રૂપિયો નબળો પડવા પાછળનાં ત્રણ મુખ્ય કારણ શું છે, અર્થતંત્ર પર શું અસર પડશે?

પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

કોઈ દેશના અર્થતંત્રની સ્થિતિનો તાગ, તેનું ચલણ મજબૂત છે કે નબળું તેના આધારે મેળવી શકાય છે. સામાન્ય રીતે જે દેશનું અર્થતંત્ર ઝડપથી વિકસી રહ્યું હોય તેના ચલણને મજબૂત માનવામાં આવે છે.

ભારતનો વિકાસ દર હાલમાં સારો હોવા છતાં રૂપિયો 2018થી દર વર્ષે નબળો પડી રહ્યો છે.

ભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ 2013માં નરેન્દ્ર મોદીને તેમના વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા ત્યારે તેમણે નબળા રૂપિયાના મુદ્દે તત્કાલીન સરકાર સામે આક્રમક રીતે પ્રચાર કર્યો હતો.

એ સમયે બોલિવુડના ઘણા કળાકારો, પ્રખ્યાત ધાર્મિક નેતાઓ અને અન્ય ઘણી હસ્તીઓ પણ ડૉલર સામે રૂપિયો 60 સુધી ઘટી ગયો હોવાનો ઉલ્લેખ કરતા જોવા મળ્યા હતા.

જોકે, હવે બીજેપીના શાસન દરમિયાન ડૉલર સામે રૂપિયો 97ના સ્તરે આવી ગયો હોવા છતાં, અગાઉ અવાજ ઉઠાવનારા એ લોકો તરફથી કોઈ પ્રતિક્રિયા કેમ આવી નથી તેવો સવાલ ઘણા લોકો સોશિયલ મીડિયા પર પૂછી રહ્યા છે.

રૂપિયો ડૉલર સામે 100ના આંકડાને પાર કરશે તો સરકારની અસ્વસ્થતા વધુ વધી શકે છે.

ભારતીય રૂપિયો નબળો પડે છે ત્યારે વિદેશમાંથી માલ ખરીદવાનું વધુ મોંઘું થઈ જાય છે. તેનાથી પેટ્રોલિયમ, ગૅસ, ખાતર અને ઇલેક્ટ્રોનિક્સ જેવી આવશ્યક ચીજવસ્તુઓના ભાવ વધે છે. ભારત આ પૈકીની મોટાભાગની વસ્તુઓની વિદેશથી આયાત કરે છે.

રૂપિયો નબળો પડે છે ત્યારે વિદેશમાં કામ કરતા ભારતીયો સ્વદેશમાં જે ડૉલર (રૅમિટન્સ) મોકલે છે તેના માટે વધુ રૂપિયા મળે છે. તેનાથી તેમના પરિવારોને ફાયદો થાય છે.

રૅમિટન્સની દૃષ્ટિએ ભારત વિશ્વના અગ્રણી દેશો પૈકીનો એક છે.

માર્ચ 2025માં પૂર્ણ થયેલા નાણાકીય વર્ષમાં વિદેશમાં વસતા ભારતીયો (એનઆરઆઈ) દ્વારા દેશમાં 135 અબજ ડૉલરથી વધુ રકમ મોકલવામાં આવી હતી.

જોકે, પર્શિયન ગલ્ફ દેશોમાં કામ કરતા લાખો ભારતીયો કામદારો જે રૅમિટન્સ મોકલે છે તેના પર ઈરાન સંઘર્ષની અસર થઈ શકે છે.

ચિંતાજનક પરિસ્થિતિ

ભારતીય રૂપિયાની વર્તમાન સ્થિતિ દેશની અર્થવ્યવસ્થા માટે ચિંતાજનક માનવામાં આવે છે.

એક અમેરિકન ડૉલર સામે ભારતીય રૂપિયાનો વિનિમય દર ઘટીને લગભગ 97ની આસપાસ પહોંચી ગયો છે. 2026ના પાંચ મહિના પૂરા થયા નથી, પણ ડૉલર સામે રૂપિયો લગભગ સાડા સાત ટકા ઘટ્યો છે.

રૂપિયાના અવમૂલ્યનને રોકવાના ભારતના પ્રયાસો ખાસ અસરકારક દેખાતા નથી. તેથી ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઈ) પર નક્કર પગલાં લેવાનું દબાણ વધી રહ્યું છે.

રૂપિયાના અવમૂલ્યનને રોકવા માટે ભારત સરકાર અનેક પગલાં લઈ રહી છે, પણ તેની ઇચ્છિત અસર થતી હોય તેવું દેખાતું નથી. આ સંદર્ભે સરકારે સોના અને ચાંદી પરની આયાત જકાત બમણાથી પણ વધારે કરી દીધી છે.

સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે તેમજ ખાદ્ય તેલની આયાત પર નિયંત્રણો લાદવાનું વિચારી રહી છે. બીજી તરફ રિઝર્વ બૅન્ક બજારમાં ડૉલર વેચીને રૂપિયાના અવમૂલ્યનને નિયંત્રિત કરવાના પ્રયાસ કરી રહી છે.

ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યા પછી ક્રૂડઑઇલના ભાવમાં તીવ્ર વધારો થયો છે. એ કારણે ભારતની વેપાર ખાધ વધી રહી છે. રૂપિયાના નબળા પડવાની સીધી અસર ભારતીય શૅરબજાર પર પણ થઈ રહી છે.

વિદેશી રોકાણકારોએ ભારતીય શૅરબજારમાંથી આ વર્ષે વિક્રમસર્જક 23 અબજ ડૉલર પાછા ખેંચી લીધા છે.

રૂપિયો નબળો પડવાને કારણે વિદેશી રોકાણકારોને ડૉલરમાં ઓછું વળતર મળે છે. તેથી એવા રોકાણકારો ડૉલરની તુલનામાં મજબૂત ચલણ ધરાવતા દેશો તરફ વળી રહ્યા છે.

વૈશ્વિક રોકાણકારો માને છે કે આગામી દિવસોમાં રૂપિયો વધારે નબળો પડશે.

ડૉલર સામે રૂપિયો 100ના સ્તર સુધી પહોંચશે, એવી આગાહી પણ કરવામાં આવી રહી છે. એક સમયે આવું થવાનું અશક્ય માનવામાં આવતું હતું.

સિટી ગ્રૂપના મતાનુસાર, ભારતીય કંપનીઓ દ્વારા વિદેશમાં રોકાણ પર કડક નિયંત્રણો લાદવામાં આવી શકે છે. એ ઉપરાંત, નિકાસકારો વિદેશથી પ્રાપ્ત થયેલા નાણાં (પરદેશી ચલણ) શક્ય તેટલા વહેલા ભારતમાં લાવે એ માટે પણ કડક નિયમો લાદવામાં આવે તેવી શક્યતા છે.

ક્રૂડઑઇલના વધતા ભાવ અને વધતી ચિંતા

ભારત તેની કુલ જરૂરિયાતનું 90 ટકા ક્રૂડઑઇલ આયાત કરે છે. તેથી ક્રૂડઑઇલલના ભાવ વધે છે ત્યારે ભારતે એટલો જથ્થો ખરીદવા માટે અગાઉ કરતાં વધારે ડૉલર ખર્ચવા પડે છે.

તેની સાથે સાથે વિદેશી રોકાણ પ્રવાહ અન્યત્ર વળવાને કારણે પણ દબાણ વધી રહ્યું છે. વૈશ્વિક રોકાણકારોએ 2026માં ભારતીય શૅરબજારમાંથી 23 અબજ ડૉલર પાછા ખેંચી લીધા છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફ લાદવાની જાહેરાત ગયા વર્ષે કરી ત્યારે રૂપિયો વધારે ઝડપથી ઘટ્યો હતો.

એ પછી અમેરિકા તથા ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો અને ક્રૂડઑઇલના ભાવમાં વધારો થયો, રૂપિયા પર ફરી એકવાર દબાણ વધ્યું, જે દિવસેને દિવસે વધી રહ્યું છે.

અર્થશાસ્ત્રીઓ કહે છે કે રૂપિયાની નબળાઈ પાછળ ફક્ત બાહ્ય કારણો જ નથી, સ્થાનિક અર્થતંત્રની કેટલીક નબળાઈ પણ તેમાં કારણભૂત છે. આર્થિક વૃદ્ધિ મજબૂત હોવા છતાં આ સમસ્યાનું નિરાકરણ થયું નથી.

2025માં રૂપિયો એશિયામાં સૌથી ખરાબ પ્રદર્શન કરતાં ચલણો પૈકીનો એક હતો અને એ સ્થિતિ 2026માં પણ યથાવત્ રહેશે.

ડોનાલ્ડ ટ્રમ્પના દ્વિઅંકી ટેરિફ, ભારતીય શૅરબજારમાંથી વિદેશી રોકાણનું પાછું ખેંચાવું અને ધીમી આર્થિક વૃદ્ધિને રૂપિયાની નબળાઈનાં મુખ્ય કારણો તરીકે દર્શાવવામાં આવે છે.

રૂપિયામાંનો વર્તમાન ઘટાડો દર્શાવે છે કે ઈરાન સંઘર્ષને કારણ વધતા ઈંધણના ભાવને લીધે મોંઘવારી વધી શકે છે, આર્થિક વિકાસ ધીમો પડી શકે છે અને ભારતના ચાલુ ખાતાની ખાધ વધી શકે છે.

બ્લૂમબર્ગ ઇકૉનૉમિક્સના મતાનુસાર, ક્રૂડઑઇલના ભાવ પ્રતિ બેરલ 100 ડૉલર સુધી વધશે અને ગૅસના ભાવ સંઘર્ષ પહેલાંના ભાવ કરતાં 50 ટકા વધશે તો ભારતના આયાત બિલમાં દર મહિને લગભગ પાંચ અબજ ડૉલરનો વધારો થઈ શકે છે.

આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર શું કહે છે?

આરબીઆઈના ભૂતપૂર્વ ગવર્નર ડી. સુબ્બારાવે અંગ્રેજી અખબાર હિંદુસ્તાન ટાઇમ્સમાં 20 મેના રોજ લખ્યું હતું કે "રૂપિયાનું અવમૂલ્યન અચાનક સર્જાયેલી સમસ્યા નથી. હકીકતમાં રૂપિયો છેલ્લાં ઘણાં વર્ષોથી દબાણ હેઠળ છે, કારણ કે બાહ્ય તથા સ્થાનિક બન્ને કારણોસર ભારતમાંથી મૂડી બહાર જઈ રહી છે."

"વિદેશી રોકાણકારોએ ભારતમાંથી નાણાં પાછાં ખેંચી લીધાં છે અને સારી તકોની શોધમાં અન્ય દેશોનાં બજારમાં સ્થળાંતર કર્યું છે."

વૈશ્વિક સ્તરે રોકાણ હવે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, બાયૉટેક અને ડેટા સેન્ટર્સ જેવાં ટૅક્નૉલૉજી ક્ષેત્રો તરફ વળી રહ્યું છે. ભારતીય અર્થતંત્ર ઝડપથી વિકસી રહ્યું હોવા છતાં, આ અત્યાધુનિક ટેટૅક્નૉલૉજી ક્ષેત્રે ભારતની ભૂમિકા હજુ પણ મર્યાદિત લાગે છે.

તેથી રોકાણ નવાં ટૅક્નૉલૉજી ક્ષેત્રો તરફ એટલે કે ઇનૉવેશન ઇકૉનોમી તરફ વળશે તેમ તેમ રૂપિયા પર દબાણ વધશે તે લગભગ નક્કી છે.

ભારત પાસે હજુ પણ લગભગ 700 અબજ ડૉલરનું વિદેશી હૂંડિયામણ ભંડાર છે, જેને વિશ્વના સૌથી મોટા દેશોના ભંડાર પૈકીનો એક માનવામાં આવે છે, પરંતુ તેનાથી વધુ પડતો આત્મવિશ્વાસ રાખવો ન જોઈએ. સામાન્ય સમયમાં આ રકમ મોટી લાગે, પરંતુ તેની વાસ્તવિક તાકાત કટોકટીના સમયે વિશ્વાસ જાળવી રાખવામાં હોય છે.

વિદેશી હૂંડિયામણ ભંડાર પર વધતું દબાણ

આરબીઆઈના ડેટા અનુસાર, ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર હવે ઘટીને 690 અબજ ડૉલર થઈ ગયો છે. ફેબ્રુઆરી 2026માં એ ભંડાર 728 અબજ ડૉલરના રેકૉર્ડ ઉચ્ચ સ્તરે હતો.

ભારતનો સમાવેશ વિશ્વમાં સૌથી વધુ વિદેશી હૂંડિયામણ ભંડાર ધરાવતા દેશોમાં થાય છે. જોકે, આયાત ખર્ચમાં વધારો થતાં આ ભંડાર પર દબાણ વધી રહ્યું છે. 31 માર્ચે પૂર્ણ થયેલા નાણાકીય વર્ષમાં ભારતે ઊર્જા આયાત પાછળ 174 અબજ ડૉલર ખર્ચ્યા હતા.

એ જ સમયગાળામાં સોનાની આયાત 72 અબજ ડૉલર સુધી પહોંચી ગઈ હતી. ચાંદીની આયાત પણ લગભગ 150 ટકા વધીને 12 અબજ ડૉલર સુધી પહોંચી ગઈ હતી. તેવી જ રીતે ખાતરની આયાતનો ખર્ચ, ગત નાણાકીય વર્ષમાં 77 ટકા વધીને 14.6 અબજ ડૉલર થઈ ગયો હતો.

ક્રૂડઑઇલલ, સોનું, ચાંદી અને ખાતર એમ ચાર ચીજોમાં ભારતનો આયાત ખર્ચ ફક્ત ચાર વર્ષમાં બમણો થઈ ગયો છે. આયાત વધે છે ત્યારે વધુ ડૉલર ખર્ચવા પડે છે. તેનાથી ડૉલર પર દબાણ વધે છે અને રૂપિયો નબળો પડે છે. આ જ કારણસર સરકાર હવે આયાતના વધતા ખર્ચને નિયંત્રિત કરવાના પ્રયાસ કરી રહી છે.

નિકાસ કરતાં આયાત વધુ

ભારત હજુ પણ નિકાસ કરતાં વધુ માલની આયાત કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલા ટેરિફને કારણે અમેરિકામાં ભારતની નિકાસ હજુ પણ દબાણ હેઠળ છે. બીજી તરફ ભારત ઘણા દેશો સાથે ફ્રી ટ્રેડ ઍગ્રિમેન્ટ કરી રહ્યું છે.

દેશમાંથી નાણું બહાર જઈ રહ્યું છે અને વિદેશી હૂંડિયામણનો પ્રવાહ ઘટી રહ્યો છે એટલે સરકારે ગભરાટભર્યાં પગલાં લેવાનું કેમ શરૂ કર્યું છે તે સમજવું મુશ્કેલ નથી.

વિદેશી હૂંડિયામણ અનામત બચાવવા માટે સોનાની આયાતમાં ઘટાડો કરવો તેને ઓછો વિક્ષેપકારક વિકલ્પ માનવામાં આવે છે.

ભારતનો જથ્થાબંધ ફુગાવાનો દર એપ્રિલમાં વધીને 8.3 ટકા થયો હતો, જે ચાર વર્ષમાંનો સૌથી ઝડપી વધારો છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડેટા અનુસાર, જાન્યુઆરીમાં નિકાસ અને આયાત વચ્ચેનો તફાવત વધીને 34.68 અબજ ડૉલર થયો હતો, જે તેની પહેલાંના મહિનામાં 25.05 અબજ ડૉલર હતો.

જાન્યુઆરીમાં આયાત વાર્ષિક ધોરણે 19.2 ટકા વધીને 71.24 અબજ ડૉલર થઈ હતી, જ્યારે નિકાસ માત્ર 0.6 ટકા વધીને 36.56 અબજ ડૉલર થઈ હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન