સુવેંદુ અધિકારીના પીએની હત્યાઃ 'ભાજપના નેતાએ કહ્યું સુનિયોજિત કાવતરું'- ન્યૂઝ અપડેટ

બીબીસી ગુજરાતી પશ્ચિમ બંગાળ ચૂંટણી ભાજપ સુવેન્દુ અધિકારી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, સુવેંદુ અધિકારીના અંગત સહાયક ચંદ્રનાથ રથ આ કારમાં હતા ત્યારે તેમના પર ગોળીબાર થયો હતો.
વાંચવાનો સમય: 2 મિનિટ

પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતા અને હાલના વિરોધપક્ષના નેતા સુવેંદુ અધિકારીના અંગત સહાયક (પીએ) ચંદ્રનાથ રથની બુધવારે રાતે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

બીબીસીના સંવાદદાતા દિલનવાઝ પાશા મુજબ આ ઘટના રાજધાની કોલકાતા નજીક મધ્યમગ્રામમાં બની હતી.

એજન્સીઓએ જારી કરેલા વીડિયોમાં ચંદ્રનાથ રથને હૉસ્પિટલે લઈ જવાતા જોવા મળે છે.

જે ગાડીમાં તેઓ સવાર હતા તેના પર વિધાનસભાના પાસનું સ્ટિકર પણ લગાવાયેલું હતું.

ભાજપે ચંદ્રનાથ રથની હત્યાને 'આયોજનબદ્ધ કાવતરું' ગણાવ્યું છે.

તૃણમૂલ કૉંગ્રેસે આ ઘટનાની ટીકા કરીને તેની તપાસ કરવાની માંગણી કરી છે. પોલીસે કહ્યું કે તેમણે તપાસ શરૂ કરી દીધી છે.

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી આશંકા વ્યક્ત કરવામાં આવતી હતી કે હિંસા થઈ શકે છે. રાજ્યમાં તોડફોડ અને હિંસાના કેટલાક અહેવાલ પછી ભાજપે આરોપ લગાવ્યો હતો કે તૃણમૂલ કૉંગ્રેસના લોકો પોતાની ઓળખ છુપાવીને આવી હિંસા કરે છે જેને ચલાવી લેવામાં નહીં આવે.

યુપીના હમીરપુરમાં યમુનામાં હોડી ડૂબી, 6 લોકો લાપતા

બીબીસી ગુજરાતી યમુના નૌકા હોડી દુર્ઘટના ઉત્તર પ્રદેશ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ડીએમ અભિષેક ગોયલે કહ્યું કે ત્રણ લોકોને બચાવી લેવાયા છે, છ લોકો હજુ લાપતા છે.

ઉત્તર પ્રદેશના હમીરપુરમાં બુધવારે સાંજે યમુના નદીમાં એક હોડી ડૂબી ગઈ હતી. તેમાં સવાર ત્રણ લોકોને તરત બચાવી લેવાયા, પરંતુ છ લોકો હજુ લાપતા છે.

એનડીઆરએફ, એસડીઆરએફ અને ફ્લડ પૅક યુનિટ જેવી ટીમો બોલાવવામાં આવી છે અને શોધખોળ ચાલુ છે.

જિલ્લા અધિકારી અભિષેક ગોયલે જણાવ્યું કે ઘાટમપુરથી 9 લોકોને લઈ જઈ રહેલી હોડી યમુના નદીમાં ડૂબી ગઈ છે. ખબર મળતા જ ગામના લોકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે ત્રણ લોકોને બચાવી લીધા, જ્યારે 6 લોકો હજુ લાપતા છે.

તેમણે કહ્યું કે હોડી ઉથલી ન હતી, પરંતુ આપોઆપ ડૂબવા લાગી હતી. જે લોકો તરવાનું જાણતા હતા, તેઓ બહાર નીકળી ગયા. જ્યારે બાકીના છ લોકોની શોધખોળ ચાલુ છે.

ભાજપના ધારાસભ્ય મનોજ પ્રજાપતિએ કહ્યું કે, "6 લોકો લાપતા છે જેમાં પાંચ બાળકો અને એક મહિલા સામેલ છે. વહીવટીતંત્ર સતર્ક છે. એસડીઆરએફની 3 ટીમો ગોઠવવામાં આવી છે. સરકાર નિયમ પ્રમાણે કાર્યવાહી કરીને મુખ્ય મંત્રીને રિપોર્ટ સોંપશે."

યુદ્ધ સમાપ્ત કરવા અમેરિકાના પ્રસ્તાવ પર ઈરાનની વિચારણા, દરમિયાન પાકિસ્તાને શું કહ્યું?

બીબીસી ગુજરાતી અમેરિકા ઈરાન પાકિસ્તાન યુદ્ધ

ઇમેજ સ્રોત, Ashtari/SOPA Images/LightRocket via Getty Images

ઇમેજ કૅપ્શન, ઈરાને કહ્યું છે કે તે અમેરિકાની દરખાસ્ત વિશે પોતાનો અભિપ્રાય પાકિસ્તાનને આપશે (ફાઇલ ફોટો)

ઈરાને કહ્યું છે કે તે યુદ્ધ સમાપ્ત કરવા માટે અમેરિકાના પ્રસ્તાવ પર વિચારણા કરે છે. રિપોર્ટ્સ પ્રમાણે બંને પક્ષ ટૂંક સમયમાં સમજૂતી કરી શકે છે.

અમેરિકન સમાચાર સંસ્થા ઍક્સિયોસે બુધવારે દાવો કર્યો કે વ્હાઇટ હાઉસને આશા છે કે ઈરાન સાથે ટૂંક સમયમાં 14 મુદ્દાની સમજૂતી થઈ શકે છે.

ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બકાઈએ કહ્યું કે અમે પાકિસ્તાની મધ્યસ્થીઓ સાથે આ મામલે અમારો પ્રતિભાવ આપીશું.

બીજી તરફ પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇસહાક ડારે કહ્યું કે તેઓ ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ ખતમ કરવાના પ્રયાસ કરે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ છેલ્લા 24 કલાકમાં ઈરાન સાથે બહુ સારી વાતચીત કરી છે અને એક સમજૂતીની શક્યતા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન