You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુવેંદુ અધિકારીના પીએની હત્યા પર ટીએમસી નેતા સયાની ઘોષ શું બોલ્યાં? – ન્યૂઝ અપડેટ
પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતા સુવેંદુ અધિકારીના અંગત સહાયક (પીએ) ચંદ્રનાથ રથની બુધવારે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. તેના પર ટીએમસી સાંસદ સયાની ઘોષે પ્રતિક્રિયા આપી છે.
સયાની ઘોષે ઍક્સ પર લખ્યું, "ચંદ્રનાથ રથ મામલે પરેશાન કરનારી ઘટના સામે આવી છે. પક્ષની રાજનીતિ અને વૈચારિક મતભેદથી ઉપર, સત્તામાં કોણ છે તેનાથી અલગ, આ આપણી સૌની જવાબદારી છે કે કાયદો અને વ્યવસ્થા બનાવી રાખીએ અને આ રાજ્યમાં રહેતી તમામ વ્યક્તિની સુરક્ષા સુનિશ્ચિત કરીએ."
તેમણે લખ્યું, "કોઈનો પણ જીવ ન જવો જોઈએ. પોલીસ પ્રશાસનને અપીલ છે કે કેટલાક દિવસોમાં થયેલી તમામ હિંસામાં સામેલ દોષિયો પર કડક કાર્યવાહી કરવામાં આવે અને કડક પગલાં ઉઠાવવામાં આવે."
આ પહેલાં તૃણમૂલ કૉંગ્રેસે ચંદ્રનાથ રથની હત્યાની નિંદા કરીને આ ઘટના પર કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.
બીજી તરફ ભાજપે તેને 'સુનિયોજિત કાવતરું' ગણાવ્યું હતું.
સુવેંદુ અધિકારીના પીએની હત્યાની તપાસ માટે એસઆઇટીની રચના, કારની નંબરપ્લૅટ નકલી હોવાનું સામે આવ્યું
પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતા સુવેંદુ અધિકારીના અંગત સહાયક (પીએ) ચંદ્રનાથ રથની હત્યા પહેલાં તેમની કારનો રસ્તો રોકનાર કારની નંબર પ્લૅટ નકલી હોવાનું સામે આવ્યું છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોલીસે જપ્ત કરેલી કારનો ચેસીસ નંબર પણ ઘસીને મિટાવી દેવાયો છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે એ નંબરવાળી કાર સિલિગુડીમાં છે. સિલિગુડી નજીક માટીગરા પોલીસે આજે સવારે કારના માલિક વિલિયમ જોસેફને બોલાવીને તેમની પૂછપરછ કરી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું કે આ કાર સિલિગુડીમાં છે અને તેમણે થોડા સમય પહેલાં તેને વેચવા માટે ઓનલાઇન જાહેરાત આપી હતી.
દરમિયાન, હત્યાની તપાસ માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ની રચના કરવામાં આવી છે. તેમાં પોલીસ અને સીઆઇડીના અધિકારીઓ સમાવિષ્ટ છે. એસઆઇટી અને ફોરેન્સિક વિભાગના અધિકારીઓ આજે વહેલી સવારે ઘટનાસ્થળે પહોંચ્યા અને તેમની તપાસ શરૂ કરી.
શંકાસ્પદોની ઓળખ કરવા માટે વિસ્તારના સીસીટીવી કૅમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. હત્યા દરમિયાન, પહેલાં અને પછી વિસ્તારમાં અને બહાર કરવામાં આવેલા ફોન કૉલ્સની વિગતો પણ એકત્રિત કરવામાં આવી રહી છે.
આ હત્યાને કારણે રાજકીય આરોપ-પ્રત્યારોપ શરૂ થયા છે. પ્રદેશ ભાજપપ્રમુખ શમિક ભટ્ટાચાર્યે બારાસત હૉસ્પિટલમાં પત્રકારોને જણાવ્યું હતું કે, "આ હત્યા એક સુનિયોજિત અને રાજકીય બદલો હતી."
તેમણે કહ્યું કે રાજ્યપાલ આ મામલાને જોઈ રહ્યા છે અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર છે.
તૃણમૂલ કૉંગ્રેસનાં કાર્યાલયોમાં તોડફોડના પ્રશ્ન પર, ભાજપના નેતાએ દાવો કર્યો કે તૃણમૂલ કૉંગ્રેસનો એક જૂથ ભાજપના ધ્વજ સાથે તૃણમૂલ કાર્યાલયોમાં તોડફોડ કરી રહ્યો છે.
તેમના પ્રમાણે, જો આ મામલામાં કોઈ ભાજપ કાર્યકર સંડોવાયેલો હશે તો તેને આજ સાંજ સુધીમાં પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવશે.
સુવેંદુ અધિકારીના પીએની હત્યાઃ 'ભાજપના નેતાએ કહ્યું સુનિયોજિત કાવતરું'
પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતા અને હાલના વિરોધપક્ષના નેતા સુવેંદુ અધિકારીના અંગત સહાયક (પીએ) ચંદ્રનાથ રથની બુધવારે રાતે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.
બીબીસીના સંવાદદાતા દિલનવાઝ પાશા મુજબ આ ઘટના રાજધાની કોલકાતા નજીક મધ્યમગ્રામમાં બની હતી.
એજન્સીઓએ જારી કરેલા વીડિયોમાં ચંદ્રનાથ રથને હૉસ્પિટલે લઈ જવાતા જોવા મળે છે.
જે ગાડીમાં તેઓ સવાર હતા તેના પર વિધાનસભાના પાસનું સ્ટિકર પણ લગાવાયેલું હતું.
ભાજપે ચંદ્રનાથ રથની હત્યાને 'આયોજનબદ્ધ કાવતરું' ગણાવ્યું છે.
તૃણમૂલ કૉંગ્રેસે આ ઘટનાની ટીકા કરીને તેની તપાસ કરવાની માંગણી કરી છે. પોલીસે કહ્યું કે તેમણે તપાસ શરૂ કરી દીધી છે.
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી આશંકા વ્યક્ત કરવામાં આવતી હતી કે હિંસા થઈ શકે છે. રાજ્યમાં તોડફોડ અને હિંસાના કેટલાક અહેવાલ પછી ભાજપે આરોપ લગાવ્યો હતો કે તૃણમૂલ કૉંગ્રેસના લોકો પોતાની ઓળખ છુપાવીને આવી હિંસા કરે છે જેને ચલાવી લેવામાં નહીં આવે.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પ્રોફાઇલ પિક્ચર બદલ્યું, 'ઑપરેશન સિંદૂર'ના એક વર્ષ થવા પર શું કહ્યું?
'ઑપરેશન સિંદૂર'ના એક વર્ષ થવા પર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર પોતાનું પ્રોફાઇલ પિક્ચર બદલ્યું છે.
તેમણે 'ઑપરેશન સિંદૂર' સાથે જોડાયેલા પિક્ચરને પોતાનું નવું પ્રોફાઇલ પિક્ચર બનાવ્યું છે. સાથે જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ લખી છે.
પીએમ મોદીએ લખ્યું, "એક વર્ષ પહેલાં અમારી સનાએ ઑપરેશન સિંદૂરના દરમિયાન અદ્ભુત સાહસ, સટીકતા અને દૃઢતા દેખાડી. તેમણે પહલગામમાં નિર્દોષ ભારતીયો પર હુમલા કરનારાઓને કડક જવાબ આપ્યો. આખો દેશ આપણી સેનાના શૌર્યને સલામ કરે છે."
"ઑપરેશન સિંદૂરે આતંકવાદ સામે ભારતની સખત પ્રતિક્રિયા અને રાષ્ટ્રીય સુરક્ષા માટેના અટલ સંકલ્પને દેખાડ્યો. તેણે આપણી સેનાની ક્ષમતા, તૈયારી અને તાલમેલની તાકતને પણ ઉજાગર કરી. સાથે, તેણે આપણી સેનાઓ વચ્ચે વધી રહેલા સહયોગ તથા સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાથી મળેલી તાકતને પણ સામે મૂકી."
પીએમ મોદીએ લખ્યું, "આજે, એક વર્ષ બાદ પણ, આતંકવાદને હરાવવા અને તેના તંત્રને સમાપ્ત કરવાના અમારા સંકલ્પની કમી નથી."
ગત વર્ષે 22મી એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ચમરપંથી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. ત્યાર પછી ભારત અને પાકિસ્તાનની વચ્ચે સૈન્ય સંઘર્ષ થયો હતો. ભારતે પાકિસ્તાનનાં ઘણાં ઠેકાણાં પર હુમલો કર્યો હતો અને દાવો કર્યો હતો કે ત્યાં સ્થિત 'આતંકવાદીઓ'ને નિશાન બનાવ્યા હતા. ભારતે પોતાના આ સૈન્ય અભિયાનને 'ઑપરેશન સિંદૂર' નામ આપ્યું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાન સાથે જલદી સમાપ્ત થશે યુદ્ધ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે સાંજે કહ્યું કે ઈરાન સાથે યુદ્ધ જલદી સમાપ્ત થઈ જશે.
તેમણે કહ્યું કે તેઓ હોર્મુઝ સ્ટ્રેટ અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર સમજૂતી કરવાની કોશિશ કરી રહ્યા છે.
ટ્રમ્પે જ્યૉર્જિયાના ગવર્નરપદ માટે રિપબ્લિકન ઉમેદવાર બર્ટ જોન્સના સમર્થન માટે યોજાયેલા એક કાર્યક્રમમાં કહ્યું, "જ્યારે તમે જોશો કે શું થઈ રહ્યું છે, તો સમજી જશો કે અમે એક ઘણાં ગંભીર કારણોસર આ કરી રહ્યા છે. અમે તેમને પરમાણુ હથિયાર બનાવવા નહીં દઈએ. મોટેભાગના લોકો જાણે છે કે અમે યોગ્ય કરી રહ્યા છે અને તે જલદી સમાપ્ત થશે."
સીએનએન પ્રમાણે, ઈરાન ગુરુવારે મધ્યસ્થોને અમેરિકાના પ્રસ્તાવ પર જવાબ આપશે.
ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બકાઈએ કહ્યું કે અમે આ અમેરિકાના પ્રસ્તાવ પર પોતાનું વલણ પાકિસ્તાની મધ્યસ્થો સાથે શૅર કરીશું.
સીએનએને એક સૂત્રોના હવાલે જાણકારી આપી છે કે અમેરિકા અને ઈરાન બંને યુદ્ધ સમાપ્ત કરવાની સમજૂતી તરફ આગળ વધી રહ્યાં છે. જ્યારે કે ઈરાને કહ્યું છે કે તે અમેરિકા દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવો પર વિચાર કરી રહ્યું છે.
યુપીના હમીરપુરમાં યમુનામાં હોડી ડૂબી, 6 લોકો લાપતા
ઉત્તર પ્રદેશના હમીરપુરમાં બુધવારે સાંજે યમુના નદીમાં એક હોડી ડૂબી ગઈ હતી. તેમાં સવાર ત્રણ લોકોને તરત બચાવી લેવાયા, પરંતુ છ લોકો હજુ લાપતા છે.
એનડીઆરએફ, એસડીઆરએફ અને ફ્લડ પૅક યુનિટ જેવી ટીમો બોલાવવામાં આવી છે અને શોધખોળ ચાલુ છે.
જિલ્લા અધિકારી અભિષેક ગોયલે જણાવ્યું કે ઘાટમપુરથી 9 લોકોને લઈ જઈ રહેલી હોડી યમુના નદીમાં ડૂબી ગઈ છે. ખબર મળતા જ ગામના લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે ત્રણ લોકોને બચાવી લીધા, જ્યારે 6 લોકો હજુ લાપતા છે.
તેમણે કહ્યું કે હોડી ઉથલી ન હતી, પરંતુ આપોઆપ ડૂબવા લાગી હતી. જે લોકો તરવાનું જાણતા હતા, તેઓ બહાર નીકળી ગયા. જ્યારે બાકીના છ લોકોની શોધખોળ ચાલુ છે.
ભાજપના ધારાસભ્ય મનોજ પ્રજાપતિએ કહ્યું કે, "6 લોકો લાપતા છે જેમાં પાંચ બાળકો અને એક મહિલા સામેલ છે. વહીવટીતંત્ર સતર્ક છે. એસડીઆરએફની 3 ટીમો ગોઠવવામાં આવી છે. સરકાર નિયમ પ્રમાણે કાર્યવાહી કરીને મુખ્ય મંત્રીને રિપોર્ટ સોંપશે."
યુદ્ધ સમાપ્ત કરવા અમેરિકાના પ્રસ્તાવ પર ઈરાનની વિચારણા, દરમિયાન પાકિસ્તાને શું કહ્યું?
ઈરાને કહ્યું છે કે તે યુદ્ધ સમાપ્ત કરવા માટે અમેરિકાના પ્રસ્તાવ પર વિચારણા કરે છે. રિપોર્ટ્સ પ્રમાણે બંને પક્ષ ટૂંક સમયમાં સમજૂતી કરી શકે છે.
અમેરિકન સમાચાર સંસ્થા ઍક્સિયોસે બુધવારે દાવો કર્યો કે વ્હાઇટ હાઉસને આશા છે કે ઈરાન સાથે ટૂંક સમયમાં 14 મુદ્દાની સમજૂતી થઈ શકે છે.
ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બકાઈએ કહ્યું કે અમે પાકિસ્તાની મધ્યસ્થીઓ સાથે આ મામલે અમારો પ્રતિભાવ આપીશું.
બીજી તરફ પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇસહાક ડારે કહ્યું કે તેઓ ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ ખતમ કરવાના પ્રયાસ કરે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ છેલ્લા 24 કલાકમાં ઈરાન સાથે બહુ સારી વાતચીત કરી છે અને એક સમજૂતીની શક્યતા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન