ગીરના સિંહો ડણકથી શું સંકેત આપે અને તેની ત્રાડ ક્યાં સુધી સંભળાય?

ઇમેજ સ્રોત, Photo by DeAgostini/Getty Images
સૌરાષ્ટ્રના 'બૃહદ ગીર વિસ્તાર' તરીકે ઓળખાતા જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓના પ્રદેશમાં વસતા એશિયાઈ સિંહો છેલ્લાં કેટલાંક વર્ષોથી પોરબંદર, રાજકોટ અને બોટાદ જિલ્લાઓમાં પણ દેખાવા લાગ્યા છે.
સિંહોની વાત આવે એટલે સિંહોની ત્રાડ અને ડણકની વાત લગભગ અચૂક થાય. જો કોઈ યુવાન સિંહ કોઈ વનરાજની 'હકૂમત'ને પડકારે, તો વનરાજની ત્રાડ તેના દુશ્મનના હાજા ગગડાવી નાખે તેવી હોય છે.
પરંતુ સિંહો શા માટે ડણકતા હશે? ગીરના સિંહોની ડણક કે ત્રાડ કેટલે દૂર સંભળાય છે? એ ત્રાડમાં કેટલા સૂર હોય છે અને તે કેટલા સમય સુધી ચાલે છે? તે જાણવા માટે ગુજરાતના વન વિભાગના અધિકારીઓ અને પક્ષીઓના અવાજનું રૅકોર્ડિંગ કરવા માટે જાણીતા વિરલ જોશી નામના સંશોધકની ટીમે 2024માં એક સંશોધન હાથ ધર્યું.
એ સંશોધનના તારણોની છણાવટ કરતું એક રિચર્ચ પેપર ગત મહિને પ્રકાશિત થયું છે અને તેમાં કેટલાંક રસપ્રદ તથ્યો બહાર આવ્યાં છે.
સિંહો કયા સમયે વધારે ડણકે છે?

ઇમેજ સ્રોત, Dr Mohan Ram
ડણકનો અભ્યાસ કરવા માટે સાસણ વન્યજીવ વિભાગના તત્કાલીન નાયબ વન સંરક્ષક અને ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્યના સુપરિટેન્ડેન્ટ ડૉ. મોહન રામના નેતૃત્વમાં સંશોધકોની ટીમે ગીરના જંગલના પશ્ચિમ કાંઠાના દેડકડી, દેવળિયા અને આંકોલવાડી રેન્જમાં ઑટોનોમસ રૅકોર્ડિંગ યુનિટ્સ ગોઠવ્યાં અને આ રીતે 15 જગ્યાઓએ તેમણે કુલ 1259 કલાકનું ઑડિયો રૅકોર્ડિંગ કર્યું.
રૅકોર્ડિંગનું વિશ્લેષણ કરતાં સંશોધકોના ધ્યાને આવ્યું કે સંધ્યાટાણાથી જ સિંહોની ડણક ચાલુ થઈ જાય છે અને આખી રાત દરમિયાન સમયાંતરે સંભળાયા કરે છે.
સંશોધકોના ધ્યાને આવ્યું કે સવારના ત્રણથી પાંચ વાગ્યા દરમિયાન સૌથી વધારે વાર સિંહોની ડણક રેકોર્ડ થઈ હતી. આમ, સિંહો સૂર્યોદય પહેલાંના બે-ત્રણ કલાક દરમિયાન સૌથી વધારે ડણકે છે.
સિંહોની ત્રાડ કેટલે દૂર સુધી સંભળાય?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
સંશોધકોએ આ પ્રશ્નનો જવાબ મેળવવા બે પ્રયોગો હાથ ધર્યા. સંશોધકોએ દેવળિયા સફારી પાર્કમાં બંધનાવસ્થામાં રાખવામાં આવેલા સિંહોથી આશરે 100 મીટર દૂર બે રૅકોર્ડિંગ યુનિટ ફિટ કર્યાં. ત્યાર બાદ અન્ય એક રૅકોર્ડિંગ યુનિટ 2.7 કિલોમીટર દૂર ફિટ કર્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તે જ રીતે સાસણ નજીકના જંગલમાં સિંહો જ્યાં અવારનવાર પાણી પીવા આવતા હતા અને ડણકતા હતા ત્યાં પણ એક યુનિટ ફિટ કર્યું. આવી જ રીતે પાણીના સ્રોતથી એક કિલોમીટર, બે કિલોમીટર અને ત્રણ કિલોમીટરના અંતરે એક-એક રૅકોર્ડિંગ યુનિટ ઝાડ પર ફિટ કર્યાં.
સંશોધકો એ તારણ પર આવ્યા કે જંગલમાં સિંહોની ડણક બે કિલોમીટર દૂર રાખેલા રૅકોર્ડિંગ યુનિટ સુધી પહોંચી જાય છે. એટલે કે સિંહોની ડણક બે કિલોમીટર દૂર સુધી સંભળાય છે.
બીબીસી સાથે વાત કરતા ડૉ. મોહન રામે જણાવ્યું કે સિંહોનો અવાજ કેટલા અંતર સુધી સંભળાય તેનો આધાર રૅકોર્ડિંગ યુનિટનું માઇક્રોફોન કેટલું પાવરફુલ છે તેના પર હોય છે.

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
ઇન્ડિયન ફૉરેસ્ટ સર્વિસના નિવૃત્ત ઓફિસર દુષ્યંત વસાવડાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "સિંહની ત્રાડ કેટલે દૂર સુધી પહોંચશે તે સમય અને સ્થળ પર નિર્ભર છે. જો સિંહ કોઈ ટેકરી પરથી રાતના શાંત સમયે ત્રાડ પાડે તો બે કિલોમીટર દૂર સુધી તે સાંભળી શકાય તેવી પૂરેપૂરી શક્યતા હોય છે."
"પરંતુ દિવસના સમયે માનવપ્રવૃત્તિ વધારે હોવાથી અન્ય અવાજો સિંહની ડણક કરતાં વધારે તીવ્ર હોઈ શકે છે અને તેથી દિવસના સમયે સિંહની ડણક કદાચ બે કિલોમીટર દૂર ન પણ સંભળાય. વળી, કોઈ સપાટ જગ્યાએથી સિંહ ત્રાડ પાડે તો એવી ત્રાડના ધ્વનિતરંગોને જંગલનાં વૃક્ષો અને અન્ય વનરાજી અવરોધે છે અને પરિણામે તે વધારે દૂર ન પણ સંભળાય."
સિંહો શા માટે ડણકે છે?

ઇમેજ સ્રોત, Dr Mohan Ram
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સિંહ પરિવારમાં રહેનારું એક સામાજિક પ્રાણી છે. નર સિંહ પોતાની હદ-સીમા (ટેરિટરી) નક્કી કરી અન્ય પુખ્ત નર સિંહોને તે વિસ્તારમાં આવતા રોકવા મથતો રહે છે અને તે ટેરિટરીમાં રહેલી સિંહણો સાથે સંવનન કરી પોતાનો વંશવેલો આગળ ધપાવવાની કોશિશ કરે છે.
આવી ટેરિટરી પર કબજો ધરાવનાર સિંહને 'વર્ચસ્વવાળા નર' તરીકે ઓળખવામાં આવે છે. આ સિંહો વચ્ચે ટેરિટરી બાબતે લડાઈઓ થતી રહે છે. આવી લડાઈમાં વૃદ્ધાવસ્થા તરફ ધપી રહેલા વર્ચસ્વવાળા નર સિંહની હાર થાય તો તેને બાકીનું જીવન મોટા ભાગે એકાંતવાસમાં ગુજારવું પડે છે. આ બધામાં ડણક અને ત્રાડ એક મહત્ત્વનો ભાગ ભજવે છે.
અગાઉ થયેલાં સંશોધનોને ટાંકીને ડૉ. મોહન રામ અને તેમની ટીમે તેમના રિસર્ચ પેપરમાં લખ્યું છે, "વર્તનનાં કેટલાંય કામો ત્રાડથી થઈ જાય છે. તેમાં ટેરિટરી પર કબજાની જાહેરાત, સામાજિક એકરૂપતા, ગઠબંધનનું રક્ષણ, ઘૂસણખોરોને દૂર રહેવાની ચેતવણી વગેરેનો સમાવેશ થાય છે. અવાજના આધારે સિંહો પરિચિતો અને અજાણ્યા સિંહોની ઓળખ કરી લે છે અને કેટલીય વાર પરિવારના એક સભ્યની ડણકનો જવાબ અન્ય સભ્યો સામૂહિક રીતે આપે છે. ગઠબંધનમાં રહેતા બે નર સિંહો સંકલનમાં ડણકે છે અને તે રીતે રખડતા-ભટકતા કે હરીફ નરોને દૂર રાખે છે."
સિંહો સવારે ત્રણથી પાંચ વાગ્યા વચ્ચે કેમ વધારે ડણકે છે?

ઇમેજ સ્રોત, DeAgostini/Getty Images
સિંહો મોટા ભાગે નિશાચર પ્રાણી છે. દિવસ દરમિયાન મોટા ભાગે તેઓ કોઈ સલામત જગ્યાએ આરામ કરે છે અને નિષ્ક્રિય રહે છે.
સિંહ સૂર્યાસ્ત અને સૂર્યોદય વચ્ચેના સમયે વધારે સક્રિય રહેનારું પ્રાણી છે તેમ સંશોધકોએ તેમના રિસર્ચ પેપરમાં નોંધ્યું છે. ડૉ. મોહન રામે બીબીસીને જણાવ્યું, "પોતાની ટેરિટરીનું રખોપું કરવાનું કામ સિંહોએ વહેલી સવારના સમયે વધારે કરવું પડે છે. તે માટે તેઓ ચાલતા રહે છે અને ત્રાડો નાખતા રહે છે. આ સમયે તેઓ તેમના પરિવારના સભ્યો સાથે પણ વાતચીત વધારે કરે છે. આમ પણ આ સમય ઠંડો હોવાથી સિંહો વધારે સક્રિય રહે છે."
ત્રણ દાયકા કરતાં વધારે સમયથી ગીરમાં પ્રકૃતિ શિક્ષણના કૅમ્પનું આયોજન કરતા અને જૂનાગઢના કેશોદની સ્કાય ફૉરેસ્ટ યુથ ક્લબના પ્રમુખ રેવતુભા રાયજાદા કહે છે કે સિંહ દિવસ દરમિયાન ભાગ્યે જ ડણકે છે.
તેઓ કહે છે, "દિવસ ઊગતા પહેલાં નર સિંહો ડણકીને કોઈ વિસ્તાર પર પોતાનો કબજો છે તેની જાણ તેના પ્રતિસ્પર્ધીઓને કરે છે અને તેના વિસ્તારથી દૂર રહેવાની ચેતવણી આપે છે. દિવસ ઊગતા પહેલાં તેઓ ક્યાં છે તેની તેમના પરિવારને જાણ કરવા માટે પણ સિંહો ડણકે છે અને તે રીતે એકબીજા સાથે વાત કરી લેતા હોય છે."
સિંહોની ત્રાડના શંશોધનનું શું મહત્ત્વ છે?

ઇમેજ સ્રોત, Photo by Indranil MUKHERJEE / AFP via Getty Images
ડૉ. મોહન રામે જણાવ્યું કે આ સંશોધન સિંહોના જતનમાં ઉપયોગી સાબિત થઈ શકે છે. તેમણે કહ્યું, "આ સંશોધનના ભાગરૂપે અમે ગીરના સિંહોના અવાજને ઓળખી શકે તેવું એક કમ્પ્યુટર મોડેલ તૈયાર કર્યું છે. આ મોડેલના આધારે સિંહો પર દૂરથી નજર રાખવી શક્ય બની શકે તેમ છે અને સિંહોના જતન, સંરક્ષણ અને મેનેજમેન્ટમાં તે ઉપયોગી સાબિત થઈ શકે છે. સિંહની ગર્જનાથી જ તેની હાજરી અને સ્થળની ભરોસાપાત્ર માહિતી મળી રહે તો વન વિભાગના સ્ટાફને સિંહોના ભ્રમણ પર તેમની પાછળ પાછળ ફરીને નજર રાખવાની જરૂર ન રહે."
બીબીસી સાથે વાત કરતા વિરલ જોશીએ કહ્યું, "સિંહોનો અવાજ સાંભળીને તેઓ ક્યાં છે તેની જાણકારી મેળવી શકાય છે. આવી જાણકારીથી સિંહો અને માણસો વચ્ચે ઘર્ષણ થવાની શક્યતાની અગમચેતી મળી શકે છે. આ મોડેલ સિંહો અને માનવીઓ વચ્ચે ઘર્ષણના બનાવો ઘટાડવામાં પણ મદદરૂપ થઈ શકે તેમ છે."
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















