સોનામાં ભેળસેળ કેવી રીતે થયા છે, હૉલમાર્ક કેટલું વિશ્વસનીય અને ઘરેણાં ખરીદતા આ ધ્યાન રાખવું

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ગુરપ્રીત સૈની
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
હાલમાં લગ્નોની સિઝન ચાલી રહી છે અને ઘણા પરિવારો સોનું ખરીદી રહ્યા છે. ખરીદી કરતી વખતે મોટા ભાગના લોકો ઘરેણાંની શુદ્ધતા માટે તેના પર લાગેલા હૉલમાર્ક પર વિશ્વાસ રાખે છે.
મીડિયામાં તાજેતરમાં સામે આવેલા કૅગના એક ડ્રાફ્ટ અહેવાલને ટાંકીને કહેવાયું છે કે હૉલમાર્કિંગની દેખરેખમાં ખામી રહી છે.
અહેવાલો અનુસાર, 2020-21થી 2024-25 વચ્ચે બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઇએસ)એ 83 ટકાથી વધુ નોંધાયેલા જ્વેલર્સનું નિર્ધારિત વાર્ષિક નિરીક્ષણ કર્યું નહોતું.
નિરીક્ષણ ન થવાનો અર્થ એવો નથી કે બજારમાં વેચાતું દરેક ઘરેણું ઓછી શુદ્ધતાવાળું છે. સવાલ એ છે કે હૉલમાર્ક લગાવ્યા પછી નિયમોના પાલન પર કેટલી નજર રાખવામાં આવે છે.
આ દરમિયાન સોનામાં રેનિયમ જેવી ભારે ધાતુ ભેળવવાની પણ ચર્ચા થઈ રહી છે. આગળ આપણે જાણીશું કે આ ધાતુ શું છે, દાવો શું છે અને જાણકારો શું કહે છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (ડબલ્યુજીસી) અનુસાર, ત્રણ મહિનામાં સોનું 15 ટકાથી વધુ સસ્તું થયું છે અને લગ્નોની સિઝન ઘરેણાંની માગને ટેકો આપી શકે છે. આવી સ્થિતિમાં ખરીદદારો માટે એ જાણવું જરૂરી છે કે શુદ્ધતા કેવી રીતે ચકાસવામાં આવે છે.
બીઆઇએસએ ખરીદદારોને શું સલાહ આપી છે?
બીઆઇએસએ સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં ખરીદદારોને કહ્યું છે કે સોનાનાં ઘરેણાં ખરીદતી વખતે તેની ચમકની સાથે શુદ્ધતાની પ્રમાણિતતા પણ સુનિશ્ચિત કરો.
બીઆઇએસએ નકલી હૉલમાર્કિંગથી બચવા માટે ઘરેણાં પર અંકિત એચયુઆઇડીને બીઆઇએસ કેર ઍપ દ્વારા ચકાસવાની સલાહ આપી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીઆઇએસએ ખરીદદારોને 'સજાગ રહેવા', એચયુઆઇડી ચકાસવા અને બીઆઇએસ હૉલમાર્ક ધરાવતાં ઘરેણાં જ ખરીદવા કહ્યું છે.
આ પોસ્ટ સામાન્ય સલાહ છે. તેમાં કૅગના અહેવાલ કે રેનિયમનો કોઈ ઉલ્લેખ નથી.
હૉલમાર્ક શું છે અને શુદ્ધતા કેવી રીતે ચકાસવામાં આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
હૉલમાર્કિંગનો અર્થ ઘરેણાંમાં રહેલા સોનાની માત્રાની તપાસ કરીને તેનો સત્તાવાર રેકૉર્ડ તૈયાર કરવો છે.
આ માટે જ્વેલર બીઆઇએસમાં પોતાની નોંધણી કરાવે છે અને ઘરેણાંને બીઆઇએસથી માન્યતાપ્રાપ્ત એએચસીમાં મોકલે છે.
એએચસી એટલે અસેઇંગ ઍન્ડ હૉલમાર્કિંગ સેન્ટર, જ્યાં સોનાની શુદ્ધતાની તપાસ કરવામાં આવે છે. નક્કી કરેલાં ધોરણો પૂરાં થાય તો કેન્દ્ર ઘરેણાં પર હૉલમાર્ક લગાવે છે.
1 જુલાઈ, 2021થી હૉલમાર્ક પર ત્રણ વસ્તુ હોય છે. બીઆઇએસનો લોગો, કૅરેટ અને શુદ્ધતા દર્શાવતો આંકડો, જેમ કે 22 કે 916, અને છ અક્ષરો તથા અંકોથી બનેલો એચયુઆઇડી કોડ.
દરેક ઘરેણાંનો એચયુઆઇડી અલગ હોય છે. 22 કૅરેટનો અર્થ એ છે કે ઘરેણાંમાં આશરે 91.6 ટકા સોનું છે.
રેનિયમની ચર્ચા શા માટે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગયા અઠવાડિયે દૈનિક ભાસ્કરની એક તપાસમાં દાવો કરવામાં આવ્યો હતો કે સોનામાં રેનિયમનો પાઉડર ભેળવ્યા પછી પણ ઘરેણું શુદ્ધતાની તપાસમાં પાસ થઈ ગયું.
આ દાવાની અધિકારીઓએ સ્વતંત્ર રીતે પુષ્ટિ કરી નથી. મીડિયા અહેવાલોમાં પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ પ્રયોગ મોટા પાયે ભેળસેળ થતી હોવાનો પુરાવો નથી.
રેનિયમ અંગેની ચિંતા માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી. ચીનમાં પણ રેનિયમ મિશ્રિત સોના અંગે ફરિયાદો સામે આવી છે. ધ સ્ટ્રેટ્સ ટાઇમ્સ અનુસાર, ત્યાંની સરકારી ચૅનલ સીસીટીવીએ 26 એપ્રિલે આ અંગે અહેવાલ આપ્યો હતો.
રેનિયમ પહેલાં પણ સોનામાં બીજી ધાતુઓની ભેળસેળ અંગે ચિંતા રહી છે. 2005માં લોકસભામાં સરકારે જણાવ્યું હતું કે રૂથેનિયમ અને ઇરિડિયમ જેવી ધાતુઓની ભેળસેળ શોધવા માટે બીઆઇએસએ ધોરણમાં ફેરફાર કર્યો છે.
રેનિયમ ખૂબ ભારે ધાતુ છે અને તેની ચમક ચાંદી જેવી હોય છે. તે 3,186 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પીગળે છે. સમાન કદના ટુકડાઓની સરખામણી કરવામાં આવે તો રેનિયમ શુદ્ધ સોના કરતાં થોડું વધુ ભારે હોય છે.
જેટ એન્જિનના ટર્બાઇન બ્લેડ બનાવવામાં વપરાતી સુપરઍલૉયમાં તેનો ઉપયોગ થાય છે. પેટ્રોલિયમ રિફાઇનિંગ જેવાં ઔદ્યોગિક કામોમાં પણ તેનો ઉપયોગ થાય છે.
ભેળસેળ માટે તેનો ઉપયોગ થવાની ચર્ચાનું એક કારણ તેની કિંમત પણ હોવાનું કહેવાય છે. રેનિયમ સોનાની સરખામણીએ ઘણું સસ્તું હોવાનું કહેવાય છે.
મશીન કેવી રીતે ચૂકી શકે?

ઇમેજ સ્રોત, Getty Images
એક તપાસમાં દાવો કરવામાં આવ્યો હતો કે સોનામાં રેનિયમનો પાઉડર ભેળવ્યા પછી પણ ઘરેણું શુદ્ધતાની તપાસમાં પાસ થઈ ગયું.
સોનું ગ્રામ પ્રમાણે વેચાય છે. જો કોઈ વ્યક્તિ તેમાં સસ્તી અને ભારે ધાતુ ભેળવી દે તો ઘરેણાંનું વજન જળવાઈ રહે છે અને તેમાં ઓછું અસલી સોનું વાપરવું પડે છે. આ રીતે ઓછું વપરાયેલા સોનાની કિંમત તેની પાસે રહી જાય છે.
ઑલ ઇન્ડિયા જ્વેલર્સ ઍન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશન એટલે કે એઆઇજેજીએફના રાષ્ટ્રીય અધ્યક્ષ પંકજ અરોરાએ બીબીસી હિન્દીને કહ્યું કે ઘરેણાંમાં આવી ધાતુઓ ભેળવવાના કિસ્સા પહેલાં પણ સામે આવતા રહ્યા છે.
તેમના જણાવ્યા અનુસાર, "પહેલાં આ પ્રકારના પાઉડર એક્સઆરએફ મશીનની તપાસમાં પકડાઈ જતા હતા. તેથી આ અંગે ક્યારેય આટલી ચિંતા થઈ નહોતી."
ઍક્સઆરએફનો અર્થ 'એક્સ-રે ફ્લોરેસન્સ' છે. આ ટેકનૉલૉજીમાં ઍક્સ-રેની મદદથી ઘરેણાંની સપાટી પર રહેલી ધાતુઓ અને તેમની માત્રાની જાણ કરવામાં આવે છે.
પંકજ અરોરાનો દાવો છે કે રેનિયમના મામલે સમસ્યા અલગ છે. તેમના અનુસાર, સોનું આશરે 1,064 ડિગ્રી સેલ્સિયસ પર પીગળી જાય છે, જ્યારે રેનિયમને પીગળવા માટે 3,000 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન જોઈએ છે.
તેથી રેનિયમ સોનામાં સંપૂર્ણપણે ઓગળતું નથી અને ઘરેણાંમાં કોઈ એક જગ્યાએ રહી શકે છે.
તેઓ કહે છે, "મશીન આખા ઘરેણાને સ્કૅન કરતું નથી. તે માત્ર જ્યાં મૂકવામાં આવે છે તે જ જગ્યાની તપાસ કરે છે. હૉલમાર્ક સેન્ટરમાં પણ કેટલીક જગ્યાએ જ તપાસ થાય છે."
"જો તપાસ કરવામાં આવતી જગ્યાએ પાઉડર હાજર ન હોય તો ઘરેણું તપાસમાં પાસ થઈ શકે છે. મશીન સાચું હોઈ શકે છે, પરંતુ શક્ય છે કે મશીન જે જગ્યાની તપાસ કરી રહ્યું છે ત્યાં પાઉડર ન હોય."
મીડિયા અહેવાલો અનુસાર, તકનીકી રીતે એક્સઆરએફ તપાસની કેટલીક મર્યાદા પણ છે. તેનું પરિણામ ઉપયોગમાં લેવાયેલા મશીન, તેની સેટિંગ અને તપાસ વખતની પરિસ્થિતિઓ પર આધાર રાખી શકે છે.
ગ્રાહકોનાં જૂનાં ઘરેણાંની તપાસ અંગે બીઆઇએસની 2022ની માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે એક્સઆરએફથી માત્ર ઘરેણાંની સપાટી પર રહેલા સોનાની માત્રા જાણી શકાય છે.
જોકે, બધા જાણકારો એ વાત સાથે સહમત નથી કે આવી ભેળસેળ તપાસમાંથી બચી શકે છે.
ઓલ બુલિયન ઍન્ડ જ્વેલર્સ ઍસોસિયેશનના અધ્યક્ષ યોગેશ સિંગલાએ સમાચાર એજન્સી આઇએએનએસને કહ્યું કે આવી ભેળસેળ હૉલમાર્કિંગ અને એક્સઆરએફ તપાસમાં પકડાઈ શકે છે.
તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પર થતા દાવાઓથી બિનજરૂરી ડર ફેલાઈ રહ્યો છે. તેમના અનુસાર, ઇરિડિયમ અને રૂથેનિયમ અંગે આવી ચિંતાઓ ઘણા દાયકાથી સામે આવતી રહી છે.
શું તમારું ઘરેણું જોખમમાં છે?
હાલ એવો કોઈ પુરાવો નથી કે આ પ્રકારની ભેળસેળ મોટા પાયે ફેલાઈ ચૂકી છે.
ઑલ ઇન્ડિયા જેમ ઍન્ડ જ્વેલરી ડૉમેસ્ટિક કાઉન્સિલ એટલે કે જીજેસીએ નિવેદન બહાર પાડીને કહ્યું છે કે ગભરાવાની જરૂર નથી અને બીઆઇએસ આ મામલાને ગંભીરતાથી જોઈ રહ્યું છે.
જીજેસીના અધ્યક્ષ રાજેશ રોકડેએ કહ્યું કે ભેળસેળની શંકા હોય તો જીજેસી અથવા સીધી બીઆઇએસને ફરિયાદ કરી શકાય છે.
તેમણે લોકોને વિશ્વસનીય જ્વેલર પાસેથી ઘરેણાં ખરીદવા અને બીઆઇએસ કેર ઍપ દ્વારા હૉલમાર્ક ચકાસવાની સલાહ આપી છે.
જાણકારોનું કહેવું છે કે લગ્ન જેવી મોટી ખરીદી વખતે હૉલમાર્કની તપાસ ચોક્કસ કરવી જોઈએ.
સોનું ખરીદતાં પહેલાં કેવી રીતે તપાસ કરવી?

ઇમેજ સ્રોત, Getty Images
બીઆઇએસ કેર ઍપથી એચયુઆઇડી તપાસ કરો. બીઆઇએસ અનુસાર, પ્લે સ્ટોર અથવા ઍપ સ્ટોરમાંથી બીઆઇએસ કેર ઍપ ડાઉનલોડ કરો અને તેમાં 'એચયુઆઇડી ચકાસો' વિકલ્પ પસંદ કરો.
ત્યાર પછી ઘરેણાં પર લખેલો છ અક્ષરો અને અંકોથી બનેલો એચયુઆઇડી કોડ દાખલ કરો.
ઍપમાં દેખાતી માહિતી ઘરેણાં સાથે સરખાવો. તેમાં જ્વેલરનો નોંધણી નંબર, ઘરેણાંની તપાસ કરનાર હૉલમાર્કિંગ સેન્ટર, ઘરેણાંનો પ્રકાર અને સોનાની શુદ્ધતા દર્શાવવામાં આવશે.
બીઆઇએસની સલાહ છે કે ઘરેણાંનું કુલ વજન, હૉલમાર્કની તસવીર અને ઘરેણાંની તસવીર પણ જુઓ. જો કોઈ માહિતી મેળ ન ખાતી હોય તો એ જ ઍપ દ્વારા ફરિયાદ કરો.
પાકું જીએસટી બિલ લો. તેના પર કૅરેટ, વજન અને એચયુઆઇડી સ્પષ્ટ રીતે લખેલાં હોવાં જોઈએ. કાચું બિલ લેવાથી તમે તમારો સૌથી મહત્ત્વનો પુરાવો ગુમાવી દો છો. વિશ્વસનીય જ્વેલર પાસેથી ઘરેણું ખરીદો.
પંકજ અરોરાની સલાહ છે કે પેઢીથી જાણીતા જ્વેલર પાસેથી ખરીદી કરો, જેથી બિલ ખોવાઈ જાય કે કોઈ વિવાદ થાય તો સમસ્યાનો ઉકેલ મેળવી શકાય.
શંકા હોય તો ઘરેણાંની ફરી તપાસ કરાવો. બીઆઇએસથી માન્યતાપ્રાપ્ત હૉલમાર્કિંગ સેન્ટરમાં અમુક ફી ચૂકવીને ઘરેણાંની તપાસ કરાવી શકાય છે. ત્યાંથી તેની લેખિત રિપોર્ટ પણ મળે છે.
તમારા અધિકાર જાણો. બીઆઇએસના નિયમો અનુસાર, જો હૉલમાર્ક ધરાવતું ઘરેણું તેના પર લખેલી શુદ્ધતા કરતાં ઓછું શુદ્ધ નીકળે તો જ્વેલરે શુદ્ધતામાં રહેલી ખામીની રકમના બમણા પૈસા અને તપાસની ફી ખરીદદારને પરત આપવી પડશે.
ભેળસેળવાળું સોનું ક્યાંથી આવે છે?
પંકજ અરોરાનું કહેવું છે કે બૅન્કના માર્ગે આવતા સોનામાં સમસ્યા થતી નથી.
તેમના અનુસાર, દેશમાં 11-12 નિયુક્ત એજન્સીઓ બૅન્ક મારફતે સોનાની આયાત કરે છે અને દરેક બાર પર નંબર હોય છે, જેથી કોણે તેની નિકાસ કરી હતી તેની જાણ રહે છે.
તેમનો દાવો છે કે સમસ્યા દાણચોરી મારફતે આવતા સોના સાથે છે.
તેમણે કહ્યું, "આયાત શુલ્ક વધ્યા પછી ગેરકાયદેસર સોનું આવવા લાગ્યું. તેની પાછળ કોઈ જવાબદાર હોતું નથી અને તેની શુદ્ધતાની કોઈ ગૅરંટી આપતું નથી."
આ તેમનો પોતાનો અંદાજ છે. બીબીસી હિન્દીએ તેની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરી નથી.
જ્વેલર્સ માટે તેમનું સૂચન છે કે જથ્થાબંધ સોનું ખરીદતી વખતે તેમાંથી એક ગ્રામનો ટુકડો કાપીને હથોડીથી ખૂબ પાતળો કરી નાખો અને પછી મશીનમાં તેની તપાસ કરો.
તેમના અનુસાર, હથોડીથી પીટવાથી અંદર દબાયેલી ધાતુ ફેલાઈ જાય છે અને મશીન તેને પકડી શકે છે.
ઉદ્યોગની માગ અને બીઆઇએસની બેઠક
ઇકૉનૉમિક ટાઇમ્સના અહેવાલ અનુસાર, ઇન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ ઍસોસિયેશન એટલે કે આઇબીજેએએ બીઆઇએસને એક આવેદનપત્ર આપ્યું છે.
તેમાં અગાઉથી જાણ કર્યા વિના નિરીક્ષણ કરવાની અને તપાસ વધુ કડક બનાવવાની માગ કરવામાં આવી છે.
ઍસોસિયેશને આશરે 4,000 એવા રિફાઇનરોને પણ બીઆઇએસની દેખરેખ હેઠળ લાવવાની માગ કરી છે, જેઓ નોંધણી કરાવ્યા વિના કામ કરી રહ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























