You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત : 'અમને મંદિરમાં પણ જવા નથી દેતા', ગામ છોડવા મજબૂર બનેલા દલિતો
સાબરકાંઠાના તલોદ તાલુકામાં રૂપાલ નામનું નાનું એવું ગામ છે. ગામમાં જ્યાં દલિત પરિવારોનો વસવાટ છે ત્યાં પોલીસનું વાહન ઊભું છે અને છ – સાત પોલીસ જવાનો ત્યાં દિવસરાત પહેરો ભરી રહ્યા છે.
દલિત પરિવારો ગામમાંથી 'હિજરત કરીને બીજે ક્યાંક' રહેવા જવા માગે છે. ગામ છોડીને જવું છે એવું આવેદનપત્ર આપીને તેમણે કલેક્ટર અને એસપીને રજૂઆત કરી છે, જેમના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત છે તે વિષ્ણુ પરમારના આંગણામાં અડોશપડોશના લોકો બેઠા છે. કેટલાક દલિત આગેવાન પણ છે. કેટલાકના ચહેરા પર ચિંતા છે. ઘરની બહેનો વારંવાર ચા બનાવીને પીવડાવી રહી છે.
15 મેના રોજ 'ગાડીની સાઇડ આપવાની' બાબતમાં ગામના વિષ્ણુ પરમાર અને ગામના ક્ષત્રિય યુવક સાથે બોલાચાલી થઈ હતી. તે પછી પોલીસ બોલાવવી પડી હતી.
વિષ્ણુ પરમારે બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "મેં તેમને કારની સાઇડ આપવા કહ્યું તો તેમણે મને કહ્યું કે તમે નીચલી કક્ષાના માણસ છો. સાઇડ તમારે અમને આપવાની હોય, અમારે તમને ન આપવાની હોય."
તે પછી વાદવિવાદ થયો, બોલાચાલી થઈ અને પોલીસ બોલાવવી પડી હતી.
સરપંચે કહ્યું કે "હું પણ ગામ છોડીને જતો રહીશ"
18 મેના રોજ વિષ્ણુ પરમાર તેમજ ગામના અન્ય દલિત લોકોએ કલેક્ટરને આવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, "અમારો ગૌરવપૂર્વક જીવવાનો અધિકાર ગામના ક્ષત્રિય લોકો 'છીનવતાં હોવાના' કારણે 'હિજરત કરવા' જેવી સ્થિતિ ઊભી થઈ છે. માથાભારે તત્ત્વો સામે યોગ્ય પગલાં ભરવામાં આવે. જો સાત દિવસમાં નિરાકરણ નહીં આવે તો ગામના 35 જેટલા દલિત પરિવાર રૂપાલ ગામ છોડીને જતાં રહેશે."
આવેદનમાં પહેલી જ સહી વિષ્ણુ પરમારની છે. તેમણે જણાવ્યું હતું કે, મારે સરકારને એટલું કહેવું છે કે, "તમે સમરસતા - ન્યાયની અને ગુજરાત મૉડલની વાત કરતા હો તો ખરેખર એવું છે નહીં."
વિષ્ણુ પરમારનાં માતા કમળાબહેનની ઉંમર 66 વર્ષ છે. તેમણે કહ્યું હતું કે, "જીવ બચાવવો હોય તો જવું પડે ને? હું બહુ દુ:ખી છું, આ ગામમાં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ તમને પોલીસનું રક્ષણ તો આપવામાં આવ્યું છે?
કમળાબહેનનાં વહુ વિમળાબહેને જણાવ્યું કે, "પોલીસ તો છ સાત દિવસ રહેશે. પછી તો અમે એકલાને એકલા જ. રાતે બીક લાગે છે કે કોઈ અમારા પર હુમલો કરશે તો?"
ગામમાં શાંતિ - સલામતી જળવાઈ રહે તે જોવાની જવાબદારી સરપંચની પણ હોય છે. જોકે સરપંચે પણ ગામ છોડવાની તૈયારી દર્શાવી છે. ગામ છોડવાનું જે આવેદનપત્ર છે તેમાં સરપંચ નવીનભાઈ પરમારની પણ સહી છે.
આ ઘટના બની તે પછી તમે શું પગલાં લીધાં? સરપંચ પાસે તો ઘણી સત્તા હોય છે. જવાબમાં નવીનભાઈએ કહ્યું હતું કે, "આ ગામમાં સરપંચની કોઈ સત્તા ચાલે તેમ જ નથી. ગામમાં ક્ષત્રિયોનાં ઘર વધારે છે અને અમારાં ઓછાં છે. એમાં અમારું ક્યાંથી ચાલે? ન્યાય નહીં મળે તો હું પણ જતો રહીશ."
જેના પર 'આભડછેટ અને દુર્વ્યવહાર'નો આક્ષેપ થયો છે તે ક્ષત્રિય પરિવારનો બીબીસીએ સંપર્ક કર્યો હતો. તેમણે આ આક્ષેપો પાયાવિહોણા ગણાવીને કહ્યું કે અમે આ અંગે કશું કહેવા માગતા નથી. તો ગામના અન્ય સમાજના લોકોએ પણ આ મામલે કંઈ પણ બોલવાનો ઇન્કાર કર્યો હતો.
આ ઘટનામાં પોલીસે શું શું પગલાં લીધાં છે તે જાણવા હિમંતનગરમાં આવેલી સાબરકાંઠાની વિભાગીય પોલીસ અધિકારીની કચેરીનો સંપર્ક કવામાં આવ્યો તો તેમણે કહ્યું હતું કે, હાલ અમે આ વિશે કશું કહેવા માગતા નથી.
બીબીસીએ દલિતોની ફરિયાદ અને એ પછી કાર્યવાહી અંગે જિલ્લા કલેક્ટરનો સંપર્ક કર્યો છે. તેમનો જવાબ આવ્યે અહીં અહેવાલમાં ઉમેરી દેવાશે.
'તમે આવો શર્ટ ક્યાંથી પહેરવા માંડ્યા?' તેમ કહીને શર્ટ ઉતરાવી લીધો
દલિતો સાથે આભડછેટના બનાવ રૂપાલ ગામમાં અગાઉ પણ બની ચૂક્યા છે.
વિમળાબહેન પરમારે કહ્યું હતું કે, "વરઘોડામાં ઘોડા પર બેસવાની ના પાડી હતી. એક વખત મારા બનેવી ખબર કાઢવા આવતા હતા તો રસ્તામાં આંતર્યા અને કહ્યું કે 'અમે આવો શર્ટ નથી પહેરતા અને તમે ક્યાંથી પહેરવા માંડ્યા?' એવું કહીને શર્ટ ઉતરાવી લીધો હતો."
વિષ્ણુભાઈએ કહ્યું હતું કે, "અમે વરઘોડો કાઢીએ તો તેઓ વચ્ચે કોઈ વાહન લઈને આવી જાય. અમારે વરઘોડો બંધ કરીને પછી તે વાહનને જવા દેવું પડે. ગામડામાં દલિતોની સ્થિતિ જુઓ તો ગુજરાત વાઇબ્રન્ટ નથી અને વિકાસશીલ નથી."
જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેમાં પણ આભડછેટના બનાવોનો પણ ઉલ્લેખ છે.
'ક્યાં સુધી સમાધાન કરીશું?'
આ ઘટનામાં ગામના દલિતોએ આવેદનપત્ર તો આપ્યું છે, પણ પોલીસમાં ફરિયાદ નોંધાવી નથી.
વિષ્ણુ પરમારે કહ્યું હતું કે, "વારંવાર ફરિયાદો કરીને ક્યાં સુધી સમાધાન કરીશું? સમાધાન કર્યા પછી પણ ગામની સ્થિતિમાં તો કોઈ ફર્ક આવતો નથી. તેથી નાછૂટકે નિર્ણય લીધો કે કલેક્ટરને આવેદનપત્ર આપીએ."
સરપંચે પણ તે વાતમાં સૂર પૂરાવતાં કહ્યું હતું કે, "ગામમાં અગાઉ સાત – આઠ વખત ઍટ્રોસિટીની ઘટના થઈ છે. કેસ થાય પછી ગામમાંથી ધમકી આપે કે 'ગામમાં રહેવાનું છે ને? સમાધાન કરી લો'. પછી સમાધાન કરી લેવું પડે. દોઢ બે વર્ષે આવી એકાદ ઘટના થાય જ. મારી સાથે પણ આભડછેટની ઘટના થઈ ચૂકી છે. અમને મંદિરમાં પણ જવા નથી દેતા."
'જ્યારે હક અને અધિકારો માગે ત્યારે દલિતો ભોગ બને છે'
અર્જુન પટેલ સુરતમાં રહે છે અને સેન્ટર ફૉર સોશિયલ સ્ટડીઝમાં પ્રોફેસર પણ રહી ચૂક્યા છે. તેમણે ગુજરાતમાં 'દલિતોની હિજરત' પર એક પુસ્તક પણ લખ્યું છે.
બીબીસી સંવાદદાતા સુરેશ ગવાણિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે ગુજરાતમાં દલિતો સાથે થતી આભડછેટ એ કોઈ નવીન બાબત નથી, બહુ જૂની પુરાણી છે. વર્તમાન પણ બહુ ઘેરા સ્વરૂપમાં પ્રવર્તનમાન છે.
તેઓ કહે છે, "ગુજરાતમાં જ્યારે જ્યારે એસટી, એસસી, ઓબીસી અને લઘુમતી સમાજના લોકોએ પોતાના અધિકારની વાત કરી છે, ત્યારે તેમને રાજ્ય તરફથી કોઈ ન્યાય મળતો નથી. આથી દલિતોએ ગામ છોડીને જવા પડે એવા કિસ્સા 21મી સદીમાં પણ બને છે. આ આપણા માટે ખૂબ નાલેશીભરી વાત છે."
તેમના મતે, "આજે ગુજરાત વિકાસમાન હોવાની આપણે વાતો કરતા હોય, પરંતુ સામાજિક બાબતો ગુજરાત બીજાં રાજ્યો કરતાં ઘણું પાછળ છે. વર્તમાન રાજ્ય સરકારને પણ દલિતોની આ સમસ્યા નિવારવામાં કોઈ રસ નથી."
દલિતો સાથે ભેદભાવના કારણમાં તેઓ કહે છે કે "મારું એક સોશિયોલૉજિસ્ટ તરીકે માનવું છે કે જે ઝડપથી રાજકીય પરિવર્તન આવે છે, આર્થિક પરિવર્તન આવે છે, એવાં સામાજિક પરિવર્તનો આવતાં નથી. એના માટે જે પ્રયત્નો થવા જોઈએ એ થયા નથી. સરકાર પણ આ દિશામાં કોઈ પગલાં ભરે એવું લાગતું નથી."
"સામાજિક કર્મશીલો, મીડિયા પણ આવી બાબતોમાં ઊણાં ઊતર્યાં છે. આવનારા દિવસોમાં આ બાબત વધે તો નવાઈ નહીં. દલિતો હિજરત એટલા માટે કરે છે કે સરકાર કે પોલીસતંત્ર પર ભરોસો ઊઠી ગયો છે, માટે તેઓ બીજે ક્યાંક સુરક્ષિત રીતે જવા માગે છે, એવું જ મુસ્લિમોમાં પણ બને છે. આ એક પ્રકારનું કાવતરું પણ છે. જૂના લોકો પોતાનું વર્ચસ્વ બનાવી રાખવા માગે છે."
"નવાં મૂલ્યોનું એ લોકો સાહજિક રીતે સ્વીકાર નહીં કરે, ત્યાં સુધી આવું ચાલુ રહેશે."
દલિત કર્મશીલ અને સામાજિક કાર્યકર કાંતિલાલ પરમારના મતે, આઝાદીનાં 79 વર્ષ પછી પણ દલિતોની પરિસ્થિતિમાં કશો ફરક પડ્યો નથી. આજે પણ દલિતોને સામાજિક અને આર્થિક બહિષ્કારનો ભોગ બનવું પડે છે.
બીબીસી સંવાદદાતા સુરેશ ગવાણિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે "બંધારણની અંદર કલમ 17 હેઠળ કોઈ પણ વ્યક્તિ આભડછેટનું પાલન કરશે કે કોઈને પ્રોત્સાહિત કરશે એ સજાપાત્ર ગુનો છે. આર્ટિકલ 21 હેઠળ દરેક વ્યક્તિને ગૌરવપૂર્ણ રીતે જીવવાનો અધિકાર છે."
"પણ અહીં બંધારણીય અધિકારોનો સરેઆમ ભંગ થાય છે. આ દેશમાં કાયદાનું શાસન છે, પણ એ શાસન પણ આ 'મનુસ્મૃતિનું શાસન' ભારે પડે છે."
તેઓ કહે છે કે "જ્યારે પોતાના હક અને અધિકાર માટે દલિતો આગળ આવે ત્યારે તેનો ભોગ બનવું પડે છે. આથી સરકારે તાત્કાલિક કડકમાં કડક દાખલો બેસે અને આવા ગુનો નાબૂદ થાય તેવાં પગલાં ભરવાં જોઈએ."
ગુજરાતમાં દલિતો સાથે ભેદભાવના કિસ્સા
ગુજરાતમાં સમયાંતરે દલિતો સાથે ભેદભાવ થતો હોવાના આરોપ લાગતા રહે છે અને ગુજરાતી મીડિયામાં એના અહેવાલો પણ આવતા રહે છે. ગુજરાતમાં બનેલા કેટલાક કિસ્સાની વાત કરીએ તો...
- થોડા દિવસ પહેલાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના મેતાસર ગામમાં 'કૂવામાંથી પાણી ભરવા' મુદ્દે દલિતો સાથે ભેદભાવ થયો હોવાના આરોપો લાગ્યા છે. આ ઘટનાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. આ વિવાદ વધતાં ઍટ્રોસિટી ઍક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.
- પાટણ જિલ્લાના ચંદ્રમાણા ગામમાં દલિત સમાજના વરઘોડા પર ઠાકોર સમાજના લોકોએ હુમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આરોપ હતો કે ગામમાં દલિત સમુદાયની કોઈ વ્યક્તિએ પ્રથમ વખત ઘોડી પર બેસીને વરઘોડો જાહેર ચોકમાંથી કાઢ્યો હતો, એટલા માટે તેમના પર હુમલો થયો હતો.
- ખેડાની દિનશા પટેલ કૉલેજ ઑફ નર્સિંગના પ્રથમ વર્ષના વિદ્યાર્થી જય પાટીલે પહેલી ફેબ્રુઆરી, 2026ના રોજ કથિત રીતે આત્મહત્યા કરીને તેનું જીવન ટુંકાવી દીધું હતું. પરિવારનો આરોપ હતો કે "જય પોતે દલિત વિદ્યાર્થી હોવાથી કૉલેજમાં તેની સાથે ભેદભાવ કરવામાં આવતો અને તેને પરેશાન કરવામાં આવતો."
- જૂનાગઢના વીસાવદર તાલુકાના ભૂતડી ગામે મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા સમયે જમણવારમાં દલિતોને ઘરેથી અલગથી થાળી લાવવાનું કહેવાયું હોવાના આરોપ લાગ્યો હતો. આ મામલે દલિતોએ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી અને પાંચ સામે ગુનો નોંધાયો હતો.
- મહેસાણાના વકીલ કૌશિક પરમારે માહિતી અધિકાર કાયદા હેઠળ કરેલ એક અરજીના જવાબમાં ગુજરાત સરકારે 25 ફેબ્રુઆરી 2025ના રોજ જણાવ્યું હતું કે જૂન, 2024ની સ્થિતિએ રાજ્યનાં કુલ 27 ગામો/શહેરોમાં દલિતોને પોલીસ રક્ષણ અપાઈ રહ્યું હતું.
આત્મહત્યા એક ગંભીર મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો તમે તણાવમાંથી પસાર થઈ રહ્યા હોવ તો ભારત સરકારની જીવન આસ્થા હૅલ્પલાઇન 18002333330ની મદદ લઈ શકો છો. તમારે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન