બનાસકાંઠામાં બે માથાં ધરાવતી પાડી જન્મી, આ 'ચમત્કાર' છે કે 'શારીરિક વિકૃતિ'? જાણો વિજ્ઞાન શું કહે છે?

ઇમેજ સ્રોત, paresh padhiyar
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલા ડાલવાણા ગામેથી એક 'અનોખી અને અચરજ પમાડે તેવી ઘટના' સામે આવી છે.
બીબીસી ગુજરાતીના બનાસકાંઠા ખાતેના સહયોગી પરેશ પઢિયારના જણાવ્યા અનુસાર, અહીં એક ભેંસે એવી પાડીને જન્મ આપ્યો છે, જેનું શરીર એક છે પરંતુ તેને બે મોઢાં (માથાં) છે.
આશ્ચર્ય અને કૌતુકના આ માહોલ વચ્ચે, આ પાડી જે પરિવારમાં જન્મી છે તે પશુપાલક પરિવારના સભ્યો આ નવજાત અનોખા પશુની વિશેષ કાળજી અને માતૃવત્ સંભાળ રાખી રહ્યા છે.
જોકે, પશુ ચિકિત્સા વિજ્ઞાન અનુસાર આ કોઈ ચમત્કાર નથી.
ગર્ભના પ્રારંભિક વિકાસ દરમિયાન જ્યારે કોષ વિભાજન યોગ્ય રીતે નથી થતું ત્યારે એક જ શરીરમાં બે મગજ કે બે ચહેરા ધરાવતા જીવનો જન્મ થાય છે. વૅટરનરી ડૉક્ટરો તેને આ એક 'અતિ દુર્લભ જનીની અથવા ગર્ભાશયી જન્મજાત વિકૃતિ' ગણાવે છે.
આ અનોખી ઘટના છે શું?

ઇમેજ સ્રોત, paresh padhiyar
બનાસકાંઠાના વડગામ તાલુકામાં આવેલું ડાલવાણા ગામ અને આખો જિલ્લો હાલમાં એક અનોખી ઘટનાની ચર્ચા કરી રહ્યો છે.
ડાલવાણા ગામે રહેતા પશુપાલક બાબુજી ઠાકોરના ઘરે ભેંસે એક અનોખી પાડીને જન્મ આપ્યો છે.
આ પાડીના જન્મે સમગ્ર વિસ્તારના લોકોને ભારે કૌતુક અને આશ્ચર્યમાં મૂકી દીધા છે, કારણ કે આ પાડીને શરીર એક જ છે પરંતુ તેને બે મોં (માથાં) છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સમાચાર વાયુવેગે ફેલાતાં જ આસપાસનાં ગામોમાંથી લોકો આ બે મોં ધરાવતી અનોખી પાડીને જોવા માટે ડાલવાણા ગામે પહોંચી રહ્યા છે.
સ્થાનિક સ્તરે કેટલાક લોકો આ ઘટનાને 'કુદરતનો ચમત્કાર' ગણાવી રહ્યા છે.
જોકે, પશુ ચિકિત્સા વિજ્ઞાન આ રહસ્ય પરથી પડદો ઊંચો કરે છે અને આવું થવા પાછળનું યોગ્ય તર્કસંગત અને વૈજ્ઞાનિક કારણ પણ આપે છે.
પશુ ચિકિત્સક શું કહી રહ્યા છે?

ઇમેજ સ્રોત, paresh padhiyar
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ અંગે વૅટરનરી ડૉક્ટર (પશુ ચિકિત્સક) રમેશ પટેલ જણાવે છે કે, "આ કિસ્સામાં કોઈ પણ પ્રકારની 'અંધશ્રદ્ધા' સેવવાની કે 'અફવા' ફેલાવવાની જરૂર નથી."
તેઓ વૈજ્ઞાનિક પ્રક્રિયા સમજાવતાં કહે છે કે, "વિજ્ઞાન અનુસાર, ગર્ભની વિકાસ પ્રક્રિયા દરમિયાન—ખાસ કરીને ગાય કે ભેંસના કિસ્સામાં—13મા કે 14મા દિવસે જે 'સેલ ડિવિઝન' (કોષ વિભાજન) થતું હોય છે, તેમાં એક સેલનું વિભાજન થયા પછી જો એ ડિવિઝન પ્રક્રિયા વચ્ચેથી અટકી જાય, ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે."
ડૉ. પટેલે વધુમાં સ્પષ્ટતા કરી કે, "સેલ ડિવિઝન વચ્ચેથી અટકી જવાના કારણે પ્રાણીને એક કરતાં વધુ મોં (માથાં) આવી જાય, ચારના બદલે પાંચ પગ થઈ જાય, બે પૂંછડીઓ કે બે કરોડરજ્જુ પણ થઈ શકે છે. એટલે કે, સેલ ડિવિઝન અટકવાથી શરીરનો જે-તે ભાગ પૂર્ણવિકસિત થવામાં રહી જાય છે."
તેઓ ઉમેરે છે કે, "આ કિસ્સામાં પણ સેલ ડિવિઝન અટકી જવાને કારણે બે બચ્ચાં અલગ થવાને બદલે એકબીજા સાથે જોડાઈ ગયાં અને તેને બે મોં આવી ગયાં. જો સેલ ડિવિઝન અટક્યું ન હોત તો બે અલગ-અલગ બચ્ચાંનો જન્મ થયો હોત."
તેમનું સ્પષ્ટ માનવું છે કે, આ કોઈ 'દૈવી ચમત્કાર' નથી.
તેઓ કહે છે કે, "આવી ઘટનાઓ કેટલીય વાર પ્રાણીઓમાં જોવા મળતી હોય છે. માણસોમાં પણ જોડિયાં બાળકો જોડાયેલાં જન્મે તેવા કિસ્સાઓ સામે આવતા હોય છે."
"વાસ્તવમાં તો તમે વનસ્પતિ કે છોડમાં પણ આ જોઈ શકો છો. બે બટાટા જોડાયેલા હોય કે કોઈ બે ફળ એકબીજા સાથે જોડાયેલાં હોય તેવું અવારનવાર જોવા મળે જ છે. વિજ્ઞાનની ભાષામાં આ અતિ સામાન્ય બાબત છે, તેમાં કોઈ ચમત્કાર નથી."
જિનેટિક એક્સ્પર્ટ શું કહી રહ્યા છે?
ગાંધીનગરના સરકારી પશુ દવાખાનાના પશુ ચિકિત્સક અધિકારી (વૅટરનરી ઑફિસર) ડૉ. જિગર કંસારા બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે કે, સામાન્ય રીતે જ્યારે સેલ ડિવિઝન (કોષ વિભાજન) થતું હોય ત્યારે શરૂઆતમાં એક ભ્રૂણ બને છે. ત્યારબાદ ફર્ટિલાઇઝેશન (ફલન) થયા પછી તેમાંથી સંપૂર્ણ શરીરનો વિકાસ થાય છે.
ડૉ. કંસારા ઉમેરે છે કે, "માનવી હોય કે પશુ, તમામ જીવોમાં ગર્ભવિકાસની આ પ્રક્રિયા એકસમાન જ હોય છે."
તેઓ વધુમાં સમજાવતાં કહે છે કે, "ક્યારેક માનવીઓમાં આપણે જોઈએ છીએ કે જોડિયાં બાળકોનો જન્મ થાય છે, જેને વિજ્ઞાનની ભાષામાં 'મોનોઝાયગોટિક ટ્વિન્સ' કહેવામાં આવે છે. સેલ ડિવિઝન વખતે જ્યારે ડબલ સેલ ડિવિઝન થાય છે, ત્યારે મોનોઝાયગોટિક ટ્વિન્સ બને છે."
તેઓ સ્પષ્ટતા કરે છે કે, "આ પ્રક્રિયા પશુઓમાં પણ એકસરખી રીતે જ થાય છે. પરંતુ ક્યારેક સેલ ડિવિઝન દરમિયાન કોષોનું વિભાજન પૂરેપૂરું થઈ શકતું નથી. જ્યારે વિભાજન અડધેથી અટકી જાય છે, ત્યારે આવાં બે માથાં ધરાવતાં પશુઓનો જન્મ થાય છે. વૈજ્ઞાનિક પરિભાષામાં તેને 'ડાઇસેફેલિક હેડ' કહેવામાં આવે છે."
ડૉ. કંસારાના જણાવ્યા મુજબ, સેલ ડિવિઝન પૂરેપૂરું ન થવાના કારણે આના સિવાય પણ બીજી ઘણી અસામાન્યતાઓ સર્જાઈ શકે છે.
તેઓ કહે છે કે, "સેલ ડિવિઝન અટકવાના કારણે ક્યારેક પશુઓનાં શરીર પેટના ભાગથી જોડાયેલાં રહે છે તો ક્યારેક માથું અસામાન્ય રીતે મોટું હોય છે. જિનેટિક્સ (આનુવંશિકતા)ના સ્તરે રંગસૂત્રોના વિભાજન દરમિયાન અસામાન્યતા સર્જાવાના લીધે આવી પરિસ્થિતિ નિર્માણ પામે છે. જોકે, કોઈ એક સિંગલ જિન (એકલ જનીન)ના કારણે જ આવું થતું હોય તેવું અત્યાર સુધી ધ્યાને આવ્યું નથી."
નવજાત પશુના આયુષ્ય વિશે વાત કરતાં પશુ ચિકિત્સક જણાવે છે કે, "આવા મામલાઓમાં મોટા ભાગના કિસ્સામાં બે માથાં વાળાં પશુઓ જન્મ્યાના થોડા જ સમયમાં મૃત્યુ પામે છે. ક્યારેક અમુક કિસ્સામાં પશુ બચી જાય તોપણ તે સંપૂર્ણ પરિપક્વ અને સામાન્ય જીવન જીવી શકતું નથી."
બે માથાં ધરાવતી પાડીના માલિકે શું કહ્યું?

ઇમેજ સ્રોત, paresh padhiyar
પશુપાલક અને પાડીના માલિક ચંદાજી બાબુજી ઠાકોરે બીબીસી ગુજરાતીના સહયોગી પરેશ પઢિયાર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "અમારે ત્યાં ભેંસે એક બચ્ચા (પાડી)ને જન્મ આપ્યો છે."
તેમણે ગર્વ અને આશ્ચર્ય સાથે ઉમેર્યું હતું કે, "આ બચ્ચાનો જન્મ તો સામાન્ય રીતે જ થયો હતો, પરંતુ તેને જોઈને અમને ભારે આશ્ચર્ય થયું કે આ શું છે! આ બચ્ચાને શરીર એક જ છે, પરંતુ તેને બે માથાં (મોં) છે."
ચંદાજી ઠાકોરે આગળ કહ્યું હતું કે, "અમે લોકો પાસેથી આવી અનોખી ઘટનાઓ વિશે માત્ર સાંભળ્યું જ હતું, પરંતુ જ્યારે નજરોનજર જોયું ત્યારે અમને ભારે અચરજ થયું."
તેઓ જણાવે છે કે, "આ સમાચાર વાયુવેગે ફેલાતાં જ હવે આસપાસના ગામો તેમજ ખેરાલુ, વિસનગર અને પાલનપુર જેવાં દૂર-દૂરના વિસ્તારોમાંથી ઘણા લોકો આ અનોખું દૃશ્ય જોવા અમારા ઘરે આવી રહ્યા છે."
"કોઈ પણ વ્યક્તિને સહેલાઈથી માન્યામાં નથી આવતું કે આવી ઘટના પણ બની શકે છે. મને લાગે છે કે આ કુદરતનો એક ચમત્કાર જ છે, જે અમારે ત્યાં બન્યો છે. અમારા ઘરે આટલી મોટી સંખ્યામાં લોકોને આવતા જોઈને અમને આશ્ચર્ય થઈ રહ્યું છે," એમ ચંદાજી ઠાકોર ઉમેરે છે.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























