અમેરિકાએ ભારત સહિત અનેક દેશો પર નવા ટેરિફ લાદવાની કરી જાહેરાત - ન્યૂઝ અપડેટ

અમેરિકાએ ભારત સહિત અનેક દેશો પર નવા ટેરિફ લાદવાની કરી જાહેરાત
ઇમેજ કૅપ્શન, અમેરિકાએ ભારત સહિત અનેક દેશો પર નવા ટેરિફ લાદવાની કરી જાહેરાત કરી છે.
પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

અમેરિકાએ ભારત સહિત પોતાના કેટલાક સૌથી મોટા વેપારી ભાગીદારો પર વિવિધ પ્રકારના નવા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.

મૅન્યુફૅક્ચરિંગના વિવિધ ક્ષેત્રોમાં જરૂરિયાત કરતાં વધુ ઉત્પાદન અને ઉત્પાદન ક્ષમતાની તપાસ માટે યોજાયેલી 'સેક્શન 301'ની તપાસ પછી આ ટેરિફ લાદવામાં આવી રહ્યા છે.

આ તપાસના દાયરામાં આવતા દેશોમાં ભારત, ચીન, યુરોપીય સંઘ, સિંગાપુર, સ્વિટ્ઝરલૅન્ડ, ઇન્ડોનેશિયા, મલેશિયા, કંબોડિયા, થાઇલૅન્ડ, દક્ષિણ કોરિયા, વિયતનામ, તાઇવાન, બાંગ્લાદેશ અને જાપાન સામેલ છે.

જુદા-જુદા દેશો અને ઉત્પાદનો પર અલગ-અલગ દરે ટેરિફ લાદવામાં આવશે.

ચીન પર સૌથી વધુ, 40 ટકા સુધીનો ટેરિફ લાદવામાં આવ્યો છે. ત્યાર પછી વિયતનામ પર 35 ટકા સુધી ટૅરિફ લાગશે. જ્યારે અન્ય દેશો પર 20 કે 25 ટકા સુધી ટેરિફ લાદવામાં આવશે.

જોકે, આમાંથી કેટલાક ટેરિફના દર વાસ્તવમાં ઘટી જશે. કારણ કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અગાઉથી જ કેટલાક દેશો સાથે ટેરિફની મહત્તમ સીમા નક્કી કરવા સંમત થઈ ચૂક્યા છે.

યુક્રેન યુદ્ધમાં રશિયાના કેટલા સૈનિકોનાં મોત થયાં?

યુક્રેન યુદ્ધમાં રશિયાના આશરે પાંચ લાખ સૈનિકોનાં મોત, રશિયન સરકારી આંકડામાંથી સામે આવી માહિતી - ન્યૂઝ અપડેટ બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, રશિયાએ આધિકારીક રીતે પોતાના માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા જાહેર કરી નથી.

રશિયાના સરકારી આંકડાના વિશ્લેષણ પરથી જાણવા મળ્યું છે કે, 2022માં યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 4,90,334 રશિયન સૈનિકોનાં મોત થયાં છે.

બીબીસીને મળેલી માહિતી અનુસાર, રશિયાની સરકારી આંકડા એકઠા કરતી સંસ્થા 'રોસસ્ટૅટ'ના ડેટાના વિશ્લેષણ પરથી આ માહિતી સામે આવી છે.

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

લીક થયેલા રોસસ્ટૅટના આંકડા દર્શાવે છે કે, યુક્રેન પર રશિયાના હુમલાએ દેશના ઢાંચાને કેવી રીતે બદલી નાખ્યો છે. આ આંકડા પરથી એ પણ ખબર પડે છે કે, આ યુદ્ધમાં રશિયાએ પણ કેટલી મોટી માનવીય કિંમત ચૂકવવી પડી છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શરૂઆતમાં માન્યું હતું કે, આ યુદ્ધ થોડા જ દિવસોમાં પૂરું થઈ જશે. પરંતુ હવે તેને શરૂ થયે આશરે પાંચ વર્ષ થવાં આવ્યાં છે.

બીબીસી રશિયન સર્વિસને 2021થી સપ્ટેમ્બર 2026 સુધીના 1.1 કરોડથી વધુ મૃત્યુના રેકૉર્ડ મળ્યા છે. બેલારૂસના જૂથ 'સાયબર પાર્ટિઝન્સ BY' અને યુક્રેનના 'સાયલન્ટ ક્રો' દ્વારા કરાયેલા સાયબર હુમલા પછી આ રેકૉર્ડ સામે આવ્યા હતા.

રોસસ્ટૅટ ઍજન્સીએ સાયબર હુમલાની વાત સ્વીકારી છે. જોકે, કોઈ સંવેદનશીલ કે ગોપનીય માહિતી લીક થઈ હોવાનો તેમણે ઇન્કાર કર્યો છે.

બીબીસી રશિયન સર્વિસે સ્વતંત્ર રશિયન મીડિયા સંસ્થા 'મીડિયાઝોના' સાથે મળીને આ આંકડાની સરખામણી પોતાની એ યાદી સાથે કરી હતી, જેમાં રશિયન સૈનિકોનાં પ્રમાણિત મોતનો રેકૉર્ડ છે. આ યાદી યુદ્ધ શરૂ થયા પછી સાર્વજનિક રૂપે ઉપલબ્ધ સ્રોતોના આધારે તૈયાર કરવામાં આવી છે. બંને આંકડામાંથી 90 ટકા રેકૉર્ડ મૅચ થયા છે.

લશ્કરી તજજ્ઞોનું અનુમાન છે કે, બીબીસીની યાદીમાં નોંધાયેલાં 2,90,012 મોત વાસ્તવિક સંખ્યાના 45 થી 55 ટકા હોઈ શકે છે. આ યાદી સરકારી અહેવાલો, સોશિયલ મીડિયા પોસ્ટ, નવાં સ્મારકો અને કબરો પરથી મળેલી માહિતીના આધારે તૈયાર કરવામાં આવી છે.

તજજ્ઞોના આ અનુમાન મુજબ, યુક્રેન યુદ્ધમાં રશિયન સૈનિકોના વાસ્તવિક મૃત્યુનો આંકડો 5,27,295 થી 6,44,471 વચ્ચે હોઈ શકે છે.

ભારતે પેલેસ્ટિનિયન શરણાર્થીઓ માટે 25 લાખ અમેરિકી ડૉલરની સહાય આપી

ભારતની આ સહાયથી પેલેસ્ટિનિયન શરણાર્થીઓને શિક્ષણ, આરોગ્ય સેવાઓ અને રાહત સામગ્રી પૂરી પાડવાના પ્રયાસોને વધુ બળ મળશે.
ઇમેજ કૅપ્શન, ભારતની આ સહાયથી પેલેસ્ટિનિયન શરણાર્થીઓને શિક્ષણ, આરોગ્ય સેવાઓ અને રાહત સામગ્રી પૂરી પાડવાના પ્રયાસોને વધુ બળ મળશે. ગાઝામાં એક મહિલા ભોજનની શોધમાં નજરે પડે છે. (પ્રતીકાત્મક તસવીર)

ભારત સરકારે પેલેસ્ટિનિયન શરણાર્થીઓના કલ્યાણ અને મદદ માટે સંયુક્ત રાષ્ટ્રની એજન્સી 'યુનાઇટેડ નૅશન્સ રિલીફ ઍન્ડ વર્ક્સ એજન્સી ફૉર પેલેસ્ટાઇન રિફ્યુજીઝ ઇન ધ નિયર ઇસ્ટ' (UNRWA)ને 25 લાખ અમેરિકી ડૉલરની આર્થિક સહાય આપી છે.

આ રકમ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારત તરફથી નક્કી કરાયેલા 50 લાખ અમેરિકી ડૉલરના વાર્ષિક યોગદાનનો જ એક ભાગ છે.

રામલ્લાસ્થિત 'રિપ્રેઝેન્ટેટિવ ઑફિસ ઑફ ઇન્ડિયા'ના જણાવ્યા અનુસાર, "ભારત તરફથી અપાયેલી આ આર્થિક મદદનો ઉપયોગ UNRWAનાં મૂળભૂત કાર્યક્રમો અને સેવાઓના સંચાલન માટે કરાશે."

આ નિવેદન રિયાધસ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર શૅર કર્યું હતું.

નિવેદનમાં વધુમાં જણાવાયું હતું કે, આ સહાયથી પેલેસ્ટિનિયન શરણાર્થીઓને શિક્ષણ, આરોગ્ય સેવાઓ અને રાહત સામગ્રી પૂરી પાડવાના પ્રયાસો વધુ મજબૂત બનશે.

પેલેસ્ટાઇનમાં ભારતના પ્રતિનિધિ મહિમા સિકંદે UNRWAના સિનિયર ફાઇનાન્સ આસિસ્ટન્ટ ખાલિદ હિન્દિયાને આ આર્થિક સહાયનો ચેક સુપ્રત કર્યો હતો.

આ સમયે તેમણે પેલેસ્ટિનિયન શરણાર્થીઓને માનવીય સહાય અને દવાઓ પૂરી પાડવા માટે ભારતની વચનબદ્ધતા પણ વ્યક્ત કરાઈ હતી.

જૅનિફર બૅરેટો મિસ યુનિવર્સ 2026 બન્યાં, ભારતનાં લિઝ મેજો ટૉપ 12માં સ્થાન મેળવવાથી ચૂક્યાં

જેનિફર બેરેટો- મિસ યુનિવર્સ 2026, ભારતની લિઝ મેજો ટૉપ 12માં સ્થાન મેળવવાથી ચૂક્યા
ઇમેજ કૅપ્શન, જૅનિફર બૅરેટો મિસ યુનિવર્સ 2026 બન્યાં

પ્યુર્ટો રિકોનાં જૅનિફર બૅરેટોએ મિસ યુનિવર્સ-2026નો ખિતાબ જીત્યો છે.

બુધવારે સેન જુઆનમાં આયોજિત સ્પર્ધાના 75મા ફિનાલેમાં તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં.

ડૉમિનિકન રિપબ્લિકનાં મૅલિસા નુનેઝ સ્પર્ધામાં પ્રથમ રનર-અપ રહ્યાં, જ્યારે વેનેઝુએલાનાં ક્લારા વેગાસે સેકન્ડ રનર-અપનું સ્થાન મેળવ્યું.

આ વર્ષે, કેરળનાં 19 વર્ષીય કાઝિયા લિઝ મેજોએ ભારત વતી સ્પર્ધામાં ભાગ લીધો હતો.

કાઝિયા ટૉપ-30માં સ્થાન મેળવવામાં સફળ રહ્યાં, પરંતુ ટૉપ-12માં પહોંચવામાં ચૂકી ગયાં.

જેનિફર બેરેટો- મિસ યુનિવર્સ 2026, ભારતની લિઝ મેજો ટૉપ 12માં સ્થાન મેળવવાથી ચૂક્યા
ઇમેજ કૅપ્શન, કેરળનાં 19 વર્ષીય કાઝિયા લિઝ મેજોએ ભારત વતી સ્પર્ધામાં ભાગ લીધો હતો.

સાઉદી અરેબિયામાં હુથી વિદ્રોહીઓના હુમલામાં બે ભારતીય ઘાયલ, વિદેશ મંત્રાલયે શું કહ્યું?

સાઉદી અરેબિયામાં હુથી વિદ્રોહીઓના હુમલામાં બે ભારતીય ઘાયલ, વિદેશ મંત્રાલયે શું કહ્યું?

ભારતે બુધવારે 24 નવેમ્બરના રોજ સાઉદી અરેબિયાની રાજધાની રિયાધના ફાયનાન્સિયલ ડિસ્ટ્રિક્ટ સ્થિત એક ટાવર પર થયેલા હુમલાની ટીકા કરી હતી.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રિયાધના ફાયનાન્સિયલ ડિસ્ટ્રિક્ટમાં થયેલા હુમલામાં બે ભારતીય નાગરિકો પણ ઘાયલ થયા છે.

વિદેશ મંત્રાલયે પોતાના સત્તાવાર નિવેદનમાં આ હુમલાની નિંદા કરી છે અને કહ્યું છે કે "રિયાધમાં ભારતીય દૂતાવાસ ઘાયલો અને તેમના પરિવારોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહ્યું છે. આ હુમલા નાગરિકોના જીવન માટે ગંભીર ખતરો છે. તેઓ સાઉદી અરેબિયાના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરે છે અને પ્રદેશની સુરક્ષા અને સ્થિરતાને નબળી પાડે છે. અમે આવા હુમલાઓને તાત્કાલિક રોકવાની માંગ કરીએ છીએ."

મંત્રાલયે જણાવ્યું હતું "અમે સાઉદી અરેબિયાના લોકો અને સરકાર સાથે અમારી સંપૂર્ણ એકતા અને સાઉદી અરેબિયાના સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને તેના નાગરિકો અને રહેવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાના પ્રયાસોમાં તેમના સંપૂર્ણ સમર્થનનો ફરીથી જાહેર કરીએ છીએ."

ભારતે પણ આ ક્ષેત્રમાં શક્ય તેટલી વહેલી તકે શાંતિ અને સામાન્યતા પાછી આવે તેવી આશા વ્યક્ત કરી છે.

ચીનનું શેનઝોઉ-24 મિશન લૉન્ચ, પાકિસ્તાનના ઝિશાન અલી પણ જઈ રહ્યા છે આ સ્પેસ સ્ટેશન

ચીનનું શેનઝોઉ-24 મિશન લૉન્ચ, પાકિસ્તાનના ઝીશાન અલી પણ જઈ રહ્યા છે આ સ્પેસ સ્ટેશન

ચીને બુધવારે શેનઝોઉ-24 અવકાશ મિશન લૉન્ચ કર્યું અને બાદમાં તેને "પૂર્ણ સફળ" જાહેર કર્યું હતું.

જિઉક્વાન સૅટેલાઇટ લૉન્ચ સેન્ટરના અવકાશયાત્રીઓએ મિશનની સફળતાની પુષ્ટિ કરી છે.

બેઇજિંગ ઍરોસ્પેસ કંટ્રોલ સેન્ટરના ફ્લાઇટ ડેટા અને અહેવાલો અનુસાર, શેનઝોઉ-24 અવકાશયાનને તેની નિર્ધારિત ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યું છે. અવકાશયાન સામાન્ય રીતે કાર્યરત છે.

આ મિશન હેઠળ, ત્રણ અવકાશયાત્રીઓને ચીનના તિયાંગોંગ સ્પેસ સ્ટેશન પર લઈ જવામાં આવશે.

તેમાં પાકિસ્તાની અવકાશયાત્રી મોહમ્મદ ઝિશાન અલીનો પણ સમાવેશ થાય છે, જે તિયાંગોંગ સ્પેસ સ્ટેશનની મુલાકાત લેનારા પ્રથમ વિદેશી નાગરિક હશે.

વાસ્તવમાં, ચીન અને પાકિસ્તાને ગયા વર્ષે અવકાશ ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

ચીનનું શેનઝોઉ-24 મિશન લૉન્ચ, પાકિસ્તાનના ઝીશાન અલી પણ જઈ રહ્યા છે આ સ્પેસ સ્ટેશન

સમાચાર એજન્સી રૉઇટર્સના અહેવાલ મુજબ, મોહમ્મદ ઝિશાન અલી તિયાંગોંગ સ્પેસ સ્ટેશનમાં લગભગ એક અઠવાડિયું વિતાવશે, જે ચીની અવકાશયાત્રીઓ માટેના સામાન્ય છ મહિનાના મિશન કરતાં ઘણો ઓછો સમયગાળો છે.

ઝિશાન અલીએ પોતાના મિશન વિશે કહ્યું છે કે તેઓ 'પાકિસ્તાનનું નામ અને 25 કરોડ પાકિસ્તાનીઓની આશાઓને પોતાના ખભા પર લઈને' અવકાશમાં જઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ચીન અવકાશ ક્ષેત્રમાં પોતાની શક્તિ વધારવા માટે અમેરિકા સાથે સ્પર્ધા કરી રહ્યું છે.

અમેરિકા અનેક દેશો પર નવા ટેરિફ લાદવાની તૈયારી કરી રહ્યું છે, જેની અસર ચીન અને જાપાન સહિત 16 દેશો પર પડશે
અમેરિકા અનેક દેશો પર નવા ટેરિફ લાદવાની તૈયારી કરી રહ્યું છે, જેની અસર ચીન અને જાપાન સહિત 16 દેશો પર પડશે.

અમેરિકા ઘણા દેશોમાંથી થતી આયાત પર નવા ટેરિફ લાદવાની તૈયારી કરી રહ્યું છે.

બીબીસીના અહેવાલ મુજબ, આ નિર્ણયથી અમેરિકાના ઘણા મુખ્ય વેપારી ભાગીદારોને અસર થશે, જેમાં ચીન, યુરોપિયન યુનિયન, મેક્સિકો અને જાપાન સહિત 16 દેશો કે વેપાર જૂથોનો સમાવેશ થાય છે.

ટેરિફ લાદવા એ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિનો મુખ્ય ભાગ રહ્યો છે, જેમાં દલીલ કરવામાં આવી છે કે આયાત વધારવાથી અમેરિકામાં ઉત્પાદનને વેગ મળશે અને નવી રોજગારીનું સર્જન થશે.

એપ્રિલ 2025માં, ટ્રમ્પે ઘણા વૈશ્વિક વેપાર ભાગીદાર દેશો પર મોટા ટેરિફની જાહેરાત કરી હતી. આ નિર્ણયથી વિશ્વભરમાં હોબાળો મચી ગયો. જોકે, આ ટેરિફ પાછળથી રદ કરવામાં આવ્યા હતા.

તે સમયે, અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ ​​જેમીસન ગ્રીયરે દલીલ કરી હતી કે વિદેશોમાં જરૂર કરતાં વધુ ઉત્પાદન થવાને કારણે અમેરિકન મેન્યુફેક્ચરિંગ પર અસર પડી રહી છે અને રોકાણને પણ પ્રોત્સાહન મળી રહ્યું નથી.

નવા ટેરિફ હેઠળ, આયાત ડ્યુટીના દર દેશથી દેશમાં બદલાશે, જે દેશે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે અગાઉ કયા પ્રકારના વેપાર કરારો પર હસ્તાક્ષર કર્યા છે તેના પર આધાર રાખે છે.

આ નિર્ણયથી અમેરિકા અને ચીન વચ્ચે વેપાર તણાવ વધુ વધશે તેવી આશંકા છે, કારણ કે વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ પહેલાંથી જ વેપાર વિવાદમાં ફસાયેલી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન