ગુજરાત : બારડોલીમાં મહારાષ્ટ્રના પરિવારને કૅનાલમાં ફેંકી દેવાતાં ત્રણનાં મોત, બે બાળકો હજી લાપતા

બારડોલીમાં મહારાષ્ટ્રથી આવેલા એક પરિવારને કેનાલમાં ફેંકી દેવાતા ત્રણના મોત, બે બાળકો હજુ લાપતા બીબીસી ગુજરાતી સુરત ગુજરાત દક્ષિણ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, ઉવા ગામ નજીક એક પરિવારની કારને આંતરીને ચાર શખ્સોએ સમગ્ર પરિવારને કૅનાલમાં ફેંકી દીધો હોવાની ઘટના પોલીસના ચોપડે નોંધાઈ છે.
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવા ગામ નજીક એક અત્યંત ક્રૂર અને ગંભીર ઘટના સામે આવી છે. અહીં ઉકાઈની કૅનાલમાં એક શ્રમજીવી પરિવારના તમામ સભ્યોને જીવતા ફેંકી દેવામાં આવ્યા હતા. જેમાં માતાપિતા સહિત 3 લોકોનાં મોત થયાં છે, જ્યારે એક બાળકનો આબાદ બચાવ થયો છે અને હજી 2 બાળકો લાપતા છે.

સુરતસ્થિત બીબીસી સંવાદદાતા અજિત ગઢવીના જણાવ્યા અનુસાર, ઉવા ગામ નજીક એક પરિવારની કારને આંતરીને ચાર શખ્સોએ સમગ્ર પરિવારને કૅનાલમાં ફેંકી દીધો હોવાની ઘટના પોલીસના ચોપડે નોંધાઈ છે. આ પરિવાર મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, કૅનાલમાં ફેંકી દેવાયેલા પરિવારજનોમાંથી એક બાળકે પોતે તરીને જીવ બચાવ્યો હતો અને તેણે લોકોને આ ઘટના વિશે જાણ કરી હતી.

બચી ગયેલા બાળકે પોલીસને જણાવ્યું હતું કે, "મારી સાથે મારો 16 વર્ષનો મોટો ભાઈ અને નવ વર્ષની નાની બહેન પણ હતાં. સેજવાડ ગામ પાસે ઉકાઈની કૅનાલમાં અમને ફેંકી દેવામાં આવ્યાં હતાં. પણ હું તરીને બહાર નીકળી ગયો હતો."

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે, એક બાળકનો બચાવ થયો છે, જ્યારે હજી પણ બે બાળકોની શોધખોળ ચાલી રહી છે.

બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી. એન. જાડેજાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, બારડોલી અને નવસારી વિસ્તારમાં કૅનાલમાં મૃતદેહો તથા લાપતા બાળકોની શોધખોળ ચાલુ છે.

તેમણે ઉમેર્યું હતું કે, "આખા પરિવારને કૅનાલમાં ફેંકીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. હાલ આ બાબત પોલીસ માટે તપાસનો મુખ્ય વિષય છે."

બીજી તરફ, હજી પણ બે બાળકો લાપતા હોવાથી સમગ્ર ઘટના અંગે રહસ્ય ઘેરાયું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત ગ્રામ્ય પોલીસે હત્યાની પણ આશંકા વ્યક્ત કરી છે. આ સમગ્ર રહસ્યમય ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે અલગ-અલગ આઠ ટીમો બનાવીને સઘન તપાસ શરૂ કરી છે.

શું છે સમગ્ર મામલો?

બારડોલીમાં મહારાષ્ટ્રથી આવેલા એક પરિવારને કેનાલમાં ફેંકી દેવાતા ત્રણના મોત, બે બાળકો હજુ લાપતા બીબીસી ગુજરાતી સુરત ગુજરાત દક્ષિણ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, આ સમગ્ર રહસ્યમય ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે અલગ-અલગ આઠ ટીમો બનાવીને સઘન તપાસ શરૂ કરી છે.

પોલીસ ઍફઆઇઆર મુજબ, નીતિન પાટીલ, તેમનાં પત્ની કવિતા અને નવ વર્ષની પુત્રી સ્વીટી પાટીલના મૃતદેહ મળ્યા છે. હજી બે બાળકો પ્રથમેશ અને હરીશની શોધખોળ ચાલી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, મૂળ મહારાષ્ટ્રના જલગાંવ નજીક એરંડોલમાં આવેલી એક ફૅક્ટરીમાં મજૂરી કરતો આ પરિવાર 21 નવેમ્બરે સુરત જવા માટે કારમાં નીકળ્યો હતો.

એફઆઈઆરમાં જણાવાયું હતું કે, 22 નવેમ્બરની રાત્રે આ પરિવાર સુરત જઈ રહ્યો હતો, ત્યારે ઉવા ગામ પાસે ચાર શખ્સોએ તેમની કાર અટકાવી હતી. એફઆઈઆરની વિગતો પ્રમાણે, આ ચાર શખ્સોમાં ખાંડિયો, આભા, બંટી અને અન્ય એક વ્યક્તિ સામેલ હતી. આ લોકોએ પરિવારજનોને બળજબરીથી બીજી કારમાં બેસાડ્યા હતા અને લઈ ગયા હતા.

પોલીસના જણાવ્યા પ્રમાણે, કારમાં બેસાડ્યા પછી આરોપીઓએ તમામ લોકોને કૅનાલમાં ફેંકી દીધા હતા. 13 વર્ષનો એક છોકરો પાણીની પાઇપલાઇન પકડીને બહાર નીકળી આવ્યો હતો. આ બાળકે નજીકની એક હોટલે પહોંચીને પોતાની આપવીતી જણાવી હતી અને પોલીસનો સંપર્ક કર્યો હતો.

પોલીસ શું કહે છે?

બારડોલીમાં મહારાષ્ટ્રથી આવેલા એક પરિવારને કેનાલમાં ફેંકી દેવાતા ત્રણના મોત, બે બાળકો હજુ લાપતા બીબીસી ગુજરાતી સુરત ગુજરાત દક્ષિણ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સુરત (ગ્રામીણ)ના એસપી રાજેશ ગઢિયાએ મીડિયાને જણાવ્યું હતું કે, "સવારે 112 નંબર પર એક કૉલ આવ્યો હતો. તેથી 112ની ગાડી ઘટનાસ્થળે ગઈ હતી અને પોલીસ 13 વર્ષના એક બાળકને પોલીસ સ્ટેશને લઈ આવી હતી. એ બાળક મરાઠીમાં વાત કરતો હતો. તેની સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું હતું કે, તેઓ પરિવાર સાથે કામ અર્થે મહારાષ્ટ્રથી સુરત આવી રહ્યા હતા."

"બાળકનાં માતાપિતા અને ભાઈબહેન સહિતના તમામ લોકો એક ગાડીમાં હતાં. ત્યાર પછી રાત્રે અન્ય એક ગાડી તેમની પાછળ આવી હતી. અજાણ્યા શખ્સોએ તેનાં માતાપિતા અને બે વર્ષના એક બાળકને બીજી ગાડીમાં બેસાડ્યાં હતાં, જ્યારે આ બાળકોને અલગ ગાડીમાં બેસાડ્યાં હતાં. એ ગાડીમાં એક વ્યક્તિ ડ્રાઇવર સીટની બાજુમાં બેઠી હતી અને બીજી વ્યક્તિ ગાડી ચલાવી રહી હતી."

રાજેશ ગઢિયાના જણાવ્યા અનુસાર, "બાળકનું કહેવું છે કે, તેની સાથે તેનો 16 વર્ષનો મોટો ભાઈ અને નવ વર્ષની નાની બહેન પણ હતાં. સેજવાડ ગામ પાસે ઉકાઈની કૅનાલમાં તેમને ફેંકી દેવામાં આવ્યાં હતાં. આ બાળકને પણ કૅનાલમાં ફેંકી દેવાયું હતું, પણ તે તરીને બહાર નીકળી ગયું હતું."

આ ઘટનાની માહિતી મળતાં પોલીસે બાળકની સૌથી મોટી બહેનનો સંપર્ક કર્યો હતો, જે પુખ્ત વયની છે.

એસપી રાજેશ ગઢિયાએ ઉમેર્યું હતું કે, "અમારી એક ટીમ મહારાષ્ટ્ર જઈને બાળકની મોટી બહેનને અહીં લઈ આવી હતી અને તેની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ખૂબ જ ગંભીર ઘટના છે. આ મામલે અમારી અલગ-અલગ છ ટીમો તપાસ કરી રહી છે."

"તપાસ માટે ટેકનિકલ ટીમ ઉપરાંત એલસીબી, એસઓજી, પેરોલ-ફર્લો સ્ક્વૉડ, લોકલ ડે-સ્ટાફ અને એક ડિવિઝનલ ડીવાયએસપીની ટીમ સહિતની અલગ-અલગ ટીમો બનાવીને કામ કરવામાં આવી રહ્યું છે."

એસપી રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, "આરોપીઓની ઓળખ થઈ ગઈ છે. તેમને સત્વરે ઝડપી લઈને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ તપાસ ચાલુ છે. બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ આ મામલે તપાસ કરી રહ્યા છે અને તેનું સુપરવિઝન બારડોલી ડીવાયએસપી રાઠોડ કરી રહ્યા છે. બાકીની ટીમ તેમની મદદમાં છે."

આ પરિવાર કોણ હતો?

બારડોલીમાં મહારાષ્ટ્રથી આવેલા એક પરિવારને કેનાલમાં ફેંકી દેવાતા ત્રણના મોત, બે બાળકો હજુ લાપતા બીબીસી ગુજરાતી સુરત ગુજરાત દક્ષિણ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, લાપતા બે બાળકોની શોધ ચાલી રહી છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસે કૅનાલમાં શોધખોળ શરૂ કરી હતી.

એસપી રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, "મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં આવેલા એરંડોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ પરિવારના લોકો નીકળ્યા હતા."

"આ કેસમાં બીજી જે ગાડીનો ઉલ્લેખ છે, તે પણ તેમના જ કોઈ પરિચિતની હતી. ફરિયાદમાં પણ એવું સામે આવ્યું છે."

"તે શખ્સોએ બચી ગયેલા બાળકનાં માતાપિતાને એ ગાડીમાં બેસાડી દીધાં હતાં અને તેમનાં ત્રણ બાળકોને બીજી ગાડીમાં બેસાડ્યાં હતાં."

"ત્યાર પછી મહુવા વિસ્તારમાંથી કૅનાલમાંથી બાળકની માતાનો અને તેની નાની બહેનનો પણ મૃતદેહ મળી આવ્યો છે."

"આ કૅનાલ આગળ નવસારી રૂરલ અને જલાલપોર વિસ્તાર તરફ જાય છે."

"અમે ત્યાંના પોલીસ સ્ટેશનના અધિકારીઓ સાથે પણ સાતત્યપૂર્ણ સંપર્કમાં છીએ. આ મામલે કોઈ પણ નવી માહિતી મળે તો તેઓ તાત્કાલિક અમારો સંપર્ક કરે, જેથી અમે આગળની કાયદેસરની કાર્યવાહી કરી શકીએ."

આરોપીઓની શોધખોળ ચાલી રહી છે તેથી તેમનો પક્ષ જાણવા મળ્યો નથી. જ્યારે તેમનો પક્ષ જાણવા મળશે ત્યારે અહીં ઉમેરો કરવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન