You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું તમારે સિગારેટ છોડવી છે? તો ધૂમ્રપાનથી મુક્તિ મેળવવામાં સહાયક સાબિત થઈ શકે છે આ 'મૅજિક મશરૂમ'
- લેેખક, રશેલ નુવર
- પદ, બીબીસી ફ્યૂચર
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
નિકોટિનની લત ખૂબ જ તિવ્ર હોય છે, પરંતુ નવું સંશોધન દર્શાવે છે કે સાયકાડેલિક દવાઓ લોકોને તેમનો વૈશ્વિક દૃષ્ટિકોણ બદલીને ધૂમ્રપાન છોડવામાં મદદ કરી શકે છે.
તમાકુનું વ્યસન છોડવાનું સૌથી વધારે મુશ્કેલ હોય છે. તેમાં રહેલું નિકોટિન કોકેન અને હેરોઇન જેટલું જ, કદાચ તેનાથી પણ વધુ વ્યસનકારક હોય છે. સર્વેક્ષણોમાં પુખ્ત વયના આશરે 70 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ આ વ્યસનનો ત્યાગ કરવા ઇચ્છે છે. તેમ છતાં જેઓ પ્રયાસ કરે છે એ પૈકીની દસમાંથી એક વ્યક્તિ જ વ્યસન ત્યાગવામાં દર વર્ષે સફળ થઈ શકે છે.
જોકે, ચોક્કસ સાયકાડેલિક દવાઓ કેટલાક લોકોને ધૂમ્રપાનથી રાહત આપી શકે છે, તેવા પુરાવા વધી રહ્યા છે. દાખલા તરીકે, 2017ના એક સર્વેક્ષણમાં 781 લોકોએ જણાવ્યું હતું કે એલએસડી, મૅજિક મશરૂમ્સ અથવા અન્ય સાયકાડેલિકને કારણે તેમને ધૂમ્રપાન ઘટાડવામાં મદદ મળી હતી અથવા તો તેમણે ધૂમ્રપાન સંપૂર્ણપણે છોડી દીધું હતું.
આવું કેમ? આ સવાલનો જવાબ કદાચ ફિલૉસૉફિકલ પ્રકારનો છે. જે લોકોએ નિકોટિનની લતથી છૂટકારો મેળવ્યો હતો એ પૈકીના લગભગ બધાએ એક વાત કરી હતી કે તેમની જિંદગીની અગ્રતા અથવા મૂલ્ય બદલાઈ ગયાં હોવાની અનુભૂતિ તેમને અચાનક થઈ હતી. ખાસ કરીને તેમને એવું લાગ્યું હતું કે ધૂમ્રપાન હવે તેમના માટે નકામું છે.
અમેરિકાની જૉન હૉપકિન્સ યુનિવર્સિટીમાં મનોચિકિત્સા અને વર્તણૂંકીય વિજ્ઞાનના પ્રોફેસર તથા આ અભ્યાસના મુખ્ય લેખક મૅથ્યુ જૉન્સન કહે છે, "આ અનુભૂતિની તિવ્રતાએ ધૂમ્રપાન છોડવાના આ અગાઉના અદમ્ય મનોવૈજ્ઞાનિક પડકારને પાછળ ધકેલી દીધો હતો."
આ માત્ર કહેલી-સાંભળેલી વાતો નથી. પ્રસ્તુત પરિણામો પ્રયોગશાળામાં પણ સાચા સાબિત થયાં છે. જૉન્સન અને તેમના સાથીઓએ માર્ચ 2026માં અત્યાર સુધીને સૌથી મજબૂત પુરાવા પ્રસ્તુત કર્યા હતા. તેમાં દર્શાવવામાં આવ્યું હતું કે ટૉક થેરાપીની સાથે મૅજિક મશરૂમમાં મળી આવતા મુખ્ય સાયકૉઍક્ટિવ તત્ત્વ સાઇલોસાઇબિનનો એક ડોઝ લોકોને સિગારેટની લત છોડવામાં મદદ માટે નિકોટિન પેચવાળી થેરાપી કરતાં ઘણો વધારે અસરકારક છે.
ઇલાજના છ મહિના પછી, જે 42 લોકોએ સાઇલોસાઇબિનના ડોઝ લીધા હતા તેમની સિગારેટ છોડવાની સંભાવના, નિકોટિન પેચવાળા ગ્રૂપના લોકોની સરખામણીએ છ ગણી વધારે જોવા મળી હતી.
દુનિયાના મોટાભાગના દેશોમાં સાયકાડેલિક દવાઓ ગેરકાયદે ગણવામાં આવે છે અને સંશોધન અથવા પરીક્ષણ માટે તેમના ઉપયોગ પર આકરાં નિયંત્રણો છે. તેમ છતાં, તેનો ઉપયોગ માનસિક સ્વાસ્થ્ય સંબંધી તકલીફો તથા વ્યસનોની સારવારમાં મદદ માટે થઈ શકે, એવા પુરાવા વધી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકાના મેડિસનની વિસ્કોન્સિન યુનિવર્સિટીમાં ક્લિનિકલ સાયકૉલૉજીના પ્રોફેસર મેગન પાઇપર કહે છે, "અમેરિકામાં ધૂમ્રપાન છોડવાની કોઈ નવી દવા છેલ્લા 20 વર્ષમાં આવી નથી. તેથી અહીં રોમાંચક સંભાવના છે."
તેઓ ઉમેરે છે કે ધૂમ્રપાન, વિશ્વભરમાં મોત અને રોગોને અટકાવી શકાય તેવા મુખ્ય કારણો પૈકીનું એક છે. તેથી "લોકોને ધૂમ્રપાન છોડવામાં મદદ કરવા આપણને વધારે સાધનોની જરૂર છે."
જોકે, મૅજિક મશરૂમ લોકોને ધૂમ્રપાન છોડવામાં કેવી રીતે મદદરૂપ થાય છે તે સ્પષ્ટ નથી અને વિજ્ઞાનીઓ સવાલ કરે છે કે પ્રયોગનાં પરિણામની અજમાયશ વૈશ્વિક સ્તરે કરી શકાય કે કેમ અને તેમાં ખરેખર કઈ મનોવૈજ્ઞાનિક અથવા શારીરિક પદ્ધતિઓ ભાગ ભજવે છે?
જૉન્સન કહે છે, "એ કેવી રીતે કામ કરે છે તેના વિશે આપણે વધારે જાણતા ન હોઇએ, પરંતુ એ ચીજ કેવી રીતે કામ કરે છે તે જાણવું, તેને એફડીએની મંજૂરી મળે એટલે તે જાણવું જરૂરી પણ નથી."
વ્યસનના ઇલાજ માટે સાયકાડેલિક્સ
વિવિધ પ્રકારનાં વ્યસનોને દૂર કરવાની સાયકાડેલિક્સ દવાઓની સંભવિત ક્ષમતા વિશે લાંબા સમયથી સંશોધન કરવામાં આવી રહ્યું છે. મદ્યપાનની સારવાર માટે સંશોધકોએ 1950ના દાયકામાં એલએસડીનો ઉપયોગ, ઘણીવાર સફળતાપૂર્વક કર્યો હતો. ક્લિનિકલ ટ્રાયલ્સમાં સહભાગી બનેલા દારૂનું સખત વ્યસન ધરાવતા લોકોમાં તે નોંધપાત્ર રીતે ઓછું કરવામાં અથવા તેના સંપૂર્ણ ત્યાગમાં એમડીએમએ મદદરૂપ થઈ છે.
દરમિયાન, પુરાવાઓ અને પ્રાયોગિક અભ્યાસો સૂચવે છે કે મધ્ય આફ્રિકાની ઇબોગા શ્રબમાંથી મળી આવતું સાયકૉઍક્ટિવ આલ્કલૉઇડ ibogaine ઓપીઓઈલ વિથડ્રોઅલનાં લક્ષણો ઘટાડી શકે છે અને કેટલાક લોકોમાં તે ડ્રગ્સના વ્યસનને છોડવામાં ઉપયોગી બને છે.
સાયકાડેલિક મેડિસિન ઍસોસિએશનનાં ઍક્ઝિક્યુટિવ ડિરેક્ટર લિન મેરી મૉર્સ્કી, જેઓ સંશોધનમાં સામેલ ન હતાં, તેમના જણાવ્યાં મુજબ, અટકાવી શકાય તેવા મૃત્યુદરમાં ઘટાડો કરવાના સંદર્ભમાં જૉન્સન અને તેમના સાથીઓનું ધૂમ્રપાન બંધ કરવા સંબંધી કાર્ય "સાયકાલેડિલક સાયન્સમાંની સૌથી આકર્ષક અને સંભવિત રીતે અસરકારક તપાસ પૈકીની એકનું પ્રતિનિધિત્વ કરે છે."
આ પરીક્ષણનું નેતૃત્વ કરી રહેલા સંશોધક જૉન્સનને ધૂમ્રપાન છોડાવવાના વિષયમાં 2006માં રસ પડ્યો હતો. તેમણે ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા હતા કે સાયકાડેલિક્સ જેમની જીવનના સૌથી સાર્થક અનુભવો પૈકીનું એક છે. જોકે, એક વિજ્ઞાની તરીકે તેઓ એ જાણવા ઇચ્છતા હતા કે તેનો અર્થ શું છે. તેઓ કહે છે, "શબ્દો તો આખરે શબ્દો હો છે. મને સૌથી વધારે રસ વ્યવહારમાં પરિવર્તન લાવવામાં હતો."
તેમણે અન્ય વ્યસનોને બદલે ધૂમ્રપાનની પસંદગી કરી તેનાં કેટલાંક વ્યવહારુ કારણો હતાં: લોકો જે અન્ય પદાર્થોનો ઉપયોગ કરે છે તેની સરખામણીએ સિગારેટનાં જૈવિક નિશાનોને માત્ર શ્વાસ તથા પેશાબનાં આસાન સૅમ્પલ વડે વધારે ભરોસાપાત્ર તથા સસ્તા દરે જાણી શકાય છે. તેમને સાયકાડેલિક્સનું પરીક્ષણ એવા પ્રકારના વ્યસન પર કરવામાં પણ રસ હતો, જેમાં ભાવનાત્મક ઉથલપાથલ અને સખત આઘાત નહીં, પરંતુ રોજિંદા જીવનમાંની એકસમાન વ્યસનકારક આદત સમાવિષ્ટ હોય. (રોજિંદા જીવનમાંનું વ્યસન છોડવું વધારે મુશ્કેલ હોય છે)
ધૂમ્રપાન છોડાવવા માટે સાયલોસાયબિનનો પ્રારંભિક અભ્યાસ પૂર્ણ કરવામાં, મોટાભાગે ભંડોળના અભાવે, જૉન્સનને વર્ષો લાગ્યાં. 2015માં પ્રકાશિત કરવામાં આવેલા એ નાના અભ્યાસમાં ફક્ત 15 સહભાગીઓનો સમાવેશ થતો હતો. એ લોકો સરેરાશ 31 વર્ષથી ધૂમ્રપાન કરતા હતા અને તેમણે ઘણી વખત એ વ્યસન ત્યાગવાના પ્રયાસ કર્યા હતા.
સાયકાડેલિક્સ સાથેની સારવાર પછી દર્દીઓને 15 સપ્તાહની સ્ટ્રક્ચર્ડ પ્રક્રિયામાં ત્રણ વખત સાયલોસાયબિન આપવામાં આવ્યું હતું. તેમાં કોગ્નેટિવ બિહેવિયરલ થેરાપીનો પણ સમાવેશ થતો હતો. જૉન્સનના જણાવ્યા મુજબ, એ પછી એક સહભાગીએ તેમને તમાકુનું વ્યસન છોડવાની કોઈ જ ઇચ્છા થતી ન હોવાનું જણાવ્યું હતું. અન્ય મહિલા દર્દીએ એવું કહ્યું હતું કે "તેમને સિગારેટને સ્પર્શ સુદ્ધાં કરવાની ઇચ્છા ન થાય એવી રીતે રિપ્રોગ્રામ કરવામાં આવ્યાં હોય એવું લાગે છે."
સાયલોસાયબિન-આસિસ્ટેડ થેરાપીનાં બેથી ત્રણ સત્રો લીધાંના છ મહિના પછી 80 ટકા સહભાગીઓ ધૂમ્રપાનથી દૂર રહ્યા હતા. ધૂમ્રપાન છોડવા માટેની અન્ય બિહેવિયરલ અને ફાર્માલૉજીકલ થેરાપીમાં તુલનાત્મક દર સામાન્ય રીતે લગભગ 35 ટકા હોય છે.
આ વિચાર આશાસ્પદ લાગતો હતો.
સંભવિત નિરાકરણ
જૉન્સન અને તેમના સાથીઓએ તાજેતરના અભ્યાસમાં 82 સહભાગીઓને સામેલ કર્યા હતા. તેમને તેમના શારીરિક વજન અનુસાર 30 મિલિગ્રામ દવાની કૅપ્સ્યુલ સાથે મોટી માત્રામાં સાયલોસાયબિન અથવા કેટલાક સપ્તાહ સુધી નિકોટિન પેચ આપવામાં આવ્યા હતા. પ્રયોગના સમયગાળા દરમિયાન કેટલાક લોકોએ ધૂમ્રપાનની તેમની આદત વિશે ચિંતન કર્યું હતું, જ્યારે અન્ય લોકોએ એવું કર્યું ન હતું. એ પછી તમામ સહભાગીઓને 13 સપ્તાહ સુધી કોગ્નેટિવ બિહેવિયરલ થેરાપીનાં 10 સત્રોમાં સામેલ કરવામાં આવ્યા હતા. દરેક સત્ર એક સપ્તાહના અંતરે યોજવામાં આવ્યું હતું. તેમાં તેમણે ધૂમ્રપાન છોડવા વિશે ચિકિત્સક સાથે વાત કરી હતી.
છ મહિનાના સમયગાળા દરમિયાન સાયલોસાયબિન જૂથના 52 ટકા સહભાગીઓ સિગારેટથી દૂર રહ્યા હતા, જ્યારે નિકોટિન પેચ ગ્રૂપના 25 ટકા લોકો સિગારેટથી દૂર રહ્યા હતા.
કૅનેડાની ટોરોન્ટો યુનિવર્સિટીના ક્લિનિકલ સાયકૉલૉજિસ્ટ અને સહાયક પ્રોફેસર ડૉમિનિક મૉરિસાનો, જેઓ આ કાર્યમાં સામેલ ન હતા, તેઓ જણાવે છે કે નવાં તારણો "અતિશય રસપ્રદ" છે.
તેઓ કહે છે, "પરંપરાગત પદ્ધતિઓથી ધૂમ્રપાન છોડવું અત્યંત મુશ્કેલ છે."
જૉન્સન અને તેમના સાથીદારોના તારણને આધારે ડૉમિનિક મૉરિસાનો આગાહી કરે છે કે સાયલોસાયબિન-આસિસ્ટેડ ઉપચાર લોકોને રાહત આપવાનું એક મહત્ત્વપૂર્ણ માધ્યમ બનશે.
નવા અભ્યાસનાં તારણો "પ્રભાવશાળી અને આશાસ્પદ" હોવા બાબતે મૅગન પાઇપર સમંત થાય છે.
અલબત, તેમના મતાનુસાર, વધુ વૈવિધ્યસભર સૅમ્પલ સાથે વ્યાપક પરીક્ષણ કરવું જરૂરી છે. તેઓ કહે છે, "આ એક નાનો પાઇલોટ પ્રોજેક્ટ હતો. તેમાં ઉચ્ચ શિક્ષિત, મોટા ભાગે શ્વેત સહભાગીઓ સામેલ હતા, જેમણે સાયકાડેલિક્સનો ઉપયોગ કર્યો હતો. ધૂમ્રપાન કરતા બધા લોકો માટે સાયલોસાયબિન એટલું જ અસરકારક સાબિત થશે કે નહીં તે સ્પષ્ટ થયું નથી."
જૉન્સનના જણાવ્યા મુજબ, એક નાના પ્રારંભિક અભ્યાસ તરીકે અહીં એ પણ સ્પષ્ટ નથી કે સાયલોસાયબિન લીધા પછી ધૂમ્રપાન છોડનારા લોકોની ટકાવારી યથાવત્ રહેશે કે કેમ? આવું આશાસ્પદ પરિણામ વ્યાપક અભ્યાસમાં પ્રાપ્ત કરી શકાશે કે કેમ? એવાં જોખમો અને આડઅસરો છે, જે હજુ સુધી બહાર આવ્યાં નથી?
જૉન્સન અને તેમના સાથીઓ આવો જ એક અનુવર્તી અભ્યાસ કરી રહ્યા છે. અનેક અલગ અલગ સ્થળોએ એક મોટો ડબલ-બ્લાઇન્ડ રેન્ડમાઇઝ્ડ ટ્રાયલ હાથ ધરી રહ્યા છે. અમેરિકન નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ દ્વારા આપવામાં આવેલા લગભગ 40 લાખ ડૉલરના અનુદાનને કારણે એ અભ્યાસ શક્ય બન્યો છે. તે અમેરિકન સરકાર દ્વારા સાયકાડેલિક દવાની ઉપચારાત્મક અસરોની તપાસ માટે છેલ્લાં 50 વર્ષમાં આપવામાં આવેલું સૌપ્રથમ અનુદાન છે.
આ અભ્યાસમાં ભાગ લેનારા લોકોને સાયલોસાયબિનના બે ડોઝ આપવામાં આવશે. લોકોનું ધૂમ્રપાનનું વ્યસન છોડાવવા માટે તાજેતરના પ્રયોગમાં આપવામાં આવેલા એક ડોઝ કરતાં આ બે ડોઝથી વધારે સારું પરિણામ પ્રાપ્ત થશે કે કેમ એ બાબતે જૉન્સનને શંકા છે.
ધૂમ્રપાન છોડવાની આગાહી કરી શકે તેવી પૅટર્ન સમજવા માટે સહભાગીઓના બ્રેઇન ઇમેજિંગ ડેટાનું વિશ્લેષણ પણ જૉન્સન અને તેમના સાથીઓ કરી રહ્યા છે. જોકે, પરિવર્તનના કેન્દ્રમાં વર્તણૂંકીય લવચિકતા હોવા બાબતે તેમને શંકા છે. જૉન્સન કહે છે, "તમે લાંબા સમયથી કોઈ પૅટર્નમાં અટવાયેલા હો તો આ તમને ખળભળાવી શકે છે. તેની ખાતરી નથી, પરંતુ આ તેમાંથી બહાર નીકળવાનો એક સંભવિત માર્ગ જરૂર છે."
ટ્રિપિંગ શા માટે અસરકારક છે?
અમેરિકાના બર્કલેની યુનિવર્સિટી ઑફ કૅલિફોર્નિયાના ન્યૂરોસાયન્ટિસ્ટ ગુલ ડૉલેનના કહેવા મુજબ, સાયકાડેલિક્સ મગજમાં "નિર્ણાયક સમયગાળા"ના દ્વાર ફરીથી સક્રિય શકે છે, એવી તેમના તથા તેમના સાથીદારોની 2023ની શોધ સાથે નવાં તારણો સુસંગત છે. એ સમયગાળાની સંવેદનશીલતા અને લવચિકતાની મર્યાદિત સીમા સામાન્ય રીતે બાળપણ સુધી જ સીમિત હોય છે. એ સમયે વ્યક્તિ નવી ચીજો શિખવા માટે તૈયાર હોય છે.
ગુલ ડૉલેને કહે છે, આ બાબતમાં સાયલોસાયબિન "સંજ્ઞાનાત્મક વ્યવહાર ચિકિત્સાના માધ્યમથી ધૂમ્રપાન સંબંધી નવી આદત કેળવવાની તક આપે છે." ચિકિત્સાકીય પ્રતિક્રિયાનું ટકાઉપણું આખરે તો મગજની જૂની પૅટર્નના પુનર્ગઠનનું સ્થાયી પરિણામ છે.
મૉરિસાનો પણ સમાન સૂચન કરે છે. તેમના જણાવ્યા મુજબ, સાયલોસાયબિન વડે દર્દીઓની સારવાર કરતા ચિકિત્સકો ધૂમ્રપાન છોડવા માટે અન્ય કોઈ પદ્ધતિ રજૂ કરીને દવાની ન્યૂરોપ્લાસ્ટિક અસરનો વધુ મોટો લાભ લઈ શકે છે. તેનાથી ઍન્ટિડિપ્રેસન્ટના ફાયદાઓ વધારવા તથા જાળવવામાં મદદ મળી શકે છે. દાખલા તરીકે, વ્યાયામ અને માઇન્ડફૂલનેસ તથા ધ્યાન કેટલાકને ધૂમ્રપાન છોડવામાં મદદરૂપ થતા હોવાનું જાણીતું છે.
મૉરિસાનોના જણાવ્યા મુજબ, તેને દર્દીના સાયલોસાયબિન સત્ર દરમિયાન અને એ પછી સાયકૉથેરાપીમાં સામેલ કરી શકાય છે.
મૉરિસાનો કહે છે, "વ્યસન એક જટિલ સમસ્યા છે, જેમાં અનેક કારણોસર વધારો થાય છે અને કોઈ પણ સફળ ઉપચાર વેળાએ અનેક કારણોને ધ્યાનમાં રાખવાં પડશે. આજની જટિલ દુનિયામાં સંઘર્ષ કરી રહેલા લોકોની સહાય માટે આપણે વધારે રચનાત્મક થવું જરૂરી છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન