ડિજિટલ રૂપિયા શું છે અને તે કેવી રીતે યુપીઆઇ અને ક્રિપ્ટોથી અલગ છે?

ઇમેજ સ્રોત, AFP via Getty Images
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ડિજિટલ રૂપિયા શું છે? તે યુપીઆઇ અને ક્રિપ્ટો કરતાં કેવી રીતે અલગ છે? કઈ-કઈ બૅન્કો આ પાઇલટ યોજનામાં સામેલ છે અને તેમાં કેવી રીતે જોડાઈ શકાય?
ડિજિટલ રૂપિયા વિશેના આ સવાલો કેટલાક સમયથી ઇન્ટરનેટ ઉપર પૂછવામાં આવી રહ્યા છે. હવે, સવાલ એ છે કે, શું તે ભારતમાં કૅશ (રોકડ રકમ)નું સ્થાન લઈ શકશે?
ચાલો, આ તમામ સવાલોના વિસ્તૃતમાં જવાબો મેળવવાનો પ્રયાસ કરીએ.
વાસ્તવમાં, રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ ગ્રાહકો માટે નાણાંકીય વ્યવહારો સરળ બનાવવા માટે તેમજ ડિજીટલ ચુકવણીની સિસ્ટમ વિસ્તારવાના હેતુ સાથે ઑફલાઇન ડિજિટલ રૂપિયા (e₹) રજૂ કર્યા છે.
રિઝર્વ બૅન્કના જણાવ્યા પ્રમાણે, ડિજિટલ રૂપિયા અથવા તો e₹ એ દેશની કેન્દ્રીય બૅન્ક (આરબીઆઇ)નું ડિજિટલ ચલણ (સીબીડીસી) છે. અહીં ડિજિટલ રૂપિયા વિશે તમારા માટે આવશ્યક વિગતો આપવામાં આવી છે.
ડિજિટલ રૂપિયા એટલે શું?

ઇમેજ સ્રોત, Getty Images
ડિજિટલ રૂપિયા અથવા તો e₹ એ ભારતની ફિઝિકલ કરન્સી અર્થાત્ રૂપિયા (₹)નું ડિજિટલ સ્વરૂપ છે.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઇ) દ્વારા તે ડિજિટલ સ્વરૂપમાં જારી કરવામાં આવે છે. e₹ રોકડ રૂપિયાની માફક જ કામ કરે છે અને તેનું મૂલ્ય પણ એ જ હોય છે. રિઝર્વ બૅન્ક દ્વારા તેની ગૅરંટી આપવામાં આવે છે.
રૂપિયાની સામાન્ય નોટની માફક જ, તમે તેને તમારા ફોનના ડિજિટલ વૉલેટમાં રાખી શકો છો, પૈસા મોકલવા માટે કે મેળવવા માટે અથવા તો ચુકવણી કરવા માટે તેનો ઉપયોગ કરી શકો છો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગ્રાહકો ડિજિટલ રૂપિયાના વ્યવહારો કરવા માટે સહભાગી બૅન્ક દ્વારા આપવામાં આવતાં ડિજિટલ વૉલેટ્સનો ઉપયોગ કરી શકે છે.
ડિજિટલ રૂપિયા કોણ ઇશ્યૂ કરે છે?
ડિજિટલ રૂપિયા રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા દ્વારા જારી કરવામાં આવે છે, જ્યારે બૅન્કો તેના વિતરણની કામગીરી ચલણી નોટોની માફક જ કરે છે. રિઝર્વ બૅન્ક ડિજિટલ રૂપિયા બનાવે છે અને તેને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે બૅન્કો તથા અધિકૃત નોન-બૅન્કિંગ સંસ્થાઓને મોકલે છે.
આ બૅન્કો તેમજ નોન-બૅન્કિંગ સંસ્થાઓ ત્યાર બાદ ગ્રાહકોને જોડવામાં (ઑનબોર્ડિંગ) અને તેમના મોબાઇલ ફોન ઉપર e₹ વૉલેટ સેટ કરવામાં મદદ કરે છે. રોજબરોજના વ્યવહારો માટે e₹નો ઉપયોગ પાઇલટ તબક્કામાં પહેલી ડિસેમ્બર, 2022થી ચાલી રહ્યો છે.
વર્તમાન સમયમાં દેશભરમાં પસંદગીયુક્ત બૅન્કો તેમજ નોન-બૅન્કિંગ સંસ્થાઓ સાથે સંકળાયેલા ગ્રાહકો તેમજ વેપારીઓ તેનો ઉપયોગ કરી શકે છે.
e₹ને કેવી રીતે રાખી શકાય અને વાપરી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તમે બૅન્કો અને નૉન-બૅન્કિંગ સંસ્થાઓ દ્વારા ઑફર કરવામાં આવતાં ડિજિટલ વૉલેટ્સ થકી e₹ રાખી શકો છો અને તેને વાપરી શકો છો. આ વૉલેટ્સ તમને સીધા જ કોઈ વ્યક્તિ કે વેપારીને ચુકવણી કરવાની સુવિધા પૂરી પાડે છે.
શરૂઆત કરવા માટે તમે પ્લે સ્ટોર કે ઍપ સ્ટોરમાંથી e₹ વૉલેટ ઍપ ડાઉનલોડ કરો અને ઍપમાં આપેલી સૂચનાઓને અનુસરો. આ ઉપરાંત તમે વધુ માહિતી મેળવવા માટે તમારી બૅન્ક કે વૉલેટ પ્રોવાઇડરનો પણ સંપર્ક સાધી શકો છો.
ચુકવણી કરતી વખતે તમે સ્ટોર પર ઉપલબ્ધ યુપીઆઇ ક્યૂઆર કોડ કે પછી સીબીડીસી ક્યૂઆર કોડ સ્કૅન કરીને દુકાનદારને પૈસા ચુકવી શકો છો.
બીજો એક સવાલ એ છે કે, e₹ વાપરવા માટે શું બચત ખાતું હોવું જરૂરી છે?
વર્તમાન સમયમાં e₹ વૉલેટ ઓપનિંગ વપરાશકર્તાના બચત ખાતા સાથે જોડાયેલું છે, જેના કારણે યુઝર ઑનબોર્ડિંગની પ્રક્રિયા સરળ થઈ જાય છે અને અલગ કેવાયસી સંપન્ન કરવાની જરૂર રહેતી નથી.
આરબીઆઇની વેબસાઇટમાં જણાવ્યા પ્રમાણે, "વપરાશ દરમિયાન સર્જાતા પ્રશ્નો તથા પ્રતિભાવોના આધારે યુઝર ઑનબોર્ડિંગ માટેનાં નવાં મૉડલ્સ પણ ચકાસવામાં આવી રહ્યાં છે."
ડિજિટલ રૂપિયા હાલમાં પાઇલટ (પ્રાયોગિક) તબક્કામાં હોવાથી માત્ર પસંદગીયુક્ત બૅન્કો તથા અધિકૃત નૉન-બૅન્કિંગ સંસ્થાઓના ગ્રાહકો તથા વેપારીઓ જ તેનો ઉપયોગ કરી શકે છે.
શરૂ કરવા માટે તેમણે e₹ ઍપ ડાઉનલોડ કરવાની રહે છે, રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે અને તે પછી તેઓ વૉલેટ વાપરી શકે છે.
ડિજિટલ રૂપિયા યુપીઆઇથી અલગ કેવી રીતે છે?
ડિજિટલ રૂપિયા સાંભળવામાં યુપીઆઇ વ્યવહારોને સમાન જ લાગી શકે છે, પણ બંને વચ્ચે ઘણા મહત્ત્વના તફાવતો રહેલા છે. યુપીઆઇ અથવા તો યુનિફાઇડ પૅમેન્ટ્સ ઇન્ટરફેસ એ ચુકવણીની પદ્ધતિ છે, તે સ્વયં પૈસા નથી.
તેમાં માત્ર એક બૅન્કમાંથી બીજી બૅન્કમાં પૈસા ટ્રાન્સફર જ થઈ શકે છે.
સરળ શબ્દોમાં કહીએ તો, યુપીઆઇની સુવિધાઓ બૅન્ક ખાતાંઓ વચ્ચે નાણાં ટ્રાન્સફર કરવાની સુવિધા પૂરી પાડે છે, જ્યારે ડિજિટલ રૂપિયા પણ રૂપિયા જ છે, પણ તે બસ ડિજિટલ સ્વરૂપમાં છે. જ્યારે તમે યુપીઆઇનો ઉપયોગ કરીને ચુકવણી કરો છો, ત્યારે તમારા બૅન્કના ખાતામાંથી પૈસા કપાઈ જાય છે.
પણ જ્યારે તમે e₹નો ઉપયોગ કરો છો, ત્યારે તમે તમારા વૉલેટમાં રહેલી ડિજિટલ રોકડ ટ્રાન્સફર કરો છો, જે રીતે ચલણી નોટો વાપરો છો, એવી જ રીતે.
વધુમાં, યુપીઆઇના વ્યવહારોમાં બૅન્કોની ભૂમિકા જરૂરી બની રહે છે. દરમિયાન, ડિજિટલ રૂપિયાના વ્યવહારો રોકડની માફક કામ કરે છે, સીધા એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી અને ભવિષ્યમાં ઑફલાઇન વ્યવહારો પણ થઈ શકે છે.
ડિજિટલ રૂપિયા વિરુદ્ધ ક્રિપ્ટોકરન્સી, બંને વચ્ચે શું ફરક છે?

ઇમેજ સ્રોત, Getty Images
બિટકૉઇન કે અન્ય ક્રિપ્ટોકરન્સી રેગ્યુલેટેડ નથી, જ્યારે ડિજિટલ રૂપિયા રિઝર્વ બૅન્ક દ્વારા જારી કરવામાં આવે છે અને તે જ તેનું નિયમન પણ કરે છે.
ડિજિટલ રૂપિયા એ કાયદેસર ચલણ છે, જ્યારે ભારતમાં ક્રિપ્ટોકરન્સીને કાયદેસર ચલણનો દરજ્જો મળ્યો નથી.
વર્તમાન સમયમાં 19 બૅન્કો સીબીડીસી ઇકૉસિસ્ટમમાં સામેલ છે, જે e₹ વૉલેટની સુવિધા પૂરી પાડે છે. તેમાં સામેલ બૅન્કોમાં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા, આઇસીઆઇસીઆઇ બૅન્ક, એચડીએફસી બૅન્ક, યસ બૅન્ક, આઇડીએફસી બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, યુનિયન બૅન્ક ઑફ ઇન્ડિયા, કોટક મહિન્દ્રા બૅન્ક, ઍક્સિસ બૅન્ક, કૅનરા બૅન્ક, ઇન્ડસઇન્ડ બૅન્ક, પંજાબ નૅશનલ બૅન્ક, ફેડરલ બૅન્ક, કર્ણાટક બૅન્ક, ઇન્ડિયન બૅન્ક, આઇડીબીઆઇ બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, બૅન્ક ઑફ ઇન્ડિયા તથા યુકો બૅન્કનો સમાવેશ થાય છે.
આ બૅંકો મોબાઇલ ઍપ થકી સીબીડીસી વૉલેટની સુવિધા પૂરી પાડે છે. તેને પગલે વપરાશકર્તાઓ ડિજિટલ રૂપિયા રાખી શકે છે અને તેની આપ-લે કરી શકે છે.
વર્તમાન સમયમાં, ડિજિટલ રૂપિયા તમામ લોકો માટે સંપૂર્ણપણે ઉપલબ્ધ નથી. તે નિયંત્રિત પાઇલટ (પ્રાયોગિક) તબક્કામાં છે. જો તમે આ સેવા ઑફર કરનારી બૅન્કના ગ્રાહક હો, તો જ તમે તેમાં સામેલ થઈ શકો છો.
બૅન્કો પણ પસંદગીના વપરાશકર્તાઓને આમંત્રિત કરી શકે છે અથવા તો ધીમે-ધીમે તમામ લોકો માટે તે શરૂ કરી શકે છે.
આ માટે, તમારે બૅન્કની સીબીડીસી વૉલેટ ઍપ ડાઉનલોડ કરવાની રહે છે, કેવાયસી અને રજિસ્ટ્રેશન સંપન્ન કરવાનાં રહે છે, તમારા બૅન્ક ખાતાને લિંક કરીને વૉલેટમાં e₹ લોડ કરવાનું રહે છે.
શું ભારતમાં ડિજિટલ રૂપિયા રોકડ રકમનું સ્થાન લેશે?
રિઝર્વ બૅન્કે ડિજિટલ રૂપિયા વિશે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તેનો હેતુ ચલણનાં હાલનાં સ્વરૂપોને બદલવાનો નહીં, બલ્કે ડિજિટલ રૂપિયાને તેના પૂરક બનાવવાનો છે.
ખાસ કરીને ભારતનાં ગ્રામીણ તેમજ અસંગઠિત ક્ષેત્રો હજુયે મોટા પાયે રોકડ (કૅશ) પર નિર્ભર છે. ડિજિટલ રૂપિયા રોકડના વિશ્વાસને જાળવી રાખીને ડિજિટલ ચુકવણીની સુવિધા પૂરી પાડશે.
તેનાથી રોકડ રકમના વ્યવસ્થાપનનો ખર્ચ ઘટાડવામાં, નાણાકીય વ્યવહારની કાર્યદક્ષતા વધારવામાં અને ભવિષ્યમાં ઑફલાઇન ડિજિટલ ચુકવણીને શક્ય બનાવવામાં મદદ મળી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
























