ગુજરાતમાં આ જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ, કેટલાંક ગામો સંપર્કવિહોણાં તો ક્યાંક વીજળી ગુલ

ઇમેજ સ્રોત, Rupesh Sonwane
હવામાન વિભાગે આગાહી કરી તે પ્રમાણે ગુજરાતના કેટલાક જિલ્લાઓ ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો.
જેમાં સુરત, આણંદ, છોટાઉદેપુર, નવસારી જેવા જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થયા હતા.
આજે પહેલી ઑગસ્ટના રોજ રાજ્યના અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આજે ફરી અમદાવાદ અને આણંદ અને સૌરાષ્ટ્રના કુલ મળીને 10 જિલ્લાઓમાં હવામાન રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. તેને લઈને આજે અમદાવાદમાં ડીઇઓ ઑફિસ દ્વારા શાળા-કૉલેજોમાં રજાની જાહેરાત કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં ગઈકાલથી વરસી રહેલા મુશળધાર વરસાદે લોકોને ચિંતામાં મૂક્યા હતા. પૂર જેવી પરિસ્થિતિને કારણે રાજ્યમાં કેટલાંક ગામો સંપર્કવિહોણાં થયાં હોવાના અહેવાલ છે.
આ સાથે ગુજરાતમાં સિઝનનો વરસાદ 65 ટકા થયો છે. આ ઉપરાંત કેટલાક તાલુકાઓમાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.
સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ, રાજ્યમાં સિઝનનો સરેરાશ 64.76 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં 20.67 ટકા, ઉત્તર ગુજરાતમાં 46.76 ટકા, પૂર્વ મધ્યમાં 62.16 ટકા, સૌરાષ્ટ્રમાં 48.81 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 91.35 ટકા વરસાદ વરસ્યો છે.
સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદને કારણે રાજકોટ, જામનગર, અમરેલી, પોરબંદર, અંજાર, ભુજ, સુરેન્દ્રનગરમાં 48 જેટલાં ગામમાં વીજળી ગુલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુરતમાં આઠ ઇંચ તો મોરબીમાં અનારાધાર વરસાદ

ઇમેજ સ્રોત, Gujarat Information
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સુરતમાં શુક્રવારે સવારથી શરૂ થયેલો વરસાદ શનિવારે પણ આખો દિવસ ચાલુ રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાથી અબ્રામા, વેલંજા, ઉમરામાંથી 240થી વધુ નાગરિકોને રિલિફ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે.
દરમિયાન ઓલપાડ અને માંડવી તાલુકામાં અસગગ્રસ્ત ગામોમાંથી 4000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવા પડ્યા છે.
રાજ્યના માહિતી વિભાગ મુજબ સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં આઠ ઇંચ વરસાદ પડ્યો છે.
દરમિયાન સુરતના કલેક્ટર તેજસ પરમારે આજે ફરી એક વખત લોકોને ઘરમાં જ રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરી હતી.
સુરતના મોટા વરાછા ખાતે સવજી કોરાટ બ્રિજ નજીક તાપી નદીના રિવર સાઇડ રોડ 40 મીટર જેટલો ધસી જતા બેરિકેડિંગ કરવામાં આવ્યું છે.
શનિવારે બપોરના ચાર વાગ્યાના આંકડા પ્રમાણે સુરતમાં મીઠી ખાડીના જળસ્તરમાં વધારો થયો છે જ્યારે બાકીની ચાર ખાડીમાં જળસ્તર યથાવત્ છે અથવા ઘટ્યો છે.
આજે તાપી નદી પરના ઉકાઈ ડૅમની સપાટી 323 ફૂટને વટાવી ગઈ છે જે સવારે છ વાગ્યે 320 ફૂટ હતી. ઉકાઈમાં હાલમાં 4.89 લાખ ક્યુસેક પાણીની આવક ચાલુ છે જે ચાલુ સિઝનમાં સૌથી વધારે છે, જ્યારે 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સુરતમાં અત્યાર સુધીનો કુલ વરસાદ 1575 મીમી એટલે કે 62 ઇંચ થયો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 65 ટકા વરસાદ પડી ગયો છે. ગુજરાત ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથૉરિટીના આંકડા પ્રમાણે કચ્છમાં લગભગ 21 ટકા વરસાદ પડી ગયો છે જે સમગ્ર ગુજરાતમાં સૌથી ઓછો છે.
તેની તુલનામાં ઉત્તર ગુજરાતમાં 47 ટકા, પૂર્વ ગુજરાતમાં 62 ટકા, સૌરાષ્ટ્રમાં 50 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 91 વરસાદ પડી ગયો છે.
જિલ્લાની રીતે જોવામાં આવે તો સુરતમાં અત્યાર સુધીમાં 98 ટકા કરતાં વધુ વરસાદ પડી ગયો છે જ્યારે નવસારી જિલ્લામાં 110 ટકા અને વલસાડમાં 102 ટકા કરતાં વધુ વરસાદ નોંધાયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માત્ર પાંચ ટકા વરસાદ પડ્યો છે જે સૌથી ઓછો છે.

ઇમેજ સ્રોત, SACHIN PITHVA
અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં 83 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે અમદાવાદ શહેરમાં 70 ટકા વરસાદ પડી ગયો છે. વડોદરા જિલ્લામાં 49 ટકા, રાજકોટમાં 40 ટકા, સુરેન્દ્રનગર જિલ્લામાં 65 ટકા વરસાદ પડી ગયો છે.
મોરબી ખાતે મચ્છુ - 2 ડૅમ ઓવરફ્લો થતાં ડૅમના 16 દરવાજા દસ ફૂટ સુધી ખોલવામાં આવ્યા.
ડૅમમાંથી 101164 ક્યુસેક પાણીની આવક અને જાવક ચાલુ.
ડૅમના દરવાજા ખોલવામાં આવતા મોરબી અને માળીયા તાલુકાનાં 32 ગામોને એલર્ટ કરાયા.
ઉપરવાસમાં થયેલા સારા વરસાદના પગલે મચ્છુ-2 ડૅમ ઓવરફ્લો થયો છે.
નોંધનીય છે કે સવારથી શરૂ થયેલો વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે.
શનિવાર સવારના છ વાગ્યાથી બપોરના ચાર વાગ્યા સુધીમાં સાડા આઠ ઇંચ જેટલો વરસાદ જિલ્લામાં પડી ચૂક્યો છે.
આ તાલુકાઓમાં 100 ટકાથી વધુ વરસાદ
પાટણના સાંતલપુરમાં 111.23 ટકા, મહેસાણાના કડીમાં 115.19 ટકા, અમદાવાદના ધંધુકામાં 103.73 ટકા, અમદાવાદના ધોળકામાં 105.67 ટકા, અમદાવાદના માંડલમાં 107.40 ટકા, અમદાવાદના વિરમગામમાં 114.40 ટકા, ખેડામાં 101.28 ટકા, ખેડાના મહેમદાબાદમાં 135.17 ટકા, ખેડાના માતરમાં 109.25, ખેડાના નડિયાદમાં 140.27 ટકા, ખેડાના વસોમાં 120.38 ટકા, જૂનાગઢના માંગરોળમાં 109.74 ટકા, ભરૂચના નેત્રંગમાં 134.07 ટકા, તાપીના વાલોડમાં 110.96 ટકા, તાપીના ડોલવણમાં 122.51 ટકા, સુરતના અંબિકામાં 149.79 ટકા, સુરતના બારડોલીમાં 108.60 ટકા, સુરતના કામરેજમાં 115.29 ટકા, સુરતના ઓલપાડમાં 106.33 ટકા, સુરતના પલસાણામાં 134.46 ટકા, સુરત શહેરમાં 104.99 ટકા, સુરતના ઉમરપાડામાં 104.63 ટકા, નવસારીના ચીખલીમાં 122.11 ટકા, નવસારીના ખેરગામમાં 122.68 ટકા, નવસારીમાં 101.62 ટકા, નવસારીના વાંસદામાં 117.55 ટકા, વલસાડના કપરાડામાં 105.17 ટકા, વલસાડના પારડીમાં 106.75 ટકા, વલસાડના ઉમરગામમાં 128.04 ટકા, વલસાડમાં 109 ટકા વરસાદ પડ્યો છે.
બે જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ
રાજ્યના બે જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. નવસારીમાં 110.49 ટકા અને વલસાડમાં 102.25 ટકા વરસાદ નોંધાયો છે. સુરતમાં અત્યાર સુધીમાં 98.28 ટકા વરસાદ પડી ચુક્યો છે.
ગુજરાતમાં અહીં જળબંબાકાર જેવી સ્થિતિ

ઇમેજ સ્રોત, sachin pithva
માહિતી વિભાગે જણાવ્યા અનુસાર, મોરબી જિલ્લામાં ભારે વરસાદને કારણે ઘોડાધ્રોઈ ડૅમમાંથી પાણી છોડાતા જીકીયારી કોઝ-વે બંધ કરાયો છે.
તેમજ મચ્છુ-2 ડૅમ 100% ભરાતાં હાઈ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બપોરે 12 વાગ્યે 4 દરવાજા 6 ફૂટ ખોલાશે, તેને કારણે મોરબી શહેર સહિત 32 ગામોને સાવધ રહેવા તંત્રનો અનુરોધ કરવામાં આવ્યો છે.
બીબીસી ગુજરાતીના દાહોદ-પંચમહાલ જિલ્લાના સહયોગી દક્ષેશ શાહના જણાવ્યા અનુસાર, દાહોદના મોરવા હડફ તાલુકા સ્થિત હડફ ડૅમમાં રૂલ લેવલ જાળવી રાખવા માટે આજે રોજ બપોરે 12 વાગે ડૅમનો એક ગેટ 0.5 ફૂટ સુધી ખોલીને અંદાજિત 623 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવશે.
તેમણે જણાવ્યું, "જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કિનારે આવેલાં તમામ ગામોના નાગરિકોને ખાસ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે."
"નદીમાં પાણીના પ્રવાહમાં વધારો થવાની શક્યતા હોવાથી કોઈપણ વ્યક્તિએ નદી કાંઠે જવું નહીં તેમજ નદીમાં પ્રવેશ કરવો નહીં તેવી અપીલ પર કરવામાં આવી હતી," એમ દક્ષેશ શાહે જણાવ્યું હતું.

ઇમેજ સ્રોત, sachin pithva
બીજી તરફ, વડોદરામાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જામ્બા નદી અને ઢાઢર નદીમાં ભયજનક પાણી પ્રવાહ વહેતા પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે.
વડોદરા ખાતેના બીબીસી સહયોગી હાર્દિકના જણાવ્યા અનુસાર, ડભોઇ તાલુકાનાં 10 ઉપરાંત ગામો પ્રભાવિત થયાં હોવાના સમાચાર છે.
તેના લીધે ડભોઇ-વડોદરા રોડ ઉપર રાજલી નજીક પાણી ફરી વળતા રસ્તો બંધ કરવો પડ્યો હતો.
તેમજ વાઘોડીયા-વડોદરા મુખ્ય માર્ગને વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો.
બીબીસી સહયોગી હાર્દિક અનુસાર, આ રોડ પર વાહનોની ત્રણ કિમી સુધી રોડ પર લાગી લાંબી કતારો લાગી છે.
પીપળીયા, રોપા, મસ્તુપુરા, ઉમરવા જેવાં ગામો સપર્ક વિહોણા થયાં હોવાની જાણકારી પણ હાર્દિકે આપી છે.
વડોદરા જિલ્લામાં ભારે વરસાદના પગલે ડભોઇ તાલુકાના રાજલી અને બહેરામપુરામાં ઢાઢર નદીના પાણી વધતાં 79 ગ્રામજનોને સુરક્ષિત રીતે સ્થાનિક શાળામાં ખસેડવામાં આવ્યા હતા. સ્થળાંતરિત કરાયેલા તમામ નાગરિકો માટે તંત્ર દ્વારા જીવનજરૂરી વસ્તુઓ, ભોજન અને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા સરકારી તંત્ર દ્વારા કરવામાં આવી છે.
છોટાઉદેપુરના બોડેલી તાલુકાના મોટાવાંટ અને રાજવાસણાના નીચાણવાળા વિસ્તારમાંથી 49 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

ઇમેજ સ્રોત, nachiket maheta
આણંદમાં બીબીસી સહયોગી નચિકેત મહેતા અનુસાર, ખેડાના વસોમાં 24 કલાકમાં 17 ઇંચથી વધુ વરસાદને કારણે વસોની ગ્રામ પંચાયત, મુખ્ય બજાર સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થાય હોવાના અહેવાલ છે.
તેમના જણાવ્યા પ્રમાણે, "આ સિવાય આણંદના બાકરોલ વિસ્તારમાં પણ બાદ જળબંબાકાર સ્થિતિ છે."
"આ વિસ્તારની જીસેટ કૉલેજ પાછળ આવેલાં ઘરોમાં પાણી ઘૂસ્યાં છે. અનેક પરિવારોને વરસાદી પાણીથી ભારે નુકસાન થયાની ફરિયાદ થાય હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે," એમ નચિકેત મહેતાએ જણાવ્યું છે.

ઇમેજ સ્રોત, sachin pithva
બીબીસી સહયોગી સચીન પીઠવા અનુસાર, સુરેન્દ્રનગરના ચુડા તાલુકાનું ગોખરવાળા ગામ સંપર્ક વિહોણું થયું છે.
તેમણે જણાવ્યું, "સુરેન્દ્રનગર ઉપરવાસમાં ભારે વરસાદની અસરને કારણે ચુડાનો વાંસલ ડૅમ ઓવરફ્લૉ થઈ રહ્યો છે."
"ડૅમ સેક્શન ઓફિસર દ્વારા સાવચેતીની જાહેર સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ સિવાય અહીં લીંબડી તાલુકાનું સમલા ગામ સંપર્ક વિહોણું થયું છે," એમ સચીન પીઠવાએ જણાવ્યું હતું.

ઇમેજ સ્રોત, daxesh shah
બીબીસી સહયોગી દક્ષેશ શાહના જણાવ્યા અનુસાર, પંચમહાલ જિલ્લાના કાલોલમાં કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસતા પાલિકા ભવન વિસ્તાર, શાક માર્કેટ, કૉલેજ રોડ તેમજ અન્ય નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.
તેમણે જણાવ્યું કે "કાલોલ પાલિકા ભવન સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા નગરપાલિકા કચેરીએ કચેરી માં પાણી ન ભરાય, તે માટે પાળી ચણાવવી પડી હતી."
"કાલોલ હાઈવે સ્થિત ડેરોલ ચોકડીથી જીઆઇડીસી સુધીના રોડ પર ઢીંચણ સુધીના પાણી ભરાઈ જતાં એક તબક્કે વાહન વ્યવહાર પણ સ્થગિત થઈ ગયો હતો," દક્ષેશ શાહે જણાવ્યું.

ઇમેજ સ્રોત, hardik
બીબીસી સંવાદદાતા અજિત ગઢવીએ જણાવ્યું સુરતમાં સિઝનનો વરસાદ 60 ઇંચને વટાવી ગયો છે.
સુરતમાં શુક્રવારે સવારથી શરૂ થયેલો વરસાદ હજુ પણ ચાલુ છે જેના કારણે ચાલુ મોસમનો કુલ વરસાદ 60 ઇંચને પાર કરી ગયો છે.
સુરત જિલ્લામાં ભારે વરસાદને કારણે ઓલપાડ અને માડંવી ખાતે લગભગ 4 હજાર લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સરકારી તંત્રએ કીમ નદીના કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ જતા રહેવાની ચેતવણી આપવામાં આવી છે.
અજિત ગઢવી જણાવે છે, "સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનના ડેટા પ્રમાણે તાપી નદી પરના ઉકાઈ ડૅમની સપાટી આજે સવારે આઠ વાગ્યે 320.32 ફૂટ પર હતી. ગઈકાલે સવારે છ વાગ્યે આ સપાટી 316.51 ફૂટ હતી. એટલે કે 26 કલાકમાં ઉકાઈની જળસપાટીમાં ચાર ફૂટનો વધારો થયો છે."
તેમણે કહ્યું, "હાલમાં ડૅમમાં 2.15 લાખ ક્યૂસેક પાણીની આવક ચાલુ છે જ્યારે 800 ક્યૂસેક જાવક નોંધાઈ છે. ઉકાઈની ફૂલ સપાટી 345 ફૂટ હોય છે. "
સુરતમાં ચોમાસાની ચાલુ સિઝનમાં 1,535 મીમી એટલે કે 60 ઇંચ કરતાં વધુ વરસાદ પડી ગયો છે.
સુરતમાંથી વહેતી પાંચ ખાડીમાંથી ગઈકાલે ભેદવાડ ખાડી છલકાઈ જવાથી આસપાસના વિસ્તારોમાં પાણી વહેવા લાગ્યાં હતાં.
જોકે, પહેલી ઑગસ્ટની સવારે પાંચેય ખાડીમાં જળસ્તરમાં થોડો ઘટાડો થયો છે. સુરતમાં લિંબાયત ઝોનમાં બે, ઉધના ઝોનમાં બે અને વરાછા ઝોનમાં એક ખાડી વહે છે.

ઇમેજ સ્રોત, hardik
"દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે ઘણી જગ્યાએ રોડ બંધ કરવા પડ્યા છે."
"વડોદરાથી ડભોઈ જતો માર્ગ પાણી ભરાવાના કારણે બંધ કરવામાં આવ્યો છે. તેના કારણે સ્ટેચ્યૂ ઑફ યુનિટી જતા પ્રવાહીઓને તકેદારી રાખવા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે."
"વડોદરામાં સુમનદીપ વિદ્યાપીઠની હૉસ્ટેલમાં પાણી ભરાતાં 150 વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે."
આજે અમદાવાદ અને રાજકોટ સહિત 6 જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે સુરત, વડોદરામાં યલો ઍલર્ટ અને અમરેલી, પાટણ, ગાંધીનગર, ભરુચ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના 10 જિલ્લામાં આજે શાળા-કૉલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















