ઊડતા વિમાનમાં પાઇલટે બીજા પર છરી વડે હુમલો કર્યો હતો? દુબઈ-ઇઝરાયલ ફ્લાઇટમાં ખરેખર શું બન્યું હતું?

ફ્લાયદુબઈનું વિમાન બુધવારે સવારે ઉડાન ભર્યું હતું (પ્રતીકાત્મક ફોટો)
ઇમેજ કૅપ્શન, ફ્લાયદુબઈનું વિમાન બુધવારે સવારે ઉડાન ભર્યું હતું
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

દુબઈથી ઇઝરાયલ જઈ રહેલી એક ફ્લાઇટ પાઇલટો વચ્ચે થયેલા કથિત ઝઘડાના કારણે સાઉદી અરેબિયામાં ઉતારવામાં આવી હતી.

ફ્લાઇટમાં સવાર એક ઇઝરાયલી મુસાફરે પત્રકારોને જણાવ્યું કે ક્રૂએ તેમની મદદ માંગી હતી, ત્યારબાદ મુસાફરોએ એક પાઇલટને કાબૂમાં લેવા અને તેને બાંધી દેવામાં મદદ કરી હતી.

ફ્લાય દુબઈની આ ફ્લાઇટ બુધવારે સવારે રવાના થઈ હતી. ફ્લાઇટ ટ્રૅકિંગ વેબસાઇટ ફ્લાઇટરાડાર24 અનુસાર, ઉડાન ભર્યાના લગભગ બે કલાક બાદ વિમાને ઇમરજન્સી કોડ જાહેર કર્યો હતો.

થોડી મિનિટો પછી વિમાને આ કોડ બદલીને હાઇજેકિંગ (વિમાન અપહરણ) માટેનો કોડ મોકલ્યો. જોકે, બાદમાં તેને ફરીથી સામાન્ય ઇમરજન્સી સિગ્નલમાં બદલી દેવામાં આવ્યો હતો.

ઇઝરાયલી મીડિયા અનુસાર, ઉડાન દરમિયાન પાઇલટ અને કો-પાઇલટ વચ્ચે ઝઘડો થયો હતો. તેના પછી વિમાને ઇમરજન્સી સિગ્નલ મોકલ્યું, જેના કારણે થોડા સમય માટે વિમાનનું અપહરણ (હાઇજેકિંગ) થયું હોવાની આશંકા ઊભી થઈ હતી.

ફ્લાઇટ FZ1073 એ સંયુક્ત આરબ અમીરાતના દુબઈ ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પરથી ઉડાન ભરી હતી. તેમાં આશરે 150 થી 180 મુસાફરો સવાર હતા, જેમાંથી મોટાભાગના ઇઝરાયલી નાગરિકો હતા.

ફ્લાઇટ ટ્રૅકિંગ વેબસાઇટ ફ્લાઇટરાડાર24 મુજબ, ઉડાન ભર્યાના લગભગ બે કલાક પછી વિમાને પ્રથમ સ્ક્વૉક કોડ 7700 મોકલ્યો હતો. આ કોડ સામાન્ય રીતે આપાતકાલીન સ્થિતિ (Emergency) દર્શાવે છે.

થોડી મિનિટો બાદ વિમાને કોડ 7500 મોકલ્યો, જે સામાન્ય રીતે વિમાનમાં ગેરકાયદે હસ્તક્ષેપ અથવા હાઇજેકિંગ (અપહરણ) થવાની સંભાવનાનો સંકેત આપે છે.

ત્યારબાદ વિમાને ફરીથી 7700 ઇમરજન્સી કોડ મોકલ્યો હતો.

કૅપ્ટન અને ફર્સ્ટ ઑફિસર બંને ઘાયલ

airlines, બીબીસી ગુજરાતી, ઍરલાઇન્સ, વિમાન
ઇમેજ કૅપ્શન, શરૂઆતમાં એવું માનવામાં આવ્યું હતું કે ફ્લાઇટનું અપહરણ (હાઇજેક) કરવામાં આવ્યું છે. (પ્રતીકાત્મક તસવીર)

ફ્લાયદુબઈ કંપનીએ જણાવ્યું છે કે આ ઘટનામાં કૅપ્ટન અને ફર્સ્ટ ઑફિસર બંને ઘાયલ થયા હતા અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કંપની દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, સ્થાનિક સમય અનુસાર સવારે 8:44 વાગ્યે ઍર ટ્રાફિક કન્ટ્રોલ સેન્ટરને આપાતકાલીન લૅન્ડિંગ માટેનો સંકેત મળ્યો હતો.

તેના લગભગ એક કલાક પછી વિમાન સુરક્ષિત રીતે રનવે પર ઊતરી ગયું હતું.

મુસાફરોએ ઇઝરાયલી મીડિયાને જણાવ્યું કે સાઉદી અરેબિયામાં ડાયવર્ટ કરવામાં આવે તે પહેલાં એક પાઇલટને છરીથી ઈજા પહોંચી હતી.

પ્રત્યક્ષદર્શીઓએ શું જણાવ્યું?

airlines, બીબીસી ગુજરાતી, ઍરલાઇન્સ, વિમાન
ઇમેજ કૅપ્શન, યાસ્મિન નામનાં એક મહિલાએ જણાવ્યું કે તેમની પુત્રી પણ દુબઈથી તેલ અવિવ જઈ રહેલી આ ફ્લાઇટમાં સવાર હતી.
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમની પુત્રીએ ફોન કરીને જણાવ્યું કે તેણે વિમાનમાં ચીસો પાડવાનો અવાજ સાંભળ્યો હતો. એક પાઇલટ મદદ માટે બૂમો પાડી રહ્યો હતો.

યાસ્મિને સમાચાર એજન્સી એપીને જણાવ્યું, "વિમાને નિયંત્રણ ગુમાવવાનું શરૂ કર્યું. બધા લોકો ચીસો પાડવા લાગ્યા. તેમને લાગ્યું કે હવે તેઓ બચી શકશે નહીં."

રૉઇટર્સ સાથેની વાતચીતમાં યાસ્મિને જણાવ્યું કે બીજા બે પાઇલટોએ વિમાનનું નિયંત્રણ સંભાળી લીધું હતું. આ દરમિયાન કેટલાક મુસાફરો એક એવી વ્યક્તિ તરફ દોડી ગયા જેના હાથમાં છરી હતી.

ઇઝરાયલી અધિકારીઓમાંથી એકે ચેનલ 12 ને જણાવ્યું,"એક અત્યંત ગંભીર દુર્ઘટના ટળી ગઈ."

દ યરુશલેમ પોસ્ટ એ પણ એક અજ્ઞાત ઇઝરાયલી અધિકારીના હવાલાથી લખ્યું કે, "એક મોટી દુર્ઘટના થતી થતી બચી ગઈ."

ઇઝરાયલી મીડિયા સાથે વાત કરતા અજ્ઞાત અધિકારીઓએ દાવો કર્યો કે એક પાઇલટે બીજા પાઇલટ પર છરીથી હુમલો કર્યો હતો.

પ્રારંભિક અહેવાલો અનુસાર એવું લાગી રહ્યું હતું કે તેનો હેતુ "વિમાનનું અપહરણ (હાઇજેક) કરવું અથવા તેને ક્રેશ કરવું" હોઈ શકે. જોકે, આ હુમલાનો ખરેખરો હેતુ શું હોઈ શકે તે અંગે હજુ સુધી સત્તાવાર રીતે પુષ્ટિ થઈ નથી અને અધિકૃત નિવેદનોની રાહ જોવામાં આવી રહી છે.

વિમાનમાં સવાર એક ઇઝરાયલી મુસાફરે પત્રકારોને જણાવ્યું કે ક્રૂએ હુમલાખોરને કાબૂમાં લેવા અને તેને બાંધી દેવા માટે મુસાફરોની મદદ માંગી હતી.

એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું, "અહીં કેટલાક લોકોના શર્ટ લોહીથી રંગાઈ ગયા છે."

વિમાનના પાછળના ભાગમાં રહેલા બે પાઇલટ આગળ આવ્યા અને વિમાનને સુરક્ષિત રીતે ઉતારવામાં મદદ કરી. એક મુસાફરે જણાવ્યું, "મેં બૂમ પાડી તેમને ઝડપથી આગળ આવવા અને વિમાનનું નિયંત્રણ સંભાળવા કહ્યું."

ફ્લાઇટ દરમિયાન શું બન્યું?

ફ્લાઇટ દરમિયાન શું બન્યું?

ફ્લાઇટરાડાર24ના ડેટા મુજબ, સાઉદી અરેબિયાના હવાઈ ક્ષેત્ર ઉપર પહોંચ્યા પછી વિમાને અચાનક દિશા બદલી અને ઝડપથી નીચે ઊતરવાનું શરૂ કર્યું. બે મિનિટથી પણ ઓછા સમયમાં વિમાન લગભગ 17,000 ફૂટ (5,000 મીટરથી વધુ) નીચે આવી ગયું હતું.

સ્થાનિક સમય અનુસાર સવારે 8:21 વાગ્યે વિમાન 34,000 ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું.

અચાનક નીચે આવવાનું શરૂ કર્યા પછી લગભગ 10 મિનિટે વિમાને આશરે સાત મિનિટ સુધી સતત ઇમરજન્સી સિગ્નલ મોકલ્યા હતા.

05:40 વાગ્યે, ફ્લાઇટ થોડા સમય માટે જોર્ડનના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી હતી. થોડા સમય બાદ તે ફરી સાઉદી અરેબિયા તરફ વળી ગઈ અને ત્યારબાદ ઊતરવાનું શરૂ કર્યું.

વિમાનને તેલ અવિવના બેન ગુરિયન ઍરપૉર્ટ પર ઊતરવાનું હતું, પરંતુ તેને ઉત્તર-પૂર્વી સાઉદી અરેબિયાના તબુક ઍરપૉર્ટ પર ઉતારવામાં આવ્યું.

મુસાફરોએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે જ્યારે વિમાન અચાનક ઝડપથી નીચે આવવા લાગ્યું ત્યારે તેમને પોતાના જીવનો ભય સતાવવા લાગ્યો હતો.

સમાચાર એજન્સી રૉઇટર્સ સાથે વાત કરતાં એક ઇઝરાયલી અધિકારીએ, નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે પાઇલટો વચ્ચે હાથાપાઈ થયા બાદ બંનેએ ઇમરજન્સી સિગ્નલ મોકલ્યા હતા.

જોકે, તરત જ એ સ્પષ્ટ થઈ શક્યું નહોતું કે બંનેમાંથી કોઈ પાઇલટે ઇરાદાપૂર્વક ઇમરજન્સી સિગ્નલ મોકલ્યું હતું કે નહીં.

ઇઝરાયલી બ્રૉડકાસ્ટર N12 News ના મુખ્ય રાજકીય વિશ્લેષક અમિત સેગલે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે એવું લાગે છે કે ઉડાન દરમિયાન બંને પાઇલટો વચ્ચે હાથાપાઈ થઈ હતી. જેના કારણે સમગ્ર મધ્ય પૂર્વમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.

તેમની આ પોસ્ટને ફરી શેર કરતાં ઇઝરાયલમાં અમેરિકાના રાજદૂત માઇક હકબીએ જણાવ્યું કે આ ઘટનાને કારણે સમગ્ર મધ્ય પૂર્વ, ખાસ કરીને ઇઝરાયલમાં, લોકો અને સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. તેમણે ઉમેર્યું કે સદનસીબે ઘટના વધુ ગંભીર બની નહોતી.

યરુશલેમ પોસ્ટના અહેવાલ અનુસાર, સંભવિત આપાતકાલીન પરિસ્થિતિનો સામનો કરવા માટે ઇઝરાયલી વાયુસેનાએ પોતાના એલર્ટનું સ્તર વધારી દીધું હતું.

ઇઝરાયલી વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું કે આ ઘટનાને હાઇજેકિંગ (વિમાન અપહરણ) તરીકે ગણવામાં આવી રહી નથી.

તે પહેલાં, ઇઝરાયલના ત્રણ સુરક્ષા અધિકારીઓએ રૉઇટર્સને જણાવ્યું હતું કે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ એ આ ફ્લાઇટને લઈને સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

ઇઝરાયલી સેનાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે સેનાપ્રમુખ અયાલ ઝમીરે વાયુસેના કમાન્ડર અને અન્ય સૈનિક અધિકારીઓ સાથે પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું.

ફ્લાયદુબઈના પ્રવક્તાએ પુષ્ટિ કરી હતી કે ફ્લાઇટને "માર્ગમાં એક ઘટના" નો સામનો કરવો પડ્યો હતો અને કંપનીની ટીમો સંબંધિત સત્તાધીશો સાથે મળીને કામ કરી રહી છે.

ફ્લાયદુબઈ દુબઈ અને તેલ અવિવ વચ્ચે દરરોજ ફ્લાઇટ્સ ચલાવે છે. આ રૂટ ઇઝરાયેલી નાગરિકોમાં ખૂબ લોકપ્રિય માનવામાં આવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન