ગુજરાતીઓનો મનપસંદ નાસ્તો પૌંઆ ખરેખર નુકસાનકારક છે? બાળકો માટે શ્રેષ્ઠ નાસ્તો કેવો હોવો જોઈએ?

બીબીસી ગુજરાતી પૌઆ બાળકો માટે સવારનો નાસ્તો પોષણ ન્યુટ્રીશન ડાયેટ સંજીવ કપૂર શૅફ

ઇમેજ સ્રોત, Getty Images

વાંચવાનો સમય: 4 મિનિટ

સેલિબ્રિટી શેફ સંજીવ કપૂરે તાજેતરમાં સમાચાર સંસ્થા એએનઆઈ સાથેના એક ઇન્ટરવ્યૂમાં ભારતીયોની ખાનપાનની આદત વિશે ખુલીને વાત કરી છે. તેમાં તેમણે એવું પણ કહ્યું છે કે "ભારતીયો જેને બહુ આરોગ્યપ્રદ નાસ્તો માને છે તે પૌંઆ શરીર માટે ફાયદાકારક નથી."

સંજીવ કપૂરે કહ્યું કે "પૌંઆ એ કમ્ફર્ટ ફૂડ છે. તે જરાય આરોગ્યપ્રદ ફૂડ નથી. જો ચોખા ખરાબ છે તો પૌંઆ તેના કરતાં પણ વધુ ખરાબ છે."

આ ઉપરાંત તેમણે કહ્યું કે "તમારે સવારના પહોરમાં તમારું ઇન્સ્યુલિનનું સ્તર ઝડપથી વધારી દેવું હોય તો જ પૌંઆ ખાવ."

તેમનો અર્થ એ હતો કે પૌંઆ બહુ આરોગ્યપ્રદ નથી.

આ ટિપ્પણી વિશે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે કે પૌંઆ શું ખરેખર નુકસાનકારક છે? હવે સંજીવ કપૂરના આ નિવેદન બાદ શું પૌંઆ નુકસાનકારક છે કે નહીં? તેના વિશે બીબીસી ગુજરાતીએ કેટલાક નિષ્ણાતો સાથે વાતચીત કરી. બીબીસી ગુજરાતીએ તેમને એ પણ પૂછ્યું કે સવારે બાળકોને નાસ્તામાં શું-શું આપવું જોઈએ?

એક નાસ્તા તરીકે પૌંઆ કેટલા પૌષ્ટિક?

બીબીસી ગુજરાતી પૌઆ બાળકો માટે સવારનો નાસ્તો પોષણ ન્યુટ્રીશન ડાયેટ

ઇમેજ સ્રોત, Shreya Oza

ઇમેજ કૅપ્શન, ડાયેટિશ્યન શ્રેયા ઓઝા કહે છે કે પૌંઆમાં કેટલીક ચીજો ઉમેરીને તેને પોષક બનાવી શકાય છે.

બધા જાણે છે કે પૌંઆ ચોખામાંથી બને છે અને તેમાં મોટા ભાગે કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. તેને ઓછા તેલથી તૈયાર કરવામાં આવતા અને પચાવવામાં સરળ હોય તેવા નાસ્તા તરીકે ગણવામાં આવે છે. પણ શું તેની કોઈ ઉધાર બાજુ પણ છે?

અમદાવાદસ્થિત ડાયેટિશ્યન શ્રેયા ઓઝા માને છે કે, "પૌંઆ આરોગ્ય માટે નુકસાનકારક નાસ્તો છે, એવું દેખાડવાનો પ્રયાસ થાય છે તે યોગ્ય નથી."

તેઓ કહે છે કે "પૌંઆને કેવી રીતે અને કોના માટે તૈયાર કરવામાં આવે છે તે મહત્ત્વનું છે. પૌંઆમાં કાર્બોહાઇડ્રેટ્સ હોવાથી બાળકોને ઍનર્જી મળે છે, અને તેની સાથે અલગ-અલગ ચીજો ઉમેરવામાં આવે તો તે પોષક બને છે."

શ્રેયા ઓઝા કહે છે કે "ઘણા લોકો પૌંઆમાં માત્ર બટાટા નાખે છે જે પોતે કાર્બોહાઇડ્રેટ્સ છે. તેની જગ્યાએ પૌંઆમાં બીટ, ગાજર, વટાણા, ડુંગળી ઉમેરવામાં આવે તો તેમાં પોષક તત્ત્વો ઉમેરાય છે."

તેમના કહેવા પ્રમાણે "ડાયાબિટીસ હોય તેવા લોકોએ સ્વભાવિક રીતે પૌંઆ અને મમરાં ખાવાનું ટાળવું જોઈએ કારણ કે તે ચોખામાંથી બને છે અને તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઊંચો હોય છે. પરંતુ બાળકોને આવી કોઈ સમસ્યા નથી હોતી. તેથી તેમાં અલગ-અલગ પોષક સામગ્રી ઉમેરીને ખાઈ શકાય છે."

બીબીસી ગુજરાતી પૌઆ બાળકો માટે સવારનો નાસ્તો પોષણ ન્યુટ્રીશન ડાયેટ

ઇમેજ સ્રોત, Saurabh Kaushik

ઇમેજ કૅપ્શન, ન્યુટ્રીશનિસ્ટ સૌરભ કૌશિક કહે છે કે પૌંઆ સાથે દહીં લેવાથી પાચનતંત્રને ફાયદો થાય છે.

અમદાવાદસ્થિત ન્યુટ્રીશનિસ્ટ સૌરભ કૌશિક પણ આવો જ મત ધરાવે છે.

તેઓ કહે છે કે "પૌંઆ તૈયાર કરીને તેમાં પાછળથી સારા પ્રમાણમાં ટામેટાં અને સિંગદાણા નાખવામાં આવે તો વધુ ફાયદાકારક છે અને પ્રોટીન પણ મળી રહેશે."

તેઓ કહે છે કે "પૌંઆમાં તેલનું પ્રમાણ નિયંત્રિત રહે તે જોવું જોઈએ. મહારાષ્ટ્રમાં પૌંઆ બનાવવામાં સરસવનું તેલ વપરાય છે. જ્યારે ગુજરાતમાં લોકો સિંગતેલ વાપરે છે. પૌંઆમાં વટાણા, સિંગદાણા અને ટામેટાં પણ નાખવાં જોઈએ જેનાથી તે પોષકતત્ત્વોની દૃષ્ટિએ વધારે સંતુલિત બનશે. એકલા પૌંઆ ખાવામાં આવે તો બ્લડશુગર વધવાની શક્યતા રહે છે."

તેમણે કહ્યું કે, "તમે પૌંઆ સાથે વટાણા, સિંગદાણા, ટામેટાં, ડુંગળી અને 100 ગ્રામ લો-ફેટ દહીં લઈ શકો છો. તેમાંથી તમને 15 ગ્રામ જેટલું પ્રોટીન મળી શકે છે, પ્રો-બાયૉટિક ફાયદો થાય છે અને ગટ હેલ્થ (પાચનતંત્રની કામગીરી) પણ સુધરે છે. આ ઉપરાંત તે સ્વાદિષ્ટ નાસ્તો પણ ગણાશે."

બાળકોને સવારે નાસ્તામાં શું આપવું?

બીબીસી ગુજરાતી પૌઆ બાળકો માટે સવારનો નાસ્તો પોષણ ન્યુટ્રીશન ડાયેટ બાળકોને સવારે નાસ્તામાં શું આપવું?

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતમાં જ્યાં મોટા ભાગના લોકો શાકાહારી છે ત્યાં બાળકોને સવારના નાસ્તામાં શું આપવું તેવો સવાલ ઘણી વખત થાય છે.

ડાયેટિશિયન શ્રેયા ઓઝા બાળકોને સવારના નાસ્તામાં રવામાંથી બનેલી ચીજો, જેમ કે ઉત્તપમ આપવાની ભલામણ કરે છે.

તેઓ કહે છે, "આ ઉપરાંત અલગ-અલગ શાકભાજીથી સ્ટફ કરેલા પરાઠા, પનીર પરાઠા પણ ખાઈ શકાય. ક્યારેક ક્યારેક આલુ પરાઠા ખાવામાં પણ વાંધો નથી, પરંતુ તેમાં શાકભાજીનું સ્ટફિંગ હોવું જોઈએ."

તેઓ કહે છે કે, "બાળકોને નાસ્તામાં મગની દાળના ચીલામાં પનીર ઉમેરીને આપી શકાય. ચોખા અને અડદની દાળને મિક્સ કરીને ઢોસાં કે ઉત્તપમ ખવડાવી શકાય. તેનાથી બાળકોને બ્રેકફાસ્ટમાં જ ઍનર્જી મળી રહેશે."

ન્યુટ્રીશનિસ્ટ સૌરભ કૌશિક કહે છે કે "નાનાં બાળકોમાં મગજનું કામકાજ બહુ તેજ હોય છે. તેમનાં મગજના વિકાસ માટે આહારમાં ઓમેગા હોવું જરૂરી છે. નાસ્તામાં દૂધ, ઓટ્સ અને વૉલનટ્સ - આ ત્રણને મિક્સ કરીને બાળકોને આપવામાં આવે તો તે બહુ ફાયદાકારક છે."

તેમના મત અનુસાર, આ ઉપરાંત ફળોની વાત કરીએ તો બાળકોને સફરજન, હાલની સિઝનમાં કેરી, કિવી, નારંગીની સાથે નટ્સ ઉમેરીને આપવામાં આવે તો તે સારો આહાર છે.

ઈંડાં વિશે સૌરભ કૌશિક માને છે કે "બાળકોના શરીર માટે ઑર્ગેનિક ઈંડા વધુ યોગ્ય છે. વિટામીન-ડીની અછત ઈંડાના યોકથી પૂરી થઈ શકે છે. 14 વર્ષના બાળકને રોજનું એક અને ત્યાર પછી રોજનાં બે ઈંડાં આપી શકાય."

ઈંડાંની ભુરજી કે આમલેટ બનાવવા કરતાં બાફીને ઈંડાં આપવામાં આવે તો વધારે પોષકતત્ત્વો જળવાઈ રહેશે, તેવું તેમનું કહેવું છે.

રોજેરોજ પૌંઆ ખાવાનું ટાળો

બીબીસી ગુજરાતી પૌઆ બાળકો માટે સવારનો નાસ્તો પોષણ ન્યુટ્રીશન ડાયેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મગદાળના ચીલા, સિઝનલ ફળ, ઈંડાં જેવી ચીજો બાળકો માટે ફાયદાકારક ગણવામાં આવે છે.

અમદાવાદ, સુરત જેવા શહેરના રાજમાર્ગો પર વહેલી સવારે ચાની લારીની નજીકમાં પૌંઆનો સ્ટોલ ઘણી વખત જોવા મળે છે અને ઘણા લોકો તેને સવારનો સારો નાસ્તો માને છે.

પરંતુ અમદાવાદ મેડિકલ ઍસોસિએશનનાં ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. મોના દેસાઈએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે, "પૌંઆ ચોખામાંથી બને છે અને હવે તેમાં લોકો વટાણા અને બીજા શાકભાજી ઉમેરે છે તેથી ક્યારેક આપવામાં વાંધો નહીં. પરંતુ તે પોષક આહાર કે હાઈ-પ્રોટીન ડાયેટ નથી. તેને દરરોજ તો ન જ ખાવા જોઈએ."

તેઓ કહે છે કે, "બાળકનો સવારનો નાસ્તો એવો હોવો જોઈએ જેમાં આખા દિવસ માટે પૂરતી ઍનર્જી મળે, કારણ કે તેમણે શાળાએ જવાનું હોય છે અને રમવાનું પણ હોય છે. તેથી બાળકોને સવારે પ્રોટીનથી ભરપૂર નાસ્તો આપવો જોઈએ. તેમાં ફણગાવેલા કઠોળ, બાફેલા કઠોળ, મગની દાળના ચીલા (પુડલા)નો સમાવેશ કરી શકાય."

ડૉ. મોના દેસાઈએ જણાવ્યું કે, "પ્રોટીનની જરૂરિયાત પૂરી કરવા ઈંડાં પણ બહુ સારો વિકલ્પ છે. પછી તે આમલેટ હોય કે બાફેલા ઈંડા હોય. ક્યારેક ચીઝ પરોઠા અને પનીર પરોઠા પણ બનાવી શકો છો."

તેઓ કહે છે કે "આપણે ત્યાં સવારે ગાંઠિયા અને એવી તળેલી ચીજો ખાવામાં આવે છે, તે પણ સારો આહાર નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન