લોકસભા ચૂંટણી 2019 : કૉંગ્રેસની વર્કિંગ કમિટીનું ઐતિહાસિક ગુજરાત કનેક્શન શું છે?

પ્રિયંકા ગાંધી અને કુમારી શૈલજાની તસવીર
ઇમેજ કૅપ્શન, અમદાવાદની CWCમાં પ્રિયંકા ગાંધીએ ભાગ લીધો
    • લેેખક, જય શુક્લા
    • પદ, બીબીસી ગુજરાતી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે એટલે રાજનીતિની દૃષ્ટિએ આ બેઠકને ગમે તે રીતે મૂલવવામાં આવે, તે સ્વાભાવિક છે.

પરંતુ, ઇતિહાસમાં નજર નાખીએ તો એક સમય એવો હતો, જ્યારે દેશની સ્વતંત્રતામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા આ કૉંગ્રેસ પક્ષમાં ગુજરાત મૂળના કે પછી ગુજરાતી (અવિભાજીત બૉમ્બે) હોય એવા નેતાઓનો દબદબો હતો.

કૉંગ્રેસને ગુજરાત તરફથી સાત પ્રમુખો મળ્યા છે. ગુજરાતમાં છેલ્લે વર્ષ 1961માં ભાવનગર ખાતે વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ હતી.

line

ઉચ્છંગરાય ઢેબર

ઇંદિરા ગાંધીની તસવીર
ઇમેજ કૅપ્શન, ઇંદિરા ગાંધીએ ગુજરાતી ઉચ્છંગરાય ઢેબર પાસેથી અધ્યક્ષપદ સંભાળ્યું તે સમયની તસવીર

કૉંગ્રેસની પહેલી વર્કિંગ કમિટીની બેઠક બૉમ્બેમાં 28 ડિસેમ્બર, 1885માં મળી હતી, જેના અધ્યક્ષ હતા વ્યોમેશચન્દ્ર બેનરજી.

ત્યારથી લઈને અત્યાર સુધી ઘણા ગુજરાતીઓએ આ વર્કિંગ કમિટીના અધ્યક્ષપદે રહ્યા છે, જેમાં જામનગરના ગંગાજળા ગામે જન્મેલા ઉચ્છંગરાય ઢેબરે પાંચ વખત બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું.

તો ગુજરાતના નવસારીમાં જન્મેલા (તેમના જન્મસ્થળ અંગે વિવાદ છે. કેટલાક તેમનો જન્મ નવસારીમાં થયો હોવાનું કહે છે, જ્યારે કેટલાક બૉમ્બેમાં.)

બૉમ્બેમાં ઉછરેલા પારસી એવા દાદાભાઈ નવરોજીના અધ્યક્ષપદ હેઠળ આ બેઠક ત્રણ વખત મળી હતી.

મહાત્મા ગાંધી, સરદાર પટેલ પણ આ કારોબારી સમિતિનું અધ્યક્ષપદ સંભાળી ચૂક્યા છે.

13 વખત એવું બન્યું છે, જ્યારે કોઈ ગુજરાતીના અધ્યક્ષપદે કૉંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળી હોય. ગુજરાત પંથકમાં આ વર્કિંગ કમિટીની ચાર વખત બેઠકો થઈ છે.

છેલ્લે આ બેઠક ભાવનગરમાં મળી હતી. 1961માં મળેલી આ બેઠકમાં અધ્યક્ષ નીલમ સંજીવ રેડ્ડી હતા અને તે કૉંગ્રેસની 66મી વર્કિંગ કમિટીની બેઠક હતી.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

દાદાભાઈ નવરોજી

દાદાભાઈ નવરોજીની તસવીર
ઇમેજ કૅપ્શન, દાદાભાઈ નવરોજી

કૉંગ્રેસની બીજી વર્કિંગ કમિટીની બેઠક વર્ષ 1886માં કલકત્તા (હાલનું કોલકાત્તા)માં મળી હતી. તેમાં હિંદના 'દાદા' કહેવાતા એવા દાદાભાઈ નવરોજીએ આ બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું.

દાદાભાઈ નવરોજી પહેલા ભારતીય બ્રિટીશ સાંસદ પણ બન્યા હતા. ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમનો મોટો ફાળો હતો.

તેમણે 9મી અને 22મી વર્કિંગ કમિટીની બેઠકોનું અનુક્રમે 1893માં અને 1906માં લાહોર તથા કલકત્તામાં અધ્યક્ષપદ શોભાવ્યું હતું.

છઠ્ઠી વર્કિંગ કમિટીની બેઠકમાં અધ્યક્ષ હતા ફિરોજશાહ મહેતા. બૉમ્બેમાં પારસી પરિવારમાં જન્મેલા ફિરોજશાહની માતૃભાષા ગુજરાતી હતી.

તેઓ ન માત્ર કલકત્તામાં 1890માં યોજાયેલી 6ઠ્ઠી કારોબારીની બેઠકમાં અધ્યક્ષ હતા, પરંતુ કૉંગ્રેસની રિસેપ્શન કમિટીની બૉમ્બેમાં વર્ષ 1889 અને 1904માં મળેલી બેઠકોમાં પણ અધ્યક્ષ હતા.

12મી વર્કિંગ કમિટીની બેઠક કલકત્તામાં વર્ષ 1896માં મળી, જેના અધ્યક્ષ હતા રહીમુલ્લાહ એમ સયાની. 5 એપ્રિલ, 1847માં કચ્છમાં જન્મેલા રહીમુલ્લાહ ખોજા મુસ્લિમ સમાજમાંથી આવતા હતા.

રહીમુલ્લાહે મુસ્લિમોને કૉંગ્રેસના માધ્યમથી સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડ્યા હતા. તેઓ કૉંગ્રેસની પહેલી વર્કિંગ કમિટીની વર્ષ 1885માં મળેલી બેઠકમાં સામેલ બે મુસ્લિમ સભ્યો પૈકીના એક હતા.

line

ગુજરાતીઓ અને કૉંગ્રેસ

ઇંદિરા ગાંધી અને ફિરોઝ ગાંધીની તસવીર
ઇમેજ કૅપ્શન, ઇંદિરા ગાંધી તથા તેમના પતિ ફિરોઝ ગાંધી પણ સક્રિય રીતે કૉંગ્રેસ સાથે સંકળાયેાં હતાં

17મી કારોબારીની બેઠક ફરી કલકત્તામાં વર્ષ 1901માં મળી. આ વખતે કૉગ્રેસના અધ્યક્ષ હતા પારસી અને ગુજરાતી એવા દીનશા એદલજી વાચ્છા.

તા. 2જી ઑગસ્ટ, 1844ના રોજ પારસી પરિવારમાં બૉમ્બેમાં જન્મેલા દીનશાએ તત્કાલીન શાસક અંગ્રેજોની અર્થનીતિનો જોરદાર વિરોધ કર્યો.

18મી કારોબારીની બેઠકના અધ્યક્ષ હતા સુરેન્દ્રનાથ બેનરજી. સુરેન્દ્રનાથ બંગાળી હતા, પરંતુ 1902માં મળેલી આ બેઠકનું ગુજરાત કનેક્શન એટલા માટે છે કે એ બેઠક અમદાવાદમાં મળી હતી. .

કૉંગ્રેસની વર્કિંગ કમિટીની 36મી બેઠકનું પણ ગુજરાત કનેક્શન હતું. આ બેઠક અમદાવાદમાં વર્ષ 1921માં હકીમ અજમલ ખાનના અધ્યક્ષપદ હેઠળ મળી હતી.

line

સરદાર પટેલ અને ગાંધીજી

સરદાર પટેલ તથા ગાંધી અને નહેરુનું સ્થાપત્ય

39મી વર્કિંગ કમિટીની બેઠક 2જી, ઑક્ટોબર 1869માં પોરબંદરમાં જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધીના અધ્યક્ષપદે બેલગામમાં વર્ષ 1924માં મળી હતી.

ગાંધીએ દેશની આઝાદીની લડતમાં ફેલાયલા જુવાળમાં સિંહફાળો આપ્યો હતો.

તો સરદાર પટેલને કેમ ભૂલાય? સરદાર વલ્લભભાઈ પટેલે કરાચીમાં વર્ષ 1931માં યોજાયેલી 45મી વર્કિંગ કમિટીનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું.

પહેલાં ખેડા અને બાદમાં બારડોલી સત્યાગ્રહ આંદોલનથી તેઓ 'સરદાર'નું બિરુદ પામ્યા હતા.

કૉંગ્રેસનું 51મું રાષ્ટ્રીય સંમેલનનું પણ ગુજરાત કનેક્શન હતું. આ બેઠક વર્ષ 1938માં સુરતના હરીપુરામાં મળી હતી અને અધ્યક્ષ હતા નેતાજી સુભાષચન્દ્ર બોઝ.

વર્ષ 1955થી લઈને વર્ષ 1959 સુધી અનુક્રમે મદ્રાસ (આજનું ચૈન્નાઈ), અમૃતસર, ગૌહાટી (આજનું ગુવાહાટી), નાગપુર અને બેંગ્લોર (આજનું બેંગાલુરુ)માં મળેલી બેઠકના અધ્યક્ષ હતા, ગુજરાતના સૌરાષ્ટ્રના ઉચ્છંગરાય ઢેબર.

સ્વતંત્રતાની ચળવળમાં અગ્રસર રહેનારા ઉચ્છંગરાય સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી પણ રહ્યા હતા. કાઠિયાવાડનાં રજવાડાંઓના ભારતમાં વિલીનીકરણમાં તેમનો સિંહફાળો હતો.

line

કૉંગ્રેસ માટે ગુજરાત નસીબવંતુ

નહેરુ તથા મૌલાના આઝાદની તસવીર
ઇમેજ કૅપ્શન, 1961માં ભાવનગર ખાતે મળેલી બેઠકમાં નહેરુ તથા મૌલાના આઝાદ

કૉંગ્રેસનું 66મું સંમેલન ભાવનગરમાં મળ્યું હતું. જેમાં નીલમ સંજીવ રેડ્ડી પ્રમુખપદે હતા. અને હવે 58 વર્ષ પછી કૉંગ્રેસની રાષ્ટ્રીય કારોબારીની બેઠક ગુજરાતમાં થઈ રહી છે. ત્યારે આ બેઠકના અધ્યક્ષ છે રાહુલ ગાંધી.

આ બેઠકથી કૉંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં કેટલો લાભ મળે છે તે કહેવું કપરું છે.

કહેવાય છે કે ગુજરાત ગાંધી પરિવાર માટે લકી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ-ધરમપુરના લાલ ડુંગરી ગામથી જ પૂર્વ વડાં પ્રધાન ઇંદિરા ગાંધીએ 1980માં પ્રચાર અભિયાન શરૂ કર્યું હતું.

આ જ ગામથી વર્ષ 1984માં પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી અને વર્ષ 2004માં સોનિયા ગાંધીએ પ્રચાર અભિયાન શરૂ કર્યું હતું.

આ વખતે પણ રાહુલ ગાંધી અડાલજની બેઠક પહેલાં જનસભા કરી ચૂક્યા છે. હવે જોવાનું એ રહે છે કે રાહુલ ગાંધીને આ વખતે ગુજરાત કેટલું ફળે છે?

લાઇન
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો