જ્યારે સુનીલ ગ્રોવર વિશે સલમાન ખાન બોલ્યા, 'તેમને જોઈને લાગે છે કે હું કેટલો અયોગ્ય છું'

    • લેેખક, કલ્પના
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 6 મિનિટ

"જ્યારે અમે તેમને (સુનીલ ગ્રોવરને) જોઈ રહ્યા હતા, ત્યારે મને લાગ્યું કે હું કેટલો અસમર્થ છું. તેઓ કૉમેડી કરવાની કોશિશ નથી કરતા, પરંતુ પાત્ર ભજવે છે", સલમાન ખાને આ વાત વર્ષ 2017માં કહી હતી.

આશરે નવ વર્ષ પછી ઓટીટી પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ પર આવતા 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો'ના એક ઍપિસોડમાં જ્યારે સ્ટેજ પર 'ફાદર ખાન' નામના પાત્રની ઍન્ટ્રી થાય છે, ત્યારે તે ઍપિસોડના મહેમાન ફિલ્મકાર ડૅવિડ ધવન એમ કહેતા જોવા મળે છે કે 'ભાઈજાનની યાદ અપાવી દીધી'.

માત્ર ડૅવિડ ધવન જ આશ્ચર્યચકિત નહોતા, તેમના પુત્ર વરુણ ધવન, સ્ટેજની સામી બાજુ બેઠેલાં અર્ચના પૂરણસિંહ અને નવજોતસિંહ સિદ્ધુ પણ વિસ્ફારિત આંખે 'ફાદર ખાન'ની આ ઍક્ટિંગ જોઈ રહ્યાં હતાં.

અને સ્ટુડિયોમાં હાજર રહેલા દર્શકોની તાળીઓ તો કહેતી જ હતી કે સ્ટેજ પર તેમને કેવો જાદુ જોવા મળી રહ્યો છે.

ફરી એક વાર સુનીલ ગ્રોવરે કંઈક એવું કર્યું છે, જેને માત્ર મિમિક્રી કહેવી તેમની પ્રતિભા માટે યોગ્ય શબ્દ નથી લાગતો.

સ્વર્ગસ્થ ઍક્ટર કાદર ખાનનું પાત્ર ગ્રોવરે એ રીતે ભજવ્યું, કે પછી આ ઍક્ટિંગ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ.

અભિનેતા ગજરાજ રાવે પોતાની એક પોસ્ટમાં લખ્યું, "સુનીલ ગ્રોવર માત્ર મિમિક નથી કરતા, તેઓ એ વ્યક્તિના આત્મામાં પ્રવેશી જાય છે. તેમનું બોલવાનું, તેમના લહેકા, તેમના હાવભાવને અપનાવી લે છે. તેમની કલા દિવ્ય છે, તેઓ અનોખા છે."

સુનીલ ગ્રોવર પાત્રમાં પ્રવેશી જાય છે… પરંતુ કઈ રીતે?

નેટફ્લિક્સ પર આવતા આ શોમાં સુનીલ ગ્રોવરે આમિર ખાનનું રૂપ ધારણ કર્યું. આમિર એ રીતે અચંબિત થયા, જાણે તેઓ કોઈ અરીસાની સામે ઊભા હોય.

સુનીલની પ્રશંસા કરતાં આમિરે કહ્યું હતું, "તેઓ માત્ર તમારા અવાજ કે હાવભાવની નકલ નથી કરતા, પરંતુ તેનાથી આગળ જાય છે, તેઓ તમારી વિચારસરણીને સમજે છે."

ત્યાર પછી આમિર ખાન પ્રોડક્શનની ફિલ્મ 'હૅપ્પી પટેલ' માટે સુનીલ ગ્રોવર અને આમિર ખાન, ફિલ્મના કૉ-ડાયરેક્ટર અને ઍક્ટર વીર દાસની સાથે ફિલ્મને પ્રમોટ કરતા જોવા મળ્યા.

કપિલ શર્મા શોમાં સુનીલ ગ્રોવરે ઘણી ઝીણવટથી સલમાન ખાનની બૉડી લૅંગ્વેજ પકડી, તેમના બોલવાની એક ખાસ લઢણને પકડી.

આ ઍક્ટિંગ પણ દર્શકોમાં ખૂબ ચર્ચાનો વિષય બની હતી.

થોડાં વર્ષ પહેલાં સલમાને કહેલું, "તેઓ કૉમેડી કરવાની કોશિશ નથી કરતા, પરંતુ પાત્ર ભજવે છે. જ્યારે હું અને સોહેલ તેમને જોઈ રહ્યા હતા, તો મને લાગ્યું કે હું કેટલો અસમર્થ છું."

વર્ષો પહેલાં આ જ શો દરમિયાન ગુત્થીનું પાત્ર પણ સુનીલ ગ્રોવરે ભજવ્યું હતું. તે સુપરહિટ થયા પછી તેમણે અમિતાભ બચ્ચનથી લઈને અજય દેવગન સુધીનાં પાત્ર ભજવ્યાં.

જાણીતા ગીતકાર ગુલઝારની જગ્યાએ આ શોમાં તેઓ 'ફુલઝાર' બની આવ્યા ત્યારે શોમાં આવેલા લોકો અચંબિત થઈ ગયા.

સુનીલ ગ્રોવરને જોઈને કંઈક એવું લાગે છે કે તેઓ કોઈ પાત્રને ઉપરછલ્લું નથી ભજવતા, તેમાં પ્રવેશી જાય છે. પરંતુ ગ્રોવર આવું કઈ રીતે કરી લે છે?

જુદા-જુદા ઇન્ટર્વ્યૂમાં તેમણે આપેલા જવાબનો સાર કહે છે કે સુનીલ ગ્રોવર પાત્રોને ઝીણવટભરી રીતે જુએ છે માત્ર એટલું જ નહીં, તેને અનુભવે છે, બલ્કે એ પાત્રમાં એ રીતે ઢળી જાય છે કે લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.

હા, એ વાત અલગ છે કે કપિલ શર્મા શોએ સુનીલ ગ્રોવરને જે મુકામ આપ્યો, તે કોઈ બીજા શોએ તેમને નથી આપ્યો. એકાદ વખત સુનીલ ગ્રોવરે કપિલ શર્માની ટીમથી અલગ થઈને પોતાના સામર્થ્યના જોરે કંઈક નવું કરવાની કોશિશ કરી, પરંતુ તેમને સફળતા ન મળી.

કપિલ શર્મા સાથે મતભેદ અને આરોપ-પ્રત્યારોપ વચ્ચે સુનીલ ગ્રોવર લાંબા સમય સુધી આ કૉમેડી શોથી દૂર પણ રહ્યા.

તે દરમિયાન તેમણે ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો, પરંતુ તેમને ખરી જગ્યા કપિલ શર્મા શોએ અપાવી.

પ્રિય લેખક શરદ જોશી

હરિયાણાના મંડી ડબીવાલીમાં જન્મેલા સુનીલ ગ્રોવર માટે કામના દરવાજા ત્યારે ખૂલ્યા જ્યારે તેઓ ચંડીગઢમાં જીજીડીએસડી કૉલેજમાં ભણતા હતા.

યૂટ્યૂબ ચૅનલ જિસ્ટને આપેલા એક ઇન્ટર્વ્યૂમાં ગ્રોવર જણાવે છે કે કઈ રીતે કૉમેડી સાથે તેમની મુલાકાત જસપાલ ભટ્ટીના શો ફુલ ટૅન્શનમાં થઈ.

1995માં આવેલા હાસ્ય શો માટે ભટ્ટી થોડાક કલાકાર શોધી રહ્યા હતા અને ગ્રોવરને જ્યારે આ વાત જાણવા મળી ત્યારે, તેમના શબ્દોમાં કહીએ તો, 'વહ મૂંહ ઉઠાકર ઐસે હી ચલે ગયે [કોઈ પણ વિચાર કર્યા વગર પહોંચી ગયા].'

તેમની શો માટે પસંદગી કરી લેવામાં આવી, પરંતુ ગ્રોવર જણાવે છે કે ઘણા સમય પછી ભટ્ટી દ્વારા જ તેમને ખબર પડી કે પહેલા દિવસે તેમને જોઈને એમ નક્કી કરવામાં આવ્યું હતું કે તેમને 'ક્લર્ક ટાઇપ'ના રોલ માટે લેવામાં આવશે.

આ શોમાં પહેલી વાર ગ્રોવર ટીવી સ્ક્રીન પર જોવા મળ્યા હતા, જેના માટે તેમનો આખો પરિવાર ટીવીની સામે બેઠો હતો.

અને ગ્રોવરનો ડાયલૉગ હતો – ડાકૂ આ ગયે, ડાકૂ આ ગયે, ડાકૂ આ ગયે. થોડીક સેકન્ડ માટે ટીવી પર આવેલી ગ્રોવરની આ પહેલી ઍન્ટ્રી તેમના પરિવારના થોડા સભ્યો જોઈ જ ન શક્યા, કેમ કે, તેઓ તે વખતે બાથરૂમ કે કિચન કે ઘરના કોઈ અન્ય ભાગમાં હતા.

29 વર્ષ પછી એક યૂટ્યૂબ શોમાં ગ્રોવર મુંબઈના પોતાના સુંદર ઘરના અલગ-અલગ ખૂણા બતાવી રહ્યા છે. એ દરમિયાન જ તેમની હાસ્યકલાનું એક રહસ્ય પણ ખૂલે છે, જ્યારે તેઓ જણાવે છે કે તેમને પુસ્તકો સાથે કેટલો પ્રેમ છે.

તેમની શેલ્ફ પર રાખેલાં અંગ્રેજી–હિંદી પુસ્તકોમાં તમને શ્રીલાલ શુક્લ-રચિત કાલજયી નવલકથા 'રાગ દરબારી' પણ જોવા મળે છે.

ગ્રોવર આ શોમાં કહે છે કે હાસ્યલેખક શરદ જોશી તેમને ગમતા લેખક છે, તેમણે લખેલું 100 ટુચકાના સંપાદનનું પુસ્તક, સંભવ છે કે તેમનાં પ્રિય પુસ્તકોમાંનું એક છે.

આ માહિતી વધારે કશું નહીં પરંતુ એ તો જણાવે છે કે શરદ જોશીની જેમ ગ્રોવરની હાસ્ય-ભાષામાં પણ સમાજની રગ પકડવાનો જાદુ છે.

ફરક માત્ર એ છે કે જોશી વ્યંગ્ય કરતા હતા અને ગ્રોવર ઑબ્ઝર્વેશનલ કૉમેડી; જેનું નિશાન કોઈ પણ હોઈ શકે છે – હિંદુસ્તાનના દિગ્ગજ ફિલ્મ સ્ટાર આમિર ખાન અને સલમાન ખાન પણ અને જમના પારના નંબર છ ઑર્કેસ્ટ્રા ચકચક ધૂમના પ્રોપરાઇટર ડાયમંડ રાજા પણ અને કદાચ તમે અને અમે પણ.

માઇક્રો ઑબ્ઝર્વેશનનો જાદુ

સુનીલ ગ્રોવરની નજર સામાન્ય લોકો પર પણ રહે છે અને તેઓ કોઈક રીતે તેમની ઍક્ટિંગના નિશાન બની શકે છે. આ 2008ના એ રેડિયો શો દ્વારા જાણવા મળે છે, જેમાં તેઓ સુદર્શન ઉર્ફે સુડ નામનું એક પાત્ર ભજવતા હતા અને કૉલેજના સ્ટુડન્ટ્સમાં ખૂબ જ લોકપ્રિય હતા.

એક ઇન્ટર્વ્યૂમાં ગ્રોવર જણાવે છે કે રેડિયો મિર્ચી પર તેમના દ્વારા ભજવવામાં આવેલા સુડના પાત્રએ જ તેમને પહેલી વાર ઓળખ અપાવી હતી.

તેઓ જણાવે છે કે એક કાલ્પનિક ટુચકાના પુસ્તક 'હંસી કે ફવ્વારે'માંથી ખૂબ જ ફ્લૅટ અવાજમાં જોક વાંચતા સુડનું પાત્ર તેમણે કઈ રીતે બનાવ્યું હતું.

એ સમયના રેડિયો મિર્ચીના નૅશનલ ક્રિએટિવ હેડ રંજિત મડગાવકરે ગ્રોવર સાથે મળીને આ આઇડિયાને અમલી કરવાનું કામ કર્યું હતું.

બીબીસી સાથેની વાતચીતમાં મડગાવકર જણાવે છે કે 'માઇક્રો ઑબ્ઝર્વેશન' કઈ રીતે ગ્રોવરની ખાસ વાત છે.

દર ગુરુવારે ચાની ટપરી [લારી] પર 'સુડ'ની સ્ક્રિપ્ટ વિશે વાત કરતી વખતે મડગાવકર જોતા હતા કે કઈ રીતે ગ્રોવર કોઈ વ્યક્તિના ઝીણામાં ઝીણા હાવભાવને પણ ધ્યાનથી જોતા હતા; તેઓ કઈ રીતે ચા ઑર્ડર કરે છે, તેઓ કઈ રીતે ઘડિયાળ જુએ છે, કઈ રીતે પોતાના ઘર-પરિવારની વાત કરે છે – કશું પણ તેમની દૃષ્ટિ બહાર નહોતું રહેતું અને પછી જાણે એક સ્વિચ ઑન કરવાની જ વાર રહેતી અને ગ્રોવર, ગ્રોવર ન રહેતાં એ પાત્ર બની જતા હતા.

ગ્રોવરના શરૂઆતના દિવસોથી અત્યાર સુધીની તેમની સફરને નજીકથી જોનાર મડગાવકર કહે છે, "કોઈક રીતે તેઓ જાણતા હતા કે તેમના આ સાથી આમ જ કરશે, કેમ કે, ગ્રોવરને સ્વાભાવિક રીતે લોકોની અંદર છુપાયેલાં પાત્રોને બહાર લાવતાં આવડે છે."

કદાચ, એટલે જ સુનીલ ગ્રોવરનું ઇન્સ્ટાગ્રામ આઇડી છે @whosunilgrover એટલે કે, કોણ સુનીલ ગ્રોવર?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન