ગુજરાત તરફ ચોમાસું ક્યારથી આગળ વધશે, કયા જિલ્લામાં પડશે વરસાદ?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં ગત શનિ-રવિવારે રાજ્યના ઘણા જિલ્લામાં વરસાદ પડ્યો હતો, જોકે, કચ્છ જિલ્લામાં હવામાન શુષ્ક રહ્યું હતું.
ભારતમાં ગત 4 જૂનથી ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે, જોકે, હજુ સુધી રાજ્યમાં લોકો ચોમાસું બેસવાની રાહ જ જોઈ રહ્યા છે.
અમુક દિવસ સુધી ચોમાસા પૂર્વના સારા એવા વરસાદના અનુભવ બાદ રાજ્યમાં ફરી એક વાર અમુક જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડ્યા હતા.
હવામાન વિભાગે ગુજરાત તરફ ચોમાસાની આગેકૂચ અને રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતા અંગે પોતાના લેટેસ્ટ બુલેટિનમાં આગાહી કરી છે.
રાજ્યમાં કયા જિલ્લામાં પડી શકે છે વરસાદ?

ઇમેજ સ્રોત, IMD
હવામાન વિભાગે 21 જૂનના રોજ રિલીઝ કરેલા બુલેટિનમાં અપાયેલી આગાહી મુજબ, 22 જૂને રાજ્યમાં ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.
ઉપરોક્ત સિવાયના બાકીના જિલ્લામાં રાજ્યમાં શુષ્ક હવામાન રહેવાની આગાહી છે.
આ સિવાય 23 જૂનના રોજ રાજ્યમાં અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આ સિવાયના રાજ્યના બાકીના જિલ્લામાં આ દિવસે શુષ્ક હવામાન રહેશે તેવી શક્યતા છે.
24 જૂનના રોજ સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આ સિવાયના રાજ્યના બાકીના જિલ્લામાં આ દિવસે શુષ્ક હવામાન રહેવાની શક્યતા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવામાન વિભાગે 21 જૂનના રોજ જાહેર કરેલા બુલેટિનની માહિતી પ્રમાણે નૈઋત્ય ચોમાસું આગામી 23 જૂન સુધી મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના વધુ ભાગો સુધી આગળ વધે તે માટેની સાનુકૂળ સ્થિતિ છે.
થંભી ગયેલું ચોમાસું ક્યારે આગળ વધશે?

ઇમેજ સ્રોત, IMD
હાલ ગુજરાત તરફ આવી રહેલું ચોમાસું 8 જૂનના રોજ મહારાષ્ટ્રના જે વિસ્તારો તરફ કેન્દ્રિત થયું હતું, ત્યાં જ થંભી ગયું છે. પરંતુ હવે ત્યાંથી ચોમાસું આગળ વધે તેવી શક્યતા છે.
હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું આગળ વધશે અને મહારાષ્ટ્રના કેટલાક વધુ વિસ્તારો તરફ પહોંચશે.
અરબી સમુદ્રની આસપાસના વિસ્તારો એટલે કે કોંકણ અને ગોવામાં આગામી 23-24 જૂનની આસપાસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
મુંબઈમાં પણ આગામી બે-ત્રણ દિવસમાં જ વરસાદ વધવાની શરૂઆત થઈ જશે.
લગભગ 23 જૂનની આસપાસ ચોમાસું આગળ વધવાની શરૂઆત કરશે. આગળ વધવાની સાથે મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને તેંલગાણાના બાકીના ભાગોને ચોમાસું કવર કરશે, એ બાદ ગુજરાતનો વારો આવશે.
નોંધનીય છે કે, સામાન્ય રીતે મુંબઈમાં પ્રવેશ્યાના ત્રણ-ચાર દિવસમાં ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ જાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















