અમદાવાદમાં જે કૉમનવેલ્થ ગેમ્સ રમાશે એનું ભવિષ્ય અંધકારમય કેમ છે?

પ્રકાશિત
વાંચવાનો સમય: 8 મિનિટ

છેલ્લાં 12 વર્ષમાં બીજી વાર સ્કૉટલૅન્ડના ગ્લાસગો શહેરમાં કૉમનવેલ્થ ગેમ્સ યોજાવા જઈ રહી છે, પરંતુ એક સમયે તેના આયોજન માટે પ્રશ્ન ઊભા થયા હતા.

હકીકતમાં, 2026ની કૉમનવેલ્થ ગેમ્સના આયોજનની દાવેદારી કે બિડ પહેલાં ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યએ પ્રાપ્ત કરી હતી. પરંતુ આ રમતોના આયોજનના વધતા જતા ખર્ચના લીધે પછીથી તે તેમાંથી ખસી ગયું અને કૉમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાનો ઇન્કાર કરી દીધો.

ત્યાર પછી ગ્લાસગો શહેરે રમતોનું આયોજન કરવાની તૈયારી બતાવી, ત્યારે કૉમનવેલ્થ આયોજન સમિતિએ રાહતનો શ્વાસ લીધો, પરંતુ વિક્ટોરિયા દ્વારા આયોજનનો ઇન્કાર કરાયા પછી મીડિયામાં એ વાતની જોરશોરથી ચર્ચાઓ થવા લાગી હતી કે શું એકવીસમી સદીમાં કૉમનવેલ્થ ગેમ્સનું મહત્ત્વ જળવાઈ રહ્યું છે ખરું?

આ અઠવાડિયે દુનિયા જહાનમાં આપણે એ સવાલનો જવાબ મેળવવાની કોશિશ કરીશું કે શું કૉમનવેલ્થ ગેમ્સને બંધ કરવાનો સમય આવી ગયો છે?

ધાર્યા કરતાં ખર્ચ વધી ગયો

એપ્રિલ 2022માં ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યે કૉમનવેલ્થ ગેમ્સના આયોજનની બિડ પ્રાપ્ત કરી લીધી હતી.

ઑસ્ટ્રેલિયાની પાસે કૉમનવેલ્થ ગેમ્સના આયોજનનો ભરપૂર અનુભવ હતો, કેમ કે, આની પહેલાં તે પાંચ વખત આ ગેમ્સનું આયોજન કરી ચૂક્યું હતું.

લગભગ 20 વર્ષ પહેલાં વિક્ટોરિયા રાજ્યની રાજધાની મૅલબર્નમાં પણ કૉમનવેલ્થ ગેમ્સ યોજાઈ હતી.

ડૉક્ટર સ્ટુઅર્ટ વિંગહૅમ યુકેની ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં સ્પોર્ટના સિનિયર લેક્ચરર છે. તેઓ કહે છે કે વિક્ટોરિયા સરકાર 2026ની કૉમનવેલ્થ ગેમ્સનું રાજ્યના ઘણા ભાગોમાં આયોજન કરવા માગતી હતી. મૅલબર્ન શહેર ઘણી મોટી રમત સ્પર્ધાઓનું આયોજન કરી ચૂક્યું છે, તેથી તેની પાસે તેનો અનુભવ અને કૌશલ્ય બંને છે. પરંતુ, વિક્ટોરિયા સરકાર ઇચ્છતી હતી કે રમતોથી મળનાર સાંસ્કૃતિક અને વેપારી લાભ આખા ક્ષેત્ર માટે ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી મૅલબર્ન સિવાયનાં બીજાં ક્ષેત્રોમાં પણ ગેમ્સ માટેની સુવિધાઓ વિકસાવી શકાય અને રોકાણ આકર્ષી શકાય, પરંતુ આમાં શરૂઆતથી જ મુશ્કેલીઓ આવવા લાગી હતી.

ઑસ્ટ્રેલિયા પહેલાંથી જ 6 વર્ષ પછી 2032માં બ્રિસબેનમાં રમાનાર ઑલિમ્પિક ગેમ્સના આયોજનની તૈયારી કરતું હતું, જેના માટે કેન્દ્ર સરકારે અબજો ડૉલર ફાળવ્યા હતા. પરંતુ કૉમનવેલ્થ ગેમ્સ માટે કેન્દ્ર સરકાર પાસેથી વિક્ટોરિયા રાજ્યને કોઈ ભંડોળ આપવામાં નહોતું આવ્યું.

વિપક્ષી દળો કૉમનવેલ્થ ગેમ્સમાં મોટાં રોકાણનો વિરોધ કરતાં હતાં. ત્યાર પછી કોરોના મહામારીના લીધે આયોજન માટે જરૂરી સામગ્રીનો સપ્લાય પણ અવરોધાયો અને આયોજનનો ખર્ચ બમણો વધી ગયો.

પરિણામે, જુલાઈ 2023માં વિક્ટોરિયા રાજ્ય સરકારના પ્રમુખ ડૅનિયલ એન્ડ્રૂસે રાજ્યમાં કૉમનવેલ્થ ગેમ્સનું આયોજન રદ કરવાની જાહેરાત કરતાં કહ્યું કે આટલા મોટા ખર્ચે રમતોનું આયોજન કરવાનો કશો ફાયદો નથી.

ડૉક્ટર સ્ટુઅર્ટ વિંગહૅમ કહે છે કે "શરૂઆતથી જ રમતોના આયોજનનો ખર્ચ ઓછો આંકવામાં આવ્યો હતો. વિક્ટોરિયા સરકારને એવું લાગ્યું કે ખર્ચનું અનુમાન કરવામાં ભૂલ થઈ છે અને આયોજનનો ખર્ચ નિયંત્રણ બહાર જતો રહ્યો છે, તેથી હવે તેનું આયોજન કરી શકાશે નહીં."

બદલામાં વિક્ટોરિયા સરકાર કૉમનવેલ્થ ગેમ્સ ઍસોસિએશનને 25 કરોડ ડૉલર ચૂકવવા તૈયાર થઈ ગઈ. પરંતુ આવું પહેલી વાર નથી થયું.

આની પહેલાં દક્ષિણ આફ્રિકાના ડરબન શહેરે આયોજનની બિડ જીત્યા પછી આર્થિક કારણોથી પોતાનો હાથ પાછો ખેંચી લીધો હતો.

આખરે સ્કૉટલૅન્ડના ગ્લાસગો શહેરે આ જવાબદારી સ્વીકારી. તેનાં ઘણાં કારણ છે. એક તો એ કે ગ્લાસગો થોડાં વરસો પહેલાં જ આ રમતોનું આયોજન કરી ચૂક્યું હતું; અને બીજું, વિક્ટોરિયા રાજ્ય પાસેથી મળેલી દંડની રકમનો ભાગ પણ તેને સોંપી દેવાયો.

ડૉક્ટર સ્ટુઅર્ટ વિંગહૅમ કહે છે, "સ્કૉટલૅન્ડમાં કૉમનવેલ્થ ગેમ્સના આયોજન માટે યુકેની કેન્દ્ર સરકાર અને સ્કૉટલૅન્ડની સરકાર વચ્ચે 10 કરોડ પાઉન્ડના રોકાણ અંગે સંમતિ થઈ ગઈ. કૉમનવેલ્થ ગેમ્સ આયોજન સમિતિની દલીલ હતી કે ગ્લાસગોમાં રમતોના આયોજન માટે માળખું અને સુવિધાઓ પહેલેથી તૈયાર છે, તેથી આયોજનનો ખર્ચ ઓછો રહેશે."

અત્યારે તો ગ્લાસગોએ કૉમનવેલ્થ ગેમ્સના સંકટમાંથી ઉગારી લીધા છે, પરંતુ ઘણા પડકારો હજુ પણ ઊભા છે.

રમત, રાજકારણ અને ઇતિહાસ

કૉમનવેલ્થ ઑફ નૅશન્સ 58 સ્વતંત્ર દેશોની સંસ્થા છે, જેના મોટા ભાગના સભ્યો પહેલાં બ્રિટિશ સામ્રાજ્યનાં સંસ્થાનો હતાં.

1920ના દાયકા સુધી બ્રિટેન વિશ્વનું સૌથી મોટું સામ્રાજ્ય હતું. ભારત, કૅનેડા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, આફ્રિકાના મોટા ભાગ સહિત મધ્યપૂર્વનાં ઘણાં ક્ષેત્ર તેને અધીન હતાં.

પ્રથમ વિશ્વયુદ્ધ પછી આર્થિક સંકટો અને સંસ્થાનોમાં સ્વતંત્રતા સંઘર્ષો પછી બ્રિટિશ સામ્રાજ્યની પડતી થઈ અને તેની પૃષ્ઠભૂમિમાં કૉમનવેલ્થ ગેમ્સની કલ્પના સાકાર કરવામાં આવી.

અમારા બીજા ઍક્સ્પર્ટ ડૉક્ટર મૅથ્યૂ મૅક્‌ડોવેલ યુકેની ઍડિનબરા યુનિવર્સિટીમાં સ્પોર્ટ પૉલિસી અને મૅનેજમેન્ટના લેક્ચરર છે.

તેઓ યાદ કરાવે છે કે કઈ રીતે કૅનેડાના હૅમિલ્ટન શહેરમાં પહેલી કૉમનવેલ્થ ગેમ્સનું આયોજન થયું હતું.

તેઓ કહે છે, "બ્રિટનથી કૅનેડા જઈને વસેલા રૂઢિવાદી નિવાસીઓએ એ રમતોનું આયોજન બ્રિટિશ સામ્રાજ્યને ગૌરવાન્વિત કરવા માટે કર્યું હતું."

સાથે જ તેઓ કૅનેડામાં બેઝબૉલ જેવી અમેરિકન રમતોના વધતા પ્રભાવને પણ ઘટાડવા માગતા હતા. સાથે જ, તેઓ અમેરિકામાં રમતોમાં ભાગ લેનાર કૅનેડાના ઍથ્લીટોને પણ આકર્ષવા માગતા હતા.

કૉમનવેલ્થ ગેમ્સના આયોજનમાં એક મુશ્કેલી એ હતી કે તેને બ્રિટિશ સામ્રાજ્ય સાથે કઈ રીતે જોડવામાં આવે અને બદલાતા રાજકારણના સમયમાં ઑલિમ્પિક જેવી મોટી રમતોની સામે તેના મહત્ત્વને કઈ રીતે જાળવી રાખી શકાય?

ડૉક્ટર મૅથ્યૂ મૅક્‌ડોવેલે કહ્યું કે "પહેલાં કૉમનવેલ્થ ગેમ્સ બ્રિટિશ સામ્રાજ્યને ગૌરવાન્વિત કરતી જોવા મળી હતી, જ્યારે ઑલિમ્પિક ગેમ્સની મૂળ ભાવના રાષ્ટ્રવાદને પ્રોત્સાહન નહોતી આપતી. જોકે, એવું નથી કે બધા ઍથ્લીટો અને ભાગ લેનાર દેશો તેની સાથે સંમત હતા."

જોકે, આ રમતોના સ્વરૂપમાં ફેરફારની આવશ્યકતા હતી. ઘણી વખત આ સ્પર્ધાનું નામ પણ બદલવામાં આવ્યું અને અંતે 1978માં તેનું નામ કૉમનવેલ્થ ગેમ્સ થઈ ગયું. પરંતુ ત્યારે બીજી એક સમસ્યા ઊભી થઈ ગઈ હતી.

તેનું કારણ હતું દક્ષિણ આફ્રિકા અને તેનો પડોશી દેશ, જેનું નામ તે સમયે રોડેશિયા હતું – તેમને કૉમનવેલ્થમાં સામેલ કરવામાં આવ્યા હતા.

1948થી દક્ષિણ આફ્રિકાના અપાર્થાઇડ કે વંશવાદી સરકારના અપાર્થાઇડ કાયદાના કારણે માત્ર શ્વેત ઍથ્લીટ જ આંતરરાષ્ટ્રીય રમત સ્પર્ધાઓમાં દેશનું પ્રતિનિધિત્વ કરી શકતા હતા. એ જ રીતે રોડેશિયાએ પણ કાળા ઍથ્લીટોના ભાગ લેવા સામે કડક નિયંત્રણો લાગુ કરેલાં હતાં.

જોકે 1980માં ઝિમ્બાબ્વેના ગઠન પછી તેમાં ફેરફાર થયો. 1962થી 1990ના દાયકા સુધી દક્ષિણ આફ્રિકા પર આંતરરાષ્ટ્રીય રમત સ્પર્ધાઓમાં ભાગ લેવા સામે પ્રતિબંધ લદાયેલો હતો.

1994માં રાજકીય અને રમતગમતનીતિઓમાં સુધારા પછી આ પ્રતિબંધ હટી ગયો. જોકે તેનાથી વિવાદ ખતમ ન થયો. એક મુદ્દો એ છે કે બ્રિટનના રાજા ચાર્લ્સ હજુ પણ ઔપચારિક રીતે કૉમનવેલ્થના પ્રમુખ છે.

ડૉક્ટર મૅથ્યૂ મૅક્‌ડોવેલ કહે છે કે "કેટલાક દેશોમાં એવો સવાલ ઉઠાવાઈ રહ્યો છે કે કૉમનવેલ્થનું નેતૃત્વ બ્રિટનના થોડા લોકોના શાહી પરિવારની પાસે શા માટે રહે? કૉમનવેલ્થ ગેમ્સનો હજી સુધી તો અંત નથી થયો, પરંતુ ભવિષ્યમાં એવું જરૂર થઈ શકે છે."

ભવિષ્યમાં પણ આ રમતોના આયોજનનો ખર્ચ ઉઠાવવો સંભવ હશે?

આ વિવાદો ઉપરાંત એક મોટો સવાલ એ છે કે શું ભવિષ્યમાં પણ આ રમતોના આયોજનનો ખર્ચ ઉઠાવવો સંભવ હશે?

2022માં બર્મિંઘમમાં યોજાયેલી કૉમનવેલ્થ ગેમ્સના આયોજનમાં એક અબજ ડૉલરનો ખર્ચ થયો અને તેનાથી યુકેની અર્થવ્યવસ્થામાં 1.5 અબજ ડૉલરનું યોગદાન મળ્યું. એટલે કે, થોડોક આર્થિક લાભ જરૂર થયો. પરંતુ ભવિષ્યમાં આયોજક એ કઈ રીતે સુનિશ્ચિત કરી શકે છે કે રમતોના આયોજનથી આર્થિક નુકસાન ન થાય.

આ અંગે અમે અમારાં ત્રીજાં ઍક્સ્પર્ટ ડૉક્ટર વેરિટી પૉસલવ્હાયટ સાથે વાત કરી. તેઓ યુકેની લાફ્બ્રા યુનિવર્સિટીમાં સ્ટ્રૅટેજિક ઇવેન્ટ મૅનેજમેન્ટનાં લેક્ચરર છે.

તેમના મતે, કોઈ પણ મોટી રમત સ્પર્ધાના આયોજન માટે બિડ રજૂ કરવા માટે તેના માટે જરૂરી સુવિધાઓ વગેરેની યોજના બનાવવા અને મૂલ્યાંકન કરવામાં પણ ઘણા પૈસાનો ખર્ચ થાય છે. પછી કૉમનવેલ્થ ગેમ્સ આયોજન સમિતિ આ યોજનાનું મૂલ્યાંકન કરે છે, જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે દરેક રીતે આ રમતોનું આયોજન વ્યાવહારિક અને સંભવ છે કે નહીં. સાથે જ, આયોજન માટે ભંડોળ એકત્ર કરવા માટે પ્રાયોજકોને પણ યોજનામાં સામેલ કરે છે.

પરંતુ શું કેટલાંક આયોજક શહેર એવું પણ વિચારે છે કે કૉમનવેલ્થ ગેમ્સના આયોજનથી તેમની ઑલિમ્પિક ગેમ્સના આયોજનની દાવેદારી અને તૈયારી વધારે મજબૂત થઈ શકે છે?

ડૉક્ટર વેરિટી પૉસલવ્હાયટે કહ્યું કે "2030માં કૉમનવેલ્થ ગેમ્સનાં સો વર્ષ પૂરાં થઈ જશે. અત્યાર સુધીમાં ઘણાં શહેરોએ કૉમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું છે. એ બધાનો ઇરાદો રહ્યો છે કે આ રમતોના આયોજન દ્વારા પોતાની રમત સુવિધાઓને મજબૂત કરવામાં આવે. પછી એ ક્ષમતા અને અનુભવના જોરે ઓલિમ્પિક ગેમ્સના આયોજન માટે દાવેદારી રજૂ કરવામાં આવે."

આનું પહેલું ઉદાહરણ લંડન છે, જેણે 1934માં કૉમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યા પછી 1948માં ઑલિમ્પિક ગેમ્સનું આયોજન કર્યું હતું, પરંતુ એવું હંમેશાં ન થઈ શક્યું.

ડૉક્ટર વેરિટી પૉસલવ્હાયટે યાદ અપાવ્યું કે "2010માં દિલ્હીમાં કૉમનવેલ્થ ગેમ્સનું આયોજન થયું હતું, પરંતુ ઑલિમ્પિક ગેમ્સના આયોજનની તેની ઇચ્છા હજુ પૂરી નથી થઈ શકી. જોકે, ગુજરાતમાં 2030ની કૉમનવેલ્થ ગેમ્સનું આયોજન થયા પછી તેની ઇચ્છાને બળ જરૂર મળશે."

પરંતુ શું કૉમનવેલ્થના કેટલાક સભ્યોને 'કૉમનવેલ્થ' નામ સામે પણ વાંધો હોઈ શકે છે?

ડૉક્ટર વેરિટી પૉસલવ્હાયટ માને છે કે કૉમનવેલ્થ શબ્દનો બ્રિટિશ સામ્રાજ્યવાદ સાથે ગાઢ સંબંધ રહ્યો છે. તેઓ કહે છે કે આ રમત સંવાદિતા અને મિત્રતા વધારવાનું મહત્ત્વપૂર્ણ માધ્યમ છે, તેથી આ મુદ્દાથી કશી સમસ્યા આવવાની આશંકા નથી.

ચાલો, હવે નજર નાખીએ 2026ની કૉમનવેલ્થ ગેમ્સ પર.

સંવાદિતા અને સહયોગની શક્તિ

કૉમનવેલ્થ ગેમ્સની કિંગ્સ બૅટન રિલે 1 જુલાઈએ ગ્લાસગો પહોંચશે અને મહિનાના અંતમાં રમતો શરૂ થશે.

પ્રોફેસર ગેલ મૅક્‌ફર્સન વેસ્ટ સ્કૉટલૅન્ડ યુનિવર્સિટીમાં લેગસી ઍન્ડ કમ્યૂનિટી ઍન્ગેજમેન્ટ ફૉર કૉમનવેલ્થ ગેમ્સનાં ડાયરેક્ટર છે.

તેઓ કહે છે કે ગ્લાસગો શહેરમાં કૉમનવેલ્થ ગેમ્સ માટે ઘણો ઉત્સાહ છે.

તેમણે કહ્યું, "સ્પષ્ટ સંદેશ એ અપાયો છે કે આ રમતોનું આયોજન અગાઉની રમતોથી અલગ હોવું જોઈએ. આયોજન માટે વધારે ભંડોળ નથી, જેના લીધે તેને પોષણક્ષમ રીતે આયોજિત કરવી જરૂરી છે. સાથે જ તેનાથી એવો સંદેશો પણ જશે કે ભવિષ્યમાં નાના દેશ પણ કૉમનવેલ્થ ગેમ્સના આયોજન વિશે વિચારી શકે છે."

તેના માટે આયોજનનું એક નવું મૉડલ બનાવવું જરૂરી છે. આ રમતોની બધી જ સ્પર્ધાઓ આઠ કિલોમીટર વિસ્તારમાં યોજાશે.

પ્રોફેસર ગેલ મૅક્‌ફર્સને જણાવ્યું કે "બધી રમતો વર્તમાન ચાર જગ્યાએ રમાશે. ત્યાં સ્ટેડિયમ અને મેદાનોને સરખાં કરવા અને અપગ્રેડ કરવા માટે થોડું ભંડાળ ઉપલબ્ધ છે. પછીથી આ સુવિધાઓનો ઉપયોગ ક્ષેત્રમાં રમતગમતના વિકાસ માટે થઈ શકશે."

તેમણે કહ્યું કે "આ આયોજનમાં સાર્વજનિક ભંડોળનો સહેજે ઉપયોગ નહીં થાય. પ્રયત્ન એવો રહેશે કે આ રમતોથી આર્થિક નુકસાન ન થાય. બની શકે છે કે તેનાથી થોડોક નફો પણ કમાઈ શકાશે."

બર્મિંઘમ કૉમનવેલ્થ ગેમ્સમાં 19 રમતો હતી, પરંતુ 2026ની ગ્લાસગો કૉમનવેલ્થ ગેમ્સમાં માત્ર 10 રમત અને 6 પૅરા સ્પૉર્ટ ઇવેન્ટ હશે.

કૉમનવેલ્થ ઍસોસિએશનનું કહેવું છે કે આ રમતો વિશે નવેસરથી વિચારીને ફેરફાર કરવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. તેને આશા છે કે આનાથી કોઈ અન્ય દેશોને આ રમતોના આયોજન કે તેના માટે બિડ કરવા માટે પ્રોત્સાહિત કરી શકાશે.

કૉમનવેલ્થ ગેમ્સનો એક ઉદ્દેશ એ પણ છે કે તેમાં ભાગ લેનારા દેશ પોતાની સંસ્કૃતિ અને રમતગમતની ક્ષમતાને વિશ્વની સમક્ષ પ્રસ્તુત કરી શકે.

પ્રોફેસર ગેલ મૅક્‌ફર્સને કહ્યું કે "આ ક્ષમતાઓ દરેક દેશના સૉફ્ટ પાવરનો ભાગ છે, જેને એ દેશોના નેતા એક વૈશ્વિક મંચ પર પ્રસ્તુત કરી શકે છે. બીજી વાત એ કે, રમતો દ્વારા સંવાદિતા અને સાંસ્કૃતિક આદાનપ્રદાન પણ વધે છે. બધા દેશોને આ તક મળવી જોઈએ."

શું કૉમનવેલ્થ ગેમ્સને બંધ કરવાનો સમય આવી ગયો છે?

હવે પાછા જઈએ આપણા મુખ્ય પ્રશ્ન પર – શું કૉમનવેલ્થ ગેમ્સને બંધ કરવાનો સમય આવી ગયો છે?

આ રમતોનું આયોજન કરવામાંથી ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યનું ખસી જવું અને ત્યાર પછી તેને ગ્લાસગોમાં યોજવાની જટિલ પ્રક્રિયાથી તેના આયોજન વિશે ઘણા પ્રશ્નો ઊભા થયા છે.

રમતોના આયોજનનો વધતો ખર્ચ અને સમકાલીન રાજકારણમાં તેની સાર્થકતા બાબતે પણ સવાલ ઊભા થવા લાગ્યા છે. તેના જવાબમાં કૉમનવેલ્થ ઍસોસિએશને રમતોના સ્વરૂપમાં ફેરફાર કરીને તેને પોષણક્ષમ બનાવવાનો પ્રયાસ કર્યો છે, જેથી તેનું આયોજન કરનારી સરકારો તેનો આર્થિક બોજ ઉઠાવી શકે.

સાથે જ, કૉમનવેલ્થ ઍસોસિએશન આ રમતોને બંધ કરવાના પક્ષમાં બિલકુલ નથી. કૉમનવેલ્થ ગેમ્સનું આયોજન કરનારા અને તેમાં ભાગ લેનારા દેશોને તેના દ્વારા પોતાની રમતગમત સંસ્કૃતિ અને આર્થિક ક્ષમતા તથા સંભાવનાઓ પ્રસ્તુત કરવાની તક મળે છે.

કૉમનવેલ્થ ગેમ્સના શતાબ્દી વર્ષમાં, એટલે કે 2030માં કૉમનવેલ્થ ગેમ્સનું આયોજન ભારતના અમદાવાદ શહેરમાં થવાનું નક્કી છે. પ્રોફેસર ગેલ મૅક્‌ફર્સન કહે છે કે રમતોનાં આયોજન અને સ્વરૂપમાં ફેરફાર જરૂરી હતો, જેથી અન્ય દેશોને પણ તેના આયોજન માટે પ્રોત્સાહિત કરી શકાય. પરિણામે હવે નાઇજીરિયા પણ 2034ની કૉમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે ઉત્સુક છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન