સ્મિત મચ્છર કોણ છે, જેમણે ફ્લાયદુબઈ ફ્લાઇટમાં સેંકડો પ્રવાસીઓના જીવ બચાવ્યા?

ઇમેજ સ્રોત, https://www.linkedin.com/in/smit-machchhar
દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઇટ ફ્લાયદુબઈમાં એક પાઇલટે બીજા પાઇલટ પર જીવલેણ હુમલો કર્યો અને સેંકડો લોકોના જીવ જોખમમાં મૂકી દીધા. ત્યાર પછી વિમાનના કૅપ્ટન સ્મિત મચ્છરનું નામ ચર્ચામાં છે.
અત્યાર સુધીમાં મળેલી માહિતી પ્રમાણે એક પાઇલટે સ્મિત મચ્છર પર ચાકુથી હુમલો કર્યો હતો અને તેનો પ્રતિકાર કરવામાં કૅપ્ટન મચ્છર ઈજાગ્રસ્ત થયા હતા. વિમાનમાં મોટા ભાગના ઇઝરાયલી પ્રવાસીઓ હતા, જેથી ઇઝરાયલે કૅપ્ટન મચ્છરની બહાદુરીને બિરદાવી છે.
ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે કૅપ્ટન સ્મિત મચ્છરની ઉંમર 39 વર્ષ છે અને તેઓ મૂળ મુંબઈના છે. હિંદુસ્તાન ટાઇમ્સ અને ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલોમાં તેમને મુંબઈના 'ઘાટકોપર ઇસ્ટ'ના રહેવાસી ગણાવાય છે. જ્યારે રૉયટર્સના કહેવા મુજબ તેઓ 'મુંબઈ'ના છે.
એક અહેવાલ પ્રમાણે, તેમનાં માતાપિતા હાલ સેન્ટ્રલ મુંબઈના તિલકનગર ખાતે રહે છે અને આ ઘટના બાદ તેઓ દુબઈ તેમના પુત્રને મળવા રવાના થઈ ગયાં હતાં.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયલના બેન્જામિન નેતન્યાહૂએ તેમને 'હીરો' ગણાવ્યા છે.
દરમિયાન હાલમાં સ્મિત મચ્છરનો એક પૉડકાસ્ટ વાઇરલ થયો છે જે લગભગ એક વર્ષ અગાઉનો છે. તેમાં તેમણે પોતાના મૂળ, ભણતર, પાઇલટ બનવાની સફર વગેરે વિશે વાતો કરી છે.
સ્મિત મચ્છરને અચાનક પાઇલટ બનવાનો વિચાર કેમ આવ્યો?

ઇમેજ સ્રોત, @IsraelMFA
લગભગ 1 કલાક અને 48 મિનિટ લાંબા આ પૉડકાસ્ટમાં સ્મિત મચ્છરે કહ્યું હતું કે, પોતાની ટ્રેનિંગ દરમિયાન તેમણે બૅંગ્લોરથી દિલ્હી વચ્ચે પહેલી કૉમર્શિયલ ફ્લાઇટ ઉડાવી હતી. તે વખતે તેમને બહુ ડર લાગ્યો હતો. બૉઇંગ એ તેમણે ઉડાવેલું પ્રથમ વિમાન હતું અને તેમનું આ વિમાન ઉડાડવાનું પહેલેથી સપનું હતું.
ઝલક મહેતા સાથેના પૉડકાસ્ટનો 11 મહિના જૂનો વીડિયો યુટ્યૂબ પર ઉપલબ્ધ છે. તેમાં દુબઈથી તેલ અવીવની ફ્લાઇટના કૅપ્ટન સ્મિત મચ્છર ભારતમાં ઉડ્ડયન સેક્ટરના બદલાતા ચહેરાની પણ વાત કરે છે. સ્મિત મચ્છરને બૉઈંગ 737 વિમાન ઉડાવવાનો 17 વર્ષ કરતાં વધુ સમયનો અનુભવ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પૉડકાસ્ટમાં આપેલી માહિતી પ્રમાણે શરૂઆતમાં તેઓ પાઇલટ બનવા માગતા ન હતા. તેમણે ટેક્સ્ટાઇલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો અને પરિવારના બિઝનેસમાં જોડાવા માગતા હતા. ત્યાર પછી 19 વર્ષની વયે તેમનો વિચાર બદલાયો. તેઓ એક મૅનેજમેન્ટ કોર્સમાં જોડાયા હતા ત્યારે એક ઍવિયેશન સેમિનારમાં ભાગ લીધો અને પાઇલટ બનવાનો પહેલી વખત વિચાર આવ્યો હતો.
તેઓ મુંબઈની વૅલિંગકર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટના વિદ્યાર્થી પણ રહી ચૂક્યા છે.
ન્યૂઝીલૅન્ડમાં પાઇલટ તરીકે તાલીમ લીધી

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેઓ કહે છે કે, શરૂઆતમાં તેમના પાઇલટ બનવાના નિર્ણયથી તેમનાં માતા નાખુશ હતાં. કારણ કે, તેમને આ જોખમી વ્યવસાય લાગતો હતો. 15-17 વર્ષ અગાઉ ભારતમાં બહુ ઓછા લોકો પાઇલટ બનતા હતા. પરંતુ તેમના પિતાએ તેમને પ્રોત્સાહન આપ્યું અને આગળ વધવા કહ્યું.
મચ્છરે પોડકાસ્ટમાં કહ્યું છે કે, તેઓ અંતે પાઇલટની તાલીમ લેવા માટે ન્યૂઝીલૅન્ડ ગયા હતા.
તેઓ કહે છે કે, શરૂઆતમાં ભારતનું ઉડ્ડયન સેક્ટર બહુ નાનું હતું અને બહુ ઓછા લોકો પાઇલટના પ્રોફેશનમાં આગળ વધતા હતા.
તેઓ કહે છે કે "હું પાઇલટ બન્યો ત્યારે પાઇલટ બનવાનો ખર્ચ લગભગ 16થી 17 લાખ રૂપિયા આવતો હતો. હવે આ ખર્ચ વધીને 80 લાખ રૂપિયાથી ઉપર જતો રહ્યો છે. તેમણે જણાવ્યું કે ભારતીયો એક સમયે વિમાન પ્રવાસ કરવાથી ડરતા હતા, પરંતુ હવે વિમાનયાત્રા એ રોજબરોજની વાત બની ગઈ છે."
તેમણે આ પોડકાસ્ટમાં એવી ઘટનાઓની વાત પણ કરી છે જેનાથી સામાન્ય લોકો અને પ્રવાસીઓ ડરી જતા હોય છે.
તેઓ કહે છે કે "આવી ઘટનાઓને પાઇલટ અલગ દૃષ્ટિએ જોતા હોય છે. કૉમર્શિયલ ઍવિયેશનમાં સૅફ્ટીના ઘણાં સ્તર હોય છે. વિમાન ઉડાવતા પહેલાં અને પછી પાઇલટ મૅન્ડેટરી ચેક કરતા હોય છે ત્યારે આખા વિમાનનું મૅન્ટેનન્સ એ એક વિસ્તૃત પ્રક્રિયા છે."
તેઓ કહે છે કે, ઉડ્ડયનની વાત આવે ત્યારે તેમાં નસીબ જેવું કંઈ નથી હોતું. તેઓ એમ પણ કહે છે કે "કોઈ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થાય ત્યારે લોકોએ તાત્કાલિક કોઈ તારણ પર પહોંચવું ન જોઈએ. આજની દુનિયામાં કોઈ ચીજ છુપાવી શકાતી નથી. કોઈ પણ ઘટના બને પછી પાઇલટ કે ક્રૂ મેમ્બરને દોષ આપવાના બદલે સત્તાવાર તપાસ પૂરી થાય ત્યાં સુધી રાહ જોવી જોઈએ."
વિમાનમાં અધણારી ઘટનાઓ

ઇમેજ સ્રોત, Reuters
એક પાઇલટ તરીકે કૅપ્ટન સ્મિત મચ્છરે ઘણી અણધારી ઘટનાઓ પણ જોઈ છે. કેટલીક વખત અમુક પ્રવાસીઓને હૅન્ડલ કરવા મુશ્કેલ હોય છે, તો કેટલીક વખત વિમાનમાં મેડિકલ ઇમર્જન્સી ઊભી થઈ શકે છે.
તેઓ એક ઘટનાને યાદ કરતા કહે છે કે, એક મહિલાને વિમાનમાં પ્રસૂતિની પીડા ઉપડી અને મુસાફરી દરમિયાન બાળકને જન્મ આપ્યો હતો.
તેઓ જમીનથી હજારો ફૂટ ઉપર હવામાં પેદા થતી અણધારી પરિસ્થિતિઓ અને ભારે દબાણ વચ્ચે પણ કઈ રીતે શાંત રહેવું તેની વાત કરે છે. તાજેતરમાં ફ્લાયદુબઈની ફ્લાઇટ વખતે પણ તેઓ આવી પરિસ્થિતિમાં મુકાયા હતા અને સૂઝબુઝ દેખાડીને પ્રવાસીઓના જીવ બચાવ્યા હતા, એવું પ્રાથમિક તારણ છે.
આ વાતચીત દરમિયાન કૅપ્ટન મચ્છરે કૅબિન ક્રૂના મહત્ત્વ પર પણ ભાર મૂક્યો અને કહ્યું કે "તેઓ અત્યંત ઉચ્ચ તાલીમબદ્ધ પ્રોફેશનલો હોય છે. તેમને સૅફ્ટી પ્રોસિઝર, ઇમર્જન્સી પ્રોસિઝર અને પ્રાથમિક સારવારની તાલીમ અપાયેલી હોય છે."
તેઓ કહે છે કે "કોઈ મેડિકલ ઇમર્જન્સી હોય અને નસીબ સારા હશે તો વિમાનમાં ડૉક્ટર હશે. નહીંતર ક્રૂ તમારો જીવ બચાવી શકે છે."
ફ્લાયદુબઈના વિમાનની ઘટના પછી યુટ્યૂબ વીડિયો પર ઢગલાબંધ કોમેન્ટ્સ આવી રહી છે. આ ઘટના અગાઉ છેલ્લી કોમેન્ટ છેક 11 મહિના અગાઉ હતી ત્યાર પછી બુધવારથી કોમેન્ટ્સ શરૂ થઈ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





























