'કોમામાં હતો, ત્યારે મેં જોડિયાં બાળકોની આગાહી કરી હતી', એક મહિનો બેભાન રહેલા માણસના અનુભવો

    • લેેખક, નિકોલા બ્રાયન
    • પદ, બીબીસી વેલ્સ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

"તે કોઈ સપનું નહોતું, હું તેને સાકાર થતું જોઈ રહ્યો હતો એવું પણ નહોતું, પરંતુ હું ખરેખર એ બધું કરી રહ્યો હતો. હું સંપૂર્ણપણે અલગ જીવન જીવી રહ્યો હતો."

ઑક્ટોબર 2024માં હાઇરોક્સ ફિટનેસ સ્પર્ધામાં ભાંગી પડ્યા બાદ 26 વર્ષીય કીનન એક્ટન ચાર અઠવાડિયાંથી વધુ સમય સુધી કોમામાં રહ્યા હતા.

18 મહિનાથી વધુ સમય વિતી ગયા બાદ પણ બે બાળકોના પિતા કીનન હજુ પણ તે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે મૂર્છાની અવસ્થામાં તેમણે જે જિંદગી જીવી હોવાનો દાવો કર્યો, તે શું હતી, જેમાં તેમની પત્નીને જોડિયાં બાળકો થયાં હતાં અને તેઓ તળાવના કિનારે એક મોટા ઘરમાં રહેવા ગયાં હતાં.

આ ઘટનાઓનો એક આશ્ચર્યમાં નાખી દે એવો વળાંક છે કે તેમનાં પત્ની ઓલિવિયા હાલમાં જોડિયાં બાળકોનાં માતા બનવાનાં છે.

તેમણે મજાકમાં કહ્યું, "હવે તો હું બસ સરોવરના કિનારે આવેલા એ સુંદર કાચના ઘરની રાહ જોઈ રહ્યો છું."

રોસેટ, રેક્સહામના રહેવાસી કીનન એક જિમના માલિક છે અને ફિટનેસ પ્રત્યે અત્યંત ઉત્સાહી છે.

પડી ગયા તે દિવસે શું થયું હતું તે વિશે તેમને કંઈ ખાસ યાદ નથી, એમને જે કંઈ ખબર છે, તે બીજાઓએ જણાવ્યું હતું.

તેમણે કહ્યું, "મારી પત્ની અમને જોઈ રહી હતી, અમારા અંદર આવવાની રાહ જોઈ રહી હતી, એ જ વખતે અચાનક હું ઢળી પડ્યો અને મને આંચકો આવ્યો."

તેમને બર્મિંગહામની હાર્ટલૅન્ડ્સ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ઓલિવિયાને કહેવામાં આવ્યું કે તેમના મગજમાં સોજો આવી ગયો છે અને અનેક અવયવો સરખી રીતે કામ કરતાં નથી. ત્યાર બાદ તેમને તબીબી રીતે કૃત્રિમ કોમામાં રાખવામાં આવ્યા.

કીનનને રેબડોમાયોલિસિસ નામની બીમારી થઈ ગઈ હતી. તે એક જીવલેણ બીમારી છે.

જેમાં કંકાલ પરની માંસપેશીઓ ઝડપથી અને મોટા પ્રમાણમાં તૂટવા લાગે છે. અને તે અતિશય શારીરિક શ્રમને કારણે થઈ શકે છે.

ત્રણ અઠવાડિયાં બાદ કીનનને કોમામાંથી બહાર લાવવામાં આવ્યા, પરંતુ જાગ્યાના ચોથા દિવસે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો.

તેમને ફરીથી ભાનમાં લાવીને ફરી કોમામાં મૂકવામાં આવ્યા, જેમાં તેઓ આઠ દિવસ સુધી રહ્યા.

આ દરમિયાન ઓલિવિયાને ઘણી વાર કહેવામાં આવ્યું કે તેમનું મૃત્યુ પણ થઈ શકે છે.

કીનને કહ્યું કે, "મારે માટે સૌથી મુશ્કેલ વાત એ નથી કે મેં શું સહન કર્યું. સૌથી મુશ્કેલ વાત એ છે કે બાકીના બધાને શું સહન કરવું પડ્યું, ખાસ કરીને મારી પત્નીએ આ બધામાંથી પસાર થવું પડ્યું."

"એકવાર તો તેને એવું પણ કહેવામાં આવ્યું કે હવે મારી પાસે માત્ર 24 કલાક છે."

કોમામાં જે જોયું 'એ બધું વાસ્તવિક હતું'

જ્યારે કીનનને કોમામાંથી બહાર લાવવામાં આવ્યા, ત્યારે તેમને સહેજે ખ્યાલ નહોતો કે બેભાન અવસ્થામાં થયેલા અનુભવો સાચા નથી.

તેમણે યાદ કરતા કહ્યું, "જ્યારે હું જાગ્યો ત્યારે મેં લિવને પહેલાં જે વાત કહી તે એ હતી કે, 'બાળકો કેમ છે?'"

"ઓલિવિયા "ખૂબ મૂંઝવણમાં મૂકાઈ ગઈ." અને તેણે પૂછ્યું કે શું તું રોમન અને રિવર વિશે પૂછી રહ્યો છે, તેમના પુત્રો, જે તે સમયે ચાર અને ત્રણ વર્ષના હતા."

કીનને આગળ જણાવ્યું, "હું ખૂબ જ ગુસ્સે થઈ રહ્યો હતો અને તેને તેનું સોશિયલ મીડિયા ખોલીને બતાવવા કહેતો હતો. કારણ કે હું માનતો હતો કે અમે આ સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા."

જ્યારે તેમને કહેવામાં આવ્યું કે તેમને જોડિયાં બાળકો નથી અને ઘર પણ બદલ્યું નથી, ત્યારે તેમને ખૂબ જ આઘાત લાગ્યો.

"મને લાગ્યું જાણે મારી અંદરનો એક ભાગ પડી ભાંગ્યો છે."

કોમામાં હતા તે દરમિયાન તેમણે જે અનુભવ્યું તેનું વર્ણન કરવાનું કહેવામાં આવ્યું, ત્યારે કીનને ભારપૂર્વક કહ્યું કે તે કોઈ સપનું નહોતું.

"તે વાસ્તવિક હતું, હું તે બનતું જોઈ રહ્યો નહોતો, હું તે કરી રહ્યો હતો, હું તે જીવી રહ્યો હતો."

તેમણે યાદ કર્યું કે રજાઓ દરમિયાન તેમનાં પત્નીએ જોડિયાં બાળકોને જન્મ આપ્યો હતો, અને ઘરે પરત આવ્યા પછી તેઓ "પાણીની સામે આવેલા એક સુંદર મોટા કાચવાળા ઘરમાં" હતાં.

"અને અમારાં ચાર બાળકો હતાં."

"એ અનુભવથી મને એવું લાગતું હતું જાણે હું દુનિયાના શિખર પર છું."

તેમણે કહ્યું કે બેભાન અવસ્થા દરમિયાન તેમને ઘણા "અંધકારમય અને ભયાનક" અનુભવો પણ થયા, જેમાં એવા પણ અનુભવો થયા જેમાં તેમને કેટલીક સારી ન હોય તેવી બાબતો પરાણે કરવાની ફરજ પાડવામાં આવી હતી.

કેટલીક ખરાબ બાબતોને તેઓ ફરીથી જીવવા માંગતા નથી, પરંતુ એક ઉદાહરણ એવું પણ હતું કે તેમને, "ક્યાંક સૂમસામ જગ્યાએ લઈ જઈને એક ઝૂંપડામાં રાખવામાં આવ્યા હતા." જ્યાં જીવતા રહેવા માટે સતત કસરતનું મશીન ચલાવવું પડતું હતું.

"મારા કાંડા પર એક ગાર્મિન ઘડિયાળ હતી અને તે આઠ દિવસથી ઊંધી ગણતરી કરી રહી હતી."

"જ્યારે હું ઊઠ્યો ત્યારે મેં મારા મિત્રને કહ્યું કે આવું થયું છે, ત્યારે તેણે મને કહ્યું કે 'દોસ્ત, તારો બીજો કોમા આઠ દિવસ લાંબો હતો.'

"આ ગાંડપણ છે, ખરું ને?"

તબીબી રીતે પ્રેરિત કોમા એક એવી સ્થિતિ છે જેમાં દર્દીને દવાઓ દ્વારા ગહન બેભાન અવસ્થામાં લઈ જવામાં આવે છે, જેથી મગજને ગંભીર નુકસાનથી બચાવવાનો પ્રયાસ થઈ શકે.

ઘણા ઇન્ટેન્સિવ દર્દીઓએ કોમાની સ્થિતિમાં અત્યંત વાસ્તવિક સપનાં અનુભવ્યાં હોવાનું જણાવ્યું છે અને ગ્રીસ તથા ઑસ્ટ્રેલિયામાં થયેલા અભ્યાસોમાં પણ આ ઘટનાની તપાસ કરવામાં આવી છે.

2006માં હાઇ-સ્પીડ કાર અકસ્માત બાદ કોમામાં ગયેલા ટૉપ ગિયરના ભૂતપૂર્વ પ્રસ્તુતકર્તા રિચાર્ડ હેમન્ડે જણાવ્યું હતું કે તેમણે બેભાન અવસ્થામાં લેક ડિસ્ટ્રિક્ટમાં તેમના પ્રિય સ્થળે એક ઝાડની મુલાકાત લેવાનું સ્વપ્ન જોયું હતું.

કીનન કોમા દરમિયાનની તેમની યાદો વિશે વધુ સમજવા માંગતા હતા, તેથી બીબીસીએ તેમની મુલાકાત કન્સલ્ટન્ટ ક્લિનિકલ સાયકોલૉજિસ્ટ પીટર ડુ ટૉઇટ સાથે ગોઠવી, જેઓ ચેરિટી બ્રેઇનકાઇન્ડના ક્લિનિકલ ડિરેક્ટર છે.

પીટરે કીનનને જણાવ્યું કે, "જ્યારે તમે કૃત્રિમ કોમામાં હતા, ત્યારે તમારું મગજ બંધ નહોતું થયું."

"કોઈકે સ્વિચ બંધ કરી દીધી હોય તેવું નહોતું. ઘણું બધું ચાલી રહ્યું હતું."

કોમામાં 'કદાચ મગજે દૃશ્ય રચ્યું' જે પછી સાચું પડવા જઈ રહ્યું છે

કીનન જાણવા માંગતા હતા કે આખરે તેમને જોડિયાં બાળકો અને નવું ઘર હોવાનો જ અનુભવ કેમ થયો, બીજું કંઈ કેમ નહીં?

પીટરે કહ્યું કે, "આપણા સપનાં અને કોમા દરમિયાન થયેલા અનુભવો, કે પછી એ અનુભવ જે આપણે યાદ રાખીએ છીએ, તે આપણા માટે અત્યંત મહત્ત્વના હોય છે."

"આપણું મન હંમેશાં એક કથા, એક કિસ્સો, એક સંપૂર્ણ રચના રચતું રહે છે."

કીનનને ઝૂંપડામાં હોવાનો જે અનુભવ થયો, તેના વિશે પીટરે જણાવ્યું કે તે બતાવે છે કે માનવમન કઈ રીતે રૂપકો અને અર્થો સર્જતા એક અદ્ભુત મશીનની જેમ કામ કરે છે.

તેમણે આગળ જણાવ્યું કે કીનનના મગજે કદાચ હૉસ્પિટલના તેમના અનુભવને લઈને એક એવું દૃશ્ય રચ્યું કે જે એકલતા, અસ્તિત્વ ટકાવવા માટેનો સંઘર્ષ અને મૃત્યુની આશંકા જેવી બાબતો સાથે જોડાયેલું હતું.

કોમામાં જે જોયું, એવું જ થયું?

ડિસેમ્બર 2024માં જ્યારે પરિવાર ચેસ્ટરમાં રહેતો હતો, ત્યારે કીનનને વૉકિંગ ફ્રેમનો ઉપયોગ કરીને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને થોડાં અઠવાડિયાં પછી તેઓ જિમમાં પાછા ફર્યા હતા.

હૉસ્પિટલ છોડ્યાના આઠ મહિના બાદ કીનન અને ઓલિવિયાએ તેમના મિત્રો અને પરિવારની હાજરીમાં લગ્ન કરી લીધાં હતાં.

પરંતુ તેમણે કહ્યું કે સૌથી વિશેષ આનંદ ત્યારે થયો જ્યારે તેમને ખબર પડી કે ઓલિવિયા ગર્ભવતી છે, અને જૂનમાં બાળકનો જન્મ થવાનો છે. અને તેમાં એક સરપ્રાઇઝ પણ છુપાયેલી હતી.

તેમણે કહ્યું, "અમે સ્કેન માટે ગયા અને ત્યાં કામ કરતી મહિલાએ પાછળ ફરીને કહ્યું, 'ઓહ, બે બાળકો છે'"

"અલબત્ત, આ તો એવું જ થયું, જેવું મેં કોમા દરમિયાન જોયું હતું. તે સમયે મારા મગજમાં એક જ વિચાર આવ્યો, 'આ તો જાદુ થઈ ગયો."

કીનને કહ્યું કે તેમના બંને પરિવારોમાં જોડિયાં બાળકોનો કોઈ ઇતિહાસ નથી અને આ જોડિયાં બાળકો IVF કે અન્ય પ્રજનન સારવારના ઉપયોગ વિના કુદરતી રીતે જ થયાં હતાં.

તેમણે કહ્યું, "મને તો આ માત્ર સંયોગ છે એવું માનવું ખૂબ મુશ્કેલ લાગે છે. મને લાગે છે કે એ [મારો કોમાનો અનુભવ] ભવિષ્યની એક ઝલક હતી, આગળ શું થવાનું હતું તેની ઝલક."

"મને લાગે છે કે આ વાત પર વિશ્વાસ કરવા માટે તમારે જાતે તેનો અનુભવ કરવો પડે."

પીટરે કહ્યું કે, "વિજ્ઞાન તો એમ જ કહેશે.. તે કદાચ માત્ર સંયોગ છે", પરંતુ તેમણે એ પણ ઉમેર્યું કે વિજ્ઞાન બધું સમજાવી શકતું નથી.

તેમણે કહ્યું કે, "આપણી વૈજ્ઞાનિક સમજણ બાબતે હું એટલું જ કહીશ કે તેની પણ ઘણી મર્યાદાઓ છે."

"કોઈ બાબતમાં સાચા હોવા કરતાં, વ્યક્તિ માટે શું અર્થપૂર્ણ છે, આપણને શું મદદરૂપ થઈ શકે તેમ છે તે વધારે મહત્ત્વનું છે."

કીનને જણાવ્યું કે એ ઘટના બાદ જીવન પ્રત્યેનો તેમનો દૃષ્ટિકોણ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે.

તેમણે પોતાના જિમનો એક ભાગ વેચી દીધો છે અને હવે પરિવાર સાથે સમય પસાર કરવાની વાતને વધારે પ્રાથમિકતા આપે છે.

તેમણે કહ્યું, "મારા માટે અને મારા પરિવાર માટે જીવન હવે પહેલાં કરતાં વધુ સારું થઈ ગયું છે."

"હું હવે સતત દોડધામ અને તણાવમાં જીવતો નથી. હું મારાં બાળકોને નાસ્તો કરતા જોઉં છું, સૂતાં પહેલાં તેમને પુસ્તક વાંચીને સંભળાવવા માટે અને નહાવાના સમયે પણ ઘરે હાજર રહું છું."

"જે બન્યું તેને હું છુપાયેલા આશીર્વાદ નહીં કહું, કારણ કે તે ઘટના કોઈ માટે આશીર્વાદ નહોતી, પણ તેના લીધે અમે બધા નરક જેવા સમયમાંથી પસાર થયા."

"શારીરિક રીતે હું પહેલાં જે કરી શકતો હતો તે કરી શકતો નથી, પરંતુ મને સમજાઈ ગયું છે કે જીવનમાં અમુક બાબતો એ બધા કરતાં પણ ખૂબ જ મહત્ત્વની છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન