સુરતમાં લૂંટના આરોપી પર પોલીસ ફાયરિંગ, પકડવા ગયેલી ટીમ પર ચાકુથી હુમલાનો આરોપ

સુરતમાં લૂંટકેસના આરોપીને પોલીસે પગમાં ગોળી મારી, પોલીસ પર હુમલો કરવાનો આરોપ બીબીસી ગુજરાતી સુરત ક્રાઇમ લૂટ ગુજરાત
ઇમેજ કૅપ્શન, સુરતમાં લૂંટકેસના આરોપીને પોલીસે પગમાં ગોળી મારી હતી, ઈજાગ્રસ્ત થયેલા આરોપીને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 3 મિનિટ

સુરતમાં એક જ રાતમાં લૂંટની ઉપરાઉપરી ઘટનાઓ આચરનાર આરોપીને પકડવા ગયેલી લિંબાયત પોલીસ પર 'હુમલો કરવાનો પ્રયાસ' થતાં, પોલીસે 'સ્વબચાવ'માં ગોળીબાર કર્યો હોવાની ઘટના નોંધાઈ છે.

પોલીસનું કહેવું છે કે, આરોપીએ નાઇટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કૉન્સ્ટેબલ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના બાદ પોલીસનું કહેવું છે કે સુરત પોલીસે આરોપીને ગોળી મારીને તેને ઈજાગ્રસ્ત હાલતમાં પકડી પાડ્યો છે.

પોલીસે આપેલી વિગતવાર માહિતી અનુસાર, આ ઘટના શુક્રવારે પરોઢિયે આશરે ત્રણ વાગ્યે લિંબાયત વિસ્તારમાં બની હતી. લિંબાયત પોલીસ સ્ટેશનની ટીમ નાઇટ પેટ્રોલિંગ કરી રહી હતી, તે સમયે એક શંકાસ્પદ શખ્સ પોલીસ વાહનને જોઈને અચાનક ભાગવા લાગ્યો હતો.

શંકાસ્પદ હિલચાલ જણાતાં પોલીસે તાત્કાલિક તેનો પીછો કર્યો હતો. પોલીસ ટીમે ઘેરો ઘાલતાં જ આરોપીએ બચવા માટે પોતાના પાસે રહેલા તીક્ષ્ણ ચપ્પુ વડે એક 'કૉન્સ્ટેબલ પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ' કર્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે, કૉન્સ્ટેબલનો જીવ બચાવવા અને સ્વબચાવમાં લિંબાયત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ડી. ડી. ચૌહાણે પોતાની રિવોલ્વરથી આરોપીના ડાબા પગમાં ગોળી ચલાવી હતી.

ગોળી વાગતાં જ આરોપી જમીન પર ઢળી પડ્યો હતો અને પોલીસે તેને તાત્કાલિક કસ્ટડીમાં લીધો હતો. ઈજાગ્રસ્ત આરોપીને સારવાર અર્થે નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં એક જ રાતમાં લૂંટના અલગ-અલગ બનાવો બન્યા હતા, જેમાં પકડાયેલા આ આરોપીની સંડોવણી હોવાનો દાવો પોલીસે કર્યો છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં લૂંટકેસના આરોપીને પોલીસે પગમાં ગોળી મારી, પોલીસ પર હુમલો કરવાનો આરોપ
ઇમેજ કૅપ્શન, આરોપીને પગમાં ગોળી માર્યા પછી હૉસ્પિટલમાં પોલીસ ટીમ.

આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા પોલીસ કૉન્સ્ટેબલ અને આરોપી – બંનેને સારવાર અર્થે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બનાવ અંગે માહિતી આપતાં લિંબાયત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ડી. ડી. ચૌહાણે મીડિયાને જણાવ્યું હતું કે, "પેટ્રોલિંગ વખતે એક શંકાસ્પદ વ્યક્તિ પોલીસને જોઈને નીલગીરી ગ્રાઉન્ડ તરફ ભાગવા લાગી હતી. પોલીસે તેનો પીછો કર્યો અને પોલીસ કૉન્સ્ટેબલ અનિલકુમાર અમરસિંહ તેને પકડવા ગયા, ત્યારે આરોપીએ પોતાની પાસે રહેલું તીક્ષ્ણ ચપ્પુ કાઢીને કૉન્સ્ટેબલને પેટના ભાગે મારી દીધું હતું."

પોલીસ ઇન્સ્પેક્ટર ચૌહાણના જણાવ્યા અનુસાર, આરોપીને હુમલો ન કરવા અને ચપ્પુ ફેંકી દેવા ચેતવણી આપવામાં આવી હતી; પરંતુ આરોપી તાબે ન થતાં તેમણે પ્રથમ હવામાં ગોળીબાર કર્યો હતો.

ત્યાર પછી પણ આરોપી દ્વારા હુમલાનો પ્રયાસ થતાં, પીઆઈ ચૌહાણે 'સ્વબચાવ'માં આરોપીના ડાબા પગમાં ગોળી મારી હતી.

ઈજાગ્રસ્ત આરોપીનું નામ પરવેઝ મુશર્રફ અંસારી હોવાનું પોલીસનું કહેવું છે, જેને હાલમાં સારવાર અર્થે સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

બીજી તરફ, આરોપીના ચપ્પુના ઘાથી ઈજાગ્રસ્ત થયેલા પોલીસ કૉન્સ્ટેબલ અનિલકુમારને પણ તાત્કાલિક લિંબાયતની એક હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

સુરતમાં લૂંટકેસના આરોપીને પોલીસે પગમાં ગોળી મારી, પોલીસ પર હુમલો કરવાનો આરોપ
ઇમેજ કૅપ્શન, લિંબાયત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી. ડી. ચૌહાણ

પીઆઈ ડી. ડી. ચૌહાણે જણાવ્યા અનુસાર, ગઈકાલે વહેલી સવારે સુરતના વરાછા, કતારગામ અને મહિધરપુરા વિસ્તારમાં લૂંટની કેટલીક ઘટનાઓ બની હતી. પોલીસનો દાવો છે કે પકડાયેલા આરોપી પરવેઝ મુશર્રફે પોતાના એક મિત્ર લક્ષ્મણ ઉર્ફે 'ગુડ્ડુ' સાથે મળીને આ લૂંટ કરી છે.

પોલીસના દાવા પ્રમાણે, આરોપી પાસેથી કેટલોક સામાન પણ મળી આવ્યો છે, જે પ્રાથમિક દૃષ્ટિએ 'લૂંટનો મુદ્દામાલ' છે. પોલીસે જણાવ્યા અનુસાર, આરોપી મૂળ ઝારખંડનો વતની છે.

આ અંગે આરોપીનો પક્ષ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમની વિગતો મળતાં જ આ અહેવાલ અપડેટ કરવામાં આવશે.

સુરતમાં લૂંટની ઘટનાઓ

સુરતમાં લૂંટકેસના આરોપીને પોલીસે પગમાં ગોળી મારી, પોલીસ પર હુમલો કરવાનો આરોપ
ઇમેજ કૅપ્શન, આરોપીને ગોળી માર્યા પછી તેને સિવિલ હૉસ્પિટલ લાવવામાં આવ્યો હતો.

સુરતમાં એક દિવસ અગાઉ એટલે કે 19 નવેમ્બરની પરોઢિયે અલગ-અલગ વિસ્તારોમાં લૂંટની કેટલીક ઘટનાઓ બની હતી, જેને પોલીસ આ હુમલા સાથે સાંકળી રહી છે.

19 નવેમ્બરે પરોઢિયે વરાછામાં બે, મહિધરપુરામાં બે અને કતારગામમાં એક લૂંટની ઘટના ઘટી હતી. આ બધી જ ઘટનાઓ સવારે ચાર વાગ્યા પછી બની હતી અને તમામમાં રાહદારીઓને ચપ્પુ મારીને રૂપિયા તથા મોબાઇલ ફોન લૂંટી લેવામાં આવ્યા હતા.

આ પૈકી કેટલીક ઘટનાઓનાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે, જેમાં જોવા મળે છે કે રસ્તા પર એકલા જઈ રહેલા પદયાત્રીઓને બાઇક પર આવેલા લૂંટારાઓએ લૂંટી લીધા હતા.

પોલીસ હવે આ તમામ મામલાઓની તપાસ કરી રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન