બિશ્નોઈ અને બંબીહા જેવી ગૅંગ ખંડણી માટે વિદ્યાર્થીઓનો ઉપયોગ કરે છે, કૅનેડા સરકારનો અહેવાલ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, કૅનેડા, ગુનાખોરી

ઇમેજ સ્રોત, GETTY IMAGES/ANI

ઇમેજ કૅપ્શન, લૉરેન્સ બિશ્નોઈ હાલ સાબરમતી જેલમાં બંધ છે
    • લેેખક, જસપાલસિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 4 મિનિટ

કૅનેડામાં દક્ષિણ એશિયન મૂળના લોકો પાસેથી ખંડણી વસૂલવાના અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલી ગૅંગ સ્ટડી પરમિટ પર રહેતા યુવાનોનો ઉપયોગ કરી રહી હોવાના અહેવાલ છે.

કૅનેડા સરકારના ધ ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન્શ ઍન્ડ રિપોર્ટ્સ ઍનાલિસીસ સેન્ટર (FINTRAC)ના ગુપ્ત રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.

કૅનેડાના બ્રિટિશ કોલંબિયા, આલ્બર્ટા, મેનિટોબા અને ઓન્ટારિયો પ્રાંતોમાં દક્ષિણ એશિયન સમુદાય પાસેથી ખંડણીની માગણી તથા લક્ષિત હત્યા જેવી હિંસક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા નાણાકીય વ્યવહારોની માહિતી આ રિપોર્ટ આપે છે.

ગુંડા ટોળકીઓ ખંડણી માગવાથી માંડીને પૈસા મેળવવા અને તેને ઠેકાણે પાડવા સુધીની સમગ્ર પ્રક્રિયા કેવી રીતે કરે છે તે આ રિપોર્ટમાં જણાવાયું છે.

કૅનેડામાં રેન્સમવેર સંબંધી ગુનાઓમાં અનેક ગણો વધારો

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, કૅનેડા, ગુનાખોરી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રિપોર્ટમાં આ ગૅંગ્સ ખંડણીની માગણીથી શરૂ કરી જે-તે લોકેશન પર નાણાંની કેવી રીતે મેળવે છે એ પ્રક્રિયા જણાવાઈ છે

કૅનેડા સરકારના અહેવાલ મુજબ, રેન્સમવેર સંબંધી ગુનાઓની સંખ્યામાં દેશભરમાં નોંધપાત્ર વધારો થયો છે. રેન્સમવેર સંબંધી ગુનાઓની સંખ્યા 2013માં આશરે 2,300 હતી, જે 2023માં વધીને 14,000 થઈ ગઈ હતી.

આ અહેવાલ દક્ષિણ એશિયન સમુદાય પાસેથી ખંડણી વસૂલી અને અન્ય સંબંધિત ગુનાઓ વિશે વિગતવાર માહિતી આપે છે. તેમાં છૂટાછવાઈ ધમકીઓથી માંડીને મોટા પાયે ગુનાનો સમાવેશ થાય છે.

પોલીસના આંકડાને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે બ્રેમ્પટન, મિસિસૌગા અને કેલેડન કાઉન્ટીઓમાં દક્ષિણ એશિયન મૂળના લોકો સામે 2025 અને 2025માં રેન્સમવેરના સેંકડો હુમલાઓ નોંધાયા હતા.

આ ગુનાઓમાં કઈ ટોળકીઓ સંડોવાયેલી છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, કૅનેડા, ગુનાખોરી
ઇમેજ કૅપ્શન, જ્યારે આ માગણીઓ ન સંતોષાય ત્યારે ઘર અને દુકાનો પર ફાયરિંગની ઘટનાઓ વધે છે

FINTRACના અહેવાલ મુજબ, ખંડણી સંબંધી ગુનાઓમાં ઘણી નાની-મોટી ગૅંગ સંડોવાયેલી છે.

રિપોર્ટમાં મુખ્યત્વે બિશ્નોઈ ગૅંગ અને બંબીહા ટોળકીનું નામ આપવામાં આવ્યું છે. ઘણાં જૂથો તેમની ધમકીનો પ્રભાવ વધારવા માટે આ બે ગૅંગના નામનો ઉપયોગ કરીને ઘટનાઓને અંજામ આપતી હોવાની આશંકા પણ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બિશ્નોઈ ગૅંગને કૅનેડા સરકારે 2025માં 'આતંકવાદી સંગઠન' જાહેર કરી હતી. હાલમાં લૉરેન્સ બિશ્નોઈને અમદાવાદની સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો છે.

કૅનેડા સરકારના જણાવ્યા મુજબ, બિશ્નોઈ ગૅંગ કૅનેડામાં નોંધપાત્ર હાજરી ધરાવે છે અને ખાસ કરીને કૅનેડામાંના દક્ષિણ એશિયન સમુદાયના વિસ્તારોમાં સક્રિય છે.

આ રિપોર્ટમાં બંબીહા જૂથનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ટોળકી અન્ય ગૅંગ સાથે મળીને ખંડણી તથા અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ કરી રહી છે.

કેવી રીતે ગુના કરે છે ગેંગ્સ?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રેન્સમવેર ગુનાઓનો ભોગ બનતા લોકો મોટા ભાગે નાના અને મધ્યમ કદના વ્યવસાયીઓ હોય છે. આ પૈકીના મોટા ભાગના લોકો રિટેલ, પરિવહન, બાંધકામ, રિયલ એસ્ટેટ અને આતિથ્ય જેવાં ક્ષેત્રો સાથે સંકળાયેલા હોય છે.

રેન્સમવેરના કિસ્સાની શરૂઆત સામાન્ય રીતે એન્ક્રિપ્ટેડ ચેટ ઍપ્લિકેશન્શ મારફત અનામી કોલ્સ અથવા મૅસેજોથી થાય છે. તેમાં મોટી રકમની માગ કરવામાં આવે છે અને તે ક્યારેક લાખો ડૉલરની હોય છે.

આ માગણી સંતોષવામાં આવતી નથી ત્યારે ઘર અથવા દુકાનો પર ગોળીબારની ઘટના બને છે અને કેટલાક કિસ્સામાં આગ લાગવાની ઘટના પણ બને છે.

દક્ષિણ એશિયન વંશના કૅનેડિયન નાગરિકો વિરુદ્ધની રેન્સમવેરની સમસ્યાના વ્યાપને સમજવા માટે બીબીસી પંજાબીએ FINTRACનો સંપર્ક કર્યો હતો અને આ મુદ્દા સંબંધી કેટલાક સવાલો પૂછ્યા હતા.

દક્ષિણ એશિયન વંશના લોકો પાસેથી ખંડણી ઉઘરાવવાનો આ ટ્રેન્ડ કેટલો વ્યાપક છે, એવો સવાલ પૂછવામાં આવ્યો ત્યારે FINTRACએ જણાવ્યું હતું કે "રેન્સમવેર એક ગંભીર ગુનાહિત પ્રવૃત્તિ છે, જે કૅનેડા, કૅનેડિયન બિઝનેસો અને સમાજ માટે એક મોટો ખતરો બની રહી છે."

કૅનેડાના સ્ટેટેસ્ટિક્સ વિભાગના જણાવ્યા મુજબ, "તમામ પ્રકારના રેન્સમવેરના કેસોમાં છેલ્લા દાયકામાં નોંધપાત્ર વધારો થયો છે. 2014 અને 2024 વચ્ચેના દસ વર્ષમાં તે દર પ્રતિ એક લાખ લોકો દીઠ આઠ કેસથી ચાર ગણો વધીને 32 કેસનો થયો છે."

"એ ઉપરાંત પ્રસ્તુત આંકડા વાસ્તવિક સ્થિતિની માત્ર એક બાજુ દર્શાવે છે, કારણ કે ઘણા પીડિતો પોલીસમાં ફરિયાદ ન કરતા હોવાનું બિનસત્તાવાર માહિતી સૂચવે છે."

તેમને એવો સવાલ પણ કરવામાં આવ્યો હતો કે આ પ્રવૃત્તિઓમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંડોવણી દર્શાવતા ક્યા પ્રકારના નાણાકીય પુરાવા મળી આવ્યા છે?

તેમણે જણાવ્યું હતું કે "હિંસક ખંડણી વસૂલીની પ્રવૃત્તિઓમાં સામેલ વ્યક્તિઓએ ઇમેઇલ, મની ટ્રાન્સફર, ચેક અને રોકડ જેવા વ્યવહારો કર્યા હોવાનું FINTRACને મળેલા સંદિગ્ધ વ્યવહારોના અહેવાલો સૂચવે છે. આ બાબત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી તરીકેની તેમની જાહેર સ્થિતિને અનુરૂપ નથી."

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, કૅનેડા, ગુનાખોરી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ ખુલાસામાં 300 શકમંદો સામેલ છે અને તેમની સાથે સંકળાયેલા 63 હજાર નાણાકીય લેવડદેવડની માહિતી સમાવિષ્ટ છે

"ગુનાહિત તત્ત્વો ગુનાથી થયેલી આવક અને ભંડોળના સ્રોત તેમજ ગંતવ્યને છુપાવવા માટે નૉમિની તથા મની મ્યુલ્સનો ઉપયોગ કરતા હોવાના સંકેત પણ મળ્યા છે."

મની મ્યુલ એ વ્યક્તિ હોય છે, જે અન્ય લોકોએ ગેરકાયદે મેળવેલાં નાણાં પોતાના એકાઉન્ટમાં જમા કરાવે છે અને ટ્રાન્સફર કરે છે. મની મ્યુલ મની લૉન્ડરિંગમાં એક મહત્ત્વપૂર્ણ કડી તરીકે કામ કરે છે. આ હેતુ માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવામાં આવે છે.

આ સમસ્યાના નિરાકરણ માટે શું કરવામાં આવી રહ્યું છે, એવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે કૅનેડામાં રેન્સમવેરના ગુનાઓની ભાળ મેળવવા, તેનું પ્રમાણ ઘટાડવા અને અટકાવવાની પોતાની ક્ષમતાને મજબૂત કરવા માટે કૅનેડા સરકાર અનેક નવી પદ્ધતિઓનો ઉપયોગ કરી રહી છે.

FINTRACના નાણાકીય ગુપ્તચર અધિકારીઓએ રેન્સમવેર કેન્દ્રિત ચર્ચાઓ મારફતે કૅનેડાના આશરે 200 કાયદા અમલીકરણ અધિકારીઓ સાથે સહયોગ કર્યો છે.

ખંડણી સંબંધી નાણાકીય ગુપ્તચર ખુલાસાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે અને તે પાછલા બે વર્ષના કુલ આંકડા કરતાં વધારે છે.

આ ખુલાસાઓમાં 300થી વધારે શકમંદો સામેલ છે અને તેમાં 63,000થી વધુ સંબંધિત નાણાકીય વ્યવહારોની માહિતીનો પણ સમાવેશ થાય છે.

આ ખુલાસાઓથી કાયદા અમલીકરણ એજન્સીઓને ગુનાહિત નેટવર્ક, નાણાકીય પ્રવાહ અને સંગઠિત અપરાધી ટોળકીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી નવી તકનીકો વિશે વિગતવાર માહિતી મળે છે.

એ ઉપરાંત 25 મુખ્ય નાણાકીય સંસ્થાઓ અને ક્રેડિટ યુનિયનો સાથે સહયોગાત્મક સંબંધ સ્થાપિત કરીને નવી ટાર્ગેટેડ ઇન્ડિકેટર પ્રોફાઇલ (ટીઆઇપી) શૅર કરવામાં આવી છે.

તે ખંડણી સંબંધી ચોક્કસ સંકેતો અને વ્યૂહાત્મક ગુપ્ત માહિતી પણ પ્રદાન કરે છે, જેનો ઉપયોગ કૅનેડાની બધી મોટી બૅન્કો તથા મુખ્ય ક્રેડિટ યુનિયન્સ કરી શકે છે.

આનો બધાનો હેતુ ખંડણીના ગુના સંબંધી નાણાકીય વ્યવહારો પર ચાંપતી નજર રાખવાનો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન