પીએમ મોદીએ સોનું ન ખરીદવા અને ખાવાનું તેલ ઓછું વાપરવાની અપીલ કેમ કરી?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સોનું, પેટ્રોલ, ડીઝલ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, પીએમ મોદીએ સિકંદરાબાદમાં એક રેલી દરમિયાન ઈંધણ, ખાવાનું તેલ ઓછું વાપરવા અપીલ કરી
વાંચવાનો સમય: 4 મિનિટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેલંગણાની મુલાકાત દરમિયાન કેટલીક વિકાસ યોજનાઓની જાહેરાત કરી હતી અને સિકંદરાબાદમાં એક જનસભા સંબોધી હતી.

આ દરમિયાન તેમણે લોકોને વિદેશી હૂંડિયામણ બચાવવાની અપીલ કરી હતી, જેના માટે તેમણે પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઘટાડવા, એક વર્ષ સુધી સોનું ન ખરીદવા અને ખાદ્ય તેલનો ઉપયોગ પણ ઓછો કરવાની સલાહ આપી હતી.

કૉંગ્રેસે વડા પ્રધાન મોદીના ભાષણની ટીકા કરી છે અને કહ્યું છે કે પીએમ મોદી અર્થતંત્રને બચાવવા માટે ઇમરજન્સીનાં પગલાં લેવાના બદલે જનતાને જ મુશ્કેલીમાં નાખી રહ્યા છે.

પીએમ મોદીએ જનસભામાં કહ્યું કે "સપ્લાય ચેઇનની મુશ્કેલીઓ વચ્ચે છેલ્લા બે મહિનાથી આપણા પડોશમાં યુદ્ધ ચાલે છે. તેની અસર આખી દુનિયા પર પડી છે અને ભારત ઉપર તો વધારે ગંભીર અસર પડી છે."

"ભારતની પાસે ઈંધણના મોટા કૂવા નથી. આપણે જરૂરિયાત પ્રમાણે પેટ્રોલ-ડીઝલ-ગૅસ એ બધું દુનિયાના બીજા દેશો પાસેથી મોટા પ્રમાણમાં મગાવવું પડે છે. યુદ્ધના કારણે આખી દુનિયામાં પેટ્રોલ, ડીઝલ, ગૅસ અને ફર્ટિલાઇઝરના ભાવમાં ભારે વધારો થયો છે. આસમાનને પાર કરી ગયા છે. પડોશના દેશોમાં શું ચાલે છે તે અખબારોમાં આવે છે."

પીએમ મોદીએ કહ્યું કે, ભારત સરકાર આ યુદ્ધમાં છેલ્લા બે મહિનાથી દેશવાસીઓને આ સંકટથી બચાવવા સતત પ્રયાસ કરે છે. નાગરિકો પર બોજ ન પડે તે માટે સરકાર બધો બોજ પોતાના ખભા પર ઉઠાવે છે.

સોનું ખરીદવા વિશે પીએમ મોદીએ શું કહ્યું?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સોનું, પેટ્રોલ, ડીઝલ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, પીએમ મોદી આંધ્ર પ્રદેશના ઉપમુખ્ય મંત્રી પવન કલ્યાણના ઘરે પણ ગયા હતા

વડા પ્રધાન મોદીએ સપ્લાય ચેઇનનું કારણ આપીને કહ્યું કે "સપ્લાય ચેઇન પર સતત દબાણ રહે તો આપણે ગમે તેટલા પ્રયાસ કરીએ છતાં મુશ્કેલી વધી જાય છે. તેથી દેશને સર્વોપરિ રાખીને આપણે એકજૂથ થવું પડશે. દેશ માટે મરવું એ જ દેશભક્તિ નથી હોતી. દેશ માટે જીવવું અને દેશ માટે પોતાનાં કર્તવ્યોને નિભાવવા એ પણ દેશભક્તિ હોય છે."

"તેમાં ખાદ્યતેલ પણ સામેલ છે. તેની આયાત માટે પણ મોટા પ્રમાણમાં વિદેશી ચલણનો ખર્ચ કરવો પડે છે. દરેક ભોજનમાં તેલનો ઉપયોગ ઘટાડો તો તે પણ દેશભક્તિનું કામ છે. તેનાથી દેશની સેવા થશે અને દેહની સેવા પણ થશે. તેનાથી ખજાનાની સ્થિતિ સુધરશે અને પરિવારના લોકોનું આરોગ્ય પણ સુધરશે."

વડા પ્રધાન મોદીએ વિદેશી ચલણ બચાવવા વિશે કહ્યું કે "તેમાં જે રસ્તા અપનાવી શકાય, તે અપનાવવા પડશે."

તેમણે કહ્યું કે, "સોનાની ખરીદી એક એવી ચીજ છે જેમાં પુષ્કળ વિદેશી ચલણ વપરાય છે. એક સમય હતો જ્યારે લોકો દેશહિતમાં સોનું દાન આપી દેતા હતા. આજે દાનની જરૂર નથી, પરંતુ દેશહિતમાં નક્કી કરવું પડશે કે એક વર્ષ સુધી ઘરમાં કોઈ પણ કાર્યક્રમ હોય, આપણે સોનાનાં ઘરેણાં નહીં ખરીદીએ."

"સોનું નહીં ખરીદીએ. વિદેશી ચલણ બચાવવા માટે આપણી દેશભક્તિ આપણને પડકાર ફેંકી રહી છે અને આપણે તેને સ્વીકારીને વિદેશી ચલણ બચાવવું પડશે."

કૉંગ્રેસે ટીકા કરી

કૉંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું છે કે "ઈરાન-અમેરિકા યુદ્ધને ત્રણ મહિના વીતી ગયા છે, પરંતુ વડા પ્રધાન મોદીને હજુ સમજાતું નથી કે ભારતની ઊર્જા સુરક્ષા કેવી રીતે સુનિશ્ચિત કરવી.

વેણુગોપાલે ઍક્સ પર લખ્યું, આ બહુ શરમજનક, બેજવાબદારીપૂર્ણ અને સંપૂર્ણપણે અનૈતિક છે કે આ વૈશ્વિક સંકટમાં આપણા અર્થતંત્રને બચાવવા માટે કોઈ ઇમરજન્સી યોજના બનાવવાના બદલે વડા પ્રધાન સામાન્ય લોકોને તકલીફમાં નાખી રહ્યા છે."

"જ્યારે ચૂંટણી અને છીછરું રાજકારણ જ વડા પ્રધાનની એકમાત્ર પ્રાથમિકતા બની જાય, ત્યારે તેના અંતિમ પરિણામ તરીકે આર્થિક તબાહી જ આવે છે."

"પીએમ અને તેમની સરકારે એ સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવી જોઈએ કે આપણી પાસે પૂરતા પ્રમાણમાં ઈંધણ હોય, અને ખરાબ યોજનાના કારણે કોઈ નાગરિકને બીજા પ્રકારની પરેશાનીનો સામનો કરવો ન પડે."

સોનાના ભાવ કેમ વધી રહ્યા છે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સોનું, પેટ્રોલ, ડીઝલ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સોનાની ઐતિહાસિક તેજી 2025માં જોવા મળી હતી, એ સમયે તેના ભાવમાં 60 ટકાનો ઉછાળો આવ્યો હતો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઈરાન સાથે અમેરિકા અને ઇઝરાયલના યુદ્ધ વચ્ચે શૅરબજારથી માંડીને ક્રૂડઑઇલ, સોનું-ચાંદી અને રૂપિયા સુધી દરેક ચીજમાં મોટી અસ્થિરતા જોવા મળી રહી છે.

સોનાની ઐતિહાસિક તેજી 2025માં જોવા મળી હતી, એ સમયે તેના ભાવમાં 60 ટકાનો ઉછાળો આવ્યો હતો.

સોનાની તેજીનાં અનેક કારણો છે, પરંતુ આ બધું એકબીજા સાથે જોડાયેલું છે.

અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધને કારણે ભૂ-રાજનીતિક તણાવને કારણે દુનિયામાં અસ્થિરતા વધી રહી છે, એવા સમયે રોકાણકારો જોખમ લેવાને બદલે પારંપરિક સંપત્તિઓમાં રોકાણ કરી રહ્યા છે. જિયોપૉલિટિકલ ટેન્શનને કારણે ડૉલરનો ઉપયોગ પણ ઘટી રહ્યો છે અને સોના પર નિર્ભરતા વધારાઈ રહી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓને કારણે શૅરબજારને અનેક ઝટકા લાગ્યા છે. તેનાથી રોકાણકારો હવે સોના-ચાંદીની કિંમતી ધાતુઓમાં રોકાણ કરી રહ્યા છે. હાલમાં જ જિયોપૉલિટિકલ ટેન્શનને કારણે સોનાના ભાવમાં વધારો થયો છે.

અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને પકડી લીધા બાદ સોનાની કિંમત વધી ગઈ. ટ્રમ્પે ગ્રીનલૅન્ડને પોતાને અધીન કરવાની વાત પણ કરી હતી.

સોનામાં તેજી પાછળ કેન્દ્રીય બૅન્કોમાં ભારે ખરીદદારી ખરેખર તો સૌથી મોટાં કારણોમાંનું એક છે. 2022થી સતત આ ટ્રેન્ડ મજબૂત થયો છે, 2025માં વધુ તેજ થઈ ગયો, જેના કારણે સોનાની કિંમત રેકૉર્ડ સ્તરે પહોંચી ગઈ.

કેન્દ્રીય બૅન્ક (જેમ કે ચીન, પોલૅન્ડ, તુર્કી, ભારત, કઝાકિસ્તાન વગેરે) સોનાની અનામતને સંપત્તિના રૂપમાં વધારી રહી છે. આવું એટલા માટે છે કે અમેરિકન ડૉલરનું પ્રભુત્વ ઓછું થઈ રહ્યું છે. તેની અસર પણ સોનાના ભાવ પર પડી રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન