અમદાવાદમાં દિલજિત દોસાંઝના કૉન્સર્ટમાં મોંઘા ગોલ્ડ પાસ લઈને ફોન ચોરી કરવાના આરોપમાં દિલ્હીની ગૅંગ કેવી રીતે ઝડપાઈ?

દિલજિત દોસાંઝ, બીબીસી ગુજરાતી, અમદાવાદ પોલીસ
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

અમાદાવાદ ખાતે 21 નવેમ્બરે દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોટી સ્ટેડિયમમાં પંજાબી સિંગર દિલજિત દોસાંઝનો કૉન્સર્ટ યોજાયો જેમાં કેટલાક લોકોના મોબાઇલ ચોરાયાનું સામે આવ્યું હતું.

દિલજિત દોસાંઝના કૉન્સર્ટ બાદ અમદાવાદના મોટેરા પોલીસ સ્ટેશનમાં ચોરીની 70 ફરિયાદો નોંધાઈ હતી.

આ કૉન્સર્ટમાં ચોરાયેલા મોબાઇલ ફોનના મામલામાં પોલીસે બે આરોપીઓને પકડ્યા છે.

આ આરોપીઓ દિલ્હીના હોવાની માહિતી પોલીસે આપી છે.

અમદાવાદ પોલીસે કૉન્સર્ટમાં લાખો લોકો પહોંચવાની સંભાવનાને જોતાં કડક બંદોબસ્ત કર્યા હતા.

કૉન્સર્ટ ખતમ થવાના સમયે લોકો બહાર નીકળતા હતા તે સમયે ફોન ચોરીની ફરિયાદ વધતા પોલીસને આરોપીઓ પર શંકા ગઈ હતી.

પોલીસ અનુસાર, આ આરોપીઓ દિલ્હીના દરિયાગંજના વિસ્તારના છે તેઓ મોંઘા પાસ ખરીદીને, મોંઘા કપડાં પહેરીને માત્ર ફોન ચોરવા માટે દિલ્હીથી ટેક્સીમાં બેસી અમદાવાદ આવ્યા હતા.

આ ચાર વ્યક્તિઓના ગ્રૂપમાંથી બે લોકોની અમદાવાદ પોલીસે ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

તેમજ પોલીસને કહેવું છે કે રિમાન્ડ બાદ આ ગૅંગના મુખ્ય સૂત્રધારને પકડી આંતરરાજ્ય ફોન ચોરીનું મોટું નેટવર્ક પકડી શકાશે.

ત્યારે આ આરોપીઓએ કેવી રીતે આ ચોરીને અંજામ આપ્યો અને કેવી રીતે તેમણે સીસીટીવીના ચક્રવ્યૂહનો ભેદ્યો જાણીશું આ અહેવાલમાં.

શું છે સમગ્ર મામલો ?

દિલજીતના કૉન્સર્ટમાં મોંઘા પાસ ખરીદી ટેક્સીમાં મોબાઈલ ફૉન ચોરવા દિલ્હીથી આવતી ગેંગ કેવી રીતે પકડાઈ?
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમદાવાદમાં 21 નવેમ્બર શનિવારે રાત્રે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલા દિલજિત દોસાંઝના કૉન્સર્ટમાં ગુજરાતનાં અલગ-અલગ શહેરો જ નહીં દેશભરમાંથી લોકો આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં યુવાનો હતા.

આ કૉન્સર્ટની લોકપ્રિયતા એટલી હતી કે તેના પાસ અગાઉથી જ વેચાઈ ગયા હતા.

જોકે આ કૉન્સર્ટ પૂરો થતાં જ એવી ચોરીની ઘટનાઓ સામે આવી. કૉન્સર્ટમાં ચોરીની 10 કે 15 નહીં પણ 70 ફરિયાદો નોંધાઈ.

અમદાવાદના મોટેરા પોલીસ સ્ટેશનમાં મોંઘા મોબાઇલ ફોન ચોરી થયાની 70 ફરિયાદો આવી ત્યારબાદ મોટેરા પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તાત્કાલિક ઍક્શનમાં આવી ગઈ હતી.

તપાસ શરૂ કરતાં મેટ્રો સ્ટેશન પાસે મોંઘાં કપડાં પહેરી, માથે સાફો બાંધીને ફરી રહેલા બે લોકોની હિલચાલ શંકાસ્પદ લાગતાં પોલિસે તેમની ધરપકડ કરીને 24 જેટલા ફોન કબ્જે કર્યા છે.

દિલ્હીથી માત્ર ફોન ચોરવા અમદાવાદ આવી ચોરી કરતા પકડાયેલા બે લોકોના પાંચ દિવસ માટે રિમાન્ડ પણ મંજૂર કરાયા છે.

પોલીસને મળેલી 70 ફોન ચોરીની ફરિયાદમાંથી કેટલાકના ફોનના આઈએમઈઆઈ નંબર નહીં હોવાથી એને ફોન પોર્ટલ પરથી 64 ફોનની જાણકારી મળતા આ ફોન સર્વેલન્સ પર મુકાયા છે.

અમદાવાદ પોલીસે કેવી રીતે આરોપીઓને ઓળખ્યા?

દિલજીતના કૉન્સર્ટમાં મોંઘા પાસ ખરીદી ટેક્સીમાં મોબાઈલ ફૉન ચોરવા દિલ્હીથી આવતી ગેંગ કેવી રીતે પકડાઈ?
ઇમેજ કૅપ્શન, મોટેરા પોલીસ સ્ટેશનના પીઆઈ આરવી વીંછી

મોટેરા પોલીસ સ્ટેશનના પીઆઈ આરવી વીંછીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, આ કૉન્સર્ટમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેથી પોલીસ અગાઉથી સતર્ક હતી.

"દરેક ઍન્ટ્રી પૉઇન્ટ પર ચેકિંગ થતું હતું, મોટી સંખ્યામાં પોલીસ હાજર હતી. પરંતુ રાત્રે આ કૉન્સર્ટ જેવો પત્યો અને લોકો બહાર નીકળી રહ્યા હતા ત્યારે અચાનક પોલીસ સ્ટેશનમાં ફોન ચોરાયાની ફરિયાદો આવવા લાગી."

"આ ફરિયાદોમાં એક વાત કૉમન હતી કે ચોરાયેલા ફોનોમાં મોટેભાગે બે જાણીતી કંપનીના જ મોંઘા ફોન હતા અને લગભગ બધી ફરિયાદ સૌથી મોંઘી ટિકિટ ગોલ્ડ પાસધારકોની હતી, તેમનું કહેવું હતું કે અહીં આવેલી ગૅલેરીના ફૂડ સ્ટૉલ અને મેટ્રો ટ્રેન તરફ જવાના ઍક્ઝિટ પાસેથી ફોન ચોરાયા છે."

પોલીસનું કહેવું છે કે "તે વખતે અમે એક નિર્ણય લઈ લીધો કે ફોન ચોર ગોલ્ડ પાસની ગૅલેરીથી ઍક્ઝિટ થઈ રહ્યો હોવો જોઈએ એટલે અમારી તપાસનો દાયરો ઘટાડીને બધું ધ્યાન ગોલ્ડ પાસના ઍક્ઝિટ સ્પૉટ પર ગોઠવી દીધું."

"ત્યાં અમારી ટીમની નજર બે લોકો પર ગઈ, જે કૉન્સર્ટમાંથી બહાર નીકળ્યા હતા."

"તેમજ માથે સાફા પહેરેલા હતા અને તેઓ મેટ્રો સ્ટેશન પાસે ફરતા હતા. પરંતુ મેટ્રો ટ્રેન પકડવા અંદર જતા ન હતા."

પીઆઈ જણાવે છે કે, "અમને પહેલી શંકા એ લોકો પર ગઈ એટલે પહેલા તેમને કોર્ડન કરી તપાસ કરી તો તે બે શખ્સો પાસેથી 24 ફોન નીકળ્યા, બધા જ ફોન બે જાણીતી કંપનીના મોંઘા ફોન હતા."

પીઆઈ આરવી વીંછીનું કહેવું છે કે ભીડમાં અફરા-તરફી ન થાય એટલે એમને અમે તાત્કાલિક પોલીસ સ્ટેશન લઈ ગયા.

તેમણે કહ્યું કે અમે તે શખ્સોની પૂછપરછ શરૂ કરી ત્યારે ખબર પડી કે એ લોકો દિલ્હીથી ઍરકંડિશન ટૅક્સી કરી અમદાવાદ આવ્યા હતા.

મોબાઇલ ચોરીના આરોપીઓ કેવી રીતે સીસીટીવીથી બચતા રહ્યા?

પીઆઈ આરવી વીંછી કહે છે "ટૅક્સીમાં આવવા પાછળનું એમનું ગણિત એ હતું કે ભાડાની ટૅક્સી પીળી નંબર પ્લેટવાળી હોય એટલે ટોલનાકાના સીસીટીવીમાં પોલીસની નજરમાંથી બચી શકાય."

"કુલ ચાર શખ્સો દિલ્હીથી શનિવારે સવારે 11 વાગ્યે અમદાવાદ પહોંચ્યા હતા."

"અહીં આવીને તેમણે બપોરે સારી હોટલમાં ભોજન લીધું અને અમદાવાદમાં ફર્યા."

"ત્યારબાદ તેમને નક્કી કરેલી થોડી મોંઘી રેસ્ટોરાંમાં સાંજે છ વાગ્યે જમી પોતાની સાથે લાવેલા મોંઘાં કપડાં એજ રેટોરાંના વૉશરૂમમાં બદલ્યા."

"આ ચારેય ચોરો એટલા શાતિર હતા કે જો હોટલમાં રોકાય તો પુરાવા આપવા પડે અને પોલીસના હાથે પકડાઈ પણ શકાય એટલે તેઓએ આ પદ્ધતિ અપનાવી હતી."

"ત્યારબાદ તે લોકો કૉન્સર્ટ જોવા આવનાર બીજા લોકોની વચ્ચે ભળી જવાય અને સ્ટેડિયમ પર લાગેલા સીસીટીવીમાં તેમના ચહેરા ન ઓળખાય તેથી માથે સાફા બાંધ્યા હતા."

"તેમણે પહેલેથી જ લીધેલા ગોલ્ડ પાસના કારણે ઍન્ટ્રી લઈ લીધી, આ ચારેયની નજર બે જાણીતી કંપનીના ફોન જેની કિંમત એક લાખથી વધુ છે, તેવા મોબાઇલ ફોન કોની પાસે છે એના પર નજર હતી."

"આ લોકો મોબાઇલ ફોન ચોરી કરીને એક બીજાને આપતા રહ્યા. પરંતુ તેમણે ચોરી કરવાની શરૂઆત 10:30 વાગ્યા પછી ફૂડ સ્ટૉલ અને ત્યારબાદ લોકો નીકળતા હોય અને ભીડભાડ વધુ હોય તેવાં સ્થળોએ ચોરી કરવાનું શરૂ કર્યું."

પીઆઈ વીંછી કહે છે કે આની પાછળ એ લોકોનું ગણિત એવું હતું કે ફૂડ સ્ટૉલ પર નાસ્તો કરીને બહાર જતી વખતે એમનું ધ્યાન ના હોય અને ભીડભાડને કારણે પોલીસ તેમને પકડી શકે નહીં.

"તેવામાં અમારી પાસે ફોન ચોરીની ફરિયાદો આવવાની શરૂ થઈ, ત્યારે અમે તાત્કાલિક એનાલિસિસ કર્યું કે મોટાભાગની ફરિયાદો ગોલ્ડ પાસ ધરાવનારા લોકોની હતી"

"અને બધા ફોન મોંઘા હતા, એટલે અમે તપાસનો દાયરો ગોલ્ડ પાસધારકો સુધીમાં સીમિત કરી દીધો. જેથી અમે ફોન ચોરને આસાનીથી પકડી શકીએ. પરંતુ ભીડભાડને કારણે એમની ટોળકીના બે લોકો ભાગી ગયા."

આરોપીઓએ શું કબૂલ્યું?

દિલજીતના કૉન્સર્ટમાં મોંઘા પાસ ખરીદી ટેક્સીમાં મોબાઈલ ફૉન ચોરવા દિલ્હીથી આવતી ગેંગ કેવી રીતે પકડાઈ?

પીઆઈ આરવી વીંછી કહે છે કે આ લોકો દિલ્હીના દરિયાગંજ વિસ્તારના છે અને અહીં આવેલા ખાબસપુરામાં એક ચાની હોટલ પર મળતા હતા.

"વાલિદ નામના એક માણસ સાથે અમદાવાદ ફૉન ચોરી કરવા આવ્યા હતા."

"આ લોકો માત્ર કૉન્સર્ટ જ નહીં, પરંતુ ક્રિકેટ મૅચ હોય કે બીજા કોઈ કાર્યક્રમ હોય તેમાં દેશભરમાં ચોરી કરવા જતા હતા. તેમજ મોંઘા પાસ ખરીદતા હતા."

"કારણ કે જે લોકો મોંઘા પાસ ખરીદે એમાંથી મોટાભાગના લોકો પાસે મોંઘો ફોન હોય અને મોંઘા કપડાં પહેર્યાં હોય એટલે કોઈને એમના પર ઝડપથી શંકા જાય નહીં."

"અત્યારે પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા બે આરોપી મહંમદ સુઆઇલ ગુલઝાર અને અશરફ હુસૈન ઇદ્રીશ છે અને તેઓ તેમના કોઈ સાથીને જાણતા નથી તે દાવો કરે છે."

"અને પોતે પ્રથમ વખત એમના સાથી વાલિદના કહેવાથી અમદાવાદ આવ્યા હોવાની વાત કરે છે."

"તપાસમાં સહકાર આપતા નથી એટલે અમે એમના 27 નવેમ્બર સુધી પાંચ દિવસના રિમાન્ડ લીધા છે, રિમાન્ડ બાદ દેશભરમાં ફેલાયેલું આ મોબાઇલ ચોરીનું નેટવર્ક પકડી પાડીશું."

શું કહે છે ગુલઝારના પરિજન?

પોલીસ જયારે મહંમદ સુઆઇલ ગુલઝારના રિમાન્ડ માટે લઈ ગઈ ત્યારે પોલીસે તેના ભાઈ મોહમદ ઇસ્માઇલ ગુલઝારનો સંપર્ક સાધ્યો હતો.

એ સમયે બીબીસીએ તેમની સાથે ફોન પર વાતચીત કરી તો તેમણે કહ્યું કે આરોપીનો ભાઈ ભૂતકાળમાં દિલ્હીમાં જાહેરનામા ભંગથી માંડી નાના ગુનામાં પકડાયો હતો.

"કોઈ કામ ધંધો કરતો નથી એટલે કુટુંબ સાથે એનો કોઈ સંબંધ નથી."

"કોઈ એની મદદ માટે ગુજરાત નહીં આવે".

જયારે અશરફ ઇદ્રિશના પરિવારના સભ્યો સાથે સંપર્ક થઈ શક્યો ન હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન