'હું મારી અન્ય દીકરીઓને ખવરાવવા માટે એક પુત્રી વેચવા તૈયાર છું' - અફઘાનિસ્તાનમાં ભૂખમરાની કાળજું કંપાવનારી કહાણીઓ

સઇદ અહેમદનું કહેવું છે કે તેમણે તેમની પાંચ વર્ષની દીકરી શાઇકાને વેચી દીધી છે, તસવીરમાં તેમની સાથે તેમનો પુત્ર

ઇમેજ સ્રોત, Imogen Anderson/BBC

ઇમેજ કૅપ્શન, સઇદ અહમદ કહે છે કે તેમણે તેમની પાંચ વર્ષની દીકરી શાઇકાને વેચી દીધી છે
    • લેેખક, યોગિતા લિમયે
    • પદ, દક્ષિણ એશિયા અને અફઘાનિસ્તાનના બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 8 મિનિટ

ચેતવણી: આ અહેવાલની કેટલીક વિગતો વિચલિત કરી શકે છે

સવાર પડતાંની સાથે જ અફઘાનિસ્તાનના ઘોર પ્રાંતની રાજધાની ચઘચરનના એક ધૂળિયા ચોકમાં સેંકડો પુરુષો ભેગા થાય છે.

તેઓ રસ્તાના કિનારે એવી આશા સાથે લાઇનમાં ઊભા રહે છે કે કોઈ આવીને તેમને કામ આપશે. તેમને મળતા કામને આધારે નક્કી થાય છે કે તેમનો પરિવાર તે દિવસે ભોજન પામશે કે નહીં.

જોકે સફળતાની શક્યતા ખૂબ ઓછી છે.

45 વર્ષીય જુમા ખાનને છેલ્લાં છ અઠવાંડિયામાં ફક્ત ત્રણ જ દિવસ કામ મળ્યું છે, જેમાં રોજનું 150થી 200 અફઘાની (અંદાજે 2.35 થી 3.13 ડૉલર) વળતર ચૂકવાય છે.

તેમણે જણાવ્યું કે, "મારાં બાળકો સતત ત્રણ રાત ભૂખ્યાં સૂઈ રહ્યાં. મારી પત્ની રડતી રહી, મારાં બાળકો પણ રડતાં રહ્યાં. આખરે મેં પાડોશી પાસે લોટ ખરીદવાના પૈસા માંગ્યા."

"મને સતત બીક રહે છે કે મારાં બાળકો ભૂખથી મરી તો નહીં જાયને."

તેમની કહાણી પણ અલગ નથી.

સંયુક્ત રાષ્ટ્રના મતે આજના અફઘાનિસ્તાનમાં ચારમાંથી ત્રણ લોકો તેમની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરી શકે તેમ નથી. બેરોજગારી વ્યાપક છે, આરોગ્યની સેવાઓ ખોરંભે ચડી છે અને લાખો લોકોને મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડતી સહાય ઘટી જઈને હવે જરાક જેટલી રહી ગઈ છે.

અફઘાનિસ્તાનમાં ભૂખમરાનું ઐતિહાસિક સ્તર

જુમા ખાન એ મજૂરો સાથે જેઓ કામ મેળવવા સંઘર્ષ કરી રહ્યા છે

ઇમેજ સ્રોત, Imogen Anderson/BBC

ઇમેજ કૅપ્શન, 45 વર્ષના જુમા ખાન (વચ્ચે)ને છેલ્લાં છ અઠવાંડિયામાં માત્ર ત્રણ દિવસનું કામ જ મળ્યું છે

દેશ હાલમાં ભૂખમરાના ઐતિહાસિક સ્તરે છે. અંદાજે 47 લાખ લોકો, એટલે કે અફઘાનિસ્તાનની કુલ વસ્તીના દસમા ભાગથી પણ વધારે, દુષ્કાળથી માત્ર એક ડગલું દૂર છે.

ઘોર એ સૌથી વધારે અસરગ્રસ્ત પ્રાંતોમાંનો એક છે.

અહીંના લોકો નિરાશા અને લાચારીથી ઘેરાયેલા છે.

રબાનીએ જણાવ્યું, "મને ફોન આવ્યો કે મારાં બાળકો બે દિવસથી ભૂખ્યાં છે." આટલું બોલતાની સાથે તેમનું ગળું ભરાઈ આવ્યું.

"મને થયું હું આત્મહત્યા કરી લઉં. પરંતુ પછી વિચાર્યું કે એનાથી મારા પરિવારને શું ફાયદો? એટલે હું અહીં કામ શોધવા આવ્યો છું."

વાસી રોટલીના ટુકડા મેળવવા પડાપડી

મજૂરો જે પણ કામ મળે તેની શોધમાં વહેલી સવારે એકઠા થઈ જાય છે

ઇમેજ સ્રોત, Imogen Anderson/BBC

ઇમેજ કૅપ્શન, મજૂરો જે પણ કામ મળે તેની શોધમાં વહેલી સવારે એકઠા થઈ જાય છે

ખ્વાજા અહમદ થોડુંક બોલ્યા ત્યાં તો રડવા માંડ્યા.

તેમણે કહ્યું, "અમે ભૂખે મરી રહ્યા છીએ. મારાં મોટાં બાળકો મરી ગયાં છે, તેથી મારે પરિવારનું પેટ ભરવા મારે કામ કરવું પડે છે. પરંતુ હું ખૂબ વૃદ્ધ હોવાથી મને કોઈ કામ આપતું નથી."

ચોક પાસે આવેલી એક સ્થાનિક બેકરી ખૂલતાની સાથે જ તેનો માલિક ભીડમાં વાસી રોટલી વહેંચે છે. થોડીવારમાં તો એ રોટલીઓના ટુકડે ટુકડા થઈ જાય છે અને અડધો ડઝન માણસો એ ટુકડા માટે ઝૂંટાઝૂંટ કરી મૂકે છે.

અચાનક ત્યાં ફરીથી અફરાતફરી મચી જાય છે. એક માણસ મોટરસાયકલ પર આવે છે. તેને ઈંટો ઉપાડવા માટે એક મજૂરની જરૂર છે. મજૂરી મેળવવા ડઝનેક લોકો તેના પર તૂટી પડે છે.

અમે ત્યાં બે કલાક હતા, એ દરમિયાન માત્ર ત્રણ લોકોને જ કામ મળ્યું હતું.

આસપાસની વસાહતોમાં, બંજર, ભૂખરી ટેકરીઓ પર છૂટાછવાયાં ઘરો છે અને પાછળ સિયાહ કોહ પર્વતમાળાની હિમાચ્છાદિત ટેકરીઓ આવેલી છે. ત્યાં બેરોજગારીની વિનાશક અસર સ્પષ્ટપણે દેખાઈ આવે છે.

'હું મારી દીકરીઓને વેચવા તૈયાર છું'

અબ્દુલ રશીદ આઝમી તેમનાં ત્રણ બાળકો સાથે, દુ:ખી ચહેરે

ઇમેજ સ્રોત, Imogen Anderson/BBC

ઇમેજ કૅપ્શન, અબ્દુલ રશીદ આઝમી કહે છે કે તેમણે તેમની એક દીકરીને વેચવાની તૈયારી કરી લીધી છે, કારણ કે બાકીનાં બાળકોને તેમણે ખાવાનું પૂરું પાડવાનું છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અબ્દુલ રશીદ અઝીમી અમને તેમના ઘરે લઈ ગયાં અને તેમનાં બે બાળકો, સાત વર્ષની જોડિયાં દીકરીઓ રોકિયા અને રોહિલાને બહાર બોલાવ્યાં. તેઓ બંને દીકરીને છાતી સરસી ચાંપીને ઊભા રહ્યા. જાણે કહેવા માગતા હોય કે તેઓ આ કપરો નિર્ણય લેવા કેમ મજબૂર થઈ ગયા છે.

"હું મારી દીકરીઓને વેચવા તૈયાર છું," તે રડવા લાગ્યા. "હું અત્યંત ગરીબ, દેવાદાર અને લાચાર છું."

"હું કામ પરથી સૂકા હોઠ, ભૂખ, તરસ, વ્યથા અને મૂંઝવણ સાથે ઘરે પાછો ફરું છું. મારાં બાળકો મારી પાસે આવીને કહે છે કે, 'બાબા, અમને થોડું ખાવાનું આપો'. પણ હું શું આપું? કામ ક્યાં છે?"

અબ્દુલે અમને જણાવ્યું કે તે લગ્ન માટે કે ઘરકામ માટે પોતાની દીકરીઓને વેચવા તૈયાર છે.

તેમણે કહ્યું કે, "જો હું મારી એક દીકરીને વેચી દઉં, તો બાકીનાં બાળકોને ઓછામાં ઓછા ચાર વર્ષ સુધી ખવડાવી શકું."

તે રોહિલાને ભેટી પડ્યાં. તેને ચુંબન કર્યું અને રડવા લાગ્યાં. "આવું કહેતાં મારું હૃદય ચકનારચૂર થઈ જાય છે, પણ બીજો કોઈ રસ્તો નથી."

તેમનાં માતા કાયહાન જણાવે છે, "અમારી પાસે ખાવામાં માત્ર બ્રેડ અને ગરમ પાણી જ છે. ચા પણ નથી."

તેમના બે કિશોર પુત્રો શહેરની મધ્યમાં જૂતાં પોલિશ કરવાનું કામ કરે છે. બીજો એક કચરો ભેગો કરે છે, જેનો ઉપયોગ કાયહાન રસોઈ માટે બળતણ તરીકે કરે છે.

સઈદ અહમદે અમને જણાવ્યું કે તેમની પાંચ વર્ષની પુત્રી શૈકાને ઍપેન્ડિસાઇટિસ અને લીવરમાં ગાંઠ થઈ હોવાથી વેચવાની ફરજ પડી છે.

તેમણે કહ્યું, "મારી પાસે તબીબી ખર્ચ ચૂકવવા પૈસા નહોતા. તેથી મેં મારી પુત્રી એક સંબંધીને વેચી દીધી."

શૈકાની સર્જરી સફળ રહી. તેને 200,000 અફઘાની (3,200 ડૉલર)માં વેચવામાં આવી હતી.

સઈદે જણાવ્યું, "જો મેં તે સમયે પૂરી રકમ લીધી હોત તો તેઓ તેને તરત લઈ ગયા હોત. તેથી મેં તેમને કહ્યું કે અત્યારે તેની સારવાર માટે પૈસા આપો, અને આગામી પાંચ વર્ષમાં બાકીની રકમ આપજો. પછી તમે તેને લઈ જજો."

બાળકીએ પોતાના નાનકડા હાથ પિતાના ગળે વીંટળાવ્યા. તેમનો ગાઢ સંબંધ સ્પષ્ટ દેખાય છે, પરંતુ પાંચ વર્ષ પછી તેણે આ ઘર છોડીને સંબંધીના ઘરે જવું પડશે.

સઈદે કહ્યું, "જો મારી પાસે પૈસા હોત તો હું ક્યારેય આ નિર્ણય ન લેત."

"પણ પછી મેં વિચાર્યું, તે સર્જરી વિના મરી જશે તો? કમ સે કમ આ રીતે તે જીવતી તો રહેશે."

અમેરિકાએ બધી મદદ બંધ કરી દીધી

નર્સ ફાતિમા હુસૈનીનું કહેવું છે કે નવજાત બાળકોનું મૃત્યુ થવું એ સામાન્ય બની ગયું છે

ઇમેજ સ્રોત, Imogen Anderson/BBC

ઇમેજ કૅપ્શન, નર્સ ફાતિમા હુસૈની કહે છે કે નવજાત બાળકોનું મૃત્યુ થવું એ સામાન્ય બની ગયું છે

બે વર્ષ પહેલાં સઈદને થોડી મદદ મળતી હતી.

તે સમયે તેમને અને તેમના પરિવારને લાખો અન્ય અફઘાનીઓની જેમ ખોરાકની સહાય મળી હતી: લોટ, રસોઈ તેલ, મસૂર અને બાળકો માટે પોષણ.

પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં સહાયમાં થયેલા ભારે ઘટાડાને કારણે મોટાભાગના લોકો આ જીવનોપયોગી સહાયથી વંચિત રહી ગયા છે.

એક સમયે અફઘાનિસ્તાનને સૌથી વધુ સહાય આપતા અમેરિકાએ ગયા વર્ષે અફઘાનિસ્તાનની લગભગ બધી જ સહાય બંધ કરી દીધી.

બ્રિટન સહિત બીજા ઘણા મહત્ત્વપૂર્ણ દાતાઓએ પણ પોતાના યોગદાનમાં મોટો ઘટાડો કર્યો છે.

સંયુક્ત રાષ્ટ્રના હાલના આંકડાઓ દર્શાવે છે કે આ વર્ષે અત્યાર સુધી મળેલી સહાય 2025ની સરખામણીએ 70 ટકા ઓછી છે.

ગંભીર દુષ્કાળ, જેના લીધે દેશના અડધાથી વધુ પ્રાંતોને અસર થઈ છે, આ મુશ્કેલીને વધારે ગંભીર બનાવે છે.

ગામના રહેવાસી અબ્દુલ મલિકે જણાવ્યું, "અમને કોઈ તરફથી મદદ મળી નથી, ન સરકાર તરફથી, ન તો કોઈ એનજીઓ તરફથી."

2021માં સત્તા કબજે કરનાર તાલિબાન સરકાર આ પરિસ્થિતિ માટે અફઘાનિસ્તાનની અગાઉની સરકારને દોષી ઠેરવે છે, જેમને વિદેશી દળો દેશમાંથી ખસી જવાને લીધે સત્તામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

તાલિબાન સરકારના નાયબ પ્રવક્તા હમદુલ્લાહ ફિતરતે બીબીસીને જણાવ્યું, "20 વર્ષના આક્રમણ દરમિયાન અમેરિકન ડૉલરની આવકને કારણે એક કૃત્રિમ અર્થતંત્ર ઊભું થયું હતું."

"આક્રમણ પૂર્ણ થયા પછી અમને ગરીબી, મુશ્કેલીઓ, બેરોજગારી અને બીજી અનેક સમસ્યાઓ વારસામાં મળી."

પરંતુ તાલિબાનની પોતાની નીતિઓ, ખાસ કરીને મહિલાઓ પર મૂકાયેલા પ્રતિબંધો, પણ દાતાઓ દૂર થવાનું એક મોટું કારણ છે.

આ અંગે પૂછતાં તાલિબાન સરકારે દાતાઓ દૂર જવામાં પોતાની જવાબદારી સંપૂર્ણપણે નકારી કાઢી હતી, અને કહ્યું હતું કે "માનવતાવાદી સહાયનું રાજકારણ ન કરવું જોઈએ".

ફિતરત તાલીબાનની એ યોજનાઓ તરફ પણ ઇશારો કરે છે કે જેમાં મોટા આર્થિક પ્રોજેક્ટ્સ અમલમાં મૂકીને ગરીબી ઘટાડી નોકરીઓ સર્જવાનો નિર્દેશ છે. તેમણે કેટલીક માળખાગત સુવિધાઓ અને ખાણકામના પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ પણ કર્યો.

આ લાંબા ગાળાના પ્રોજેક્ટ્સ કદાચ ભવિષ્યમાં ઉપયોગી થઈ શકે, પણ અત્યારે એક વાત સ્પષ્ટ છે કે લાખો લોકો તાત્કાલિક સહાય વિના ટકી નહીં શકે.

જેમકે મોહમ્મદ હાશેમની 14 મહિનાની બાળકી, જે થોડાં અઠવાડિયાં પહેલાં જ મૃત્યુ પામી.

તેમણે જણાવ્યું, "મારું બાળક ભૂખમરા અને દવાના અભાવે મૃત્યુ પામ્યું... જ્યારે કોઈ બાળક બીમાર અને ભૂખ્યું હોય, ત્યારે સ્પષ્ટ છે કે તે મરી જશે."

એક સ્થાનિક વડીલે કહ્યું કે છેલ્લાં બે વર્ષમાં, ખાસ કરીને કુપોષણના કારણે બાળકોના મૃત્યુદરમાં ખૂબ જ વધારો થયો છે.

જોકે અહીં મૃત્યુના કોઈ ઔપચારિક રેકૉર્ડ નથી.

કબ્રસ્તાન એકમાત્ર એવી જગ્યા છે જ્યાં બાળમૃત્યુમાં વધારો થયો હોવાના પુરાવા મળી શકે.

તેથી, અગાઉ કર્યું હતું તેમ અમે નાની અને મોટી કબરોને અલગથી ગણી.

નાની કબરો મોટી કબરો કરતાં લગભગ બમણી સંખ્યામાં હતી. જે સૂચવે છે કે પુખ્ત વયના લોકો કરતાં બાળકોનાં મૃત્યુ લગભગ બમણાં થયાં છે.

નવજાત બાળકોનાં મૃત્યુનો દર વધ્યો

પ્રીમૅચ્યોર જન્મેલાં જોડિયાં બાળકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે

ઇમેજ સ્રોત, Imogen Anderson/BBC

ઇમેજ કૅપ્શન, પ્રીમૅચ્યોર જન્મેલાં જોડિયાં બાળકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે

ચાઘચરનની મુખ્ય પ્રાંતીય હૉસ્પિટલમાં પણ તેના પુરાવા જોવા મળ્યા.

નવજાત શિશુઓનું યુનિટ સૌથી વધારે વ્યસ્ત રહે છે. દરેક પલંગ ભરેલો હોય છે, કેટલાકમાં તો બે બાળકો હોય છે.

તેમાંથી મોટાભાગનાં ઓછાં વજનવાળાં છે અને ઘણા બધા તો જાતે શ્વાસ પણ નથી લઈ શકતાં.

એક નર્સ નવજાત જોડિયાં છોકરીઓને નાનકડા પારણામાં ખેંચીને અંદર લાવી રહી છે. બંને બે મહિના વહેલા જન્મેલી બાળકીઓ છે. એકનું વજન 2 કિલો છે, બીજીનું ફક્ત 1 કિલો.

તેમની હાલત અત્યંત ગંભીર હતી, તેથી તરત જ તેમને ઑક્સિજન પર મૂકવામાં આવી.

તેમનાં માતા 22 વર્ષીય શકીલા પ્રસૂતિ વિભાગમાં સારવાર લઈ રહ્યાં છે.

જોડિયાં બાળકોનાં દાદી ગુલબદન જણાવે છે, "તે અત્યંત નબળી છે, કારણ કે જ્યારે તે ગર્ભવતી હતી ત્યારે તેને ખાવા દેવા માટે કંઈ જ નહોતું, બ્રેડ અને ચા સિવાય. તેથી જ બાળકો અત્યારે આવી હાલતમાં છે."

તે દિવસે અમે હૉસ્પિટલ છોડ્યાના થોડા કલાકો પછી બંનેમાંથી વધારે વજન ધરાવતી બાળકીનું નામકરણ થાય તે પહેલાં જ અવસાન થયું.

તેનાં વ્યથિત દાદીએ બીજા દિવસે કહ્યું, "ડૉક્ટરોએ તેને બચાવવાનો ખૂબ પ્રયાસ કર્યો, પણ તે બચી નહીં."

"હું તેના નાનકડા શરીરને લપેટીને ઘરે લઈ ગઈ. જ્યારે તેની માતાને ખબર પડી, ત્યારે તે બેભાન થઈ ગઈ."

ગુલબદને બચી ગયેલા બાળક તરફ ઇશારો કરી કહ્યું, "મને આશા છે કે તે કમ સે કમ આ તો બચી જશે."

નર્સ ફાતિમા હુસેની કહે છે કે અમુક દિવસો એવા પણ હોય છે, એક સાથે ત્રણ બાળકોનું મૃત્યુ થઈ જાય છે.

તેમણે જણાવ્યું, "શરૂઆતમાં જ્યારે હું બાળકોને મરતાં જોતી ત્યારે મને ખૂબ જ મુશ્કેલી પડતી હતી. પરંતુ હવે તે અમારા માટે લગભગ સામાન્ય થઈ ગયું છે."

નવજાત શિશુ વિભાગ ચલાવતા ડૉ. મુહમ્મદ મોસા ઓલ્ડાત કહે છે કે મૃત્યુદર 10 ટકા સુધી વધી રહ્યો છે, જે બિલકુલ સ્વીકાર્ય નથી.

તેમણે કહ્યું, "ગરીબીને કારણે દર્દીઓની સંખ્યા દરરોજ વધી રહી છે, અને અહીં અમારી પાસે બાળકોની યોગ્ય રીતે સારવાર માટે પૂરતાં સાધનો પણ નથી."

બાળકોના ઇન્ટેન્સિવ કેર વિભાગમાં છ અઠવાડિયાનો ઝમીર મેનિન્જાઇટિસ અને ન્યુમોનિયાથી પીડાઈ રહ્યો છે. બંને બીમારીઓની સારવાર થઈ શકે તેમ છે. પરંતુ ડૉકટરોને MRI સ્કેન કરવાની જરૂર છે પણ તેમની પાસે યોગ્ય સાધનો નથી.

પરંતુ કદાચ સૌથી ચોંકાવનારી વાત, જે ડૉક્ટરો કહે છે તે એ છે કે જાહેર હૉસ્પિટલમાં મોટાભાગના દર્દીઓ માટે દવાઓ જ નથી, દર્દીના પરિવારોને બહારની ફાર્મસીઓમાંથી દવાઓ ખરીદવી પડે છે.

ફાતીમાએ કહ્યું, "ક્યારેક કોઈ સમૃદ્ધ પરિવારના બાળક માટે લાવવામાં આવેલી દવાઓમાંથી થોડીઘણી બચી જાય તો અમે તેનો ઉપયોગ એવાં બાળકો માટે કરીએ છીએ જેઓ દવા ખરીદી શકે તેમ ન હોય."

પૈસાની અછત ઘણા પરિવારોને કઠિન નિર્ણયો લેવાની ફરજ પાડે છે.

ગુલબદનની બચી ગયેલી પૌત્રીનું વજન થોડું વધી ગયું અને તેના શ્વાસ સ્થિર થયા. પરંતુ થોડા દિવસો પછી તેનો પરિવાર તેને ઘરે લઈ ગયો. તેને હૉસ્પિટલમાં રાખવાનું પોસાય તેમ નહોતું.

બાળક ઝમીરને પણ તેનાં માતાપિતા આ જ કારણોસર ઘરે લઈ ગયાં.

હવે આ નાનકડાં શરીરોને જીવતા રહેવાની લડાઈ સંપૂર્ણપણે પોતાની જાતે જ લડવી પડશે.

ઍડિશનલ રિપોર્ટિંગ: ઇમોજન ઍન્ડરસન, મહફૂઝ ઝુબૈદી અને સંજય ગાંગુલી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન