મેલોની અને મોદી પર રાહુલ ગાંધીના મંચ પર કેવી મજાક ઉડાડવામાં આવી, ભાજપે કૉંગ્રેસ પર મહિલાવિરોધી હોવાનો આક્ષેપ કેમ કર્યો

બીબીસી ગુજરાતી, રાહુલ ગાંધી, સંદીપ દીક્ષિત , કૉંગ્રેસ, જ્યોર્જિયા મેલોની

ઇમેજ સ્રોત, ANI

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની નીતિઓ પર નિશાન સાધ્યું.

તેમણે ગૃહમંત્રી અમિત શાહને પણ નિશાન બનાવ્યા.

આ દરમિયાન રાહુલ ગાંધીના મંચ પર કૉંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે એવું કંઈક કહ્યું કે વિવાદ ઊભો થઈ ગયો અને ભાજપે રાહુલ ગાંધી પર મહિલા વિરોધી હોવાનો આક્ષેપ કર્યો છે.

સોશિયલ મીડિયા પર પણ આ ઘટનાને લઈને ચર્ચા અને વાદવિવાદ ચાલી રહ્યા છે.

રાહુલ ગાંધીએ શું કહ્યું જેના પર વિવાદ થયો

રાહુલ ગાંધી, કૉંગ્રેસ, સંદીપ દિક્ષીત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, રચનાત્મક કૉંગ્રેસના કન્વેન્શન દરમિયાન કૉંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતએ ઇટાલીનાં વડાં પ્રધાન જ્યોર્જિયા મેલોની અંગે કરેલી ટિપ્પણીની ટીકા થઈ રહી છે.

સ્થળ: દિલ્હીનો માલવંકર હૉલ

અવસર: રચનાત્મક કૉંગ્રેસનું કન્વેન્શન

મંચ પર રાહુલ ગાંધી હાજર હતા અને તેઓ એક પછી એક મોદી સરકારની નીતિઓની ટીકા કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે સરકારની વિદેશ નીતિ પર પણ કટાક્ષ કર્યો.

રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, "તમે તમારા મિત્રના ઘરે નથી જઈ રહ્યા. ભારતના વડા પ્રધાન મિત્રતા કરવા નથી જતા. તેમનું કામ દેશની રક્ષા કરવાનું હોય છે. તેમના મનમાં ક્યાંથી આ વાત આવી ગઈ છે કે એ મારા મિત્ર છે, અને પછી તેઓ લોકોને ભેટવા લાગે છે."

રાહુલ ગાંધીએ કહ્યું, "મને ખબર નથી તેમના મનમાં આ કેવી રીતે ઘૂસી ગયું કે વિદેશ નીતિનો અર્થ આ જ હોય છે."

આવું કહ્યા પછી રાહુલ ગાંધીએ મંચ પર હાજર કૉંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતને જોરથી ભેટ્યા અને કહ્યું કે મોદીજીને લાગે છે કે વિદેશ નીતિનો અર્થ આ જ છે.

ત્યાર બાદ સંદીપ દીક્ષિતે રાહુલ ગાંધીને અટકાવીને ઇટાલીનાં વડાં પ્રધાન જ્યોર્જિયા મેલોનીનો ઉલ્લેખ કર્યો, અને આ જ બાબત પર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ તીવ્ર પ્રતિક્રિયા આપી છે.

ભાજપની તીવ્ર પ્રતિક્રિયા

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સંદીપ દીક્ષિતના આ નિવેદન પર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના અનેક નેતાઓએ કડક પ્રતિક્રિયાઓ આપી છે.

આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાએ ઍક્સ પર લખ્યું, "કૉંગ્રેસનું વંશવાદી નેતૃત્વ ફરી એકવાર શાલીનતાની બધી હદો પાર કરી ગયું છે. એક મિત્ર દેશનું નેતૃત્વ કરતાં મહિલા રાષ્ટ્ર પ્રમુખ વિશે આપત્તિજનક ટિપ્પણી કરવામાં આવી, જ્યારે મંચ પર અને દર્શકોમાં હાજર મહિલાઓ પણ તેના પર હસતી જોવા મળી."

"આ માત્ર રાજકીય શાલીનતાનું ઉલ્લંઘન નથી, પરંતુ ભારતના વિદેશી સંબંધોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ પણ છે. જ્યારે મહિલાઓ પ્રત્યેનો અનાદર મનોરંજનનું સાધન બની જાય, ત્યારે તે એવી સંસ્કૃતિ વિશે ઘણું કહી જાય છે જેને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. શરમજનક. નિંદનીય."

ભાજપ મહિલા મોરચાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ વાનતી શ્રીનિવાસને લખ્યું, "ટીકા કરવી દરેક રાજકીય પક્ષનો અધિકાર છે, પરંતુ મહિલાઓનું અપમાન કરવું અને જાહેર જીવનને ભદ્દી મજાક સુધી મર્યાદિત કરી દેવું યોગ્ય નથી."

"વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇટાલીનાં વડાં પ્રધાન જ્યોર્જિયા મેલોનીની મજાક ઉડાવવી, જ્યારે કૉંગ્રેસના નેતાઓ તેની સાથે હસી રહ્યા હોય, તે રાજકીય પરિપક્વતાની ગંભીર કમી દર્શાવે છે."

ભાજપનાં સાંસદ બાંસુરી સ્વરાજે રાહુલ ગાંધીના નિવેદનને ગરિમાહીન અને અભદ્ર ગણાવ્યું અને કહ્યું કે તેઓ કૉમેડિયનની જેમ વર્તન કરી રહ્યા છે.

કૉંગ્રેસે શું કહ્યું?

એક ન્યૂઝ ચૅનલ પર ચાલી રહેલી ચર્ચામાં ભાગ લેતાં કૉંગ્રેસના પ્રવક્તા શમા મહંમદે આ ઘટનાને લઈને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર જ નિશાન સાધ્યું.

તેમણે કહ્યું કે, "જો તમે આ બાબતની ચર્ચા કરી રહ્યા છો, તો પછી મોદીજીએ સંસદમાં આપેલી શૂર્પણખા અંગેની ટિપ્પણીની પણ ચર્ચા કરો, બિલકિસ બાનો કેસમાં ભાજપે દોષિતોનું જે સન્માન કર્યું હતું તેની પણ ચર્ચા કરો, સજા પામેલા બળાત્કારી ગુરમીત રામ રહીમને વારંવાર મળતી પેરોલનો પણ ઉલ્લેખ કરો, અને બળાત્કારના દોષિત આસારામ બાપુ સામે ભાજપના નેતાઓ નતમસ્તક થતા હોય છે તેની પણ ચર્ચા કરો."

સોશિયલ મીડિયા પર લોકોએ શું કહ્યું?

આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર પણ ઘણી ચર્ચા થઈ રહી છે અને લોકો રાહુલ ગાંધી તથા સંદીપ દીક્ષિત વિશે ખુલ્લેઆમ પોતાની મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે.

પત્રકાર રોહિણી સિંહે ઍક્સ (X) પર લખ્યું કે, "મેલોનીના મામલે ઊભી થયેલી ચર્ચા દર્શાવે છે કે રાજકીય કદ કોઈ મહિલાને સ્ત્રીવિરોધી માનસિકતાથી બચાવી શકતું નથી."

"તમે જી-7 દેશનાં વડાં પ્રધાન હોઈ શકો છો, છતાં પણ તમને યૌન દૃષ્ટિકોણથી જોવામાં આવી શકે છે અને કોઈ અસંબંધિત રાજકીય હુમલામાં ઘસેડી શકાય છે."

"સત્તા કોઈ મહિલાનું પદ તો બદલી શકે છે, પરંતુ તેને જોવાની માનસિકતા હજી બદલવામાં સફળ થતી નથી."

પત્રકાર સ્વાતિ ચતુર્વેદીએ લખ્યું, "પ્રિય સંદીપ દીક્ષિત, તમારાં માતા અને સ્વર્ગસ્થ શ્રીમતી દીક્ષિત એવાં મહિલા નેતા હતાં, જેમનું દરેક વ્યક્તિ સન્માન કરતું હતું."

"મેલોની વિશે તમે જે પ્રકારની સ્ત્રીવિરોધી અને સેક્સિસ્ટ ટિપ્પણી કરી છે, તે અત્યંત આપત્તિજનક છે અને રાજકારણમાં તેની કોઈ જગ્યા હોવી જોઈએ નહીં. તમારી પાસેથી વધુ સારા વર્તનની અપેક્ષા છે."

વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેશાઈએ પણ સંદીપ દીક્ષિતની ટીકા કરતાં લખ્યું કે, "કૉંગ્રેસના એક કાર્યક્રમ દરમિયાન મોદી-મેલોની અંગે કરવામાં આવેલી ટિપ્પણી સંપૂર્ણપણે ટાળી શકાય તેવી હતી અને અત્યંત ખરાબ પસંદગી દર્શાવતી હતી."

"ગંભીર રાજકારણને મીમ અથવા ઇન્સ્ટાગ્રામ રીલ સુધી મર્યાદિત કરી શકાય નહીં."

વરિષ્ઠ પત્રકાર આશુતોષે એક ન્યૂઝ ડિબેટમાં કહ્યું કે, "સંદીપ દીક્ષિતે જે કહ્યું તે નિંદનીય છે. હું સંદીપ દીક્ષિતને જાણું છું, તેઓ સારા માણસ છે, પરંતુ તેમણે જે કહ્યું તે સંપૂર્ણપણે નિંદનીય છે. આ શરમજનક છે."

તેમણે વધુમાં કહ્યું કે સરકાર હોય કે વિરોધ પક્ષ, આવા પ્રકારની ટિપ્પણીઓ કરતી વખતે સાવચેત રહેવું જોઈએ, કારણ કે તેની વિદેશ નીતિ પર નકારાત્મક અસર પડી શકે છે.

કમલેશ સિંહ નામના એક ટ્વિટર વપરાશકર્તાએ લખ્યું કે, "રાહુલ ગાંધીનું ગળે મળવાનું મજાક યોગ્ય રીતે ચાલી રહ્યું હતું. પછી સંદીપ દીક્ષિતે મેલોનીનો ઉલ્લેખ કરીને તેને એક અશોભનીય મજાકમાં ફેરવી દીધું."

"એ જ કારણ છે કે સ્ટેન્ડ-અપ કૉમેડી સામાન્ય રીતે એક જ કૉમેડિયનનું કામ હોય છે. કૉમેડીની જોડી પણ હોય છે, પરંતુ તેના માટે ઉત્તમ ટાઇમિંગ અને તાલમેલ જરૂરી હોય છે. મારી સલાહ છે કે પહેલા રિહર્સલ કરી લેવી જોઈએ."

પત્રકાર અને ફૅક્ટ-ચેકર મોહમ્મદ જુબૈરે સંદીપ દીક્ષિતની ટિપ્પણીને "અભદ્ર" ગણાવી હતી. સાથે જ તેમણે ભાજપના કેટલાક નેતાઓ પર પણ અભદ્ર ટિપ્પણીઓ કરનારા અને અશોભનીય સામગ્રી પોસ્ટ કરતા ઍક્સ (X) ઍકાઉન્ટ્સને અનુસરવાનો આરોપ મૂક્યો હતો.

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન