પહેલી એપ્રિલથી ઇન્કમટૅક્સના નવા નિયમો લાગુ થશે, નવા ફેરફારો કેવા છે, તમારા પર કેવી અસર થશે?

બીબીસી ગુજરાતી ઇન્કમટૅક્સ આવકવેરો નિયમો એચઆરએ ટૅક્સ રિટર્ન
ઇમેજ કૅપ્શન, નવા નિયમોના કારણે ટૅક્સની ગણતરીની પદ્ધતિ બદલાશે
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ભારત સરકારે ઇન્કમટૅક્સ એક્ટ, 2025ને નોટિફાઈ કર્યો છે. આ ધારો પહેલી એપ્રિલ 2026થી લાગુ થશે. 1961માં બનેલા 64 વર્ષ જૂના ધારાની જગ્યાએ નવો ધારો લાગુ થશે.

જાણકારોનું કહેવું છે કે આ નવા કાયદાથી ટૅક્સ સિસ્ટમ વધારે સરળ બનશે, વધુ સારી રીતે અનુપાલન થશે અને કેસનું પ્રમાણ ઘટશે.

ટૅક્સ સ્લૅબ અથવા દરમાં કોઈ ફેરફાર નથી થયો, પરંતુ નવા ફેરફારોથી પગારદાર લોકો, રોકાણકારો અને પ્રૉફેશનલોને અસર પડશે.

પહેલી એપ્રિલથી લાગુ થનારા મુખ્ય ફેરફારો કેવા છે?

બીબીસી ગુજરાતી ઇન્કમટૅક્સ આવકવેરો નિયમો એચઆરએ ટૅક્સ રિટર્ન
ઇમેજ કૅપ્શન, 64 વર્ષ જૂના આવકવેરા ધારાની જગ્યાએ હવે નવો ધારો આવશે.

હવેથી નાણાકીય વર્ષ અને આકારણી વર્ષની જગ્યાએ માત્ર એક જ ટૅક્સ વર્ષ રહેશે. તેનાથી ગૂંચવણ ઘટશે અને ટૅક્સની ગણતરી સરળ બનશે.

હવે સામાન્ય આઈટીઆર (આઈટીઆર-1 અને આઈટીઆર-2) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ રહેશે. બિઝનેસ અથવા વ્યવસાયિકો માટે આઈટીઆર (ITR-3 અને ITR-4)ની ડેડલાઇન 31 ઑગસ્ટ રહેશે.

આ ઉપરાંત ઑડિટવાળા કેસ/કંપનીઓ માટે તે 31 ઑક્ટોબર રહેશે. કેટલાક સ્પેશિયલ કેસમાં 30 નવેમ્બરની છેલ્લી તારીખ રહેશે. રિવાઇઝ્ડ રિટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદા પણ વધારવામાં આવી છે.

ટૅક્સ વર્ષના અંતથી 12 મહિના સુધી કેટલીક ફી સાથે રિવાઇઝ્ડ રિટર્ન ફાઇલ કરી શકાશે.

1. HRAમાં કેવા ફેરફાર થયા?

બીબીસી ગુજરાતી ઇન્કમટૅક્સ આવકવેરો નિયમો એચઆરએ ટૅક્સ રિટર્ન
ઇમેજ કૅપ્શન, એચઆરએમાં કર રાહત વધારવામાં આવી છે.

નવા નિયમો મુજબ પગારદાર લોકો માટે હાઉસ રેન્ટ અલાઉન્સ એટલે કે એચઆરએમાં ટૅક્સ રાહત વધી છે, પરંતુ નિયમો વધુ કડક બન્યા છે.

હવે આ છૂટછાટનો લાભ લેવા માટે મકાનમાલિક અથવા ભાડુઆતના સંબંધ વિશે જણાવવું જરૂરી રહેશે.

નવા નિયમો હેઠળ મુંબઈ, કોલકાતા, દિલ્હી, ચેન્નાઈ, હૈદરાબાદ, પૂણે, અમદાવાદ અને બૅંગ્લુરુમાં રહેતા કર્મચારીઓના પગારના 50 ટકા સુધી એચઆરએ છૂટ મળશે, જ્યારે બાકીની જગ્યાએ 40 ટકા સુધી મર્યાદા રહેશે.

અત્યાર સુધી માત્ર દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈના કર્મચારીઓને જ 50 ટકા સુધી છૂટ મળતી હતી, જ્યારે બાકીની જગ્યાઓ પર 40 ટકા છૂટ મળતી હતી.

તમે એક વર્ષમાં એક લાખ રૂપિયા કરતાં વધારે ભાડું ભરતા હોવ તો તમારે મકાન માલિકના પેન કાર્ડની વિગત આપવી પડશે.

2. કંપનીની કાર અને ડ્રાઇવરને લગતા નિયમો કયા છે

બીબીસી ગુજરાતી ઇન્કમટૅક્સ આવકવેરો નિયમો એચઆરએ ટૅક્સ રિટર્ન

નવા નિયમો મુજબ કંપની પાસેથી મળેલા ઘરની ટૅક્સ વૅલ્યૂએશન ઘટી છે.

પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ માટે હવે ટૅક્સેબલ વૅલ્યૂ શહેરની વસ્તી પર આધારિત રહેશે. 40 લાખથી વધુ વસ્તીવાળા શહેરમાં તે પગારના 10 ટકા રહેશે.

15થી 40 લાખ સુધીની વસ્તીના શહેરમાં પગારના 7.5 ટકા અને બાકીના વિસ્તારોમાં પગારના પાંચ ટકા રહેશે.

અગાઉ આ દર 15 ટકા હતો, તેનાથી પ્રાઇવેટ કંપનીઓના કર્મચારીઓનો ટૅક્સ ઘટશે.

કારના ઉપયોગને લગતા નિયમમાં પણ ફેરફાર થયો છે. કોઈ કર્મચારી કંપનીની કારનો ઉપયોગ પર્સનલ તથા સત્તાવાર બંને કામ માટે કરે તો 1.6 લીટર એન્જિન ક્ષમતાવાળી કાર પર માસિક પાંચ હજાર રૂપિયા અને તેનાથી મોટી કાર પર મહિને સાત હજાર ટૅક્સેબલ વૅલ્યૂ ગણવામાં આવશે.

કંપની તરફથી ડ્રાઇવર અપાયા હોય તો આ વૅલ્યૂમાં માસિક ત્રણ હજાર રૂપિયા ઉમેરાશે.

આ ઉપરાંત કંપની તરફથી અપાતા ગિફ્ટ અથવા વાઉચર પણ 15 હજાર રૂપિયા સુધી ટૅક્સ ફ્રી રહેશે.

3. આ સુવિધા પર કેટલી છૂટ મળશે

કર્મચારીઓના ફ્રી ફૂડ, પીણાં પર છૂટની મર્યાદા પણ વધારી દેવાઈ છે. અગાઉ તે પ્રતિ ભોજન 50 રૂપિયા સુધી હતું, પરંતુ હવે 200 રૂપિયા કરવામાં આવ્યું છે.

કંપની તરફથી આપવામાં આવતી ગિફ્ટ કે વાઉચર પર 15 હજાર રૂપિયા સુધી ટૅક્સ ફ્રી રહેશે. તેનાથી વધારે હશે તો આખી રકમ ટૅક્સના દાયરામાં આવશે.

4. એજ્યુકેશન અલાઉન્સ પર ટૅક્સ રાહત

બીબીસી ગુજરાતી ઇન્કમટૅક્સ આવકવેરો નિયમો એચઆરએ ટૅક્સ રિટર્ન
ઇમેજ કૅપ્શન, બાળકોના શિક્ષણમાં ટ્યુશન ફી પર મળતી ટૅક્સ છૂટછાટ વધારાઈ છે.

બાળકોના શિક્ષણ ભથ્થા પર દર મહિને 3,000 રૂપિયાની ટૅક્સ રાહત મળશે. આખા ભારતમાં આ છૂટ વધુમાં વધુ બે બાળકો સુધી મળશે. અગાઉ આ રકમ માત્ર 100 રૂપિયા હતી.

જ્યારે હૉસ્ટલ અલાઉન્સમાં દર મહિને 9000 રૂપિયાની છૂટ આપવામાં આવી છે. આ છૂટ પણ વધુમાં વધુ બે બાળકો સુધી સીમિત છે.

અગાઉ આ છૂટની રકમ 300 રૂપિયા હતી.

5. કૅપિટલ ગેઇન પર સ્પષ્ટીકરણ

નવા નોટિફિકેશનમાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઈ ઍસેટને કેટલો સમય રાખવામાં આવી તે કઈ રીતે નક્કી થશે. લાભ શૉર્ટ ટર્મ છે કે લૉન્ગ ટર્મ તે નક્કી કરવા માટે આ જરૂરી છે.

જો કોઈ સિક્યૉરિટી (જેમ કે શૅર અથવા ડિબેન્ચર) કન્વર્ટ થાય, તો તેના હૉલ્ડિંગ પિરિયડમાં તેના મૂળ રોકાણ (જેમ કે બૉન્ડ અથવા ડિપૉઝિટ સર્ટિફિકેટ)ના ગાળાને પણ ઉમેરવામાં આવશે.

ચુસ્ત નિયમ, વધુ રિપોર્ટિંગ

બીબીસી ગુજરાતી ઇન્કમટૅક્સ આવકવેરો નિયમો એચઆરએ ટૅક્સ રિટર્ન
ઇમેજ કૅપ્શન, નવા નિયમોથી ટૅક્સ ફાઇલિંગ ઝંઝટરહીત બનશે તેવો દાવો કરવામાં આવે છે.
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઇકૉનૉમિક ટાઇમ્સમાં છપાયેલા અહેવાલ પ્રમાણે નવા નિયમોમાં અનેક ક્ષેત્રમાં અનુપાલન ચુસ્ત બનાવાયું છે. જેમ કે કૅપિટલ ગેઇન ટૅક્સ, શૅરબજારનાં ટ્રાન્ઝેક્શન અને નૉન-રેસિડેન્શિયલ ટૅક્સેશન.

આ ઉપરાંત કેટલાક ડિસ્ક્લોઝરને સરળ બનાવાયા છે. નવા નિયમોમાં 150થી વધારે ફૉર્મ લાવવામાં આવ્યાં છે, જે ટૅક્સ સાથે સંકળાયેલાં અલગ અલગ કામો અને પ્રક્રિયાઓને કવર કરશે.

અહેવાલ અનુસાર હવે ઑડિટર્સ અને કંપનીઓની જવાબદારી પણ વધશે. તેમને વિદેશી આવક પર ટૅક્સ ક્રૅડિટના દાવાની વધારે સખતાઈથી ચકાસણી કરવાની રહેશે.

આર્થિક મામલાના જાણકાર અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ વેદ જૈને બીબીસીને જણાવ્યું કે, "સરકારે ઇન્કમટૅક્સને લગતા નિયમોમાં શબ્દો બદલ્યા છે, તેનું રિડ્રાફ્ટિંગ કર્યું છે. એટલે કે નિયમો બદલાઇ ગયા છે તેથી તેનું નોટિફિકેશન જારી કરવું જરૂરી હતું."

તેમણે કહ્યું કે, "આમાં પેન કાર્ડ બનાવવાના નિયમોને લઈને વિવાદ થઈ શકે છે. વાસ્તવમાં સામાન્ય લોકો માટે આમાં કોઈ ફેરફાર નથી, પરંતુ ફૉરન પૉર્ટફોલિયો ઇન્વેસ્ટર્સને હવે પૂછવામાં આવ્યું છે કે ભારતમાં તેમની અધિકૃત વ્યક્તિ કોણ છે. અધિકૃત પ્રતિનિધિ અને વ્યક્તિમાં ફરક હોય છે, તેથી જવાબદારી બદલાઈ જાય છે. આ એક મુદ્દો બની શકે છે."

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અમિત પાઠકનું કહેવું છે કે "સામાન્ય લોકોની દૃષ્ટિએ કહેવામાં આવે તો આ ફેરફારો દ્વારા સરકારે ટૅક્સ ચૂકવનારાઓ પર ભરોસો દર્શાવ્યો છે."

તેઓ કહે છે, "નવા કાયદામાં શબ્દોને બદલીને તેને સરળ કરવામાં આવ્યા છે. અનેક જટિલ ભાગોને બદલવામાં આવ્યા છે અથવા હટાવાયા છે. એવું દર્શાવવા પ્રયાસ કરાયો છે કે કોઈ ગંભીર વાત ન દેખાય ત્યાં સુધી સરકાર ઇન્કમટૅક્સ ભરનારાઓ પર ભરોસો કરશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન