારના પક્ષોના અંદાજિત 100 સાંસદો છે. બીજેપીને વિશ્વાસ છે કે તે પૂરતી સંખ્યા એકત્ર કરવામાં સફળ રહેશે.
સ્ટાલિને શું કહ્યું?

ઇમેજ સ્રોત, @mkstalin
તામિલનાડુના પૂર્વ મુખ્ય મંત્રી અને ડીએમકેના નેતા એમકે સ્ટાલિને કહ્યું છે કે ડીએમકે ભારતમાં પ્રથમ એવી પાર્ટી હતી, જેણે પરિસીમનનાં સંભવિત પરિણામોને લઈને અવાજ ઉઠાવ્યો હતો.
તેમણે 'ઍક્સ' પરની એક પોસ્ટમાં લખ્યું છે કે ન્યાયસંગત પરિસીમનની માંગને લઈને રાષ્ટ્રીય નેતાઓને એક મંચ પર લાવવા માટેની પ્રથમ બેઠક પણ ચેન્નાઈમાં જ યોજાઈ હતી.
તામિલનાડુ વિધાનસભામાં પસાર થયેલા ઠરાવ અને ન્યાયસંગત પરિસીમન માટે સંયુક્ત કાર્યસમિતિની બેઠકમાં સ્વીકારાયેલા ઠરાવ મુજબ, અમારી બે સ્પષ્ટ માંગણીઓ હતી:
"જો લોકસભા બેઠકોની સંખ્યા વધારવામાં આવે, તો કોઈ પણ પરિસ્થિતિમાં તામિલનાડુનો હાલનો 7.18 ટકા હિસ્સો ઓછો થવો જોઈએ નહીં, અને વર્ષ 1971ની જનગણના આધારે નક્કી થયેલ અને અગાઉથી સ્થિર રાજ્યો વચ્ચે લોકસભામાં પ્રતિનિધિત્વનો હાલનો અનુપાત આગામી 25 વર્ષ સુધી પણ યથાવત્ રહેવો જોઈએ."
સ્ટાલિને લખ્યું, "ડીએમકે આજે પણ આ બંને માંગણીઓ પર અડગ છે અને આગળ પણ અડગ રહેશે. અમારા વલણમાં કોઈ ફેરફાર થયો નથી અને કોઈ પણ પ્રકારના સમાધાનનો પ્રશ્ન જ ઊભો થતો નથી. મીડિયામાં ફેલાવવામાં આવી રહેલી અટકળો અને વિશ્વાસઘાત કરનારાઓના નિવેદનો અમારા વલણને કોઈ પણ રીતે પ્રભાવિત કરી શકતા નથી."
વિપક્ષે શું કહ્યું?
વિપક્ષી 'ઇન્ડિયા' ગઠબંધનના નેતાઓએ ડિલિમિટેશન બિલને લઈને કડક પ્રતિક્રિયા વ્યક્ત કરતાં સરકારને ચેતવણી આપી છે.
કૉંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું છે કે સંપૂર્ણપણે સ્પષ્ટ છે કે સંસદનું વિશેષ સત્ર મહિલા અનામત માટે નથી, કારણ કે મહિલા અનામત વ્યવસ્થા પહેલેથી જ કાયદો બની ચૂકી છે.
જયરામ રમેશે 'ઍક્સે' પર એક પોસ્ટમાં કહ્યું, "વિશેષ સત્રનો વાસ્તવિક હેતુ મતવિસ્તારોનું મનસ્વી રીતે પરિસીમન કરવાનો છે જેથી લોકોનો અવાજ દબાવી શકાય."
તેમણે પ્રશ્ન કર્યો, "મતવિસ્તારોની સીમાઓ નક્કી કરવાની જવાબદારી કોને સોંપવામાં આવશે?"
કૉક્રોચ જનતા પાર્ટીના આશુતોષ રાંકાએ જણાવ્યું છે કે ૩૦ નવેમ્બરે યોજાનારી સંસદીય કાર્યવાહી પર સમગ્ર દેશની નજર રહેશે.
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ડિલિમિટેશન બિલને મોદી સરકારની સૌથી મોટી ભૂલ ગણાવી છે.
તેમણે 'ઍક્સ' પર લખ્યું, "પરિસીમન ભાજપની રાજનીતિની સૌથી મોટી ભૂલ સાબિત થશે."
રાષ્ટ્રીય જનતા દળના સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા મનોજ ઝાએ ડિલિમિટેશનના બહાને રાજકીય પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો છે.
તેમણે 'ઍક્સ' પર લખ્યું, "આ સ્પષ્ટ હોવું જોઈએ કે પ્રસ્તાવિત પરિસીમનની પ્રક્રિયા માત્ર બેઠકોની સંખ્યા વધારવા સુધી મર્યાદિત નથી. વધુ મોટી ચિંતા રાજકીય હેતુસર મતવિસ્તારોની સીમાઓમાં ફેરફાર કરવાની શક્યતા છે."
"જો આ પ્રક્રિયા બંધારણીય સિદ્ધાંતો અને લોકશાહી નિષ્પક્ષતાના બદલે રાજકીય પક્ષપાતના આધારે કરવામાં આવશે, તો તે પ્રતિનિધિત્વાત્મક લોકશાહી, સંઘીય સંતુલન અને રાષ્ટ્રીય એકતાને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે."
મમતા બેનરજી જૂથનાં ટીએમસી સાંસદ સાગરિકા ઘોષે 'ઍક્સ' પર લખ્યું, "નરેન્દ્ર મોદી સરકાર પરિસીમન વિધેયક લાવી રહી છે, જેનો હેતુ ભાજપને તમામ મતવિસ્તારોનો નકશો પોતાના ચૂંટણીલક્ષી ફાયદા અનુસાર ફરીથી તૈયાર કરવાની તક આપવાનો છે. ત્યારબાદ સરકાર દાવો કરી રહી છે કે આ બધું કોઈ રીતે 'નારી શક્તિ' અથવા 'મહિલા પ્રતિનિધિત્વ' માટે કરવામાં આવી રહ્યું છે."
તેમણે લખ્યું, "પરિસીમન વિધેયક કંઈ બીજું નથી, પરંતુ સત્તા પર નિર્લજ્જ રીતે કબજો જમાવવાનો પ્રયાસ છે, જેને સાડીમાં લપેટીને રજૂ કરવામાં આવી રહ્યો છે. આ માત્ર ભાજપની લોકશાહી પ્રત્યેની અવગણનાને જ ઉજાગર કરતું નથી, પરંતુ મહિલાઓ પ્રત્યેના તેના તિરસ્કાર અને અપમાનજનક વલણને પણ દર્શાવે છે."
રાજકીય વિશ્લેષક યોગેન્દ્ર યાદવે 'ઍક્સ' પર પોતાનો એક લેખ શૅર કરતાં લખ્યું, "એપ્રિલમાં ભાજપનો પ્રથમ પ્રયાસ વિપક્ષ નિષ્ફળ બનાવી ચૂક્યો છે. હવે વિપક્ષને સત્તારૂઢ પક્ષની બીજી વ્યૂહરચના એટલે કે 'પ્લાન B'નો સામનો કરવાની તૈયારી કરવી પડશે. તેના હેઠળ રાજ્યોની લોકસભા બેઠકોમાં હિસ્સેદારી બદલવામાં નહીં આવે, પરંતુ ચૂંટણીનો નકશો એવી રીતે ફરીથી તૈયાર કરવામાં આવશે કે ભાજપને લાંબા સમય સુધી ચૂંટણીલક્ષી ફાયદો મળતો રહે."
"આસામ અને જમ્મુ-કાશ્મીરમાં પરિસીમન દ્વારા સત્તારૂઢ પક્ષને મોટા ચૂંટણીલક્ષી ફાયદા મળ્યાના સંકેતો પહેલેથી જ જોવા મળ્યા છે. મતવિસ્તારોની સીમાઓમાં એવો ફેરફાર કરવાની પ્રક્રિયા, જેના દ્વારા કોઈ ચોક્કસ પક્ષને ફાયદો પહોંચે, તેને 'ગેરીમેન્ડરિંગ' (ચૂંટણી ક્ષેત્રની સીમા જાણબૂઝીને બદલવી) કહેવામાં આવે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























