'વડા પ્રધાન મોદીને અઘરા સવાલ' પૂછનાર નૉર્વેનાં પત્રકાર સાથે બીબીસીનો ઇન્ટરવ્યૂ, ભારત વિશે શું કહ્યું?

નૉર્વે, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, @HelleLyngSvends

    • લેેખક, નિતિન શ્રીવાસ્તવ
    • પદ, સંપાદક, બીબીસી હિન્દી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 8 મિનિટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ પાંચ દેશોના વિદેશ પ્રવાસ પર છે, પીએમ મોદીની નૉર્વે મુલાકાત દરમિયાન એક મહિલા પત્રકારની ટિપ્પણીની ચર્ચા થઈ રહી છે.

વડા પ્રધાન મોદી અને નૉર્વેના વડા પ્રધાન યોનાસ સ્ટોરેના સંયુક્ત નિવેદન પછી, મહિલા પત્રકાર હેલા લેંગ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પ્રશ્ન પૂછવાં માંગતાં હતાં, જ્યારે વડા પ્રધાન ત્યાંથી જતા જોવા મળ્યા હતા.

હેલા લેંગે બીબીસી હિન્દી સાથેની વાતચીતમાં કહ્યું કે એક પત્રકાર તરીકે, પ્રશ્નો પૂછવાનું તેમનું કામ છે અને જ્યારે કોઈ શક્તિશાળી દેશ તેમના નાના દેશમાં આવે છે અને તેમની સાથે સંબંધો મજબૂત કરવા માંગે છે, ત્યારે પ્રશ્નો પૂછવાની તેમની જવાબદારી છે.

સોમવારે નૉર્વેની રાજધાની ઑસ્લોથી એક વીડિયોમાં, પત્રકાર હેલા લેંગને એમ કહેતાં સાંભળી શકાય છે કે, "વડા પ્રધાન મોદી, તમે વિશ્વના સૌથી સ્વતંત્ર પ્રેસના પ્રશ્નો કેમ નથી સાંભળતા?"

હેલા લેંગે પણ સોશિયલ મીડિયા પર આ બાબતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો, ત્યાર બાદ નૉર્વેમાં ભારતીય દૂતાવાસે એક નિવેદન બહાર પાડીને તેમને ભારતીય વિદેશ મંત્રાલયની પ્રેસ કૉન્ફરન્સમાં આવીને પ્રશ્નો પૂછવા કહ્યું હતું.

પ્રેસ કૉન્ફરન્સમાં તેમની અને ભારતીય વિદેશ મંત્રાલયના અધિકારીઓ વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીની પણ વ્યાપક ચર્ચા થઈ છે. હેલાએ બીબીસી ન્યૂઝ હિન્દી સાથે આ મુદ્દાઓ પર વિસ્તૃત વાત કરી.

જ્યારે પીએમ મોદીને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે શું થયું હતું?

હેલાને સૌપ્રથમ તેમનો પરિચય આપવા કહેવામાં આવ્યું હતું આ પ્રશ્નના જવાબમાં, તેમણે કહ્યું, "ટૂંકમાં, હું પાંચ વર્ષથી વધુ સમયથી પત્રકાર તરીકે કામ કરી રહી છું. મેં નૉર્વેના રાષ્ટ્રીય અખબારો સાથે કામ કર્યું છે."

"મને મારા અગાઉના અખબાર માટે અમેરિકાની ચૂંટણીઓ કવર કરવા માટે પણ મોકલવામાં આવી હતી."

"અને હવે હું નૉર્વે પાછી આવી છું, રાજકારણ અને આંતરરાષ્ટ્રીય રાજકારણને કવર કરી રહી છું, પરંતુ હવે એક કૉમેન્ટેટરની ભૂમિકામાં છું."

ભારતના વડા પ્રધાન અને નૉર્વેના વડા પ્રધાને સંયુક્ત રીતે નિવેદન આપ્યું તે કાર્યક્રમમાં હેલા લેંગ હાજર હતાં. તેમને પૂછવામાં આવ્યું કે તે સમયે શું થયું હતું?

આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, "જ્યારે પણ કોઈ રાષ્ટ્રના વડા નૉર્વેની મુલાકાત લે છે, ત્યારે રસ્તાઓ પર ઘણી બધી પોલીસ હોય છે અને કેટલાક રસ્તાઓ બંધ હોય છે. આખી સિસ્ટમ ખૂબ જ કડક થઈ જતી હોય છે."

નૉર્વે,પત્રકાર, મોદી, બીબીસી
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ હિન્દીના સંપાદક નીતિન શ્રીવાસ્તવે હેલા લેંગ સાથે વાત કરી.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

"તમારે માન્યતા એટલે કે ઍક્રેડિટેશન માટે કેવી રીતે અરજી કરવી અને ત્યાં પ્રવેશ કેવી રીતે મેળવવો તેનો તમને ખ્યાલ હોવો જોઈએ."

"ગઈકાલે અમે વડા પ્રધાન કાર્યાલય સાથે જોડાયેલી એક ઑફિસમાં ગયા હતા. પરંતુ અમે તે જગ્યાએ પહોંચ્યા જ્યાં પ્રેસ બ્રીફિંગ થઈ રહી હતી. પછી બંને નેતાઓ તે રૂમમાં આવ્યા અને બોલવાનું શરૂ કર્યું."

"સૌથી પહેલાં, નૉર્વેના વડા પ્રધાને ભારત અને નૉર્વે વચ્ચેના સંબંધો અને બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાના એજન્ડા વિશે વાત કરી. ત્યાર બાદ, વડા પ્રધાન મોદીએ તેમના વિઝન અને આ રાજ્ય મુલાકાતના હેતુ વિશે પણ વાત કરી."

"નૉર્વેમાં આવી પ્રેસ કૉન્ફરન્સમાં સામાન્ય રીતે આવું જ થાય છે. નેતા પ્રેસ સાથે વાત કરે છે અને પછી કેટલાક પ્રશ્નો તેમને પૂછાય છે જેમના તેઓ જવાબ આપતા હોય છે."

"ઉદાહરણ તરીકે, જ્યારે મૅક્રોન (ફ્રાન્સના રાષ્ટ્રપતિ) ગયા વર્ષે અહીં આવ્યા હતા, ત્યારે તેમણે નૉર્વેના પત્રકારોના પ્રશ્નો લીધા હતા."

હેલાએ કહ્યું, "હું માનું છું કે પત્રકાર તરીકે, પ્રશ્નો પૂછવા અમારું કામ છે. જ્યારે કોઈ શક્તિશાળી દેશ અમારા જેવા નાના દેશમાં આવતા હોય છે અને તેમનો હેતુ અમારી સાથે સંબંધો મજબૂત કરવાનો હોય તો, ત્યારે પ્રશ્નો પૂછવાની અમારી જવાબદારી છે."

"હું જાણું છું કે તમારા વડા પ્રધાન પ્રશ્નો લેવાનું પસંદ કરતા નથી, પરંતુ પ્રશ્નો પૂછવાની મારી ફરજ હતી."

શું પત્રકારને ખબર હતી કે પીએમ મોદી તેમના પ્રશ્નનો જવાબ આપશે?

નૉર્વે,પત્રકાર, મોદી, બીબીસી

ઇમેજ સ્રોત, x @HelleLyngSvends

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસ દરમિયાન ભાગ્યે જ પ્રશ્નોના જવાબ આપતા જોવા મળે છે.

અત્યાર સુધી, તેમણે ફક્ત બે વાર વિદેશમાં (જૂન 2023 અને ફેબ્રુઆરી 2025માં અમેરિકાની મુલાકાત) પ્રશ્નોના જવાબ આપ્યા છે, સામાન્ય રીતે આવું જોવા નથી મળતું.

બીબીસી હિન્દીએ જ્યારે હેલાને પૂછ્યું કે શું અગાઉથી જાહેરાત કરવામાં આવી હતી કે બંને વડા પ્રધાનો પ્રશ્નોના જવાબ આપશે?

આના પર હેલાએ કહ્યું, "ના. અમને પહેલેથી જ ખબર હતી કે પ્રશ્નો લેવામાં આવશે નહીં."

"અને તે જ બાબત મારા કામને વધુ મહત્ત્વપૂર્ણ બનાવે છે. કારણ કે અમે કોઈ વિદેશી નેતાને અહીં આવીને લોકશાહીને વ્યાખ્યા નક્કી કરવાની છૂટ ન આપી શકીએ."

"લોકશાહી શું છે? તમારા વડા પ્રધાન વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા હોવાની વાત કરે છે. પરંતુ તે લોકશાહીનો અર્થ શું?"

"જો તમારા દેશના સૌથી શક્તિશાળી વ્યક્તિને પ્રશ્ન કરવાનો અવકાશ ન હોય."

"ભારતમાં પ્રેસની સ્વતંત્રતા અને માનવાધિકાર ઉલ્લંઘનની સ્થિતિને જોતાં, આટલા મોટા દેશની સૌથી શક્તિશાળી વ્યક્તિને સવાલ પૂછવો મારી ફરજ હતી."

પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં નૉર્વે ટોચ પર છે, જ્યારે ભારત તાજેતરનાં વર્ષોમાં 157મા સ્થાને આવી ગયું છે.

નૉર્વેમાં કામ કરતા પત્રકાર માટે પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ કેટલું મહત્ત્વનું છે, ખાસ કરીને જ્યારે મુલાકાતી વિદેશી રાષ્ટ્રના વડાને પ્રશ્ન પૂછવામાં આવે છે?

આ પ્રશ્ન પર હેલાએ કહ્યું, "નૉર્વેમાં અમને અમારા સમાજની કામ કરવાની રીત પર ગર્વ છે. અમને ગર્વ છે કે જ્યારે અમારા વડા પ્રધાન નૉર્વેના સૌથી નાના વિસ્તારની મુલાકાત લે છે, જ્યાં થોડા હજાર લોકો જ રહે છે, ત્યારે પણ તેઓ સ્થાનિક અખબારો અને સમાચાર ચૅનલો સાથે વાત કરે છે."

"અમને ગર્વ છે કે અહીં પ્રેસ સ્વતંત્ર અને નિષ્પક્ષ છે. અમે જે પ્રશ્નો પૂછવા માંગીએ છીએ તે પૂછીએ છીએ અને સત્તામાં રહેલા લોકો પાસેથી જવાબો માંગીએ છીએ. આ અમારું કામ છે."

"તે જ રીતે જ્યારે અમે વિદેશી નેતાઓને મળતા હોઈએ છીએ જેઓ પત્રકારત્વને અમારા જેટલું મહત્ત્વ નથી આપતા હોતા ત્યારે પણ અમે આજ રીતે અમારું કામ કરતાં હોઈએ છીએ."

એવું કહેવાય છે કે આ ઘટના પછી નૉર્વેના વડા પ્રધાન ત્યાં પાછા ફર્યા અને મીડિયાના પ્રશ્નોના જવાબ આપ્યા. શું તમે ત્યાં હાજર હતા?

આ પ્રશ્ન પર, હેલા લેંગે કહ્યું, "મારા વડા પ્રધાન, જે ગઈકાલે ખૂબ જ વ્યસ્ત હતા, તેમણે વડા પ્રધાન મોદી ગયા પછી મુખ્ય નૉર્વેના મીડિયા સંગઠનોના પ્રશ્નોના જવાબ આપ્યા."

"હું તે કતારમાં નહોતી. મેં પૂછ્યું કે શું તેમની પાસે સમય છે, પરંતુ તેમણે સમય આપ્યો નહીં."

"અને તે મારા માટે ઠીક છે કારણ કે હું જાણું છું કે જો હું ઇચ્છું, તો હું આ અઠવાડિયામાં ક્યારેક તેમની સાથે વાત કરી શકું છું."

નૉર્વેના વડા પ્રધાને શું જવાબ આપ્યો

નૉર્વે,પત્રકાર, મોદી, બીબીસી

ઇમેજ સ્રોત, x @HelleLyngSvends

શું હેલાને વિચિત્ર લાગ્યું કે ભારતીય મીડિયા નૉર્વેના વડા પ્રધાનને પ્રશ્નો પૂછી રહ્યું હતું પણ ભારતના વડા પ્રધાનને નહીં?

આની પર તેમણે કહ્યું કે, "મને આશ્ચર્ય ન થયું કારણ કે આમાં કંઈ ચોંકાવનારું નહતું. પરંતુ આ ચિંતાજનક છે."

"મને ચિંતા છે કે ભારતમાં તમે લોકો કેવી રીતે ચર્ચાને આગળ વધારો છો. જો તમે તમારા નેતા અને તેમની નીતિઓ સામે સીધા પ્રશ્નો ન પૂછી શકો."

"આ વાત મારા માટે ચિંતાનો વિષય છે. મને લાગે છે કે આજે નૉર્વેના નેતાઓને પણ વિચારવાની જરૂર છે કે જ્યારે આપણે ભારત સાથે સંબંધ મજબૂત બનાવી રહ્યા છીએ, તો શું આપણે અજાણ્યે માનવ અધિકાર ઉલ્લંઘન અને પ્રેસ ફ્રીડમમાં ઘટાડાનું ચાલુ રહેવા દઈએ? આ અમારા વડા પ્રધાનો માટે એક જટિલ ભૂ-રાજનીતિક સ્થિતિ છે."

નૉર્ડિક દેશ જેમ કે નૉર્વે, સ્વીડન, ડેનમાર્ક અને ફિનલૅન્ડ કેટલાક દાયકોથી માનવ વિકાસના સૂચકાંકમાં શીર્ષ પર રહ્યા છે. પ્રેસની સ્વતંત્રતા પર ત્યાં સતત ચર્ચા થઈ રહી છે.

ભારત હંમેશાં કહે છે કે તેઓ માનવ અધિકારોનું સન્માન કરે છે. દેશમાં કાયદાનું શાસન છે. લોકશાહી સંસ્થાઓનું સન્માન છે, ભલે ન્યાયપાલિકા હોય, વિધાયિકા અને કાર્યપાલિકા હોય.

તેઓ પત્રકાર, જે આ દેશોમાં કામ કરે છે જ્યાં પ્રેસની સ્વતંત્રતા સર્વોપરી છે તેઓ આ સમગ્ર ચર્ચાને અને સરકારના કામકાજની રીતને કેવી રીતે જોવે છે?

આની પર હેલાએ કહ્યું કે, "આ બહુ સારો સવાલ છે. જ્યારે તમે જમીન પર નથી હાજર હોતા તો વસ્તુઓને સમજવી મુશ્કેલ હોય છે."

"પણ હું ઍમનેસ્ટી અને હ્યુમન રાઇટ્સ વૉચ જેવા આંતરરાષ્ટ્રીય રિપોર્ટ્ પર ભરોસો કરું છું. કાલ પછી મને ભારતના અલગ-અલગ ભાગોથી કેટલાક સંદેશા મળ્યા હતા. જે વાતોનો લોકો ઉલ્લેખ કરે છે, તે ઘણી ચિંતાજનક છે."

વિદેશ મંત્રાલયની પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે ચર્ચા વિશે શું કહ્યું?

નૉર્વે,પત્રકાર, મોદી, બીબીસી

ઇમેજ સ્રોત, x @HelleLyngSvends

પીએમ મોદીને પ્રશ્ન પૂછવામાં આવ્યા પછી, ભારતીય વિદેશ મંત્રાલયે હેલાને ઍક્સને ટૅગ કર્યાં અને તેમને એક ઔપચારિક બ્રીફિંગમાં હાજરી આપવા કહ્યું, જ્યાં તેમણે ફરીથી પ્રશ્ન પૂછ્યો.

પ્રશ્નો અને જવાબો પર હેલાનો વિદેશ મંત્રાલયના સચિવ સીબી જ્યૉર્જ સાથે ઉગ્ર દલીલ પણ થઈ હતી.

તે અનુભવ કેવો રહ્યો અને શું તે જવાબોથી સંતુષ્ટ હતાં?

આ પ્રશ્ન પૂછવામાં આવતા, હેલાએ કહ્યું, "સૌ પ્રથમ, મને પહેલાંથી જ આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. ભારતીય દૂતાવાસે પછીથી આમંત્રણ આપ્યું, જે સારી વાત હતી. પણ હું મારા પ્રશ્નો સાથે ત્યાં ગઈ હતી."

"પણ મને આખી પ્રક્રિયામાં જે ખોટું લાગ્યું અને હું તે પૂછી પણ રહી હતી કે શું તમે તરત જવાબ આપી શકો છો?

એક સમસ્યા હતી તે હતી કે તેમણે કદાચ ત્રણ કે ચાર પ્રશ્નો સાંભળ્યા અને પછી તેના જવાબ આપ્યા. એક પત્રકાર તરીકે જો મને મારા પ્રશ્નનો જવાબ ન મળે તો મારે જવાબ આપનાર વ્યક્તિને રોકીને મુદ્દા પર પાછી લાવવી પડે. પરંતુ ગઈકાલે એવું બન્યું નહીં."

"મેં માનવાધિકાર ઉલ્લંઘન વિશે એક પ્રશ્ન પૂછ્યો, પરંતુ તેમણે તે ભાગનો જવાબ આપ્યો નહીં. મેં લગભગ એક મિનિટ પછી તેમને અટકાવવાનો અને વાતચીતને તે મુદ્દા પર પાછા લાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ હું સફળ ન થઈ શકી. તે પડકારજનક છે."

"નૉર્વેમાં, જો મને જવાબ ન ગમે તો હું ફરીથી પ્રશ્ન પૂછી શકું છું. ઓછામાં ઓછું મને લાગે છે કે મારા પ્રશ્નનો જવાબ મળી ગયો છે."

"મારા માટે પ્રશ્ન પૂછવો અને પછી રાજકારણી માટે હું જે પૂછી રહી હોય તેનો જવાબ આપવો મહત્ત્વપૂર્ણ છે."

"સામાન્ય રીતે આ જવાબો વધુ રસપ્રદ હોય છે અને અન્ય લોકોના દૃષ્ટિકોણને સમજવાનો વધુ સારો માર્ગ હોય છે."

"પરંતુ ગઈકાલે વાતચીત 2020માં ભારતમાં રસી પુરવઠા અને યોગ તરફ વળી. મને યોગ અને ભારતીય સંસ્કૃતિ વિશે ઘણી બધી બાબતો ગમે છે."

"ભારતમાં કેટલાંક મહાન કાર્યો થાય છે. પરંતુ હું સામાન્ય રીતે કોઈ દેશની પ્રશંસા સાંભળવા માટે પ્રેસ કૉન્ફરન્સમાં જતી નથી."

'ભારતમાં પત્રકારિતા જોખમ ભરેલું કામ છે'

નૉર્વે,પત્રકાર, મોદી, બીબીસી

ઇમેજ સ્રોત, X/@Narendramodi

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી નૉર્વેના વડા પ્રધાન યોનાસ સ્ટોરે સાથે

શું હેલાને આશ્ચર્ય થયું કે વડા પ્રધાન કાર્યાલય અથવા વિદેશ મંત્રાલય તરફથી કોઈ સ્પષ્ટ જવાબ નથી આવ્યો? ત્યારે હાલમાં જ નીધરલૅન્ડ્સના વડા પ્રધાને ભારતમાં લઘુમતીની સ્વતંત્રતા અને કાયદાના શાસન પર ચિંતા વ્યક્ત કરી હતી.

તેની પર તેમણે કહ્યું કે, "મને બહુ આશ્ચર્ય ન થયું. પણ મારું માનવું છે કે પત્રકારોએ હંમેશાં પૂર્ણ પ્રયાસ કરવો જોઈએ."

"કેટલાક લોકોને લાગ્યું હશે કે બીજી પ્રેસ કૉન્ફરન્સમાં હું થોડી કડક લાગી. પરંતુ ટકરાવવાળા પત્રકારત્વની રીત આવી જ હોય છે. તમારે વચ્ચે બોલવું પડે છે, અને જવાબ મેળવવાનો પ્રયત્ન કરવો પડે છે. જોકે કાલે મને એ જવાબ નથી મળ્યો."

હેલાની સવાલ પૂછવાની રીત પર વડા પ્રધાન અને સરકારના સમર્થકોએ કહ્યું કે તે પ્રેસ ઇન્ટરઍક્શન નહોતું, માટે વડા પ્રધાને જવાબ ન આપ્યો. આ તર્ક વિશે તેઓ શું કહે છે?

હેલાએ તેના પર કહ્યું કે, "શું તેઓ ક્યારેય સીધા પ્રેસના સવાલોને જવાબ આપે છે? મેં નથી જોયું, જ્યાં સુધી બધું નક્કી ન હોય."

જોકે વડા પ્રધાને વિદેશમાં બે વખત પ્રેસના પ્રશ્નોના જવાબ આપ્યા છે. આ સવાલ પર હેલાએ કહ્યું કે, "તેમને પોતાના દેશના પ્રેસના સવાલ લેવા જોઈએ અને આલોચનાત્મક પ્રેસને સ્થાન આપવું જોઈએ."

"ભારતમાં પત્રકારત્વ જોખમ ભરેલું કામ છે. તમે મારા કરતાં સારી રીતે જાણો છો કે ત્યાં પત્રકારોએ બહુ સંભાળીને કામ કરવું પડે છે.."

"માટે જ્યાં સુધી પત્રકારત્વ કરી રહી છું. નૉર્વે આવનારા કોઈ પણ વડા પ્રધાન અથવા રાષ્ટ્રપતિના સવાલ ન લેવાના વલણનો વિરોધ કરી રહીશ. હું હંમેંશાં પ્રયત્ન કરીશ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન