મજૂરોને માનવ અવશેષો મળ્યા અને 572 લોકોનું સામૂહિક દફનસ્થળ બહાર આવ્યું, અને શું રહસ્યો ખૂલ્યાં?

જેયરૂબી જયપાલન 12 વર્ષનાં હતાં ત્યારે તેમના પિતા કંદૈયા જયપાલન ગાયબ થઈ ગયા હતા.

ઇમેજ સ્રોત, Ranjan Arun Prasadh, BBC

ઇમેજ કૅપ્શન, જેયરૂબી જયપાલન 12 વર્ષનાં હતાં ત્યારે તેમના પિતા કંદૈયા જયપાલન ગાયબ થઈ ગયા હતા.
    • લેેખક, અનબરાસન એતિરાજન
    • પદ, ગ્લૉબલ અફેર્સ સંવાદદાતા, બીબીસી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 8 મિનિટ

ગત ફેબ્રુઆરીમાં શ્રીલંકાના ઉત્તરમાં એક સામૂહિક દફનસ્થળ મળી આવ્યું. તેની શોધ અકસ્માતે જ થઈ હતી.

જાફનાના કેમ્માની વિસ્તારમાં સ્મશાનભૂમિનો વ્યાપ વધારવા માટે કામદારો ખોદકામ કરી રહ્યા હતા. એ દરમિયાન અચાનક તેમને માનવ અવશેષો મળી આવ્યા. ત્યાર પછી આ મામલે તપાસ શરૂ કરવામાં આવી.

ઑગસ્ટ સુધીમાં પુરાતત્ત્વવિદોએ આ સ્થળ પર ખોદકામનો ત્રીજો તબક્કો પણ પૂર્ણ કરી લીધો હતો. આ દરમિયાન તેમને 572 લોકોનાં હાડપિંજરના અવશેષો મળી આવ્યા હતા. તેમાં બાળકો અને નવજાત શિશુઓ પણ સામેલ હતા.

મૃતકોની સાથે તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓ પણ મળી આવી હતી—બંગડીઓ, સ્કૂલ બૅગ અને દૂધની બૉટલ.

શ્રીલંકામાં અત્યાર સુધી મળી આવેલું આ સૌથી મોટું સામૂહિક દફનસ્થળ હોવાનું મનાય છે.

આ કબરના અસ્તિત્વ અંગે અગાઉથી કેટલીક વાતો સંભળાતી હતી. દેશના વિનાશક ગૃહયુદ્ધ દરમિયાન એક યુવતી પર બળાત્કાર અને તેની હત્યાના કેસમાં આરોપી બનેલા એક સૈનિકે એક વખત આવા સામૂહિક દફનસ્થળ વિશે વાત કરી હતી. તેના કહેવા મુજબ તેમાં સેંકડો મૃતદેહો હતા. માનવાધિકાર સંગઠનોનું કહેવું હતું કે આ લોકો ગાયબ કરી દેવાયેલા નાગરિકો હતા.

પરંતુ અત્યાર સુધી તેનો કોઈ પુરાવો નહોતો.

આ શોધ જેટલી આઘાતજનક છે, એટલી જ તેણે જેયરૂબી જયબાલન જેવા લોકોમાં આશાનો પણ સંચાર કર્યો છે. તેમના પિતા પણ દાયકાઓ સુધી ચાલેલા યુદ્ધ દરમિયાન ગાયબ થયેલા હજારો લોકોમાં સામેલ હતા. જયબાલન અને તેમના જેવા અન્ય પરિવારોને આશા છે કે તેમનાં સ્વજનો સાથે ખરેખર શું થયું હતું તેના જવાબ આ મૃતદેહોમાંથી મળી શકે છે.

ઘણા તમિલો માને છે કે આ કબરમાં ગૃહયુદ્ધ દરમિયાન અદાલતી પ્રક્રિયા વિના મારી નાખવામાં આવેલા લોકોના અવશેષો છે.

પરંતુ કેમ્માનીમાં ખોદકામની પ્રક્રિયા ધીમી ગતિએ ચાલી રહી છે. પોતાના ગાયબ થયેલાં સ્વજનો વિશે જવાબોની રાહ જોઈ રહેલા પરિવારોની ધીરજની આકરી કસોટી થઈ રહી છે.

અગાઉ ઓળખી કાઢવામાં આવેલા સામૂહિક દફનસ્થળની નજીકથી સેંકડો માનવ અવશેષો મળી આવતાં તમિલોમાં રોષ વધુ ભભૂક્યો છે. લાંબા સમયથી તેઓ ગાયબ થયેલા લોકો અંગે સંપૂર્ણ તપાસની માગ કરી રહ્યા છે.

ઘણા લોકોને ડર છે કે સત્ય બહાર લાવવાની રાજકીય ઇચ્છાશક્તિના અભાવે આ સામૂહિક દફનસ્થળ પણ ધીમે ધીમે લોકોની સ્મૃતિમાંથી ભૂંસાઈ જશે. આથી શ્રીલંકાના ઉત્તર ભાગમાં ફરી શરૂ થયેલાં વિરોધપ્રદર્શનો માટે આ દફનસ્થળ લોકોના એકત્ર થવાનું કેન્દ્ર બની ગયું છે.

જવાબોની રાહમાં બે દાયકા

શ્રીલંકામાં, ખાસ કરીને તમિલોની બહુમતી ધરાવતા ઉત્તર અને પૂર્વ વિસ્તારો, દાયકાઓ સુધી ચાલેલા સંઘર્ષથી પીડાતા રહ્યા છે.

1983થી 2009 સુધી ચાલેલા આ યુદ્ધે દેશને વંશીય ધોરણે વિભાજિત કરી દીધો હતો.

તમિલ ટાઇગર બળવાખોરો ઉત્તર-પૂર્વ શ્રીલંકામાં અલગ રાજ્યની માગણી સાથે લડતા હતા. તેમનું કહેવું હતું કે સિંહાલીઓની બહુમતી ધરાવતી સરકાર તમિલો સાથે નીતિબદ્ધ રીતે ભેદભાવ કરતી હતી.

આ સંઘર્ષ 26 વર્ષ ચાલ્યો અને તેમાં અંદાજે એક લાખ લોકો માર્યા ગયા. આશરે 23,000 લોકો લાપતા થયા, જેમાં મોટા ભાગના તમિલો હતા.

સુરક્ષા દળો અને તમિલ ટાઇગરો-બંને પર અત્યાચાર અને ગુનાઓના આક્ષેપો થયા છે.

દફનસ્થળેથી મળી આવેલી વ્યક્તિગત વસ્તુઓમાં બાળકની દૂધની બોટલ પણ હતી.

ઇમેજ સ્રોત, Kumanan Kanapathippillai, BBC

ઇમેજ કૅપ્શન, દફનસ્થળેથી મળી આવેલી વ્યક્તિગત વસ્તુઓમાં બાળકની દૂધની બોટલ પણ હતી.
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

1995માં થયેલા લોહિયાળ સંઘર્ષ બાદ શ્રીલંકાની સેનાએ લિબરેશન ટાઇગર્સ ઑફ તમિલ ઈલમ (એલટીટીઈ) પાસેથી જાફના દ્વીપકલ્પનો કબજો મેળવી લીધો હતો. આ ઘટનાને યુદ્ધનો એક મહત્ત્વનો વળાંક માનવામાં આવે છે. 2009માં ટાઇગરોની હાર સાથે યુદ્ધનો અંત આવ્યો હતો.

1990ના દાયકાના અંતમાં સેના પોતાનો કાબૂ વધારતી ગઈ તેમ આખો કેમ્માની વિસ્તાર અતિસંવેદનશીલ સુરક્ષા ક્ષેત્રનો ભાગ બની ગયો હતો. અહીં ઠેરઠેર લશ્કરી છાવણીઓ, ચેકપોસ્ટો અને સુરક્ષા ચોકીઓ હતી. કબ્રસ્તાનની નજીક પણ કેમ્માનીમાં લશ્કરી છાવણી હતી.

એ સમયે કેટલાક લોકો જાફના વિસ્તારને "ખુલ્લી જેલ" કહેતા હતા. સુરક્ષા દળો પર હજારો નાગરિકોને ગાયબ કરી દેવાનો આરોપ લાગ્યો હતો. જોકે શ્રીલંકાની સરકારોએ હંમેશાં આ આરોપો નકાર્યા છે.

જાફનામાં રહેતી જેયરૂબી જયપાલન બીબીસીને કહે છે કે, "સપ્ટેમ્બર 1996માં મારા પિતાને કેમ્માની વિસ્તાર નજીકની એક ચેકપોસ્ટ પરથી શ્રીલંકાની સેનાના જવાનો લઈ ગયા ત્યારે હું 12 વર્ષની હતી. તેમની સાથે શું થયું એ અમને આજ સુધી ખબર નથી."

પિતા ગાયબ થયા હોવાની જાણ થતાં પરિવાર ગભરાઈ ગયો હતો. જેયરૂબી યાદ કરે છે કે પરિવારના સભ્યોએ તેમના વિશે માહિતી મેળવવા માટે જાફનાની લશ્કરી છાવણીઓ અને પોલીસ સ્ટેશનોનાં ધક્કા ખાધા હતા. પરંતુ કોઈ માહિતી મળી નહીં. તેઓ કદી પાછા ફર્યા નહીં.

તેમના પિતા કંદૈયા જયપાલન સરકારી કર્મચારી હતા. તેઓ કેમ્માનીથી થોડે દૂર રસ્તાની બાજુએ આવેલું એક કાફે પણ ચલાવતા હતા.

જેયરૂબી કહે છે, "બીજા ઘણા લોકો સાથે હું કેમ્માનીના દફનસ્થળે ગઈ હતી. મને આશા હતી કે ત્યાંથી કંઈક જવાબ મળશે."

"પરંતુ અમને કોઈ નક્કર પુરાવો મળ્યો નહીં. અમે માનવ અવશેષોની વિગતવાર ફોરેન્સિક તપાસ ઇચ્છીએ છીએ."

સૌથી કુખ્યાત કેસોમાંથી એક કેસ

કંદૈયા જયપાલન ગાયબ થયા તેના બે અઠવાડિયાં પહેલાં 18 વર્ષની એક તમિલ વિદ્યાર્થિની કૃષ્ણાંથી કુમારસ્વામી પણ આ જ વિસ્તારમાંથી ગાયબ થઈ હતી.

1998માં કોલંબોની એક અદાલતે કુમારસ્વામી પર બળાત્કાર અને તેમની તથા તેમના પરિવારના ત્રણ સભ્યોની હત્યા બદલ પાંચ સૈનિકોને ફાંસીની સજા સંભળાવી હતી. તે સમયે આ કેસે વિશ્વભરનું ધ્યાન ખેંચ્યું હતું. તેમના મૃતદેહો પછી કેમ્માની વિસ્તારમાં દફનાવેલા મળી આવ્યા હતા.

આ સંઘર્ષ દરમિયાન બનેલા સૌથી કુખ્યાત કેસોમાં આ કેસનો સમાવેશ થાય છે. હાલ જે દફનસ્થળની તપાસ ચાલી રહી છે, તે સ્થળથી કુમારસ્વામી અને અન્ય લોકોના અવશેષો મળ્યા હતા એ જગ્યા માત્ર 100 મીટર દૂર છે.

સજા પામેલા સૈનિકોમાંના એક સોમારત્ન રાજપક્ષેએ અદાલતમાં આપેલી એક ચોંકાવનારી જુબાનીમાં દાવો કર્યો હતો કે 1990ના દાયકાના મધ્યમાં માર્યા ગયેલા 300થી 400 લોકોને કેમ્માનીમાં દફનાવવામાં આવ્યા હતા.

તેમના આ દાવાના એક વર્ષ પછી કેમ્માનીમાં પહેલી વાર ખોદકામ કરવામાં આવ્યું હતું. તપાસકર્તાઓને તે દરમિયાન 10થી વધુ માનવ હાડપિંજર મળ્યાં હતાં.

માનવાધિકાર કાર્યકરોનું માનવું હતું કે આ અવશેષો ગૃહયુદ્ધ દરમિયાન ગાયબ થયેલા લોકોના હોઈ શકે છે. પરંતુ ત્યાર પછી આ મામલે ન્યાયિક સ્તરે બહુ ઓછી કાર્યવાહી થઈ.

કાર્યકરો કહે છે કે એ સમયે તમિલ બળવાખોરો સાથે યુદ્ધ ચાલી રહ્યું હોવાથી તત્કાલીન સરકારે તપાસ આગળ ધપાવી નહોતી અને આવું કેમ કરવામાં આવ્યું તેનું કોઈ સ્પષ્ટીકરણ પણ આપ્યું નહોતું.

એ જ વિસ્તારમાં હવે બીજું સામૂહિક દફનસ્થાન મળી આવતાં જવાબદારી નક્કી કરવાની માગ ફરી ઊઠી છે.

શ્રીલંકાનો નકશો, જેમાં કેમ્માનીનું સ્થાન દર્શાવ્યું છે
ઇમેજ કૅપ્શન, શ્રીલંકાનો નકશો, જેમાં કેમ્માનીનું સ્થાન દર્શાવ્યું છે

શ્રીલંકાના માનવાધિકાર પંચના કમિશનર ગેહાન ગુનાતિલકેએ કહ્યું, "પ્રાથમિક તપાસ પરથી એવું લાગે છે કે આ સામાન્ય દફનસ્થળ નહોતું અને અને અહીં સામાન્ય હિંદુ દફનવિધિ મુજબ મૃતદેહોને દફનાવવામાં આવ્યા હોય એવું પણ લાગતું નથી." માનવાધિકાર પંચે ગયા વર્ષે કેમ્માનીમાં સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.

કાર્યકરો અને નિષ્ણાતો કહે છે કે અહીં થોડાં ડઝન મૃતદેહોને કદાચ વિધિવત રીતે દફનાવવામાં આવ્યા હતા, પરંતુ મોટા ભાગના મૃતદેહોની સ્થિતિ જુદી જ કહાની કહે છે.

મોટા ભાગના માનવ અવશેષો કપડાં વિના મળી આવ્યા હતા. તેમને એકબીજાની ખૂબ નજીક દફનાવવામાં આવ્યા હતા અને કેટલાક કિસ્સામાં એકની ઉપર બીજાનો ઢગલો કરવામાં આવ્યો હતો. કબરો પણ બહુ ઊંડી નહોતી. મૃતદેહોને જમીનની સપાટીથી માત્ર એકથી બે મીટર નીચે દફનાવવામાં આવ્યા હતા.

શ્રીલંકાના માનવાધિકાર પંચે ગયા વર્ષે બહાર પાડેલા અહેવાલમાં જણાવ્યું હતું, "એવી વાજબી શક્યતા છે કે દફનવિધિ ગેરકાયદેસર હતી અને તે ન્યાયિક પ્રક્રિયા બહારની હત્યાઓના પરિણામે કરવામાં આવી હતી."

ભૂતકાળની તપાસમાં કોઈની સામે કાર્યવાહી થઈ નથી

સંઘર્ષ દરમિયાન ગાયબ થયેલા લોકોના પરિવારોએ આ દફનસ્થળ મળી આવ્યાના સમાચાર પછી વિરોધસભાઓ અને સ્મૃતિસભાઓ યોજીને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

તેમાં 65 વર્ષનાં સુસીલા પણ છે. તેઓ પોતાના પુત્ર જ્ઞાનસીલન રવિને શોધી રહ્યાં છે. 2007માં શ્રીલંકાની સેનાએ તેમને પકડી લીધા હતા, ત્યારે તેમની ઉંમર 24 વર્ષની હતી.

તેમણે બીબીસીને કહ્યું કે, "તે મારો એકમાત્ર દીકરો હતો. તેને યાદ કરીને હું દરરોજ રડું છું. તેના વિના મારું જીવન ખાલીખમ થઈ ગયું છે."

સુસીલા કેમ્માનીના દફનસ્થળે ગયાં હતાં, પરંતુ ત્યાં તેમને કપડાં કે અંગત ઘરેણાં જેવા કોઈ પુરાવા મળ્યા નહીં, જેનાથી તેમના દીકરાને ત્યાં દફનાવાયો હોવાની ખાતરી થઈ શકે. માનવ અવશેષોનાં ડીએનએ પરીક્ષણો હજુ થવાનાં બાકી છે.

કેમ્માનીમાંથી અત્યાર સુધી મળી આવેલા તમામ માનવ અવશેષોને અદાલતની દેખરેખ હેઠળ જાફના યુનિવર્સિટીના પરિસરના ફૉરેન્સિક વિભાગમાં રાખવામાં આવ્યા છે.

સામૂહિક દફનસ્થળની તપાસના મુખ્ય પુરાતત્ત્વવિદ્ પ્રોફેસર રાજ સોમદેવાએ બીબીસીને કહ્યું, "અમે વચગાળાનો અહેવાલ તૈયાર કરી રહ્યા છીએ. સપ્ટેમ્બરના અંત સુધીમાં તે અદાલતમાં રજૂ કરવામાં આવશે."

અવશેષોની ઉંમર નક્કી કરવામાં મદદ મળે તે માટે કેટલાક નમૂનાઓને વિગતવાર તપાસ માટે વિદેશ મોકલવામાં આવે તેવી શક્યતા છે. મૃત્યુનાં સંભવિત કારણો જાણવા માટે અલગથી તબીબી તપાસ પણ કરવી પડશે.

છેલ્લા કેટલાક દાયકાઓમાં શ્રીલંકામાં 20થી વધુ સામૂહિક દફનસ્થળો મળી આવ્યાં છે. પરંતુ આમાંથી કોઈ પણ દફનસ્થળનો સંબંધ દેશના ઉત્તર કે દક્ષિણમાં ગુમ થયેલા લોકો અથવા કથિત કાયદેસરની પ્રક્રિયા વિના કરવામાં આવેલી હત્યાઓ સાથે ચોક્કસ રીતે સ્થાપિત થઈ શક્યો નથી. અને એકેય કેસમાં કોઈની સામે કાર્યવાહી પણ થઈ નથી.

અગાઉનાં સામૂહિક દફનસ્થળોની તપાસ કરવામાં સત્તાવાળાઓ નિષ્ફળ રહ્યા હોવાથી, નવી તપાસથી શું હાંસલ થશે એ અંગે ઘણા તમિલ લોકોમાં શંકા છે.

તેઓ 2018માં ઉત્તર-પશ્ચિમના મન્નાર શહેરમાં મળેલા બીજા એક સામૂહિક દફનસ્થળની તપાસના પરિણામ તરફ નિર્દેશ છે. ત્યાં 350થી વધુ માનવ હાડપિંજર મળી આવ્યાં હતાં. પરંતુ તપાસમાંથી કોઈ ચોક્કસ તારણ નીકળ્યું નહોતું અને ઘણા પરિવારો નિરાશ થયા હતા.

તેમની માગ છે કે શ્રીલંકાનો કેસ આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલત સમક્ષ લઈ જવામાં આવે.

રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેની સરકારનું કહેવું છે કે તે તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહી છે.

સુસીલાના હાથમાં તેમના પુત્ર જ્ઞાનાસીલન રવિની તસવીર છે જેમને શ્રીલંકાની સેના 24 વર્ષની ઉંમરે 2007માં ઉઠાવી ગઈ હતી

ઇમેજ સ્રોત, Kumanan Kanapathippillai, BBC

ઇમેજ કૅપ્શન, સુસીલાના હાથમાં તેમના પુત્ર જ્ઞાનાસીલન રવિની તસવીર છે જેમને શ્રીલંકાની સેના 24 વર્ષની ઉંમરે 2007માં ઉઠાવી ગઈ હતી

સપ્ટેમ્બર 2024માં સત્તા સંભાળ્યા પછી દિસાનાયકે ન્યાય અને વંશીય સમાધાન માટે કામ કરવાનું વચન આપ્યું હતું. પરંતુ વંશીય સંઘર્ષ દરમિયાન થયેલા કથિત યુદ્ધ અપરાધોની તપાસ માટે કોઈ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેનો તેમની સરકાર સખત વિરોધ કરે છે. આ વલણથી તમિલો નિરાશ થયા છે.

શ્રીલંકાના ન્યાયમંત્રી હર્ષન નાનાયક્કારાએ બીબીસીને કહ્યું, "અમે કેમ્માનીમાં ખોદકામનું કામ ચાલુ રાખીશું."

તેમણે કહ્યું, "આપણે હાડપિંજરોની તપાસ કરીને આ લોકોનાં મૃત્યુ કેવી રીતે થયાં તે જાણવું પડશે. ત્યાર પછી ડીએનએ પરીક્ષણો પણ કરવાં પડશે."

તેમના કહેવા મુજબ, સરકાર પરિવારજનોને પણ પોતાનાં ડીએનએના નમૂના આપવા કહી રહી છે, જેથી પછી મૃતદેહોમાંથી મળેલા નમૂનાઓ સાથે તેમની સરખામણી કરી શકાય.

જૂનમાં કેમ્માનીની મુલાકાત દરમિયાન મંત્રીએ ન્યાય અને સત્ય શોધવા માટે તપાસ કરવાનું અને આ મામલાનો અંત લાવવાનું વચન આપ્યું હતું. તેમણે ખોદકામ માટે જરૂરી નાણાં ફાળવવાનું પણ કહ્યું હતું.

શ્રીલંકાની સેનાના પ્રવક્તા બ્રિગેડિયર વારુણ ગામાગેએ એ આક્ષેપોને નકારી કાઢ્યા છે કે સુરક્ષા દળોએ નાગરિકોની હત્યા કર્યા પછી તેમના મૃતદેહોને અહીં દફનાવ્યા હતા.

તેમણે બીબીસીને કહ્યું, "તમામ આક્ષેપો અદાલતમાં સાબિત કરવા જોઈએ."

આંતરરાષ્ટ્રીય મદદની માગ

આ ઘટનામાં ખોવાઈ ગયેલા લોકોના પરિવારો આંતરરાષ્ટ્રીય તપાસની માગ કરી રહ્યા છે

ઇમેજ સ્રોત, Kumanan Kanapathippillai, BBC

ઇમેજ કૅપ્શન, આ ઘટનામાં ખોવાઈ ગયેલા લોકોના પરિવારો આંતરરાષ્ટ્રીય તપાસની માગ કરી રહ્યા છે

ભૂતકાળના ગુનાઓની તપાસમાં થયેલા વિલંબની માનવાધિકાર સંગઠનોએ આકરી ટીકા કરી છે.

વર્ષો સુધી આંતરરાષ્ટ્રીય દબાણ રહ્યા પછી 2018માં સરકારે એક સ્વતંત્ર સંસ્થા 'ઑફિસ ઑફ ધ મિસિંગ પર્સન્સ (ઓએમપી)'ની સ્થાપના કરી હતી. તેનો હેતુ ગાયબ થયેલા લોકોના કેસોની તપાસ કરવાનો હતો. પરંતુ અસરગ્રસ્ત પરિવારોનું કહેવું છે કે તેમના ગુમ થયેલાં સ્વજનોને શોધવામાં આ સંસ્થાએ ખાસ પ્રગતિ કરી નથી.

હ્યુમન રાઇટ્સ વૉચે આ મહિનાની શરૂઆતમાં બહાર પાડેલા એક અહેવાલમાં જણાવ્યું હતું, "બળજબરીથી ગાયબ કરી દેવાના, યાતના આપવાના અને હત્યાના અનેક કેસ હજુ પણ પડતર છે. બીજી તરફ, પીડિતોના પરિવારો અને માનવાધિકાર કાર્યકરોને ધમકીઓ આપવામાં આવી રહી છે અને તેમને ડરાવવામાં આવી રહ્યા છે."

સંયુક્ત રાષ્ટ્રે શ્રીલંકાને પીડિતોની ઓળખ કરવામાં, તેમનાં મૃત્યુ કેવી રીતે થયાં તે જાણવામાં અને આ માટે જવાબદાર લોકો કોણ છે તે નક્કી કરવામાં આંતરરાષ્ટ્રીય મદદ લેવાની અપીલ કરી છે.

સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર માટેના હાઈ કમિશનરની કચેરીના એશિયા-પેસિફિક વિભાગના વડા રોરી મુન્ગોવેને બીબીસીને કહ્યું, "આવી સ્થિતિમાં પીડિત લોકો ખૂબ નિરાશ છે. તેઓ દાયકાઓથી આ પીડા સાથે જીવી રહ્યા છે અને અગાઉ થયેલી તપાસ પરથી તેમનો વિશ્વાસ ઊઠી ગયો છે."

તેમણે કહ્યું, "મને લાગે છે કે તપાસમાં આંતરરાષ્ટ્રીય મદદ સામેલ કરવામાં આવે તો લોકોનો વિશ્વાસ વધારવામાં મદદ મળશે."

યુદ્ધ દરમિયાન થયેલા કથિત અત્યાચારોની આંતરરાષ્ટ્રીય તપાસની માગનો શ્રીલંકાની એક પછી એક આવતી સરકારોએ સખત વિરોધ કર્યો છે.

શ્રીલંકાની અગાઉની મુલાકાતો દરમિયાન મને એવાં માતા-પિતા અને પરિવારજનોને મળવાનો અવસર મળ્યો, જેઓ સત્યની શોધ માટે દાયકાઓથી અભિયાન ચલાવી રહ્યાં હતાં. તેમાંથી કેટલાકે પોતાનાં સ્વજનો સાથે શું થયું એ જાણ્યા વિના જ આ દુનિયામાંથી વિદાય લઈ લીધી છે.

માનવાધિકાર સંગઠનોનું કહેવું છે કે રાષ્ટ્રપતિ દિસાનાયકેની સરકાર પાસે હવે વર્ષોથી ચાલી આવતી વિલંબ અને ઇનકારની પરંપરાને તોડવાની અને સંઘર્ષ દરમિયાન થયેલા ગંભીર અત્યાચારો માટે જવાબદારી નક્કી કરવાની તક છે." સંઘર્ષ દરમિયાન થયેલા ગંભીર માનવાધિકાર ઉલ્લંઘનો માટે જવાબદારી નક્કી કરવા માટેની પણ આ તક છે.

સુસીલા સત્ય જાણવા માટે મક્કમ છે.

તેઓ કહે છે, "હું આ અનિશ્ચિતતા સાથે હજી કેટલો સમય જીવીશ એ મને ખબર નથી. પરંતુ આ અનિશ્ચિતતાનો અંત આવે એવું હું ઇચ્છું છું."

ઍડિશનલ રિપોર્ટિંગ: રંજન અરુણ પ્રસાધ, બીબીસી તમિલ સર્વિસ, કેન્ડીથી

અને કુમનન કનપથિપિલ્લાઈ, જાફનાથી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન