એક તરફ વાતચીત ચાલતી હતી ત્યાં અમેરિકા, ઈરાન પર ફરીથી હુમલો કરવા માટે તૈયાર થઈ રહ્યું હતું?

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

અમેરિકામાં બીબીસી ન્યૂઝના સહયોગી સીબીએસ ન્યૂઝના અહેવાલ પ્રમાણે, કૂટનીતિક પ્રયાસો વચ્ચે અમેરિકા ઈરાન પર નવા હુમલાઓ કરવાની તૈયારી કરી રહ્યું હતું?

સીબીએસ ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે, આ યુદ્ધના આયોજન સાથે જોડાયેલાં સૂત્રોએ જણાવ્યું કે ટ્રમ્પ પ્રશાસન શુક્રવારે નવા હુમલાની તૈયારીમાં હતું, પરંતુ શુક્રવારે સાંજ સુધી આ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નહોતો.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક સંદેશમાં જણાવ્યું કે 'સરકારી કામ'ને કારણે તેઓ શનિવારે પોતાના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરનાં લગ્નમાં હાજર રહી શકશે નહીં.

તેમને વિકેન્ડ ન્યૂ જર્સીમાં તેમના ગોલ્ફ રિસોર્ટમાં પસાર કરવો હતો. પરંતુ તેઓ વ્હાઇટ હાઉસ પરત આવ્યા.

સીબીએસ ન્યૂઝને ઘણાં સૂત્રોએ આ પણ જણાવ્યું છે કે અમેરિકી સેનાના અને ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટના કેટલાક સભ્યોએ 'સંભાવિત નવા હુમલા'ને ધ્યાનમાં રાખીને પોતાની રજાઓ રદ કરી દીધી છે.

આ સૂત્રોના કહેવા મુજબ, અમેરિકન સંરક્ષણ વિભાગના અને ગુપ્તચર વિભાગના અધિકારીઓ વિદેશી સ્થળોએ તહેનાત સૈનિકોની યાદીને અપડેટ કરી રહ્યા છે. સાથે જ મધ્ય-પૂર્વમાં તહેનાત કેટલાંક દળોને પરત બોલાવી રહ્યાં છે.

આ પગલું વિસ્તારમાં અમેરિકી સૈન્યની હાજરી ઘટાડવા અને ઈરાનની સંભાવિત જવાબી કાર્યવાહી અંગેની ચિંતાઓને કારણે લેવામાં આવ્યું છે.

એપ્રિલની શરૂઆતમાં થયેલા અસ્થાયી યુદ્ધવિરામ બાદથી ઈરાન અને અમેરિકા એકબીજા પર સીધા હુમલા કરવાનું ટાળી રહ્યા છે. જેને લઈને આડકતરી વાતચીત દ્વારા કોઈ સમજૂતી સુધી પહોંચવાનો સમય પણ મળ્યો છે.

વ્હાઇટ હાઉસનાં પ્રવક્તા અન્ના કેલીએ સીબીએસને જણાવ્યું, "રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર મેળવી શકે નહીં અને સાથે તે પોતાના સમૃદ્ધ યુરેનિયમનો જથ્થો પણ રાખી ન શકે."

વાતચીતમાં પ્રગતિ, આસિમ મુનીર તહેરાનમાં

બીજી તરફ, પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે કોઈ સ્થાયી સમજૂતી સુધી પહોંચવા માટે મધ્યસ્થતા કરવાની કોશિશો યથાવત્ છે.

આ સંદર્ભમાં પાકિસ્તાનના સેનાપ્રમુખ ફીલ્ડ માર્શલ આસિમ મુનીર શુક્રવારે ઈરાન પહોંચ્યા હતા.

આસિમ મુનીરે તહેરાનમાં ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી સાથે મુલાકાત કરી હતી.

બીબીસી પર્શિયન સર્વિસે ઈરાન સંબંધિત અનેક સૂત્રોના હવાલાથી જણાવ્યું કે બંને વચ્ચે શુક્રવારે મોડીરાત સુધી ચર્ચા થઈ.

આ વાતચીતમાં બંને પક્ષોએ યુદ્ધ સમાપ્ત કરવા માટે ચાલુ નવા કૂટનીતિક પ્રયાસો તેમજ પશ્ચિમ એશિયાના વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા મજબૂત બનાવવા માટે ભાર મૂક્યો.

છેલ્લાં કેટલાંક અઠવાડિયાંમાં ફીલ્ડ માર્શલ આસિમ મુનીરની ઈરાનની આ બીજી મુલાકાત છે.

રૉયટર્સ મુજબ, શનિવારે આસિમ મુનીરે તહેરાનમાં ઈરાનના મુખ્ય વાટાઘાટકાર અને ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બગર ગાલિબાફ સાથે મુલાકાત કરી.

સરકારી ટીવીના અહેવાલ પ્રમાણે, આ દરમિયાન ગાલિબાફે કહ્યું કે ઈરાન પોતાના દેશ અને નાગરિકોના અધિકારો મામલે કોઈ સમાધાન નહીં કરે.

તેમણે કહ્યું કે યુદ્ધવિરામ દરમિયાન ઈરાનની સશસ્ત્ર સેનાએ પોતાની ક્ષમતાઓને ફરી મજબૂત કરી છે.

સાથે તેમણે ચેતવણી આપી કે જો અમેરિકા 'મૂર્ખતાપૂર્વક ફરી યુદ્ધ શરૂ કરશે', તો તેનાં પરિણામો 'વધારે વિનાશક અને કડવાં' હશે.

આ દરમ્યાન ઈરાન અને અમેરિકા વચ્ચે સમજૂતી માટેના પ્રયાસોમાં ઝડપ આવી છે.

ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બકાઈએ જણાવ્યું કે શુક્રવારે કતારનું એક પ્રતિનિધિમંડળ તહેરાનમાં હતું.

કતારના પ્રતિનિધિમંડળે પણ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી સાથે ચર્ચા કરી હતી.

તેમની વચ્ચે શું વાતચીત થઈ તે અંગે વધુ માહિતી આપવામાં આવી નથી, પરંતુ આ માહિતી મળી છે કે ઈરાનના વિદેશ મંત્રીએ તાજેતરમાં અનેક દેશોના વિદેશ મંત્રીઓ સાથે વાતચીત કરી છે.

જોકે, બકાઈએ ખાસ ભાર મૂક્યો કે ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થ તરીકે પાકિસ્તાન ભૂમિકા ભજવી રહ્યું છે.

કતાર, યુનાઇટેડ આરબ અમીરાત અને સાઉદી અરબ — આ ત્રણ દેશો વિશે ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે તેમના અનુરોધ પર ઈરાન પર થનારો હુમલો અસ્થાયી રીતે રોકવામાં આવ્યો હતો.

સમજૂતીની શરત

બીજી તરફ, અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ શુક્રવારે ભારત જવા પહેલાં કહ્યું હતું કે અમેરિકા સતત આસિમ મુનીર સાથે સંપર્કમાં છે.

તેમણે કહ્યું, "પાકિસ્તાને સારું કામ કર્યું છે. અમે આ સમગ્ર મામલે તેમની સાથે કામ કરી રહ્યા છીએ અને આગળ પણ એવું જ કરશું."

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન સમજૂતી કરવા માટે તૈયાર છે.

ટ્રમ્પે કહ્યું, "ઈરાન સમજૂતી કરવા માટે તૈયાર છે, હવે જોઈએ આગળ શું થાય છે. પરંતુ અમે તેમની સામે કડક કાર્યવાહી કરી, અમારે પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો, કારણ કે ઈરાન પરમાણુ હથિયારો ન બનાવી શકે. તેમને આ મળવા જોઈએ નહીં."

પરંતુ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ આ પણ કહ્યું છે કે જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ પર ટોલ લાગુ કરે છે, તો અમેરિકા અને ઈરાન વચ્ચે રાજનૈતિક સમજૂતી શક્ય નહીં બને.

બીબીસી ઉર્દૂના કહેવા અનુસાર, પત્રકારો સાથે વાત કરતાં રુબિયોએ કહ્યું કે "વિશ્વમાં કોઈપણ આ પ્રકારની વ્યવસ્થાના પક્ષમાં નથી અને તે સ્વીકાર્ય નથી."

રૉયટર્સના અહેવાલ અનુસાર, અમેરિકાના વિદેશ મંત્રીએ કહ્યું, "જો ઈરાન આ જ માર્ગ પર આગળ વધશે, તો માત્ર સમજૂતી જ મુશ્કેલ નહીં બને, પરંતુ આ એક વૈશ્વિક જોખમ પણ બની જશે અને તે સંપૂર્ણપણે ગેરકાયદેસર હશે."

શહબાઝ શરીફ ચીન રવાના

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ શનિવારે ચાર દિવસની સત્તાવાર મુલાકાતે ચીન માટે રવાના થયા છે.

પાકિસ્તાની વિદેશ મંત્રાલયે જારી કરેલા નિવેદન મુજબ, તેમની આ મુલાકાત દરમિયાન તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડા પ્રધાન લી કેચિયાંગ સાથે મુલાકાત કરશે અને બંને દેશો વચ્ચે સંયુક્ત રોકાણ સંમેલનની અધ્યક્ષતા પણ કરશે.

જોકે વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ મુલાકાતનો મુખ્ય હેતુ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે, પરંતુ મધ્ય-પૂર્વમાં ચાલી રહેલી તણાવની સ્થિતિ પણ ચર્ચાનો મહત્ત્વપૂર્ણ ભાગ રહેશે.

પાકિસ્તાન ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થતા કરી રહ્યું છે અને એક રાઉન્ડની બેઠક નિષ્ફળ ગઈ પછી બીજા રાઉન્ડની ચર્ચાનો પ્રયાસ કરી રહ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન