'પ્રદર્શનકારી જેન-ઝી દેશવિરોધી નથી', આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે યુવાનો સાથેના સંવાદમાં બીજું શું-શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત ગુરુવારે જેન-ઝી સાથે જોડાયેલા એક કાર્યક્રમમાં સામેલ થયા. ત્યાં તેમણે વાતચીત દરમિયાન કહ્યું કે, હાલમાં થયેલા જેન-ઝી આંદોલનોમાં વિદ્યાર્થીઓની જે ફરિયાદો હતી, તે વાજબી હતી.
તેમણે કહ્યું કે વિરોધપ્રદર્શન કરી રહેલા જેન-ઝી દેશવિરોધી નથી અને લોકતંત્રમાં વિરોધપ્રદર્શન પણ સહમતિ બનાવવાનું એક માધ્યમ છે.
મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં 'ઇન્ડિયા ઇન્ટરનૅશનલ મુવમેન્ટ ટુ યુનાઇટેડ નૅશન્સ' (આઈઆઈએમયુએન)ના 15મા સ્થાપના વર્ષની ઉજવણી પ્રસંગે મોહન ભાગવતે આ વાતનો ઉલ્લેખ કર્યો છે.
આ સંવાદ દરમિયાન આરએસએસ પ્રમુખે કહ્યું કે વિરોધપ્રદર્શનો દરમિયાન અલગ-અલગ વિચારો સામે આવે છે અને ચર્ચા પછી એક સહમતિ બને છે.
તેમણે કહ્યું, "આ ચર્ચા સંવાદ દ્વારા થઈ શકે છે. જો કોઈ કારણસર વાત સાંભળવામાં ન આવે તો આંદોલન કરી શકાય છે. પરંતુ તેનો ઉદ્દેશ સહમતિ બનાવવાનો જ હોવો જોઈએ, સમાજમાં વિભાજન પેદા કરવાનો નહીં."
મોહન ભાગવતે બીજું શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ગત જૂન-જુલાઈ મહિનામાં નીટ પેપરલીક મામલાને લઈને કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના નેતૃત્વમાં દિલ્હીના જંતર-મંતર પર વિરોધપ્રદર્શનો શરૂ થયાં હતાં.
આ વિરોધપ્રદર્શનો દેશના ઘણા ભાગોમાં ફેલાઈ ગયાં હતાં અને 25 જુલાઈએ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી તે સમાપ્ત થયાં હતાં.
આ પ્રદર્શનોને લઈને પ્રતિક્રિયા આપતા આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું, "જ્યાં સુધી જેન-ઝીની વાત છે, હાલમાં જે થયું, તેમાં તેમની ફરિયાદો વ્યાજબી છે. ભારતની શિક્ષણ વ્યવસ્થામાં ઘણું કરવાનું બાકી છે અને તે થઈ રહ્યું નથી, તેથી આ મુદ્દાઓ ઉઠી રહ્યા છે. નિશ્ચિતરૂપે સંવાદ થવો જોઈએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
"હું આ કહી રહ્યો છું કે, જો જેન-ઝી વિરોધપ્રદર્શન કરે છે, તો તેઓ દેશવિરોધી નથી. તેઓ આપણા પોતાના છે. તેઓ આપણી હવે પછીની પેઢી છે. વાતચીતની સાથે-સાથે તેમને પોતીકાપણાંનો અનુભવ કરાવવાની પણ જરૂર છે."
ભાગવતે કહ્યું કે જેન-ઝી અને જેન-આલ્ફાની વિચારધારા પહેલાંની પેઢીઓથી અલગ છે.
તેમણે કહ્યું, "જ્યારે અમે તેમની ઉંમરના હતા ત્યારે વરિષ્ઠોની વાત માની લેવી અમારી આદત હતી, અમે પ્રશ્ન પૂછતા નહોતા. પરંતુ આજે જેન-ઝી અને જેન-આલ્ફા પ્રશ્ન પૂછે છે, તેઓ તર્કસંગત જવાબ ઇચ્છે છે."
તેમણે લોકતંત્રમાં ચર્ચાની પ્રક્રિયાનો ઉલ્લેખ કરતાં કહ્યું, "અંગ્રેજીમાં તેને ડિબેટ કહેવામાં આવે છે અને અમે તેને શાસ્ત્રાર્થ કહીએ છીએ. તેમાં બે પક્ષ હોય છે - પૂર્વાર્ધ અને ઉત્તર. દરેક પાસાંને જોવામાં આવે છે અને દરેક વ્યક્તિનો પોતાનો દૃષ્ટિકોણ હોય છે. તેનાથી કોઈપણ વિષયનાં નવાં પાસાં સામે આવે છે. ઘણા વિચારો અને પ્રતિવિચારો મળીને સત્યનું સંપૂર્ણ ચિત્ર બનાવે છે. આ પ્રક્રિયા થવી જોઈએ."
આરએસએસ પ્રમુખે કહ્યું, "હું આમ નહીં કહું કે, જેન-ઝીએ વિરોધ ન કરવો જોઈએ, પરંતુ લોકતંત્રમાં વિરોધ કેવી રીતે અને કઈ રીતે કરવો, તેના નિર્ધારિત રસ્તાઓ છે. સંવિધાન બનાવનારાઓ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં ભાષણોમાં પણ તેના સંકેતો મળે છે. આપણે તેના પર ધ્યાન આપવું જોઈએ."
તેમણે કહ્યું, "આપણે આ પણ સમજવું પડશે કે જેન-ઝી માત્ર વિરોધ કરવા માટે અવાજ ઉઠાવી રહ્યા નથી. તેઓ કેટલીક સમસ્યાઓને કારણે પોતાની વાત મૂકી રહ્યા છે અને તે સમસ્યાઓનું સમાધાન થવું જોઈએ. આંદોલન કોઈ વ્યક્તિ વિરુદ્ધ નહીં, પરંતુ વ્યવસ્થામાં સુધાર માટે હોવું જોઈએ."
'જ્યાં સુધી સામાજિક ભેદભાવ છે અનામત રહેશે'
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે આ વાતચીત દરમિયાન અનામતની વાતનો ઉલ્લેખ પણ કર્યો. તેમણે કહ્યું કે જ્યાં સુધી સામાજિક ભેદભાવ છે ત્યાં સુધી અનામત લાગુ રહેશે.
તેમણે કહ્યું, "હું તમને સીધો જવાબ નહીં આપું. હું તમને કહું છું કે તમે બાબાસાહેબ આંબેડકરે અનામત વિશે શું લખ્યું હતું તે વાંચો. જો આપણે ઇમાનદારીથી તેમની સલાહ માનીએ તો કોઈ સમસ્યા નહીં રહે."
"સામાજિક કારણોસર અનામત છે. જ્યાં સુધી સામાજિક ભેદભાવ છે, અનામત ચાલુ રહેશે. જેને મળી ગયું છે અને જેમનું ભવિષ્ય સુધરી ગયું છે, તેમણે મોટું દિલ બતાવીને આપી દેવું જોઈએ. અને જો આ યોગ્ય રીતે થાય છે તો ત્યાં આ પ્રકારના અવાજો પણ ઉઠી રહ્યા છે, આવું બહું ઓછું છે પરંતુ અવાજો ઉઠી રહ્યા છે કે, હવે અમારું થઈ ગયું તો બીજાને આપી દો."
"વર્ગીકરણની માંગ કેટલાક પ્રાંતોમાં થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે. જેમને રિઝર્વેશન મળે છે, તેમનામાં એક વિચાર છે કે આ અમારી ભલાઈ માટે છે, કોઈ કાયમી રીત નથી, અને આપણે તેનો લાભ ઉઠાવવો છે, પોતાને લોકો માટે ઉપયોગી બનાવવા છે, તેમને માટે, જેમને તે નથી મળ્યું."
"તેને પ્રોત્સાહન આપવું જોઈએ. તેના પર રાજકારણ ન થવું જોઈએ. જો તમામ રીતો યોગ્ય રીતે લાગુ કરવામાં આવે, તો જલદી જ તેની જરૂરિયાત સમાપ્ત થઈ જશે. પછી તેના પર વિચાર કરવામાં આવશે. પરંતુ તેના પર રાજકારણ થયું જેના કારણે મતભેદો પેદા થાય છે. હકીકતમાં, આ રીત સમાજની એકતા માટે લાવવામાં આવી હતી. આ રીત પોતે ખોટી નથી, પરંતુ તલવાર ચલાવનારા જાણીજોઈને તેને અયોગ્ય રીતે કરી રહ્યા છે. જ્યાં સુધી તેનો ઇલાજ નહીં થાય, મને કંઈ દેખાતું નથી."
LGBTQIA+ સમુદાય પર મોહન ભાગવતે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે બુધવારે કહ્યું હતું કે એલજીબીટીક્યુઆઈએ+ સમુદાય સમાજનો અભિન્ન ભાગ છે, પરંતુ હાલ લગ્નની વર્તમાન સંસ્થામાં ફેરફાર ન કરવો જોઈએ, કારણ કે તેના "અનિચ્છનીય દુષ્પ્રભાવ" થઈ શકે છે.
તેમણે સમલૈંગિક જોડીઓ માટે અલગ કાયદાકીય વ્યવસ્થા બનાવવાનું સૂચન પણ કર્યું.
ગુરુવારે થયેલા કાર્યક્રમમાં લગભગ 2,000 જેન-ઝી અને જેન-આલ્ફા પેઢીના યુવાનોએ ભાગ લીધો હતો, તેમાં મોહન ભાગવતે એક પ્રશ્નના જવાબમાં એલજીબીટીક્યુઆઈએ+ સમુદાય વિશે વાત કરી.
ભાગવતે કહ્યું કે આરએસએસ સતત માનતું આવ્યું છે કે "એલજીબીટીક્યુઆઈએ+ સમુદાયના લોકો એ જ સમાજનો ભાગ છે, જેની સાથે આપણે જોડાયેલા છીએ. આપણા સમાજમાં તેમને સાથે લઈને ચાલવાની પરંપરા રહી છે."
તેમણે કહ્યું કે ભારતીય પરંપરામાં લગ્ન માત્ર બે લોકો સાથે રહેવાની વ્યવસ્થા નથી, પરંતુ તે પરિવાર બનાવવાની સંસ્થા છે, અને પરિવાર જ સમાજની મૂળ એકમ છે જ્યાં આગળની પેઢીનું નિર્માણ થાય છે.
તેમણે કહ્યું, "અમારી પરંપરાગત 'વિવાહ' વ્યવસ્થા માત્ર બે લોકો સાથે રહેવાની સુવિધા નથી. આ એવી સંસ્થા છે જેના માધ્યમથી પરિવાર બને છે, અને પરિવાર સમાજની તે એકમ છે જ્યાં આગળની પેઢીનું નિર્માણ થાય છે."
ભાગવતે કહ્યું, "આપણે પહેલાં સમાજને તૈયાર કરવો પડશે, કારણ કે કાયદા સમાજને ચલાવતા નથી, સમાજ કાયદાઓને દિશા આપે છે. આ સમયે જો આપણે વર્તમાન વ્યવસ્થામાં છેડછાડ કરીશું, તો તેના અનિચ્છનીય પરિણામો આવી શકે છે."
તેમણે સૂચન કર્યું કે સમલૈંગિક જોડીઓ માટે અલગ કાયદાકીય વ્યવસ્થા બનાવવામાં આવી શકે છે.
તેમણે કહ્યું, "તેને સમલૈંગિક લગ્ન ન કહો. આપણે એવી વ્યવસ્થા બનાવવી પડશે, જેથી સમાન લિંગના સાથીઓ સાથે રહી શકે. તેના માટે કાયદો બનાવવામાં આવી શકે છે અને સમાજ તેને સ્વીકારી શકે છે."
ભાગવતે કહ્યું કે સમાજે એવી વ્યવસ્થા વિકસાવવી જોઈએ, જેમાં એલજીબીટીક્યુઆઈએ+ સમુદાયના લોકોને પણ સ્થાન મળે અને સાથે જ વર્તમાન સામાજિક સંસ્થાઓની રચના પણ યથાવત્ રહે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















