હવામાન સમાચાર : ગુજરાતમાં ચોમાસાની વિદાય આગળ વધી, છતાં આ જિલ્લામાં છે વરસાદની આગાહી

ઇમેજ સ્રોત, ANI
ચોમાસાની વિદાય સાથે રાજ્યમાં વરસાદ ઓછો થતો જાય છે અને મોટા ભાગના વિસ્તારમાં સૂકું વાતાવરણ છે.
ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં માત્ર પાંચ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ગીર સોમનાથના તાલાલામાં એક ઇંચ, જૂનાગઢના ભેસાણમાં 0.79 ઇંચ, જામનગરના કાલાવડમાં 0.75 ઇંચ, જૂનાગઢના વીસાવદરમાં 0.43 ઇંચ અને અમરેલીના બગસરામાં 0.08 ઇંચ વરસાદ નોંધાયો છે.
હાલમાં ચોમાસાની વિદાયની પ્રક્રિયા આગળ વધી રહી છે. જેમાં ગુરદાસપુર, ચંદીગઢ, મુઝફ્ફરપુર, અલીગઢ, ધોલપુર, ઉદયપુર, ડીસા, નલિયા પરથી ચોમાસાની વિદાયની લાઈન પસાર થાય છે.
પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાતના મોટા ભાગના વિસ્તાર, મધ્ય પ્રદેશ, સમગ્ર જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ તથા બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગ પરથી આગામી બેથી ત્રણ દિવસમાં ચોમાસું વિદાય લેશે.
હાલમાં હરિયાણા અને આસપાસના વિસ્તારો પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે એક સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે.
ગુજરાતમાં હવે કયા જિલ્લામાં વરસાદની આગાહી છે?

ઇમેજ સ્રોત, IMD
અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે પહેલી ઑક્ટોબરે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને વાવ-થરાદમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત સાઉથ ગુજરાતમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે પહેલી ઑક્ટોબરે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં પણ વરસાદની આગાહી કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દાયકામાં સૌથી ઓછો વરસાદ
અલ નીનોની અસરના કારણે આ વખતે અપેક્ષા પ્રમાણે જ ચોમાસું નબળું રહ્યું છે. રૉયટર્સના એક અહેવાલ પ્રમાણે આ વર્ષે ભારતમાં એક દાયકા કરતાં વધુ સમયમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં સરેરાશ 11 ટકા વરસાદની ઘટ છે. જ્યારે પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં 18 ટકા ઓછો વરસાદ પડ્યો હોવાથી દુષ્કાળની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં પણ ખેડૂતો દ્વારા દુષ્કાળની જાહેરાત માટે માંગણી કરવામાં આવી છે, જોકે, સરકારના નિવેદન પ્રમાણે આ અંગે સર્વે કરાવીને પછી નિર્ણય લેવાશે.
ભારતમાં આ વખતે સરેરાશ કરતાં 12.6 ટકા ઓછો વરસાદ પડ્યો છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ 2001 પછી ભારતમાં ચોથો સૌથી ઓછો વરસાદ પડ્યો છે. જ્યારે 1901 પછી 13મો સૌથી ઓછો વરસાદ છે. હવે 15 ઑક્ટોબરથી 21 ઑક્ટોબર વચ્ચે નોર્થ ઇસ્ટ ચોમાસું સાઉથ ભારતમાં આગળ વધે ત્યારે શિયાળામાં સ્થિતિ સુધરવાની આશા છે. તે સમયે તામિલનાડુ, પુડુચેરી, કરાઇકલ, કિનારાવર્તી આંધ્ર પ્રદેશમાં વરસાદ પડવાની શક્યતા છે.
ગુજરાતના ઘણા તાલુકામાં 50 ટકાથી ઓછો વરસાદ

ઇમેજ સ્રોત, GSDMA
ગુજરાતમાં કચ્છ જિલ્લામાં આ વખતે સરેરાશ 57 ટકા વરસાદ પડ્યો છે અને તેમાં પણ કેટલાક તાલુકામાં આના કરતાં પણ ઓછો વરસાદ છે.
ઉત્તર ગુજરાતમાં 71 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 89 ટકા અને સૌરાષ્ટ્રમાં સરેરાશ 71 ટકા વરસાદ પડ્યો છે. એકમાત્ર દક્ષિણ ગુજરાતમાં આ વખતે 114 ટકા વરસાદ પડ્યો છે. જે સરેરાશ કરતાં વધુ છે.
આ વર્ષના આંકડા પ્રમાણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફક્ત 16 ટકા વરસાદ પડ્યો છે અને તેમાં પણ કલ્યાણપુર તાલુકામાં માંડ આઠ ટકા વરસાદ નોંધાયો છે. પોરબંદર જિલ્લામાં પણ સરેરાશ 30 ટકા વરસાદ જ પડ્યો છે.
સરકારી ડેટા મુજબ ગુજરાતમાં આ વખતે લખપત, ઊંજા, સાબરકાંઠામાં પોશિના, અરવલ્લીના શામળાજી, છોટા ઉદેપુર, કડવલ, વડોદરા જિલ્લાનું સાવલી, જૂનાગઢ શહેર, જૂનાગઢ તાલુકો, વંથલી, ગીર ગઢડા, તાલાલા, રાજકોટનું વીંછીયા, જામનગર, જોડિયા, કાલાવડ, લાલપુર, ભાણવડ, દ્વારકા, ખંભાળિયા, કલ્યાણપુર, કુતિયાણા, પોરબંદર, રાણાવાવ વગેરે એવા તાલુકા છે જ્યાં સિઝનની સરેરાશ સામે 50 ટકા કરતાં પણ ઓછો વરસાદ પડ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























