ઢોલકનવાઝ મીર હાજી કાસમનું નામ 'હાજી રમકડું' નામ કેવી રીતે પડ્યું?

ઇમેજ સ્રોત, Tejs Vaidya/BBC
જૂનાગઢમાં ચિત્તાખાના ચોક પર જઈને કોઈને પણ પૂછો કે હાજીબાપાનું ઘર ક્યાં છે? એટલે ત્યાં સુધી લઈ જાય.
ચિત્તાખાના ચોકથી ઢાળવાળા રોડ પર ધમધમતા બજારમાંથી કેટલીક સાંકડી ગલીઓ એવી રીતે નીકળે છે જેમ કોઈ વૃક્ષને શાખા ફૂટી હોય.
એમાંની એક સાંકડી ગલીમાં અંદરની તરફ જઈએ એટલે ઘરની ઉપર રમકડું લખેલું જોવા મળે. 82 વર્ષના મીર હાજી કાસમને રમકડું તરીકે જ ઓળખાવું ગમે.
રમકડું લખેલા ઘરની અંદર ચારે તરફ ઍવૉર્ડ્સ, ઇલકાબો, ખિતાબો જોવા મળે. જેમાં હાલમાં જ મળેલું પદ્મશ્રી 2026નું સન્માન પણ જોવા મળે.
હાજી કાસમ મીર ઉર્ફે હાજી ખાટલા પર બેસે અને વાતો શરૂ કરે ત્યારે જેમ ડાયરાની રાત ન ખૂટે તેમ તેમની પાસેથી વાતો ન ખૂટે!
હાજી રમકડુંના પરિવારમાં ત્રણ પેઢીથી સંગીત વહે છે

હાજીભાઈની સંગીતની સફર બાળવયે શરૂ થઈ ગઈ હતી. બાળકો જ્યારે રમકડાનું ઢોલક વગાડતા તે વખતે હાજી રમકડું ખરું ઢોલક વગાડતા હતા.
"હું નવ વર્ષનો હતો ત્યારથી ઢોલક વગાડું છું. બૅન્ડવાજા, નવરાત્રી, લગ્નો, ડાયરા તમામ પ્રકારના કાર્યક્રમોમાં મેં ઢોલક વગાડ્યાં છે."
"ઢોલક ઉપરાંત તબલા અને ઢોલ પણ વગાડું છું. જૂનાગઢમાં એક કિંગ બૅન્ડ હતું. નવ વર્ષનો હતો ત્યારથી હું તેમાં ઢોલક વગાડતો હતો. મારા પિતા પણ તેમાં વગાડતા હતા. કિંગ બૅન્ડવાજામાં મેં 20 વર્ષ વગાડ્યું હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંગીતમાં હાજી રમકડુંની આ ત્રીજી પેઢી છે. જૂનાગઢમાં નવાબનું શાસન હતું ત્યારે તેમના દાદા પરદાદા સંગીત રજૂ કરતા હતા.
હાજી રમકડું કહે છે કે, "મારા દાદા નવાબના વખતમાં જૂનાગઢના દરબારગઢમાં નોબત વગાડતા હતા. મોટા દાદા શરણાઈ વગાડતા હતા. અમારા ઘરની આબોહવામાં જ સંગીત હતું."
82 વર્ષના હાજી રમકડું નવ વર્ષની ઉંમરથી ઢોલક વગાડે છે

ઇમેજ સ્રોત, Tejas Vaidya/BBC
ઢોલકનવાઝ મીર હાજી કાસમનું નામ 'હાજી રમકડું' કેવી રીતે પડ્યું તેની પાછળ પણ કહાણી છે. રસધારા નામની સંસ્થા હતી. જેમાં મીર હાજી કાસમ, લાખાભાઈ ગઢવી, દિવાળીબહેન ભીલ, પ્રાણલાલ વ્યાસ, બાલકૃષ્ણ દવે, ટપુભાઈ દેહગામા વગેરે હતા.
હાજી રમકડું જણાવે છે કે, "રસધારાના માધ્યમથી અમે વિવિધ કાર્યક્રમ કરતા હતા. તે વખતે મારી ઢોલક વગાડવાની શૈલી અને ઊડતા વાળને લીધે લોકોનું ધ્યાન મારા તરફ ખેંચાતું હતું."
"તેવામાં મારા મિત્ર શંકરભાઈ રાવલે મારા નામની સાથે 'રમકડું' જોડી દીધું હતું."
"તેમણે મને કહ્યું હતું કે હાજી, તારી ઢોલક – તબલા વગાડવાની જે પ્રકારની સ્ટાઇલ છે અને વગાડતી વખતે જે રીતે તારા વાળ ઊડે છે એ જોતાં કંઈક નામ તો પાડવું પડશે."
"એ રીતે તેમણે મારું નામ હાજી રમકડું પાડ્યું. મને યાદ છે કે રાજકોટ ટાઉનહૉલમાં કાર્યક્રમ હતો તેમાં મારું નામ હાજી રમકડું લખાયેલું હતું."
હાજીભાઈ કહે છે કે, "તે પછી તો છાપાની જાહેરાતો હોય કે લગ્નની કંકોતરી બધે જ હાજી રમકડું નામ પ્રચલિત થઈ ગયું. મારા ઘરનું નામ પણ મેં રમકડું રાખ્યું છે."
હાજી રમકડુંને જ્યારે પિતાના સ્થાને ઢોલક વગાડવાનો અવસર મળ્યો
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતના ખ્યાતનામ લોકગાયકોમાં પ્રાણલાલ વ્યાસનું નામ સામેલ છે. પ્રાણલાલ વ્યાસ પણ જૂનાગઢના જ. હાજી રમકડુંના પિતાજી તેમની સાથે ઢોલક વગડતા હતા.
પંદર વર્ષના હતા ત્યારથી હાજી રમકડુંએ પ્રાણલાલ વ્યાસ સાથે ડાયરામાં ઢોલક વગડવાની શરૂઆત કરી. તેમની જુગલબંદી ડાયરામાં 45 વર્ષ સુધી ચાલી હતી.
એક ઘરઘરાઉ કાર્યક્રમમાં હાજી રમકડું ઢોલક વગાડવાના હતા. તે કાર્યક્રમમાં પ્રાણલાલ વ્યાસ પણ હતા.
હાજી રમકડુંના પિતા કાસમભાઈએ પ્રાણભાઈને કહ્યું કે, "મારા દીકરાને સાંભળો અને ઠીક લાગે તો તમારી સાથે કાર્યક્રમમાં વગાડવા લેતા જજો."
"એ કાર્યક્રમમાં હાજી રમકડુંને ઢોલક વગાડતા જોઈને પ્રાણલાલભાઈ તેમની કલાકારી પામી ગયા હતા."
એ પ્રસંગને યાદ કરતાં હાજી રમકડુંએ બીબીસી ન્યૂઝ ગુજરાતીને જણાવ્યું હતું કે, "પ્રાણલાલભાઈએ મારા પિતાને કહ્યું કે ડોહા (ડોસા), હવે તમે ઘેર બેહો. (હવે તમે ઘરે બેસો) તમારો છોકરો મારી સાથે ઢોલક વગાડવા આવશે."
"તે પછી હું અને મારા પિતા કાસમભાઈ બંને પ્રાણલાલભાઈ સાથે વગડતા હતા. રાતે દસથી ડાયરો શરૂ થાય અને સવારના સાડા પાંચ - છ વાગ્યે પ્રાણભાઈ પ્રભાતિયાં ગાય ત્યાં સુધી અમે જમાવટ કરતા હતા."
"તે વખતે મને પુરસ્કારમાં 25 રૂપિયા મળતા હતા. મારા પિતાએ કહ્યું હતું કે પ્રાણભાઈ સાથે જાવ ત્યારે પુરસ્કારની વાત નહીં કરવાની. તેઓ જે આપે તે લઈ લેવાનું. જોકે, મને ઉપરના પૈસા સારા એવા મળી રહેતા હતા."
હાજીભાઈ કહે છે કે, "પ્રાણલાલ વ્યાસ અમારા માટે પરિવાર જેવા હતા. મારી પાંચ દીકરીઓ પાછળ તેમણે ખૂબ ભોગ આપ્યો છે. તેઓ મને જે રીતે મદદરૂપ થયા છે તે પુરસ્કાર કરતાં અનેકગણું છે."
દિવાળીબહેન ભીલ ગાતાં અને હાજી રમકડું દોઢ રૂપિયામાં તબલાં વગાડતા હતા

ઇમેજ સ્રોત, Bipin Tankariya
ગુજરાતી લોકસંગીતનું દિલ એટલે દિવાળીબહેન ભીલ. દિવાળીબહેન ભીલનાં ગીતો પર હાજી રમકડુંએ વીસ વર્ષ સુધી લોકસંગીતના કાર્યક્રમો અને ડાયરામાં ઢોલક વગાડ્યું હતું.
દિવાળીબહેન ભીલનું નામ જ્યારે લોકગાયિકા તરીકે ઝળક્યું નહોતું તે અગાઉ તેઓ જૂનાગઢમાં વણઝારી ચોકમાં નવરાત્રીમાં ગાવા જતાં હતાં. હાજી રમકડું તેમની સાથે તબલાંની સંગત કરતા હતા.
તેઓ તે દિવસો યાદ કરતાં કહે છે કે, "ત્યારે દોઢ રૂપિયો તબલાં વગાડવાનો મોકો મળતો હતો. તે રીતે મેં દસ વર્ષ સુધી નોરતામાં દિવાળીબહેન ભીલ સાથે તબલાં સંગત કરી હતી."
હાજી બાપા ઉમેરે છે કે, "દિવાળીબહેનના અવાજમાં જે રણકો હતો તેવો રણકો મેં અત્યાર સુધી ક્યાંય સાંભળ્યો નથી. લોકગીત હોય કે લગ્નગીત તેમના રણકાની અલગ મહોર એના પર વર્તાઈ આવે."
દિવાળીબહેન જ્યારે રેડિયો પર ગીત રેકૉર્ડિંગ કરવા જતાં ત્યારે હાજી રમકડુંના પિતા કાસમભાઈ પાસે રિહર્સલ કરીને જતાં.
દિવાળીબહેનના વ્યક્તિત્વ વિશે વાત કરતાં હાજી બાપા કહે છે કે, "દિવાળીબહેન ભીલ એટલે મર્યાદાનું મૂર્તિમંત સ્વરૂપ."
"જ્યારે તેમનું નામ નહોતું થયું ત્યારે તેઓ વણઝારીના ચોકમાં ગરબા ગાતાં ત્યારે જેવાં હતાં તેવાં જ તેમનું નામ થયાં પછી પણ રહ્યાં."
"કીર્તિ અને સફળતાને લીધે તેમના વ્યક્તિત્વમાં કોઈ ફરક ન આવ્યો."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























