વિશ્વમાં લોકોની ઊંચાઈ કેમ ઘટી રહી છે, ભવિષ્યમાં 'ઠીંગણા' લોકો જ રહેશે?

    • લેેખક, ફર્નાન્ડો દુઆર્તે
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
  • વાંચવાનો સમય: 6 મિનિટ

છેલ્લાં 150 વર્ષ દરમિયાન, એક પ્રજાતિ તરીકે માનવીએ નોંધપાત્ર વૃદ્ધિનો અનુભવ કર્યો છે. પણ હવે આ વૃદ્ધિ પર રોક લાગી જવાના સંંકેતો મળી રહ્યા છે - અને તે પાછળનું એક સંભવિત કારણ ક્લાઇમેટ ચેન્જ હોવાનું પ્રતીત થઈ રહ્યું છે.

એ જાણીતી વાત છે કે, ગ્લોબલ વૉર્મિંગને લીધે આબોહવા વધુ વિષમ થઈ ગઈ છે અને હિટવેવ તથા ભેજમાં વધારો જેવી સ્થિતિ ઉદ્ભવે છે.

હવે, અમેરિકામાં યુનિવર્સિટી ઑફ કેલિફૉર્નિયાના સંશોધકોની એક ટીમને જાણવા મળ્યું છે કે, આવી પરિસ્થિતિ બાળકો જન્મે, તે પહેલાં જ તેમની વૃદ્ધિને કુંઠિત કરી રહી છે.

ટીમે ખાસ કરીને ક્લાઇમેટ ચેન્જની અસરો પ્રત્યે વધુ સંવેદનશીલ એવા દક્ષિણ એશિયાના પાંચ વર્ષથી નીચેનાં 2,00,000 બાળકોનું વિશ્લેષણ હાથ ધર્યું હતું.

સંશોધકોના અંદાજ પ્રમાણે, માતાના ગર્ભમાં હોવા દરમિયાન ગર્ભાવસ્થાના દરેક ત્રિમાસિક ગાળામાં ઊંચા ભેજ સાથે 35 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઊંચા તાપમાનમાં રહેનારાં બાળકો તેમની વયના સાપેક્ષમાં અપેક્ષિત ઊંચાઈ કરતાં 13 ટકા નીચા હશે.

જન્મથી પાંચ વર્ષની વય સુધીમાં ઊંચાઈમાં થતો વધારો બાળકના સર્વાંગી આરોગ્ય તથા વિકાસનો ચાવીરૂપ સૂચક ગણાય છે.

આમ તો, કોઈ વ્યક્તિ કેટલી ઊંચી થશે, તે મુખ્યત્વે આનુવંશિકતા અને પોષણ તથા આરોગ્ય જેવાં અન્ય પરિબળોના આધારે નક્કી થતું હોય છે, પણ મુખ્ય લેખિકા કેટી મેકમેહોને સમજાવ્યું હતું કે, "અભ્યાસ સૂચવે છે કે, ક્લાઇમેટ ચેન્જ હેઠળ વધી રહેલી ગરમી અને ભેજના કારણે દક્ષિણ એશિયામાં પાંચ વર્ષની વય સુધીનાં બાળકોની સરેરાશ ઊંચાઈ ઘટવાનું જોખમ ઊભું થયું છે."

તેમણે ઉમેર્યું હતું, "વૈશ્વિક ચિત્ર અનિશ્ચિત છે, પણ આગામી દાયકાઓમાં નિવારણ તથા અનુકૂલન ઘણાં મહત્ત્વનાં બની રહેશે."

"અમે અગાઉથી જ ઊંચા તાપમાન અને ઊંચા ભેજના સ્તરનો સામનો કરી રહેલા ઓછી તથા મધ્યમ આવક ધરાવતા અન્ય દેશોમાં પણ સમાન પરિણામો જોવા મળવાની શક્યતા જોઈ રહ્યાં છીએ."

વિશ્વ બૅન્કના વર્ગીકરણ અનુસાર, અંદાજે 120 દેશો નીચી અને મધ્યમ આવક ધરાવતા જૂથમાં આવે છે.

માનવીની ઊંચાઈમાં કૉન્સર્ટિના ઇફેક્ટ

વૈજ્ઞાનિકો જાણે છે કે, યુગો દરમિયાન માનવોની ઊંચાઈમાં મોટાપાયે ફેરફારો થયા છે.

અનેક અભ્યાસો જણાવે છે કે, ખાસ કરીને 10 હજાર વર્ષ પહેલાં શિકારમાંથી ખેતી તરફ વળવાના ગાળાની સરેરાશ ઊંચાઈ પર નકારાત્મક અસર થઈ છે.

2004માં અમેરિકાની ઓહાયો સ્ટેટ યુનિવર્સિટી ખાતે અર્થશાસ્ત્રના લેક્ચરર પ્રોફેસર રિચર્ડ સ્ટેકેલે એક સીમાચિહ્નરૂપ અભ્યાસ પ્રકાશિત કર્યો હતો.

તેમણે ઉત્તર યુરોપમાં નવમીથી 19મી સદી દરમિયાન દફનનાં સ્થળોએથી મેળવવામાં આવેલાં હજ્જારો હાડપિંજરોના ઊંચાઈના ડેટા તપાસતાં માલૂમ પડ્યું હતું કે, તે ગાળા દરમિયાન સરેરાશ ઊંચાઈમાં વધ-ઘટ થઈ હતી અને 17મી સદી દરમિયાન તે નીચા સ્તરે પહોંચી હતી.

તે યુગ દરમિયાન યુરોપ ઘણાં પરિવર્તનોમાંથી પસાર થયું હતું, જેમકે, શહેરોનો વિકાસ થવાને કારણે ચેપી રોગોના પ્રસારમાં વધારો, ખેતીકીય ઉત્પાદનમાં થયેલા ફેરફારો અને 16મી તથા 19મી સદીની વચ્ચેના ગાળામાં આવેલો નાનો હિમયુગ - લિટલ આઇસ એજ.

પ્રોફેસર સ્ટેકેલે અભ્યાસમાં લખ્યું હતું, "1700ના દાયકા સુધીમાં ઉત્તર યુરોપના પુરુષોએ સરેરાશ 2.5 ઇંચ (6.4 સેન્ટીમીટર) ઊંચાઈ ગુમાવી હતી, આ એવી ખોટ હતી, જે 20મી સદીના પ્રથમ પૂર્વાર્ધ સુધી પૂર્ણપણે પુનઃપ્રાપ્ત થઈ શકી નહોતી."

બ્રિટનમાં ઇમ્પિરિયલ કૉલેજ લંડન ખાતે વસતી વિશેનાં સંશોધક તથા માનવ ઊંચાઈના પ્રવાહોનું વિશ્લેષણ કરતા ઘણા શોધપત્રો લખનારાં ડૉક્ટર ઍન્ડ્રીય રૉડ્રિગ્ઝ માર્ટિનેઝને ભય છે કે, ક્લાઇમેટ ચેન્જ આધુનિક વસતી ઉપર આવું જ દબાણ સર્જી શકે છે.

તેઓ કહે છે, "યુએનના અંદાજ પ્રમાણે, વિશ્વભરનાં લગભગ એક અબજ બાળકો ક્લાઇમેટ ચેન્જનાં પરિણામોના 'અત્યંત ઊંચા જોખમ'નો ભોગ બને, તેવી શક્યતા છે."

"એ કહેવું ઉચિત છે કે, ક્લાઇમેટ ચેન્જને કારણે બાળકોની વૃદ્ધિ તથા આરોગ્ય ઉપર વિવિધ રીતે નોંધપાત્ર જોખમ તોળાય છે."

20મી સદીની વિગતો ઉપર નજર કરતાં, જીવન ધોરણ ઊંચાઈમાં મહત્ત્વની ભૂમિકા ભજવતું હોવાનું જણાય છે.

2017માં વિશ્વભરના સ્વાસ્થ્ય વિજ્ઞાનીઓના નેટવર્ક એનસીડી-આરઆઇએસસી (NCD-RisC)એ 1896 અને 1996ની વચ્ચે 200 દેશોમાં જન્મેલાં મહિલા-પુરુષો માટેના બાયોમેટ્રિક ડેટાનું વિશ્લેષણ પ્રકાશિત કર્યું હતું.

એક અંદાજ પ્રમાણે, તે સમય દરમિયાન પુરુષો માટેની વૈશ્વિક સરેરાશ ઊંચાઈ 162 સેન્ટીમીટરથી વધીને 171 સેન્ટીમીટર થઈ છે. જ્યારે મહિલાઓની ઊંચાઈ 151 સેન્ટીમીટરથી વધીને 159 સેન્ટીમીટર થઈ છે.

જોકે, કેટલાંક રાષ્ટ્રોના નાગરિકો અન્ય દેશોની તુલનામાં વધુ ઊંચા થયા છે.

જેમકે, ઈરાનના પુરુષોએ ઊંચાઈમાં 16.5 સેન્ટીમીટર અને દક્ષિણ કોરિયાની મહિલાઓએ ઊંચાઈમાં 20.2 સેન્ટીમીટરનો વધારો નોંધાવ્યો છે.

તેનાથી વિપરીત, મડાગાસ્કરની મહિલાઓની ઊંચાઈ એક સદીમાં માત્ર 1.5 સેન્ટીમીટર અને પાકિસ્તાની પુરુષોની ઊંચાઈ માત્ર 1.27 સેન્ટીમીટર જ વધી છે.

અલગ અલગ દેશોમાં લોકોની ઊંચાઈમાં અસમાનતા શા માટે હોય છે?

ડૉક્ટર માર્ટિનેઝ સમજૂતી આપે છે, "ઊંચાઈમાં રહેવું વૈવિધ્ય મોટાભાગે જીનેટિક્સ દ્વારા સમજાવી શકાય છે, પણ પોષક તત્ત્વો, પર્યાવરણીય તેમજ સામાજિક-આર્થિક પરિબળો પણ તેની સાથે જોડાયેલાં છે."

તેમાં પોષણયુક્ત ખોરાક અને શુદ્ધ પાણી ઉપરાંત બીમારી સામે લડવાની આપણી ક્ષમતા વધારનારી તબીબી પ્રગતિનો પણ સમાવેશ થાય છે.

અન્ય ડેટા એવું પણ સૂચવે છે કે, ખાસ કરીને દુનિયાના કેટલાક દેશોમાં જ્યાં ઊંચાઈ વધુ રહી ત્યાં માનવીની ઊંચાઈની સરેરાશ વૃદ્ધિ સ્થિર થઈ રહી છે.

વિશાળ કદના ડચ નાગરિકોની ઘટી રહેલી ઊંચાઈ

વિશ્વમાં ડચ નાગરિકો સૌથી ઊંચા હોય છે, જેની પાછળનાં કારણો જીવનધોરણમાં ઐતિહાસિક સુધારા, ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખોરાક ઉપલબ્ધ થવો અને તબીબી પ્રગતિ છે.

નેધરલૅન્ડ્ઝની વેગનિગેન યુનિવર્સિટીમાં આરોગ્ય તથા સમાજનાં પ્રોફેસર ક્રિસ્ટિના થૉમ્પસન જણાવે છે, "તેમની વાર્તા જીવંત પર્યાવરણ અને વધુ તંદુરસ્ત, ઊંચી વસતી વચ્ચેનો સ્પષ્ટ સબંધ દર્શાવે છે."

પણ, નેધરલૅન્ડ્ઝ બ્યૂરો ઑફ સ્ટેટિસ્ટિક્સ (સીબીએસ)ના મત અનુસાર, તેમની સરેરાશ ઊંચાઈ ઘટી છે.

1980માં જન્મેલા પુરુષો 19 વર્ષની વયે પહોંચ્યા, ત્યાં સુધીમાં તેમની સરેરાશ ઊંચાઈ 183.9 સેન્ટીમીટર હતી, પણ 2001માં જન્મેલા પુરુષોની સમાન વયમાં ઊંચાઈ ઘટીને 182.9 સેન્ટીમીટર થઈ હતી. ડચ મહિલાઓની સરેરાશ ઊંચાઈ 170.7 સેન્ટીમીટરમાંથી ઘટીને 169.3 સેન્ટીમીટર થઈ ગઈ હતી.

સીબીએસના નિવેદન પ્રમાણે, આ પાછળનું એક કારણ "ઓછી ઊંચાઈ ધરાવતી નવી વસતીનું ઇમિગ્રેશન અને અહીં જન્મનારાં તેમનાં બાળકો છે." પણ સાથે એ પણ નોંધ્યું હતું કે, જેમનાં માતા-પિતા નેધરલૅન્ડ્ઝનાં જ વતની હોય, તેમનાં સંતાનોની ઊંચાઈમાં પણ ઘટાડો નોંધાયો હતો.

થૉમ્પસન કહે છે, "આ ઘટાડો થવા પાછળનું કારણ હજુયે અસ્પષ્ટ છે."

"શું આહારની ગુણવત્તા ઓછી થઈ ગઈ છે? શું બાળપણમાં મેદસ્વીતા વૃદ્ધિ આડે અવરોધ ઊભો કરી રહી છે?"

અસમાનતાને કારણે અટકેલી ઊંચાઈમાં વૃદ્ધિ

એમાં કોઈ નવાઈ નથી કે, વૈશ્વિક ઊંચાઈના રેન્કિંગમાં વિશ્વના વિકસિત દેશો ટોચના સ્થાને છે.

પણ તે રૅન્કિંગ બદલાઈ શકે છે.

એનસીડીના ડેટા પ્રમાણે, 19મી સદીના અંતમાં ઊંચાઈ મામલે અમેરિકા ત્રીજા ક્રમે આવતો દેશ હતો. વર્તમાન સમયમાં આ મામલે અમેરિકનો સમાવેશ ટોચના 20 દેશોની યાદીમાં પણ નથી.

એવું નથી કે તેઓ સંકોચાઈ ગયા છે. 1996માં જન્મેલા અમેરિકન પુરુષો 100 વર્ષ પહેલાં જન્મેલા તેમના પૂર્વજો કરતાં છ સેન્ટીમીટર કરતાં વધુ ઊંચા હતા, પણ બાકીનું વિશ્વ ઝડપી ગતિએ વૃદ્ધિ પામ્યું હતું.

ઍન્થ્રોપોમેટ્રિક ઇતિહાસ (સદીઓ દરમિયાન માનવ પરિમાણોના અભ્યાસ)ના અગ્રણી અને અમેરિકન અર્થશાસ્ત્રી જ્હોન કોમલોસ દેશની અંદર પ્રવર્તતી સામાજિક-આર્થિક (ખાસ કરીને તાજેતરના દાયકાઓમાં તબીબી સંભાળની પહોંચ સહિતની) અસમાનતાઓ તરફ આંગળી ચીંધે છે.

તેઓ સમજાવે છે, "ગરીબ લોકો પણ તેમનાં બાળકોને ડૉક્ટર પાસે લઈ જઈ શકે, તેવા કલ્યાણકારી-રાજ્યનો અભિગમ અપનાવનારા દેશો કરતાં અમેરિકા પાછળ રહી ગયું."

આ ઉપરાંત પ્રોફેસર કોમલોસ 20મી સદીના મધ્યભાગથી અમેરિકામાં ખાસ કરીને બાળકો તથા તરુણોમાં મેદસ્વીતાના વધી રહેલા દરને પણ જવાબદાર ઠેરવે છે.

જોકે, સરકારી ડેટા પ્રમાણે, અમેરિકનોની આહારની ટેવોમાં છેલ્લા બે દસકામાં સુધારો નોંધાયો છે, તેમ છતાં, 18 વર્ષ કરતાં ઓછી વયના અડધાથી વધુ અમેરિકનો પોષણની દૃષ્ટિએ હજુયે નબળો ખોરાક ખાય છે.

તેઓ ઉમેરે છે, "ભૂતકાળ બતાવે છે કે, જો તમે વસતીનું કદ સતત વધતું રહે, એમ ઇચ્છતા હો, તો તમારે સૌપ્રથમ વસતીને યોગ્ય આહાર ખવડાવવો પડશે."

બે કોરિયા અને બે જર્મનીની વાર્તા

વૃદ્ધિ ઉપર જીવનધોરણની અસરનું બીજું અસરકારક ઉદાહરણ 1950ના દાયકામાં યુદ્ધને પગલે ઉત્તર અને દક્ષિણ કોરિયામાં વહેંચાઈ ગયેલી કોરિયન પ્રજાનું છે.

દક્ષિણ કોરિયાની રાજધાની સોલની સુંગક્યુનક્વાન યુનિવર્સિટીના સંશોધકો દ્વારા 2011માં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર, ઉત્તરમાં જન્મેલા લોકો તેમના દક્ષિણના વધુ સમૃદ્ધ સમકક્ષો કરતાં સરેરાશ 8 સેન્ટીમીટર જેટલા નીચા હતા.

આવો જ પણ થોડો ઓછો તફાવત જર્મનીના 41 વર્ષના વિભાજન (1949-1990) દરમિયાન ત્યાં જન્મેલા લોકો વચ્ચેની તુલનામાં સામે આવ્યો હતો. પશ્ચિમ જર્મનીના લોકો પૂર્વીય પાડોશીઓની તુલનામાં સરેરાશ એકાદ સેન્ટીમીટર વધુ ઊંચા હતા.

તો શું આપણી વૃદ્ધિ અટકી ગઈ છે?

કેટલાક વિકસિત દેશોમાં વૃદ્ધિ કાં તો સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ હોવાના કે પછી સ્થિર થઈ ગઈ હોવાના પુરાવા છે, પણ વિકાસશીલ દેશો તે સ્તરે પહોંચીને આ તફાવત સરભર કરી શકે, તેવી સંભવિતતા છે.

વિશ્વના પછાત ભાગોની સામાજિક-આર્થિક સ્થિતિમાં હજુ સુધારો આવી શકે છે, પણ માનવ-પ્રેરિત પરિવર્તન તેમાં અવરોધરૂપ બને, તેવી આશંકા પ્રવર્તી રહી છે.

કેટી મૅકમેહોન નોંધે છે, "ગરમી તથા ભેજના ઝડપથી વધી રહેલા સ્તરની વચ્ચે જીવી રહેલા લોકોએ ઘણી વખત ક્લાઇમેટ ચેન્જ સાથે અનુકૂલન આડેના સૌથી મોટા અવરોધોનો સામનો કરવો પડતો હોય છે."

"કૃષિ જેવાં ક્ષેત્રોની માફક ખુલ્લામાં કામ કરનારા અને ઍર કન્ડિશનરની ઘણી ઓછી કે નહિવત્ પ્રાપ્યતા ધરાવનારા લોકો માટે ક્લાઇમેટ ચેન્જ નકારાત્મક અસરોને વધુ પ્રબળ બનાવે, એવી શક્યતા છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન