શરદ પવારની પાર્ટીના નેતાની જાહેરાત: ડિલિમિટેશન બિલનું કરશે સમર્થન - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, BBC News
સંસદના વિશેષ સત્રમાં કેન્દ્ર સરકાર દ્વારા ડિલિમિટેશન (સીમાંકન) બિલ રજૂ કરવામાં આવે તેવી અટકળો વચ્ચે શરદ પવારની પાર્ટી રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી - શરદચંદ્ર પવારના એક નેતાએ આ બિલને સમર્થન આપવાની જાહેરાત કરી છે.
પાર્ટીના વરિષ્ઠ નેતા જિતેન્દ્ર આવ્હાડે સ્પષ્ટ કર્યું હતું કે, તેમની પાર્ટી ડિલિમિટેશન બિલની તરફેણમાં છે અને તેને ટેકો આપશે.
સમાચાર સંસ્થા એએનઆઇ સાથેની વાતચીતમાં જિતેન્દ્ર આવ્હાડે જણાવ્યું હતું કે, "ડિલિમિટેશન એક બંધારણીય વ્યવસ્થા છે. તેને આજે નહીં તો કાલે પણ લાગુ કરવી જ પડશે. અમારું વલણ એકદમ સ્પષ્ટ છે. ડિલિમિટેશનને સમર્થન આપવાનો નિર્ણય લેવાયો છે અને અમે તેને ટેકો આપીશું."
બીજી તરફ, સંસદના વિશેષ સત્રમાં ડિલિમિટેશન બિલ રજૂ થવાની ચર્ચા વચ્ચે 'ઇન્ડિયા' (INDIA) ગઠબંધનના ઘટક પક્ષોની શનિવારે સવારે 11:30 વાગ્યે એક બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં બિલ અંગે વિપક્ષની આગળની રણનીતિ પર ચર્ચા થવાની શક્યતા છે.
કૉંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે. સી. વેણુગોપાલે પણ આ બેઠકની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, બેઠકમાં આગળની રણનીતિ નક્કી કરવા સાથે કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવશે.
પૂર્વ સીજેઆઈ બી. આર. ગવઈએ રાષ્ટ્રપતિ મુર્મૂને લખ્યો પત્ર, જજોની નિમણૂક પર ઉઠાવ્યા સવાલ

ઇમેજ સ્રોત, ANI
ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (સીજેઆઈ) બી. આર. ગવઈએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પત્ર લખીને સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટમાં જજોની નિમણૂક પ્રક્રિયા સામે સવાલો ઉઠાવ્યા છે.
પૂર્વ સીજેઆઈ ગવઈએ 27 નવેમ્બરે લખેલા ત્રણ પાનાંના પત્રમાં કૉલેજિયમની કામગીરી સામે સવાલો ઊભા કરતાં જણાવ્યું હતું કે, એક વિશેષ સામાજિક વર્ગના ઉમેદવારોને નિમણૂક અને બઢતી (પદોન્નતિ) માટે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. જ્યારે અન્ય વર્ગો—ખાસ કરીને વંચિત સમુદાયોના ઉમેદવારોની ઉપેક્ષા કરવામાં આવી રહી છે.
'બાર ઍન્ડ બેન્ચ'ના અહેવાલ મુજબ, આ પત્રમાં જણાવાયું છે કે આવી નિમણૂકોના કારણે માત્ર વંચિત વર્ગો (અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ, લઘુમતી અને મહિલાઓ)ના ઉમેદવારોને તક નથી મળી રહી એવું નથી, પરંતુ સામાન્ય વર્ગના એવા લોકોને પણ અણદેખા કરવામાં આવી રહ્યા છે જેઓ એ 'ખાસ' સમુદાયમાંથી નથી આવતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે પત્રમાં આગળ ઉમેર્યું હતું કે, "મારી વાતને એ રીતે ન સમજવી જોઈએ કે હું સમાજના કોઈ વર્ગની વિરુદ્ધમાં છું. મારી વાત માત્ર એટલી જ છે કે સામાન્ય વર્ગના ઉમેદવારોને પણ યોગ્ય અને સમાન રીતે તક મળવી જોઈએ."
"મારો હંમેશાં એવો પ્રયાસ રહ્યો છે કે તમામ વર્ગો વચ્ચે યોગ્ય સંતુલન જળવાઈ રહે. પરંતુ હવે એવી પરિસ્થિતિ નિર્માણ પામી છે, જેનાથી એવી ધારણા મજબૂત બને છે કે એક જ સમુદાયને ખુશ કરવા અને તેને ફાયદો પહોંચાડવા માટે સતત ભલામણો કરવામાં આવી રહી છે."
બી. આર. ગવઈએ રાષ્ટ્રપતિ મુર્મૂને આ મામલે યોગ્ય પગલાં ભરવા અપીલ કરી હતી, જેથી દેશના ન્યાયતંત્રમાં દરેક વર્ગને યોગ્ય પ્રતિનિધિત્વ મળી શકે.
'નામ ભલે ડિલિમિટેશન બિલ હોય, પરંતુ આ વાસ્તવમાં બીજેપી જિતાડો બિલ છે', આપના સાંસદ સંજયસિંહે શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આમ આદમી પાર્ટી (આપ)ના રાજ્યસભા સાંસદ સંજયસિંહે શુક્રવારે જણાવ્યું હતું કે, તેમનો પક્ષ ડિલિમિટેશન (સીમાંકન) બિલનો લોકસભા અને રાજ્યસભા બંનેમાં જોરદાર વિરોધ કરશે.
સંજય સિંહે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક વીડિયો જાહેર કરીને પોતાની વાત રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે, જો ડિલિમિટેશન બિલ પસાર થઈ જશે, તો ભારતીય જનતા પાર્ટી પોતાના હિસાબે મતવિસ્તારોનું નિર્ધારણ કરશે.
સંજયસિંહે ઉમેર્યું હતું કે, "આ બિલનું નામ ભલે ડિલિમિટેશન બિલ હોય, પરંતુ આ વાસ્તવમાં 'બીજેપી જિતાડો બિલ' છે. જો ડિલિમિટેશન બાદ બેઠકોની સંખ્યા વધશે, તો દેશમાં મતવિસ્તારોનું નિર્ધારણ કોણ કરશે? મતવિસ્તારોનું નિર્ધારણ જ્ઞાનેશકુમારની જેમ બેઠેલો ભાજપનો જ એક એજન્ટ કરશે. હોઈ શકે કે તે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ હોય કે અન્ય કોઈ હોય, હું નથી જાણતો, પરંતુ કામ એ જ કરશે જે જ્ઞાનેશકુમારની જેમ તેમનો એજન્ટ હશે."
તેમણે આરોપ લગાવ્યો હતો કે, આસામ અને જમ્મુ-કાશ્મીરમાં પણ ડિલિમિટેશનના નામે ભાજપે છેતરપિંડી કરી હતી.
સંજયસિંહે આગળ કહ્યું હતું કે, "મેં સાંભળ્યું છે કે ડીએમકે આ બિલના સમર્થનમાં જઈ રહી છે. જો તેવું કરશે તો ડીએમકે પોતાના જ પગ પર કુહાડો મારવા જઈ રહી છે. જો ડીએમકેએ આ બિલનું સમર્થન કર્યું, તો ઇતિહાસ તેને ક્યારેય માફ નહીં કરે. વિપક્ષના જે પક્ષો આ બિલના સમર્થનમાં આવી રહ્યા છે, તેમને પણ ઇતિહાસ ક્યારેય માફ નહીં કરે."
સંજયસિંહે સ્પષ્ટ કર્યું હતું કે, આમ આદમી પાર્ટી આ બિલના વિરોધમાં છે અને સંસદના બંને ગૃહોમાં તેનો જોરદાર વિરોધ કરશે.
ડિલિમિટેશન બિલને સમર્થન આપવાના પ્રશ્ન પર શું બોલ્યાં સુપ્રિયા સુળે? - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI Video Grab
નૅશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી-શરદચંદ્ર પવાર (એનસીપી-એસસીપી)એ પોતાના તમામ લોકસભા સાંસદોને 30 નવેમ્બરથી 4 ડિસેમ્બર, 2026 સુધી સંસદમાં ફરજિયાત હાજર રહેવા માટે 'થ્રી-લાઇન વ્હિપ' જાહેર કર્યો છે.
આ પહેલાં કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજૂએ સંસદનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી હતી. ચર્ચા એવી છે કે આ દરમિયાન મોદી સરકાર ડિલિમિટેશન બિલ પસાર કરાવવાનો પ્રયાસ કરી શકે છે.
સંસદના વિશેષ સત્ર દરમિયાન ડિલિમિટેશન વિધેયક રજૂ થવાની અટકળો વચ્ચે એનસીપી-એસસીપીનાં સાંસદ સુપ્રિયા સુળેની પ્રતિક્રિયા પણ સામે આવી છે.
સુપ્રિયા સુળેને પૂછવામાં આવ્યું હતું કે, ડિલિમિટેશન વિધેયકને એનસીપી-એસસીપી સમર્થન આપશે કે નહીં?
તેના જવાબમાં તેમણે કહ્યું, "જ્યાં સુધી એજન્ડા મળતો નથી ત્યાં સુધી હું કંઈ કહી શકતી નથી. મેં બિલ જોયું નથી... મને તેના (ડિલિમિટેશન વિધેયક) વિશે કંઈ ખબર નથી."
આ પહેલાં તેમણે જણાવ્યું હતું કે, તેમની પાર્ટી શિસ્તબદ્ધ છે અને વિશેષ સત્રની જાહેરાત થયાના દિવસે જ વ્હિપ જાહેર કરી દેવામાં આવ્યો હતો.
સુપ્રિયા સુળેનું કહેવું હતું કે, તેમણે હજી બિલ જોયું નથી અને બિલ જોયા પહેલાં તેઓ તેના વિશે કોઈ અભિપ્રાય આપશે નહીં.
જયરામ રમેશે કહ્યું, 'જ્ઞાનેશકુમારને મતવિસ્તારની સીમાઓ નક્કી કરવાનો અધિકાર કેવી રીતે આપી શકાય?'

ઇમેજ સ્રોત, ANI
કૉંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું છે કે એ હવે સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે કે સંસદનું ખાસ સત્ર મહિલા અનામત માટે નથી, મહિલા અનામત પહેલાંથી જ કાયદો બની ચૂક્યો છે, પરંતુ પીએમ-એચએમ જોડીએ તેને ત્રણ વર્ષથી વધુ સમયથી પડી રહેવા દીધું છે.
"ખાસ સત્રનો વાસ્તવિક હેતુ લોકોના અવાજને દબાવવા માટે મનસ્વી રીતે મતવિસ્તારોનું સીમાંકન કરવાનો છે," જયરામ રમેશે ઍક્સ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું.
તેમણે પૂછ્યું, "મતવિસ્તારોની સીમાઓ દોરવાની જવાબદારી કોને સોંપવામાં આવશે? શું તે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને આપી શકાય, જેઓ સંપૂર્ણપણે પ્રશ્નના ઘેરામાં છે અને ખરાબ રીતે ખુલ્લા પડી ગયા છે?"
"જેમણે મતદાર યાદીઓ તૈયાર કરવાની સમગ્ર પ્રક્રિયાની મજાક ઉડાવી છે અને ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતાનો નાશ કર્યો છે."
જયરામ રમેશે આરોપ લગાવ્યો, "જેમણે આટલા મોટા પાયે મત ચોરી કરી છે તેમને હવે મતવિસ્તારોનું સીમાંકન અને માળખું બદલવાની સત્તા કેવી રીતે આપી શકાય? આનાથી વધુ શરમજનક શું હોઈ શકે!"
તેમણે કહ્યું કે ઘેરાયેલા અને ડરેલા વડા પ્રધાન દ્વારા લેવામાં આવેલું આ એક હતાશાભર્યું પગલું છે, પરંતુ તેનો સંપૂર્ણ તાકાતથી સામનો કરવામાં આવશે.
અમેરિકામાં તોફાન અને ભારે વરસાદને કારણે લગભગ 10 લાખ લોકો અંધારામાં, સેંકડો ફ્લાઇટ્સ રદ

ઇમેજ સ્રોત, Reuters
ભારે વરસાદ અને પવન સાથે આવેલા વાવાઝોડાએ મિડવેસ્ટ અને ઉત્તરપૂર્વમાં લાખો લોકો માટે મુશ્કેલીઓ ઊભી કરી છે.
બીજી તરફ, પશ્ચિમના વિસ્તારોમાં સમુદ્રમાં ઊંચા મોજાં ઊછળવાના કારણે, દેશભરમાં લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે.
આ અઠવાડિયે અમેરિકામાં આઠ કરોડથી વધુ લોકો મુસાફરી કરે તેવી શક્યતા છે. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટઅવેર અનુસાર, ગુરુવારે સ્થાનિક સમય મુજબ અમેરિકામાં 400થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
ત્યારે, અમેરિકા જતી અને ત્યાંથી આવતી અને દેશની અંદર કાર્યરત 2200થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી.
થેંક્સગિવિંગ એ એક પરંપરાગત અમેરિકન ઉત્સવ છે જ્યાં લોકો સારો પાક, પારિવારિક અને અન્ય ખુશીઓ માટે એકબીજાનો આભાર માને છે.
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને પહેલાંથી જ ચેતવણી આપી હતી કે આગાહી વરસાદ અને ભારે પવનને કારણે આખા અઠવાડિયા દરમિયાન ફ્લાઇટમાં વિલંબ થઈ શકે છે.
આ દરમિયાન, ગુરુવાર રાત સુધીમાં લગભગ 10 લાખ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ. પેન્સિલવેનિયા, મેરીલૅન્ડ અને વર્જિનિયા સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં સામેલ હતા.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























