'અમે સ્માર્ટ ચશ્માંના યૂઝર્સને સેક્સ કરતા જોયા,' મેટાનાં સ્માર્ટ ગ્લાસ કેવા હોય છે, તેને લઈને શું વિવાદ થયો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ક્રિસ વેલેન્સ
- પદ, સિનિયર ટૅકનોલોજી રિપોર્ટર
- વાંચવાનો સમય: 4 મિનિટ
મેટા હાલ દબાણનો સામનો કરી રહી છે. તે એઆઇને તાલીમ આપવા માટે જે કંપનીનો ઉપયોગ કરી રહી હતી, તે કંપનીના કેન્યા સ્થિત કર્મચારીઓએ - તેમણે મેટા સ્માર્ટ ગ્લાસ (ચશ્માં) દ્વારા કૅપ્ચર કરવામાં આવેલું વાંધાજનક કન્ટેન્ટ જોવું મડ્યું હોવાના આરોપો લગાવ્યા પછી મેટા ઉપર એ સમજાવવાનું દબાણ છે કે, તેણે તે કંપની સાથેનો આટલો મોટો કરાર શા માટે રદ કરી દીધો?
ગત ફેબ્રુઆરી માસમાં સામા કંપનીના કર્મચારીઓએ સ્વીડનનાં બે અખબારોને જણાવ્યું હતું કે, તેમણે ચશ્માં પહેરનારા લોકોને ટૉઇલેટમાં જતાં અને જાતીય સંબંધ બાંધતાં જોયાં હતાં.
સામાએ જણાવ્યું હતું કે બે મહિના કરતાં પણ ઓછા સમયમાં મેટાએ સામા સાથેના તેના કરારનો અંત આણ્યો હતો, જેના પરિણામે, 1,108 કર્મચારીઓને છૂટા કરવામાં આવશે.
મેટા કહે છે કે, સામા તેના માપદંડોને સંતોષવામાં નિષ્ફળ રહી હતી, પણ સામા આ આલોચના ફગાવે છે. કૅન્યાના કામદાર સંગઠને આક્ષેપ કર્યો છે કે, સામાના સ્ટાફે ઉઠાવેલા અવાજને પગલે મેટાએ આ નિર્ણય લીધો છે.
મેટાએ આ આરોપ અંગે કોઈ ખુલાસો નથી કર્યો, પણ એક યાદીમાં બીબીસી ન્યૂઝને જણાવ્યું હતું, "સામા અમારા માપદંડો સંતોષવામાં નિષ્ફળ રહી હોવાથી સામા સાથેના કામનો અંત આણવાનો નિર્ણય લેવાયો હતો."
સામાએ તેના કામનો બચાવ કર્યો છે.
તેણે એક યાદીમાં જણાવ્યું હતું, "સામાએ મેટા સહિત તેના તમામ ક્લાયન્ટ્સ સાથે આવશ્યક કામકાજી, સુરક્ષાત્મક અને ગુણવત્તાલક્ષી માપદંડો સતત પૂરા કર્યા છે."
"કોઈપણ તબક્કે અમને તે માપદંડો સંતોષવામાં અમે નિષ્ફળ ગયા હોવા વિશેની જાણ કરવામાં નહોતી આવી અને અમે અમારા કામની ગુણવત્તા તથા નિષ્ઠા પ્રત્યે મક્કમ છીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'નગ્ન શરીરો'
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ફેબ્રુઆરીના અંતમાં સ્વીડનનાં અખબારો સ્વેન્સ્કા ડેગબ્લાડેટ (એસવીડી) અને ગોટેબોર્ગ્સ-પોસ્ટેન (જીપી)એ એક તપાસ પ્રકાશિત કરી હતી, જેમાં મેટાનાં ચશ્માં દ્વારા ઉતારવામાં આવેલા વીડિયોની સમીક્ષા કરવાનું કામ જેમને સોંપવામાં આવ્યું હતું, તેવા અનામી કર્મચારીઓનાં નિવેદનોને પણ સમાવવામાં આવ્યાં હતાં.
એક કર્મચારીએ કહ્યું હતું, "અમે બધું જોઈએ છીએ - લિવિંગ રૂમથી લઈને નગ્ન શરીરો સુધી."
પ્રકાશનના સમયે મેટાએ કબૂલ્યું હતું કે, જ્યારે લોકો મેટા એઆઇ સાથે કન્ટેન્ટ શેર કરે છે, ત્યારે સબ-કૉન્ટ્રાક્ટેડ કર્મચારીઓ કેટલીક વખત તેના સ્માર્ટ ગ્લાસ પર શૂટ કરવામાં આવેલી સામગ્રીની સમીક્ષા કરી શકે છે.
તેણે કહ્યું હતું કે, તે પાછળનો આશય ગ્રાહકોના અનુભવમાં સુધારો કરવાનો હતો તેમજ અન્ય કંપનીઓમાં તે એક સામાન્ય પ્રણાલી છે.
જોકે, આ સ્પષ્ટતાને પગલે નિયમનકારો કાર્યવાહી કરવા માટે પ્રેરાયા છે.
સ્વીડિશ તપાસના ટૂંક જ સમયમાં, બ્રિટનની ડેટા નિયમનકારી - ઇન્ફર્મેશન કમિશનર્સ ઑફિસ (આઇસીઓ)એ તે "ચિંતાજનક અહેવાલ" વિશે મેટાને લખ્યું હતું.
કૅન્યા સ્થિત ડેટા પ્રોટેક્શન કમિશનરની ઑફિસે પણ જાહેરાત કરી હતી કે, તે ચશ્માંને પગલે ઊભી થયેલી ગોપનીયતાની ચિંતા મામલે તપાસ શરૂ કરી રહી છે.
કર્મચારીઓની છટણી કરવાના સમાચારની પ્રતિક્રિયા સ્વરૂપે મેટાના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું હતું, "ગયા મહિને અમે આ દાવાઓ તપાસી રહ્યા હતા, ત્યારે અમે સામા સાથેના અમારા કામ ઉપર બ્રેક મારી દીધી હતી."
"અમે તેને ગંભીરતાથી લઈએ છીએ. ફોટો તથા વીડિયો વપરાશકર્તાઓ માટે અંગત હોય છે. માનવીઓ પ્રોડક્ટના પર્ફૉર્મન્સને સુધારવા માટે એઆઇ કન્ટેન્ટની સમીક્ષા કરે છે, જે માટે અમે વપરાશકર્તાની સ્પષ્ટ સંમતિ મેળવીએ છીએ."
'ગોપનીયતાના માપદંડો' સાથે ચેડાં કરવાનો આક્ષેપ
સપ્ટેમ્બરમાં મેટાએ રે-બેન તથા ઓકલે જેવી બ્રાન્ડ્ઝ સાથે ભાગીદારી કરીને એઆઇ-સંચાલિત ચશ્માંની સમગ્ર રેન્જ રજૂ કરી હતી.
તેનાં ફિચર્સમાં લખાણનો અનુવાદ કરવો, અથવા તો વપરાશકર્તા જે જોઈ રહ્યા હોય, તે વિશેના સવાલોના જવાબ આપવાનો સમાવેશ થાય છે - જે ખાસ કરીને અંધ અથવા તો આંશિક દૃષ્ટિ ધરાવતા લોકો માટે ઉપયોગી છે.
જોકે, જેમ-જેમ આ ઉપકરણોની લોકપ્રિયતા વધી છે, તેમ-તેમ તેના દુરુપયોગને લઈને ચિંતા પણ વ્યાપી રહી છે.
સ્વીડિશ અખબારોએ જે કર્મચારીઓ સાથે વાત કરી હતી, તેઓ ડેટા એનોટેટર્સ હતા અને મેટાના એઆઇને કન્ટેન્ટનું મેન્યુઅલી લેબલિંગ કરીને તસવીરોનું અર્થઘટન કરવાનું શીખવતા હતા.
કર્મચારીઓએ જણાવ્યું હતું કે, એઆઇએ સવાલોના પર્યાપ્ત જવાબો આપ્યા છે કે કેમ, તે તપાસવા માટે તેમણે એઆઇ સાથેની વાતચીતની ટ્રાન્સક્રિપ્ટ્સની પણ સમીક્ષા કરી હતી.
એક કિસ્સામાં, એક કર્મચારીએ અખબારોને જણાવ્યું હતું કે, એક માણસનાં ચશ્માં બેડરૂમમાં ચાલુ રહી ગયાં હતાં. ત્યાં પછીથી એક મહિલાને (તે માણસનાં પત્ની)ને કપડાં ઉતારતાં ફિલ્માવવામાં આવ્યાં હતાં.
મેટાનાં ચશ્માંમાં ફ્રેમના ખૂણે લાઇટ હોય છે. જ્યારે બિલ્ટ-ઇન (તેની અંદર લગાવવામાં આવેલો) કૅમેરા રેકૉર્ડિંગ કરી રહ્યો હોય, તે સમયે તે લાઇટ ચાલુ થઈ જાય છે.
પરંતુ, કૅન્યામાં મહિલાઓના સંમતિ વિનાના રેકૉર્ડિંગ સાથે પણ આ ચશ્માંનો દુરુપયોગ સંકળાયેલો છે.
અમેરિકામાં વડુંમથક ધરાવતા આઉટસોર્સિંગના વ્યવસાય એવા સામાની શરૂઆત ટૅક જૉબ્ઝની જોગવાઈ મારફત રોજગારી વધારવાનો આશય ધરાવતા બિન-નફાકારક સંગઠન તરીકે થઈ હતી. હવે તે એક "એથિકલ" બી-કોર્પ છે.
જોકે, મેટા સાથેના કરારમાં કડવાશ વ્યાપી હોવાનો આ પ્રથમ બનાવ નથી.
ફેસબુક પોસ્ટ્સના નિયંત્રણ માટેની અગાઉની એક સમજૂતીની ટીકા થઈ હતી, અને સાથે જ ભૂતપૂર્વ કર્મચારીઓ દ્વારા કાનૂની પગલાં ભરવામાં આવ્યાં હતાં - તે પૈકીના કેટલાક કર્મચારીઓએ આઘાતજનક અને વાંધાજનક સામગ્રી જોવી પડી હોવાનું જણાવ્યું હતું.
સામાએ પછીથી કહ્યું હતું કે, તેને આ કામ લેવા બદલ પસ્તાવો થયો હતો.
આફ્રિકા ટૅક વર્કર્સ મૂવમેન્ટના નફ્તાલી વામ્બાલો તે કેસ અંગે ચાલી રહેલી કાનૂની કાર્યવાહીના પિટીશનર છે. તેમણે બીબીસીને જણાવ્યું હતું કે, તેમણે સ્માર્ટ ગ્લાસ કૉન્ટ્રાક્ટમાં સામેલ કર્મચારીઓ સાથે પણ વાત કરી હતી.
વામ્બાલોનું માનવું છે કે, મેટાએ કામ બંધ કરી દીધું, તે પાછળનું કારણ એ હતું કે, તે નહોતું ઇચ્છતું કે, કર્મચારીઓ સ્માર્ટ ગ્લાસ દ્વારા કૅપ્ચર કરવામાં આવેલા કન્ટેન્ટની માનવીય સમીક્ષા વિશે જાહેરમાં કશું બોલે.
તેમણે બીબીસી ન્યૂઝને જણાવ્યું હતું, "મને લાગે છે કે, અહીં તેઓ જે માપદંડો વિશે વાત કરી રહ્યા છે, તે ગોપનીયતાના માપદંડો છે."
બીબીસીએ આ મુદ્દા પર મેટાનો પ્રતિભાવ માગ્યો હતો.
અગ્રણી ટૅક કંપનીએ અગાઉ કહ્યું હતું કે, તેમની સેવાની શરતો (ટર્મ્ઝ ઓફ સર્વિસ)માં માનવ સમીક્ષાની શક્યતા વિશે યુઝર્સને જાણ કરવામાં આવી હતી.
પિટીશનરોનું પ્રતિનિધિત્વ કરતાં વકીલ અને કૅમ્પેન ગ્રૂપ ઓવરસાઇટ લૅબનાં ઍક્ઝિક્યુટિવ ડિરેક્ટર મર્સી મુતેમીએ કહ્યું હતું કે, મેટાનું નિવેદન કૅન્યાની સરકાર માટે ચેતવણીરૂપ હોવું જોઈએ.
તેમણે બીબીસીને જણાવ્યું હતું, "અમને કહેવામાં આવ્યું છે કે, આપણા માટે આ એઆઇ ઇકોસિસ્ટમમાં પ્રવેશવા માટેનો માર્ગ છે, પરંતુ, સમગ્ર ઉદ્યોગનું નિર્માણ કરવા માટે આ અત્યંત નબળો પાયો છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















