એશિયન ગેમ્સ 2026 : કબડ્ડીમાં ભારતીય મહિલા ટીમે ઈરાનને હરાવી જીત્યો ગોલ્ડ મેડલ – ન્યૂઝ અપડેટ

આ ભારતનો એશિયન ગેમ્સમાં મહિલા કબડ્ડીમાં ચોથો ગોલ્ડ મેડલ છે.
ઇમેજ કૅપ્શન, આ ભારતનો એશિયન ગેમ્સમાં મહિલા કબડ્ડીમાં ચોથો ગોલ્ડ મેડલ છે.
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

જાપાનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા કબડ્ડી ટીમે શાનદાર પ્રદર્શન કરતાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. એશિયન ગેમ્સ 2026માં ભારતનો આ ત્રીજો સ્વર્ણપદક છે.

કૅપ્ટન પુષ્પા રાણાની આગેવાની હેઠળ ભારતીય ટીમે રોમાંચક ફાઇનલ મુકાબલામાં ઈરાનને 37-34થી હરાવી સ્વર્ણપદક જીત્યો છે.

ટોકાઈ સિટિઝન જિમ્નેજિયમમાં રમાયેલા ફાઇનલ મુકાબલામાં ભારતીય ટીમે શરૂઆતથી જ લીડ જાળવી રાખી હતી. ઈરાનની ટીમે મૅચમાં વાપસી કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ થઈ શકી નહીં અને ભારતે ત્રણ અંકના અંતરથી મુકાબલો પોતાના નામે કરી લીધો.

મહિલા કબડ્ડીને પ્રથમ વખત 2010માં એશિયન ગેમ્સમાં સામેલ કરવામાં આવી હતી. ત્યારથી કબડ્ડીમાં ભારતીય મહિલા ટીમનો આ કુલ ચોથો ગોલ્ડ મેડલ છે.

હવે પુરુષ ટીમ પર નજર

મહિલા ટીમની જીત બાદ હવે ભારતીય પુરુષ કબડ્ડી ટીમ પર સૌની નજર ટકેલી છે.

શુક્રવારે રમાયેલા સેમિફાઇનલ મુકાબલામાં કૅપ્ટન સુનીલકુમારની આગેવાની હેઠળની ભારતીય ટીમે થાઇલૅન્ડને 66-28ના વિશાળ અંતરથી હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.

ભારતીય પુરુષ ટીમનો ફાઇનલ મુકાબલો શનિવાર, 26 સપ્ટેમ્બરે ભારતીય સમય અનુસાર બપોરે 2:30 વાગ્યે રમાશે.

ફાઇનલમાં ભારતનો સામનો ઈરાન સાથે થશે.

આ સાથે ભારતે કુલ 27 મેડલ જીતી લીધા છે. જેમાં ત્રણ ગોલ્ડ, 11 સિલ્વર અને 13 બ્રૉન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

પાકિસ્તાનના વડા પ્રધાને કાશ્મીર અંગે જે કહ્યું, તેના પર ભારતે આપ્યો આ જવાબ

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનની પ્રથમ સચિવ પેટલ ગેહલોતે પાકિસ્તાની વડા પ્રધાનના સંબોધનનો જવાબ આપ્યો.
ઇમેજ કૅપ્શન, સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનની પ્રથમ સચિવ પેટલ ગેહલોતે પાકિસ્તાની વડા પ્રધાનના સંબોધનનો જવાબ આપ્યો.
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફના સંબોધનના જવાબમાં ભારતે 'રાઇટ ટુ રિપ્લાય'નો ઉપયોગ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનની પ્રથમ સચિવ પેટલ ગેહલોતે આરોપ લગાવ્યો કે, પાકિસ્તાન 'આતંકવાદ'ને પ્રોત્સાહન આપે છે.

તેમણે કહ્યું, "અમે જે વાતો સાંભળી, તે એવા લોકો તરફથી આવી છે, જેઓનો લાંબા સમયથી ભેદભાવ અને દ્વેષનો રેકૉર્ડ રહ્યો છે. તેઓ દિવસ દરમિયાન સુરક્ષાની વાતો કરવાનો દાવો કરે છે, પરંતુ રાત્રે આતંકવાદને પ્રોત્સાહન આપે છે. આ જ સભામાં ધાર્મિક અસહિષ્ણુતા અંગે એવી સરકાર દ્વારા વાતો કરવામાં આવી, જેના સૌથી મોટા આધારસ્તંભોમાં ઈશનિંદા સંબંધિત કાયદાઓનો સમાવેશ થાય છે."

"વિશ્વ જાણે છે કે પાકિસ્તાનમાં લઘુમતીઓ સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે. કોઈપણ ધાર્મિક દલીલો વિશ્વને ગેરમાર્ગે દોરી શકશે નહીં. જમ્મુ-કાશ્મીરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તે મારા દેશનો અભિન્ન અને અખંડ ભાગ છે અને હંમેશાં રહેશે. પરંતુ જો આપણે કાશ્મીરની વાત જ કરવી હોય, તો આપણું ધ્યાન પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર તરફ જવું જોઈએ. ત્યાં લાંબા સમયથી ચાલી રહેલી નિરર્થક હત્યાઓ, હિંસા અને મૂળભૂત અધિકારોથી લોકો વંચિત રાખવામાં આવે છે, તેના વિશે પ્રશ્નો પૂછવા જોઈએ."

પેટલ ગેહલોતે જણાવ્યું, "આ મુદ્દાના કેન્દ્રમાં પાકિસ્તાનની લાંબા સમયથી ચાલી આવતી સરહદપાર આતંકવાદની નીતિ છે. ગયા વર્ષે અમે દર્શાવ્યું હતું કે આતંકવાદીઓ માટે ભાગી છૂટવા અને છુપાઈ રહેવા કોઈ સ્થાન રહેશે નહીં. આતંકવાદ સામે પોતાની સુરક્ષા માટેના અમારા અધિકારનો ઉપયોગ અમે આગળ પણ કરતાં રહીશું."

તેમણે વધુમાં કહ્યું, "પાકિસ્તાન તરફથી પ્રોત્સાહિત આતંકવાદનાં ગંભીર પરિણામો આવશે. અમને વિશ્વાસ છે કે આ સભા પાકિસ્તાન અને તેની નીતિઓને તેમના વાસ્તવિક સ્વરૂપમાં જ જોશે, પાકિસ્તાનના પ્રતિનિધિએ ખોટા દાવાઓ દ્વારા જે ચિત્ર રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે તે રીતે નહીં."

પેટલે કહ્યું, "દર વર્ષે એક જ ખોટી વાતને દોહરાવવાથી તે સત્ય બની જતી નથી. પાકિસ્તાનનો આતંકવાદ, છેતરપિંડી અને દ્વિમુખી વલણ ન તો તેના પોતાના હિતમાં છે અને ન તો વિશ્વના હિતમાં."

ઉલ્લેખનીય છે કે આ પહેલાં પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે કહ્યું હતું કે તેઓ સિંધુ નદીના પાણીનો પ્રવાહ રોકવાના ભારતના કોઈપણ પ્રયાસને "યુદ્ધની કાર્યવાહી" (ઍક્ટ ઑફ વૉર) ગણશે.

સાથે જ તેમણે કહ્યું હતું, "કાશ્મીર પાકિસ્તાનની જ્યુગ્યુલર વેઇન (ગળાની મુખ્ય નસ) છે અને હંમેશાં રહેશે."

પાકિસ્તાની વડા પ્રધાન શહબાઝ શરીફે સંયુક્ત રાષ્ટ્રમાં 'કાશ્મીર' અને 'સિંધુ જળ સંધિ' અંગે શું કહ્યું?

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા અધિવેશનને સંબોધિત કર્યું. પાકિસ્તાની વડા પ્રધાન શહબાઝ શરીફે સંયુક્ત રાષ્ટ્રમાં 'કાશ્મીર' અને 'સિંધુ જળ સંધિ' અંગે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા અધિવેશનને સંબોધિત કર્યું.

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે જણાવ્યું છે કે, સિંધુ નદીના પાણીનો પ્રવાહ રોકવાના ભારતના કોઈપણ પ્રયાસને પાકિસ્તાન "યુદ્ધની કાર્યવાહી" (ઍક્ટ ઑફ વૉર) ગણશે.

ન્યૂ યૉર્કમાં ચાલી રહેલા સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા અધિવેશનને સંબોધિત કરતાં શહબાઝ શરીફે શુક્રવારે આ વાત કહી હતી.

તેમણે કહ્યું, "સિંધુ નદીનું પાણી માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ સમગ્ર પ્રદેશ માટે જીવનરેખા સમાન છે અને હાલની સંધિને સ્થગિત કરવાનો ભારતનો એકતરફી નિર્ણય કોઈ કાનૂની આધાર ધરાવતો નથી."

"ભારતના દાવાઓ અને પગલાંને સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાતો તથા કોર્ટ ઑફ આર્બિટ્રેશન દ્વારા પણ નકારી દેવામાં આવ્યાં છે. પાણીનો ઉપયોગ ક્યારેય હથિયાર તરીકે થવો જોઈએ નહીં. નદીઓથી દેશોને સમૃદ્ધ બનાવવાના હોય છે, તેમના ભાગલા પાડવાના નથી હોતા."

શહબાઝ શરીફે જણાવ્યું, "પાકિસ્તાનના હિસ્સાનું પાણી રોકવા, તેમાં અવરોધ ઊભો કરવા અથવા તેનો પ્રવાહ અન્ય દિશામાં વાળવાના કોઈપણ પ્રયાસને યુદ્ધની કાર્યવાહી માનવામાં આવશે. ભારતે આ બાબતે કોઈ ગેરસમજ રાખવી જોઈએ નહીં."

આ ઉપરાંત, પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં ફરી એકવાર 'કાશ્મીર'નો મુદ્દો ઉઠાવ્યો છે.

શહબાઝ શરીફે કહ્યું, "હું આ મંચ પરથી મારાં કાશ્મીરી ભાઈ-બહેનોને સંપૂર્ણ જવાબદારી સાથે વિશ્વાસ અપાવું છું કે, જ્યાં સુધી તેમને પોતાનું ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર પ્રાપ્ત નહીં થાય, ત્યાં સુધી અમે તેમને કૂટનીતિક, રાજકીય અને નૈતિક સમર્થન આપતા રહીશું."

તેમણે કહ્યું, "કાશ્મીર પાકિસ્તાનની જ્યુગ્યુલર વેઇન (ગળાની મુખ્ય નસ) છે અને હંમેશાં રહેશે."

ભારતનો ઉલ્લેખ કરતાં શહબાઝ શરીફે આરોપ લગાવ્યો કે સરહદ પાર આરએસએસથી પ્રભાવિત વિચારધારા ધાર્મિક દ્વેષને પ્રોત્સાહન આપી રહી છે.

તેમણે કહ્યું કે તેની અસર ટોળાશાહી હિંસા, સામ્પ્રદાયિક હિંસા, ધાર્મિક સ્થળો પરના હુમલાઓ અને ધાર્મિક સ્વતંત્રતા પરના પ્રતિબંધોના સ્વરૂપમાં જોવા મળી રહી છે.

ઈરાનનો અમેરિકાને પ્રસ્તાવ : આ શરતો પૂરી કરશો તો સાત દિવસમાં હોર્મુઝ સામુદ્રધુની ખોલી દેવામાં આવશે

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં પત્રકારો સાથે વાતચીત કરી હતી. (ફાઇલ ફોટો)
ઇમેજ કૅપ્શન, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં પત્રકારો સાથે વાતચીત કરી હતી. (ફાઇલ ફોટો)

ઈરાને અમેરિકા સમક્ષ એક સમજૂતીનો પ્રસ્તાવ મૂક્યો છે, જેના હેઠળ હોર્મુઝ જળમાર્ગને એક અઠવાડિયામાં ફરીથી ખોલી શકાય તેવી વાતનો ઉલ્લેખ છે.

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન આ માહિતી આપી હતી.

તેમણે જણાવ્યું કે, હોર્મુઝ જળમાર્ગ ખોલવાની પ્રક્રિયા ત્યારે જ શરૂ થશે, જ્યારે અમેરિકા સમજૂતીમાં નક્કી કરાયેલી જરૂરી શરતો પૂર્ણ કરશે.

અરાગચીએ આ શરતોની વિગતવાર માહિતી આપી નહોતી. જોકે, તેમણે કહ્યું, "આ શરતોનો ઉલ્લેખ જૂનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા સમજૂતી કરાર (એમઓયુ)માં પહેલેથી જ કરવામાં આવ્યો છે."

ઈરાનના વિદેશ મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, હવે નિર્ણય અમેરિકાના હાથમાં છે. તેમણે જણાવ્યું કે ઈરાનનો આ પ્રસ્તાવ કતાર મારફતે અમેરિકા સુધી પહોંચાડવામાં આવ્યો છે.

ઈરાનના પ્રસ્તાવ વિશે પૂછવામાં આવતા એક અમેરિકન અધિકારીએ બીબીસીને જણાવ્યું કે બંને દેશો વચ્ચે મધ્યસ્થો મારફતે સકારાત્મક વાતચીત ચાલી રહી છે. અધિકારીના જણાવ્યા અનુસાર, આ ચર્ચાઓમાં પરમાણુ મુદ્દાઓ પણ સામેલ છે.

સમજૂતીમાં શું શરતો હતી?

હકીકતમાં, અમેરિકા અને ઈરાન વચ્ચે 18 જૂને થયેલા 14 મુદ્દાવાળા એમઓયુનો હેતુ યુદ્ધવિરામ અમલમાં મૂકવાનો અને હોર્મુઝ જળમાર્ગને આંશિક રીતે ખોલવાનો હતો.

સમજૂતીમાં ઈરાન પરમાણુ હથિયારો પ્રાપ્ત નહીં કરે તેવી શરત સામેલ હતી. ઉપરાંત, અમેરિકા, ઈરાન અને તેમના સહયોગીઓ દ્વારા તમામ મોરચાઓ પરનાં સૈન્ય અભિયાનો સમાપ્ત કરવાની જોગવાઈ પણ હતી.

એમઓયુમાં અમેરિકન નૌસેનાની નાકાબંધી સમાપ્ત કરવાની તથા ઈરાન પર લાદવામાં આવેલા પ્રતિબંધોમાં રાહત આપવા સંબંધિત જોગવાઈ પણ સામેલ હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન