મૌલાના બરકતુલ્લાહ ભોપાલી કોણ હતા, જેમણે અફઘાનિસ્તાનમાં રચી હતી ભારતની પહેલી નિર્વાસિત સરકાર?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ મૌલાના બરકતુલ્લાહ ભોપાલી કોણ હતા, જેમણે અફઘાનિસ્તાનમાં રચી હતી ભારતની પહેલી નિર્વાસિત સરકાર? અફઘાનિસ્તાનની ધરતી પરથી ભારતની આઝાદીનું બ્યુગલ ફૂંકનાર મૌલાના બરકતુલ્લાહ ભોપાલીની કહાણી
ઇમેજ કૅપ્શન, બરકતુલ્લાહનો જન્મ ભોપાલમાં થયો હતો, પણ ભારતની આઝાદી માટે તેમણે વિશ્વના અનેક દેશોની મુસાફરી કરી હતી
    • લેેખક, મિર્ઝા એબી બેગ
    • પદ, બીબીસી ઉર્દૂ, નવી દિલ્હી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

તમે જાણો છો ભારતના પહેલવહેલા વડા પ્રધાન કોણ હતા?

સામાન્યત: સ્વતંત્ર ભારતના પ્રથમ વડા પ્રધાન તરીકે જવાહરલાલ નહેરુનું નામ લેવાય છે. પણ એ પહેલાંય બે નિર્વાસિત હંગામી સરકારો રચાઈ હતી.

1915માં રચાયેલી પ્રથમ નિર્વાસિત સરકારના વડા પ્રધાન મૌલાના બરકતુલ્લાહ ભોપાલી હતા. તેમના નામે સ્થપાયેલી 'બરકતુલ્લાહ યુનિવર્સિટી'નું નામ બદલવાના પ્રસ્તાવ બાબતે આજકાલ ચર્ચા થઈ રહી છે.

ભારતની આઝાદી માટે સંઘર્ષ કરનાર અને અફઘાનિસ્તાનમાં પ્રથમ નિર્વાસિત હંગામી સરકાર રચનાર મૌલાના બરકતુલ્લાહ ભોપાલીએ અમેરિકામાં પોતાની મરણપથારીએ કહેલું: "આખી જિંદગી મેં મારા દેશની આઝાદી માટે કામ કર્યું. મને ખુશી છે કે મારું જીવન મારા વતનના હિત કાજે વીત્યું."

તેમણે વધુમાં કહેલું: "અફસોસ કેવળ એટલો કે મારા જીવનકાળ દરમિયાન હું તેનું પરિણામ જોઈ ન શક્યો. પરંતુ મને સંતોષ છે કે હજારો યુવાનો સાચી નિષ્ઠા અને દૃઢ સંકલ્પ સાથે આઝાદીની લડતમાં જોડાયા. સંપૂર્ણ વિશ્વાસ સાથે આપણા દેશનું ભાવિ હું તેમના હાથમાં સોંપી રહ્યો છું."

મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં તેમના નામે સ્થપાયેલી 'બરકતુલ્લાહ યુનિવર્સિટી'નું નામ બદલવાના પ્રસ્તાવે ઘણા લોકોને 'વ્યથિત' કરી મૂક્યા. નાગરિક સમાજના લોકોએ તેનો વિરોધ કર્યો. આખરે આ પ્રસ્તાવ રદ કરી દેવાયો.

બરકતુલ્લાહના જીવન અને તેમની આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિઓ વિશે વાત કરતાં અગાઉ આ વિવાદને સમજી લેવો જરૂરી છે.

નામ બદલવાના પ્રસ્તાવના વિરોધમાં વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના મુખ્ય દ્વારે દેખાવો કર્યા. નાગરિક સમાજના પ્રતિનિધિઓએ પણ વિરોધ નોંધાવ્યો. સ્થાનિક અખબારોમાં તેમના જીવન અને યોગદાન વિશેના લેખો પ્રકાશિત થયા.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ

ઇમેજ સ્રોત, BBC/‏Midhat

ઇમેજ કૅપ્શન, ભોપાલમાં તેમના નામે સ્થપાયેલી 'બરકતુલ્લાહ યુનિવર્સિટી'નું નામ બદલવાના પ્રસ્તાવે ઘણા લોકોને 'વ્યથિત' કરી મૂક્યા

ભોપાલના પૂર્વ મેયર દીપચંદ યાદવે બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "આ એવી માનસિકતાનું પરિણામ છે કે જે જનતાનાં હિત માટે કામ ઓછું અને નામ બદલવામાં વધુ રસ લે છે."

તેમણે વધુમાં જણાવ્યું કે દુ:ખ એ વાતનું છે કે બરકતુલ્લાહ મુસ્લિમ હતા એટલા માટે જ આ પ્રસ્તાવ લાવવામાં આવેલો. તેમનું કહેવું હતું કે આ પરિસ્થિતિ કેવળ મધ્ય પ્રદેશ પૂરતી નથી, પણ દેશના અન્ય ભાગોમાંય જોવા મળે છે.

તેમણે કહ્યું, "રામાયણ મુગલકાળમાં લખાયેલું. જાયસીનું 'પદ્માવત' ખિલજીના સમયમાં રચાયું હતું. એ બધાને તેઓ સ્વીકારે છે, પણ મુસલમાનને નહીં."

કોણ હતા બરકતુલ્લાહ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ

ઇમેજ સ્રોત, M.Irfan

ઇમેજ કૅપ્શન, અફઘાનિસ્તાન અને તુર્કીના રાજદૂતો સાથે પહેલવહેલી નિર્વાસિત હંગામી સરકારના રાષ્ટ્રપતિ રાજા મહેન્દ્ર પ્રતાપ તેમજ વડા પ્રધાન બરકતુલ્લાહ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બરકતુલ્લાહનાં માતાપિતા 1857ના બળવા પછી ઉત્તર પ્રદેશના બદાયૂંથી ભોપાલ આવીને વસ્યાં હતાં. અહીં જ બરકતુલ્લાહનો જન્મ થયો.

તેમનું જીવનચરિત્ર લખનાર એમ. ઇરફાનના જણાવ્યા મુજબ તેમનો જન્મ 1858 કે 1859માં થયો હતો.

જોકે બરકતુલ્લાહ યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર ડૉ. હસન ખાનનું કહેવું છે કે કૅલિફોર્નિયાના સેક્રામેન્ટોમાં આવેલી તેમની કબર પર લખેલું છે કે તેમનું અવસાન 1927માં 60 વર્ષની વયે થયું હતું. એ મુજબ તેમનો જન્મ 1867માં થયો હોવાનું ધારી શકાય.

ઇતિહાસકાર અશઅર કદવઈએ બરકતુલ્લાહનો જન્મ થયેલો એ મહોલ્લાની મુલાકાત લીધી હતી.

કૈરોની અલ-અઝહર યુનિવર્સિટી સાથે સંકળાયેલા અબૂ નસ્ર સૈયદ અહમદ ભોપાલીને એક પત્રમાં બરકતુલ્લાહે લખેલું કે પોતાનો જન્મ મોચીઓના મહોલ્લામાં હકીમ કાદિર અલી ખાનના મકાનમાં થયો હતો.

તેમનું બાળપણ ત્યાં જ વીત્યું અને તેમની (ગર્ભ)નાળને પણ ત્યાં જ દફનાવવામાં આવી હતી.

બરકતુલ્લાહે પોતાનું પ્રાથમિક શિક્ષણ મદરેસા સુલેમાનિયામાંથી પ્રાપ્ત કરેલું. ત્યાર પછી તેમણે ફારસી, અરબી, ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને દર્શનશાસ્ત્રનો અભ્યાસ કર્યો.

તેઓ મોટી મસ્જિદમાં રહેતા હતા ત્યારે ફારસી શીખેલા, જ્યારે સુલેમાનિયામાં તેમણે અરબી તેમજ ધાર્મિક શિક્ષણ મેળવેલું.

અરબી ભાષા પર તેમણે મજબૂત પકડ પ્રાપ્ત કરી લીધી હતી. પણ થોડા સમયમાં જ તેમને સમજાયું કે અંગ્રેજી જાણ્યા વિના ઇસ્લામ અને મુસ્લિમ સમાજની બહેતર સેવા કરી શકાશે નહીં.

અભ્યાસ પૂરો કર્યા પછી તેમણે એ જ મદરેસામાં અધ્યાપન પણ કરાવ્યું.

શાહ વલીઉલ્લાહ અને જમાલુદ્દીન અફઘાનીનો પ્રભાવ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ

ઇમેજ સ્રોત, M Irfan

ઇમેજ કૅપ્શન, મૌલાના બરકતુલ્લાહ ભોપાલી

કહેવાય છે કે શાહ વલીઉલ્લાહ દેહલવીના પ્રસિદ્ધ ગ્રંથ 'હુજ્જતુલ્લાહ અલ-બાલિગા'થી બરકતુલ્લાહ ખૂબ પ્રભાવિત હતા.

ઓગણીસમી સદીના જાણીતા વિચારક જમાલુદ્દીન અફઘાની ભોપાલની મુલાકાત પછી બરકતુલ્લાહ એક દિવસ અચાનક ભોપાલ છોડીને જતા રહ્યા.

કેટલાક લોકોના જણાવ્યા અનુસાર પહેલાં તેઓ જબલપુર ગયા અને ત્યાં અંગ્રેજી શીખ્યા. પણ એક પત્રમાં બરકતુલ્લાહે લખ્યું છે કે પોતે પહેલાં બૉમ્બે ગયા હતા, જ્યાં તેમણે અંગ્રેજીનું ઔપચારિક શિક્ષણ મેળવ્યું.

એ પછી તેઓ ઇંગ્લૅન્ડ પહોંચ્યા.

તેમના અભ્યાસ અને પ્રવાસનો ખર્ચ કોણે ઉઠાવ્યો હતો એ બાબત સ્પષ્ટ નથી.

ઇંગ્લૅન્ડમાં એક બાબતે તેમને સૌથી વધુ હલબલાવી નાખ્યા – અને એ હતી ત્યાંના લોકોની સમૃદ્ધિ.

તેઓ કહેતા કે મહારાણી વિક્ટોરિયા ભારતનાં પણ મહારાણી હતાં. છતાં ભારતના લોકો ગરીબ હતા. બીજી તરફ ભારતમાંથી લઈ જવાતી સંપત્તિના કારણે બ્રિટનમાં ચમકદમક હતી.

ઇંગ્લૅન્ડમાં નવો પ્રવાસ

ઇંગ્લૅન્ડમાં તેઓ ગોપાલકૃષ્ણ ગોખલેનાં ભાષણ સાંભળતા હતા. પણ પછી તેઓ ગોખલેની ઉદારવાદી નીતિથી દૂર થઈ ગયા.

તેમના મનમાં સ્વતંત્ર ભારતનું એક સ્વપ્ન આકાર લેવા લાગ્યું.

ઈરાની મૂળના પ્રોફેસર આગા મિર્ઝા શાસ્ત્રીએ જણાવ્યું કે ત્યાં અંગ્રેજી પર ધ્યાન આપવાને બદલે બરકતુલ્લાહે જર્મન, ફ્રૅન્ચ, તુર્કી અને જાપાની ભાષાઓ શીખી લીધી.

તેઓ અરબી ભણાવવા લાગ્યા અને અખબારોમાં લેખો પણ લખવા લાગ્યા.

તેમનું જીવન અતિશય સાદું હતું.

એક જૂનાપુરાણા મકાનમાં તેઓ રહેતા હતા. ઘણી વાર તેમને ઘણા દિવસ સુધી ભૂખ્યા પણ રહેવું પડતું.

અબ્દુલ્લાહ ક્વિલિયમ સાથે મુલાકાત

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ

ઇમેજ સ્રોત, Abdullah Quilliam Society

ઇમેજ કૅપ્શન, અંગ્રેજી મૂળના મુસ્લિમ ધર્મગુરુ અબ્દુલ્લાહ ક્વિલિયમે લીવરપૂલમાં પહેલવહેલી મસ્જિદ સ્થાપેલી

અરબી ભાષા પરની મજબૂત પકડને કારણે તેમની ખ્યાતિ વધી અને તેમને લિવરપૂલની ઓરિએન્ટલ કૉલેજમાં ભણાવવાની તક મળી.

એ જ અરસામાં વિલિયમ હૅન્રી ક્વિલિયમે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને પોતાનું નામ અબ્દુલ્લાહ ક્વિલિયમ રાખ્યું. આગળ જતાં તેઓ ઇંગ્લૅન્ડના પ્રથમ મુસ્લિમ ધર્મગુરુઓમાંના એક તરીકે જાણીતા બન્યા.

તુર્કીના ખલીફાએ તેમને ઇંગ્લૅન્ડના "શેખ-ઉલ-ઇસ્લામ" ઘોષિત કર્યા.

તેમણે પોતાના ઘરને મસ્જિદ અને મદરેસામાં ફેરવીને તેનું નામ 'મુસ્લિમ ઇન્સ્ટિટ્યૂટ' રાખ્યું.

ત્યાંથી 'ધ ક્રેસન્ટ' અને 'ઇસ્લામિક વર્લ્ડ' નામનાં સામયિકો પ્રકાશિત થતાં હતાં.

અબ્દુલ્લાહ ક્વિલિયમનું આમંત્રણ સ્વીકારીને બરકતુલ્લાહ પણ આ સંસ્થા સાથે સંકળાયા. તેઓ અરબી અને તુર્કી ભાષા ભણાવવા લાગ્યા તેમજ આ સામયિકોના પ્રકાશનમાં સહયોગ આપવા લાગ્યા.

આ સામયિકોના માધ્યમથી ભોપાલના લોકોને સૌ પ્રથમ વાર જાણ થઈ કે બરકતુલ્લાહ ઇંગ્લૅન્ડમાં છે.

હિંદુ-મુસ્લિમ એકતાના સમર્થક

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ

ઇમેજ સ્રોત, hasratmohanitrust

ઇમેજ કૅપ્શન, ઉર્દૂના પ્રસિદ્ધ કવિ અને 'સૈયદ-ઉલ-અહરાર' તરીકે ઓળખાતા હસરત મોહાનીને બરકતુલ્લાહે એક પત્ર લખ્યો હતો

બરકતુલ્લાહ માનતા કે ભારતની આઝાદી માટે હિંદુ-મુસ્લિમ એકતા અત્યંત જરૂરી છે.

તેમણે સ્વાતંત્ર્યસેનાની અને કવિ હસરત મોહાનીને એક પત્ર લખ્યો. આ પત્રમાં તેમણે સ્વતંત્ર ભારતની એક રૂપરેખા પણ રજૂ કરેલી.

તેમણે લખેલું કે વિશ્વભરમાં મુસ્લિમોની સૌથી વધુ વસ્તી ભારતમાં છે અને તેમની પ્રગતિ ભારતના મુસ્લિમોનાં હિત સાથે સંકળાયેલી છે.

અફઘાનિસ્તાનમાં પહેલવહેલી નિર્વાસિત સરકાર

3 ઑક્ટોબર, 1915ના રોજ ભારત, તુર્કી અને જર્મનીનું સંયુક્ત પ્રતિનિધિમંડળ કાબુલ પહોંચ્યું. ત્યાં તે અફઘાન શાસક અમીર હબીબુલ્લાહ ખાનને મળ્યા.

સતત બેઠકો કર્યા પછી 1 ડિસેમ્બર, 1915ના રોજ નિર્વાસિત હંગામી સરકારની રચના કરવામાં આવી.

રાજા મહેન્દ્ર પ્રતાપ તેના રાષ્ટ્રપતિ બન્યા અને બરકતુલ્લાહને વડા પ્રધાન બનાવવામાં આવ્યા.

જ્યારે મૌલાના ઉબૈદુલ્લાહ સિંધીને ગૃહમંત્રી તરીકે નિયુક્ત કરાયા. એ જ સમયે ભારતમાં અંગ્રેજો સામે 'રેશમી રૂમાલ આંદોલન' પણ ચાલી રહ્યું હતું.

ગદર પાર્ટી અને અફઘાનિસ્તાનમાં પુનરાગમન

એ પછી બરકતુલ્લાહ અમેરિકા ઊપડ્યા અને ગદર પાર્ટીના અગ્રણી નેતાઓમાં સામેલ થઈ ગયા. તેમણે સંસ્થાના સામયિકનું સંપાદન કર્યું અને નેતૃત્વની ભૂમિકા પણ ભજવી.

1919માં અમીર હબીબુલ્લાહ ખાનની હત્યા પછી તેમના પુત્ર અમાનુલ્લાહ ખાને બરકતુલ્લાહને ફરી એક વાર અફઘાનિસ્તાન બોલાવ્યા.

બંનેએ મળીને અંગ્રેજો સામેની વ્યૂહરચના તૈયાર કરવાનો પ્રયાસ કર્યો.

રસપ્રદ વાત એ છે કે બીજી નિર્વાસિત સરકાર સુભાષચંદ્ર બોઝે 21 ઑક્ટોબર, 1943ના રોજ સિંગાપુરમાં રચેલી.

ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર બરકતુલ્લાહ અને સુભાષચંદ્ર બોઝના માર્ગમાં ઘણું સામ્ય હતું.

બંને પહેલાં અફઘાનિસ્તાન પહોંચેલા. બંનેએ કાબુલના બાબર બાગમાં સમય ગાળેલો. ત્યાર પછી બંને જર્મની અને જાપાન ગયા.

લેનિનને ભેટ અપાયેલી લાકડી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બરકતુલ્લાહની મુલાકાત રશિયામાં લેનિન સાથે થયેલી

ત્યાર પછી બરકતુલ્લાહને અફઘાનિસ્તાનના પ્રતિનિધિ તરીકે રશિયા મોકલવામાં આવ્યા. ત્યાં સુધીમાં રશિયામાં ક્રાંતિ થઈ ચૂકી હતી.

પત્રકાર ઇકબાલ મસૂદના જણાવ્યા અનુસાર બરકતુલ્લાહની મુલાકાત પહેલાં લેવ ટ્રોટ્સ્કી અને ત્યાર પછી વ્લાદિમિર લેનિન સાથે થયેલી.

તેમના જીવનચરિત્રમાં તેમને ભારત અને રશિયા વચ્ચેની મૈત્રીના પ્રારંભિક સૂત્રધાર તરીકે દર્શાવાયા છે.

કહેવાય છે કે રશિયન ક્રાંતિ પછી લેનિનને જે ચંદનની લાકડી ભેટ આપવામાં આવી, તે ભારતીયો તરફથી મોકલવામાં આવી હતી.

તપાસમાં જાણવા મળ્યું કે તે 'મુહમ્મદ હાદી' નામની વ્યક્તિએ મોકલી હતી. પછી ખબર પડી કે મુહમ્મદ હાદી એટલે બીજું કોઈ નહીં, ખુદ બરકતુલ્લાહ હતા.

બ્રિટિશ જાસૂસોને ગેરમાર્ગે દોરવા માટે તેમણે આ નામ ધારણ કર્યું હતું. પછી રાજા મહેન્દ્ર પ્રતાપે પણ તેની પુષ્ટિ કરેલી.

લેનિન સાથે મુલાકાત

મે, 1919માં બરકતુલ્લાહની આગેવાની હેઠળ ભારતીય પ્રતિનિધિમંડળે લેનિનની મુલાકાત લીધી. આ પ્રતિનિધિમંડળમાં રાજા મહેન્દ્ર પ્રતાપ, મૌલવી અબ્દુલ રબ અને પ્રતિવાદી આચાર્ય જેવા લોકો સામેલ હતા.

રાજા મહેન્દ્ર પ્રતાપે લખ્યું છે કે તેઓ રશિયન સરકારના મહેમાન હતા. ત્યાં તેમની મુલાકાત બરકતુલ્લાહ સાથે થઈ હતી, જે અગાઉથી જ રશિયામાં હાજર હતા.

બરકતુલ્લાહે રશિયનો સાથે સારા સંબંધ સ્થાપિત કરી દીધા હતા.

નહેરુ અને બરકતુલ્લાહની મુલાકાત

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પોતાની આત્મકથામાં નહેરુએ બરકતુલ્લાહ સાથેની મુલાકાતનો ઉલ્લેખ કર્યો છે અને તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે

અફઘાન શાસક અને બ્રિટિશ સરકાર વચ્ચે સમજૂતી થયા પછી નિર્વાસિત સરકારનું વિસર્જન થઈ ગયું. પણ બરકતુલ્લાહ બોલ્શેવિક ક્રાંતિના વિચારોને મુસ્લિમ વિશ્વ સુધી પહોંચાડવા ઇચ્છતા હતા. લેનિને આ કાર્યમાં સહયોગ આપવાનું આશ્વાસન પણ આપેલું.

1922માં બીમાર પડ્યા પછી બરકતુલ્લાહ રશિયાથી જર્મની ગયા. તેમની સારવાર માટે સાન ફ્રાન્સિસ્કોથી એક હજાર ડૉલર મોકલવામાં આવ્યા.

રાજા મહેન્દ્ર પ્રતાપ પણ તેમને મળવા પહોંચ્યા.

ફેબ્રુઆરી, 1927માં બ્રસેલ્સમાં યોજાયેલા એક આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લેવા બરકતુલ્લાહ ત્યાં ગયા. ત્યાં તેમની મુલાકાત જવાહરલાલ નહેરુ સાથે થઈ હતી. નહેરુએ પોતાની આત્મકથામાં આ મુલાકાતનો ઉલ્લેખ કર્યો છે.

અંતિમ સફર

ત્યાર પછી બરકતુલ્લાહ ત્રીજી અને છેલ્લી વખત અમેરિકા ગયા. તેઓ દેશવિદેશ ફરીને ભારતની આઝાદીનો અવાજ ઉઠાવતા રહ્યા.

આખરે સાન ફ્રાન્સિસ્કોમાં તેમનું અવસાન થયું.

બરકતુલ્લાહ યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર ડૉ. હસન ખાનના જણાવ્યા અનુસાર સેક્રામેન્ટોમાં આવેલી તેમની કબર પર તેમના અવસાનની તારીખ 20 સપ્ટેમ્બર, 1927 નોંધાઈ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન