ત્વિષા શર્મા કેસ : મધ્ય પ્રદેશ સરકારે સીબીઆઈ તપાસની ભલામણ કરી

પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

મધ્ય પ્રદેશ સરકારે શુક્રવારે ત્વિષા શર્મા કેસ મામલે સીબીઆઈ તપાસની ભલામણ કરી છે.

ત્વિષા શર્મા નોઇડાનાં રહેવાસી હતાં, જેમની સાથે કથિત રીતે દહેજ ઉત્પીડન થયું હતું, અને ગયા અઠવાડિયે તેમનું મૃત્યુ થયું હતું.

સરકારી સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, "આ કેસની તપાસ સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને સોંપવાનો પ્રસ્તાવ છે."

એક અધિકારીના જણાવ્યા અનુસાર આ જાહેરનામું ગૃહ વિભાગનાં સચિવ કૃષ્ણવેણી દેસાવતુએ બહાર પાડ્યું છે.

પોલીસનો દાવો

ભોપાલ પોલીસ કમિશનર સંજયકુમારે બીબીસી સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે, "આ સ્પષ્ટપણે આત્મહત્યાનો કેસ છે, હત્યાનો નહીં."

12 મેની રાત્રે કટારા હિલ્સસ્થિત ઘરમાંથી ત્વિષાનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના પરિવારનો આરોપ છે કે તેની હત્યા કરવામાં આવી છે, જ્યારે તેનાં સાસરિયાંનું કહેવું છે કે તેણે આત્મહત્યા કરી છે.

પોલીસે ત્વિષાના પતિ સમર્થસિંહ અને તેનાં સાસુ ગિરિબાલાસિંહ વિરુદ્ધ દહેજ ઉત્પીડન સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને તેની તપાસ છ સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) કરી રહી છે. ગિરિબાલાસિંહ એક નિવૃત્ત ન્યાયાધીશ છે.

બીજી તરફ, ત્વિષાનો પરિવાર આને હત્યા ગણાવી રહ્યો છે અને એવો આરોપ મૂકી રહ્યો છે કે પુરાવાઓ સાથે ચેડાં કરવામાં આવ્યાં છે. પરિવારે પોસ્ટમૉર્ટમ પર પણ ગંભીર સવાલો કરીને એવો આરોપ લગાવ્યો છે કે પ્રભાવશાળી લોકો આ તપાસમાં હસ્તક્ષેપ કરી રહ્યા છે.

(આત્મહત્યા એક ગંભીર માનસિક અને સામાજિક સમસ્યા છે. જો તમે તણાવ અનુભવી રહ્યા હોવ તો તમે ભારત સરકારની જીવન આસ્થા હેલ્પલાઇનના 18002333330 નંબર પર મદદ માગી શકો છો. તમારે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.)

ત્વિષા શર્માના મૃતદેહનું બીજી વખત પોસ્ટમૉર્ટમ એમ્સ દિલ્હીના ડૉક્ટરોની એક ટીમ પાસે કરાવવાની મંજૂરી મળી ગઈ છે.

મધ્ય પ્રદેશ હાઇકોર્ટે શુક્રવારે આ મામલે આદેશ આપ્યો, ડૉક્ટરોની એક ટીમને પોસ્ટમૉર્ટમ માટે ભોપાલ મોકલવામાં આવશે.

પરિવારે મધ્ય પ્રદેશ હાઇકોર્ટમાં બીજી વખત પોસ્ટમૉર્ટમની માંગ કરતી અરજી દાખલ કરી હતી.

ત્વિષા શર્માના પરિવારના વકીલ અંકુલ પાંડેએ બીબીસીને જણાવ્યું કે જલદી એમ્સ દિલ્હીના નિદેશક એક વિશેષજ્ઞ ટીમનું ગઠન કરશે.

ત્વિષા શર્માના પરિવારના બીજા વકીલ શુભાંક દીક્ષિતે બીબીસીને કહ્યું, "અમે હાઇકોર્ટમાં કુલ ત્રણ અરજી કરી હતી. પહેલી અરજી અભિયુક્ત પતિ સમર્થસિંહની આગોતરા જામીનની સામે કરવામાં આવી હતી. જોકે, આવેદનકર્તા સમર્થસિંહે ખુદ કોર્ટ સામે સરેન્ડર કરવાની વાત કરીને પોતાનું આવેદન પરત લીધું છે."

તેમણે કહ્યું, "અમારી બીજી અરજી ત્વિષાના મૃતદેહનું બીજી વખત પોસ્ટમૉર્ટમ કરવા માટે હતી. તેના પર માનનીય હાઇકોર્ટે અમારી માગ સ્વીકારતા એમ્સ દિલ્હીને નિર્દેશ આપ્યો છે કે જલદી એમ્સ દિલ્હીની ટીમ ભોપાલને મોકલીને ત્વિષાનું બીજી વખત પોસ્ટમૉર્ટમ કરાવવામાં આવે."

"ત્રીજી અરજી આરોપી સાસુ ગિરિબાલાસિંહની જામીન સામે હતી. જેના પર હાઇકોર્ટે ગિરિબાલાસિંહને કોર્ટ સમક્ષ 25મી તારીખે પેશ કરવાનું કહેવામાં આવ્યું છે."

અગાઉ ભોપાલની એક કોર્ટે ત્વિષા શર્માના પરિવારની બીજા પોસ્ટમોર્ટમની અરજી ફગાવી દીધી હતી.

જોકે, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટે કટારા હિલ્સ પોલીસને નિર્દેશ આપ્યો હતો કે મૃતદેહને એક એવા સગવડયુક્ત શબઘરમાં રાખવામાં આવે, જ્યાં તેને સડતો બચાવી શકાય.

દરમિયાન રાષ્ટ્રીય મહિલા આયોગે પણ આ બાબતની સ્વતઃ નોંધ લીધી છે. આયોગે મધ્ય પ્રદેશના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને પત્ર લખીને સાત દિવસની અંદર વિગતવાર 'કાર્યવાહી'નો રિપોર્ટ માંગ્યો છે.

અગાઉ કરાયેલા પોસ્ટમૉર્ટમના રિપોર્ટમાં મૃત્યુનું કારણ "ગૂંગળામણ" જણાવાયું છે, પરંતુ રિપોર્ટમાં મૃત્યુ પહેલાં શરીર પર લાગેલી અનેક ઈજાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મુદ્દે ત્વિષાનો પરિવાર સતત સવાલો ઉઠાવી રહ્યો છે.

પરિવાર દ્વારા શૅર કરાયેલી ચૅટમાં ત્વિષા વારંવાર તેનાં પતિ અને સાસરિયાં દ્વારા થતી હેરાનગતિની વાત કરતી હતી. જોકે, તેનાં સાસરિયાંએ આ આરોપોને નકારી કાઢ્યા છે.

પોલીસે અત્યાર સુધી શું કહ્યું?

બીબીસી સાથે વાત કરતાં ભોપાલ પોલીસ કમિશનર સંજયકુમારે જણાવ્યું, "આ સ્પષ્ટપણે આત્મહત્યાનો કેસ છે, હત્યાનો નહીં."

પોલીસ કમિશનરે એમ પણ કહ્યું કે તેમનાં સાસરિયાંએ લગાડેલા આરોપ મુજબ પોસ્ટમૉર્ટમ રિપોર્ટ કે તપાસમાં અત્યાર સુધી નશીલા પદાર્થના ઉપયોગના કોઈ પુરાવા મળ્યા નથી.

બીબીસીએ ત્વિષા શર્માના પોસ્ટમૉર્ટમનો રિપોર્ટ જોયો છે. તેમાં ગૂંગળાવાને કારણે મૃત્યુ થયાનું જણાવાયું છે.

રિપોર્ટમાં એ પણ નોંધાયું છે કે શરીરના અન્ય ભાગો પર "મલ્ટિપલ ઍન્ટીમૉર્ટમ ઇન્જરીઝ" અર્થાત્ અમુક એવી ઈજાઓ હતી, જે મૃત્યુ પહેલાં થઈ હતી. તેમાં ડાબા હાથ પરનું વાદળી નિશાન, કાંડા અને હાથની પાસે લાલ ઈજાની નિશાનીઓનો સમાવેશ થાય છે.

ઊઠી રહ્યા છે સવાલો

જોકે, ગૂંગળામણનો અર્થ આત્મહત્યાનો જ છે, એવો સ્પષ્ટ અર્થ ત્વિષાના પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાંથી નીકળતો નથી. એવી પણ ખબર નથી પડતી કે મૃત્યુ પહેલાં તેનો કોઈની સાથે શારીરિક સંઘર્ષ થયો હતો કે નહીં.

જ્યારે આ જ પ્રશ્ન અમે ભોપાલ પોલીસ કમિશનરને પૂછ્યો, ત્યારે તેમણે કહ્યું, "અમારી તપાસ અને અત્યાર સુધીનો પોસ્ટમૉર્ટમ રિપોર્ટ જોતા આ આત્મહત્યાનો જ કેસ છે."

રિપોર્ટ અનુસાર ગૂંગળામણ કે મૃત્યુ સંબંધિત સામગ્રી પણ પોસ્ટમૉર્ટમ ટીમને ઉપલબ્ધ કરાવવામાં આવી નહોતી.

આ જ બાબત હવે આ કેસના સૌથી મોટા વિવાદોમાંની એક બની ગઈ છે. ત્વિષાના પરિવારે ફોરેન્સિક પુરાવાઓના સંચાલન અને તપાસમાં બેદરકારીનો આરોપ લગાવ્યો છે.

ભોપાલ પોલીસ કમિશનર સંજયકુમારે પણ સ્વીકાર્યું છે કે પ્રારંભિક પોસ્ટમૉર્ટમ દરમિયાન આત્મહત્યામાં કથિત રીતે વપરાયેલી સામગ્રી તબીબી ટીમને પૂરી પાડવામાં આવી નહોતી. તેમણે કહ્યું કે આ ભૂલની અલગ રીતે તપાસ કરવામાં આવશે.

પોસ્ટમૉર્ટમ રિપોર્ટ સામે સવાલ

ત્વિષાના પરિવારનું કહેવું છે કે પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં નોંધાયેલી ઈજાઓ ઘણા પ્રશ્નો ઊભા કરે છે, અને તેના લીધે જ તેમણે દિલ્હીની એમ્સ ખાતે બીજા પોસ્ટમૉર્ટમની માંગણી કરી હતી.

બીબીસી સાથેની વાતચીત દરમિયાન ત્વિષાના પિતા નવનિધિ શર્માએ પોસ્ટમૉર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બંને પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.

તેમણે કહ્યું, "દરેક વ્યક્તિ આ બાબતને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. રિપોર્ટ પોતે કહી રહ્યો છે કે શરીર પર અનેક ઍન્ટીમૉર્ટમ ઈજાઓ હતી. તો આ ઈજાઓ આવી ક્યાંથી? હું માત્ર એટલું જ ઇચ્છું છું કે મારી દીકરીને ન્યાય મળે."

તેમણે વધુમાં કહ્યું, "માનનીય કોર્ટે આ કેસમાં ફરાર આરોપી સમર્થ સિંહને 23 તારીખે હાજર થવાનું કહ્યું છે."

બીજી તરફ ભોપાલ પોલીસે ત્વિષાના પતિ સમર્થસિંહ સામે લૂકઆઉટ નોટિસ જાહેર કરી છે. ભોપાલ પોલીસ કમિશનર સંજયકુમારે જણાવ્યું છે કે SIT ટીમ આ કેસની "દરેક પાસાંની" તપાસ કરી રહી છે અને આરોપીની શોધ ચાલુ છે.

આ દરમિયાન મધ્ય પ્રદેશ સરકારે જણાવ્યું છે કે આ મામલામાં સીબીઆઈ તપાસ માટે તેઓ કેન્દ્ર સરકારને પત્ર લખશે.

મુખ્ય મંત્રી ડૉ. મોહન યાદવે બુધવારે 20 મેના રોજ ત્વિષાના પરિવાર સાથેની મુલાકાત દરમિયાન આવી ખાતરી આપી હતી. સરકારે એમ પણ કહ્યું હતું કે તે ત્વિષાનાં સાસુ, નિવૃત્ત ન્યાયાધીશ ગિરીબાલાસિંહને આપવામાં આવેલા આગોતરા જામીન સામે અપીલ કરશે.

ત્વિષાના પિતા નવનિધિ શર્મા બુધવારે નિવૃત્ત સૈનિકોના એક જૂથ સાથે મુખ્ય મંત્રીને મળ્યા હતા.

બીજી તરફ, રાષ્ટ્રીય મહિલા આયોગે આરોપીની ધરપકડ, ફરાર પતિ સમર્થસિંહની તપાસ, પાસપૉર્ટ જપ્ત કરવાની સ્થિતિ, સીસીટીવી ફૂટેજ, કૉલ રેકૉર્ડ, ઇલેક્ટ્રોનિક અને ફોરેન્સિક પુરાવા તથા પોસ્ટમૉર્ટમ રિપોર્ટ સંબંધિત માહિતી માંગી છે.

આયોગે પરિવારને કોઈપણ પ્રકારની ધમકી, દબાણ અથવા ચારિત્ર્યહરણથી સુરક્ષિત રાખવાની પણ વિનંતી કરી છે.

મૃત્યુના આઠ દિવસ બાદ પણ ત્વિષાનો મૃતદેહ હૉસ્પિટલમાં

આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે ત્વિષાનાં પતિ સમર્થસિંહ અને સાસુ ગિરિબાલાસિંહ વિરુદ્ધ દહેજ બાબતે હેરાનગતી સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.

આ મામલામાં ગિરિબાલાસિંહને તો અદાલતમાંથી આગોતરી જામીન મળી ગયાં હતાં, પરંતુ સમર્થસિંહની જામીન અરજી અદાલતે ફગાવી દીધી હતી.

આ કેસની તપાસ કરી રહેલી SITના વડા એસીપી રજનીશ કશ્યપ કૌલે બીબીસીને જણાવ્યું હતું કે, "અમે કોર્ટમાં એવી દલીલ કરી હતી કે જો સમર્થસિંહને જામીન મળે તો પુરાવા સાથે છેડછાડ થવાની આશંકા છે. ત્યારબાદ તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી."

એસીપી રજનીશ કશ્યપ કૌલના જણાવ્યા અનુસાર, "આ ઘટના પછી પોલીસને તાત્કાલિક જાણ પણ કરવામાં આવી નહોતી, જોકે સંડોવાયેલા પક્ષો (ત્વિષાનાં સાસરિયાં) કાયદા અને પ્રક્રિયાઓથી સારી રીતે વાકેફ છે."

ઘટનાના આઠ દિવસ પછી પણ સમર્થસિંહ ફરાર છે. પોલીસ કમિશનર સંજયકુમારનો દાવો છે કે આરોપીઓને શોધવા માટે ઘણી ટીમો કાર્યરત છે, અને 10,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે.

બીજી તરફ ત્વિષાના પિતા નવનિધિ શર્મા અને તેના ભાઈ મેજર હર્ષિત શર્મા સતત કહી રહ્યા છે કે આ કેસ આત્મહત્યાનો નહીં પણ હત્યાનો છે.

બીબીસી સાથે વાત કરતાં નવનિધિ શર્માએ જણાવ્યું, "અમે એક મોટી વ્યવસ્થા સામે લડી રહ્યા છીએ."

પરિવારનો આરોપ છે કે લગ્ન પછી ત્વિષાને દહેજ અને અન્ય બાબતે સતત હેરાન કરવામાં આવતી હતી.

એફઆઈઆરમાં જણાવાયેલા આરોપો અનુસાર તેના પતિ સમર્થસિંહ અને સાસુ ગિરીબાલાસિંહ તેના ચારિત્ર્ય પર પ્રશ્નો ઉઠાવતા હતા.

ત્વિષાના પરિવારનું કહેવું છે કે ત્વિષાના મૃત્યુ પહેલાં 12 મેની રાત્રે તે સતત તેમના સંપર્કમાં હતી. તેમના મતે ત્વિષાએ રાત્રે લગભગ 9:41 વાગ્યે તેના પિતાને વૉટ્સઍપ કૉલ કર્યો હતો, પરંતુ વાતચીત દરમિયાન કૉલ અચાનક ડિસ્કનેક્ટ થઈ ગયો હતો.

પરિવારે એવી પણ ચિંતા વ્યક્ત કરી હતી કે વિલંબ થવાથી મૃતદેહ સડી જવાને કારણે મહત્ત્વના ફોરેન્સિક પુરાવાઓ અસરગ્રસ્ત થઈ શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન