AI અને 'કયામત'નો દિવસ : શા માટે કેટલાક લોકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને 'ખ્રિસ્તવિરોધી' અને 'શેતાની માયાજાળ' માને છે?

ઇમેજ સ્રોત, Fotograzia via Getty Images
- લેેખક, લૅબો ડિસેકો
- પદ, ગ્લોબલ રિલીજિયન સંવાદદાતા, બીબીસી ન્યૂઝ વર્લ્ડ સર્વિસ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
"એઆઈ કયામતના સમયમાં એટલે કે અંતિમ સમયના ઘટનાક્રમમાં મોટી ભૂમિકા ભજવવાનું છે."
આ શબ્દો માનવજાત પર તોળાઈ રહેલા ખતરાની ચેતવણી આપતા કોઈ મોટી ટૅક-કંપનીના નિષ્ણાતના નથી.
આ શબ્દો ભારે પ્રભાવ ધરાવતા, ઍટલાન્ટાસ્થિત પાદરી ફિલિપ ઍન્થોની મિશેલે કહ્યા હતા.
કયામતનો દિવસ એટલે કે 'અંતિમ સમય' અથવા તો દુનિયાનો અંત.
મિશેલે આ ભવિષ્યવાણી કર્યાને એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે. પરંતુ હવે ટિકટૉક અને પૉડકાસ્ટથી લઈને પુસ્તકોના પ્રકાશન સુધીનાં વિવિધ મંચો પર અનેક ખ્યાતનામ ખ્રિસ્તી ધર્મગુરુઓ પણ એ ચર્ચા કરી રહ્યા છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દુનિયાના વિનાશને વેગ આપનાર પરિબળ બની શકે છે કે કેમ?
મૅગાચર્ચના પાદરી ગ્રેગ લૉરી પૂછે છે, "શું એઆઈ અંતિમ સમયની ઘટનાઓનો એક ભાગ બની શકે?" અને તરત જ જવાબ આપે છે, "આમ થવાની શક્યતા ઘણી છે."
બીજી તરફ, પાદરી માઇક સિગ્નોરેલી એક પૉડકાસ્ટના શ્રોતાઓને ચેતવે છે, "ખ્રિસ્તવિરોધીનો ઉદય કેવી રીતે થશે, તેમાં એઆઈની મહત્ત્વની ભૂમિકા છે."
આ પાદરીઓ સ્વીકારે છે કે એઆઈનો ઉપયોગ સારા કામ માટે થઈ શકે છે. પરંતુ તેઓ ચેતવણી આપે છે કે શેતાનના પ્રતિનિધિ તરીકે ગણાતા ખ્રિસ્તવિરોધી, એઆઈનો ઉપયોગ લોકો સાથે છેતરપિંડી કરવા માટે કરી શકે છે, જેથી લોકો ઈશ્વરની જગ્યાએ તેની પૂજા કરવા લાગે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખ્રિસ્તી ધર્મમાં કયામત એટલે કે 'અંતિમ સમય' એટલે પૃથ્વીના અંતિમ દિવસો વિશેની ભવિષ્યવાણીઓ. ખ્રિસ્તવિરોધીને ઈશ્વરના શત્રુ તરીકે જોવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે તે એક તબક્કે સત્તા કબજે કરશે અને અંતે ઈસુ સાથેના યુદ્ધમાં તેનો પરાજય થશે.
આ માન્યતાઓનો મોટો આધાર બાઇબલના અંતિમ ગ્રંથ 'બુક ઑફ રિવેલેશન' પર છે. તેમાં ભયાનક અને કલ્પનાશીલ દૃશ્યોનું વર્ણન છે. તેમાં 'સમુદ્રમાંથી નીકળતાં પશુ'નો પણ સમાવેશ છે, જેને સાત માથાં અને દસ શિંગડાં છે. એમ માનવામાં આવે છે કે તે ખ્રિસ્તવિરોધીનું પ્રતીક છે.
ઘણા ખ્રિસ્તીઓ 'રિવેલેશન'નાં આ વર્ણનોને રૂપકાત્મક માને છે.
કેટલાકનું કહેવું છે કે તેનો સંબંધ રોમન સામ્રાજ્ય દ્વારા શરૂઆતના ખ્રિસ્તી ચર્ચ પર કરવામાં આવેલા અત્યાચાર સાથે છે. પરંતુ કેટલાક લોકો તેને ભવિષ્યવાણી માને છે. તેમનામાંથી કેટલાકનું કહેવું છે કે એઆઈ એ આ ગ્રંથમાં વર્ણવાયેલા 'બીજા પશુ' જેવું છે એક એવા 'જૂઠા પયગંબર' જેવું, જે માનવજાતને છેતરીને ખ્રિસ્તવિરોધીની પૂજા કરવા પ્રેરે છે. કેટલાક તો એમ પણ માને છે કે એઆઈ પોતે જ ખ્રિસ્તવિરોધી હોઈ શકે છે.

ઇમેજ સ્રોત, DeAgostini/Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એઆઈ નિઃશંકપણે દુનિયાને બદલી રહ્યું છે.
તેની શક્તિ અને ક્ષમતાને લઈને ચિંતા પણ વધી રહી છે. એન્થ્રોપિકના ભૂતપૂર્વ સંશોધક જૅકબ કૉક્સન કહે છે કે "નજીકના ભવિષ્યમાં આપણે બધાં મૃત્યુ પામી શકીએ છીએ." તો બીજી તરફ મોટી ટૅક કંપનીઓના વડાઓ પણ વિકાસની ગતિ ધીમી ન કરવામાં આવે તો તેનાં જોખમો અંગે ચેતવણી આપી રહ્યા છે.
"મોટા પરિવર્તનના સમયમાં અંતિમ સમય વિશેની ચર્ચા વેગ પકડે છે," સેન્ટ જૉન્સ સ્કૂલ ઑફ થિયોલૉજી ઍન્ડ સેમિનરીનાં પ્રોફેસર નૉરીન હર્ઝફેલ્ડ કહે છે.
તેઓ એઆઈ અને ટૅક્નૉલૉજીની નૈતિકતાનાં નિષ્ણાત છે. તેઓ કહે છે, "આવી ચર્ચા લોકોને સમાજમાં ઊભા થયેલા તણાવને સમજવાનો એક રસ્તો આપે છે. તેમને એમ લાગે છે કે આ બધું માત્ર આડેધડ બની રહ્યું નથી, પરંતુ ઈશ્વરની યોજનાનો એક ભાગ છે."
હર્ઝફેલ્ડ રોજગાર પર એઆઈની અસરની સરખામણી ઔદ્યોગિક ક્રાંતિની અસર સાથે કરે છે. તેમના મતે, તેની સાથે અનિશ્ચિતતા અને ચિંતામાં પણ વધારો થયો છે.
તેઓ કહે છે, "આપણે ઝડપી પરિવર્તનના સમયમાં જીવી રહ્યા છીએ. કમ્પ્યુટર ટૅક્નૉલૉજી જેટલી ઝડપથી બદલાઈ રહી છે, એટલી ઝડપથી ભૂતકાળમાં ક્યારેય બદલાઈ નથી."
"આપણને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ટૅક્નૉલૉજી લોકોની નોકરીઓ લઈ લેશે, બધું બદલી નાખશે, દરેક ક્ષેત્રમાં ક્રાંતિ લાવી દેશે. આ પ્રકારનું ઝડપી પરિવર્તન લોકો માટે ખૂબ મુશ્કેલ હોય છે."
આ સાથે પોતાના જીવન પરનું નિયંત્રણ ગુમાવ્યાની લાગણી પણ છે. આપણને ગમે કે ન ગમે, એઆઈ આપણામાંના મોટા ભાગના લોકોના જીવનનો હિસ્સો બની ગયું છે. બીજી તરફ, સિલિકૉન વૅલીમાંથી એવી ચેતવણીઓ પણ આવી રહી છે કે "એઆઈ આપણો સૌનો વિનાશ કરી નાખે એવી શક્યતા 10 ટકા કે 15 ટકા છે."
હર્ઝફેલ્ડ કહે છે, "લોકોને એમ લાગે કે હજી પણ બધું ઈશ્વરના નિયંત્રણમાં છે, કે આ બધાની પાછળ હજી કોઈ હેતુ છે, કે આ બધું ઈશ્વરની યોજનાનો જ ભાગ છે, તો તેઓ કહી શકે છે, 'આ ક્ષણનો હું સામનો કેવી રીતે કરવા માગું છું? મારે શું કરવું જોઈએ? મારે શુભના પક્ષે રહેવું કે ખરાબના પક્ષે, એ હું શી રીતે નક્કી કરું?'"

ઇમેજ સ્રોત, Daniel Boczarski/Getty Images
2022માં 'પ્યુ રિસર્ચ સેન્ટર' દ્વારા કરવામાં આવેલા એક સર્વેક્ષણ મુજબ, અમેરિકાના લગભગ 40 ટકા પુખ્ત લોકો માને છે કે આપણે અંતિમ સમયના યુગમાં જીવી રહ્યા છીએ. ખ્રિસ્તીઓમાં આ પ્રમાણ વધીને 47 ટકા છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ વિષય દાયકાઓથી વારંવાર ચર્ચાતો રહ્યો છે. વર્તમાન સમયની ચિંતાઓને ખ્રિસ્તવિરોધીની છબી સાથે સાંકળવામાં આવે છે.
નૉર્થ કૅરોલિનાની ઍલોન યુનિવર્સિટીના પ્રોફેસર જૅફ્રી સી. પુગ કહે છે, "મારાં દાદી માનતાં હતાં કે, ફ્રૅન્કલિન ડેલાનો રૂઝવેલ્ટ જ ખ્રિસ્તવિરોધી હતા."
અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટે મહામંદીના સમયમાં સત્તા સંભાળી હતી. એ વખતે ભારે અનિશ્ચિતતા અને ગરીબી હતી. તેનો સામનો કરવા માટે તેમણે શરૂ કરેલા 'ન્યૂ ડીલ' કાર્યક્રમોને ક્રાંતિકારી ગણવામાં આવતા હતા.
પુગ કહે છે કે તેમની દાદીની માન્યતા "વર્તમાન ઘટનાઓને બાઇબલની કોઈ ચોક્કસ કથામાં બેસાડવાનો પ્રયાસ કેટલો અતાર્કિક હોઈ શકે છે, તે દર્શાવે છે."
અમેરિકામાં અંતિમ સમયની ચર્ચા વારંવાર થતી રહી છે, પરંતુ 1960ના દાયકામાં તેને ખાસ વેગ મળ્યો.
પુગ કહે છે, "એ સામાજિક ઊથલપાથલનો ખાસ સમય હતો. આપણા બે રાજકીય નેતાઓની હત્યા થઈ હતી—માર્ટિન લ્યુથર કિંગ જુનિયરને ગણીએ તો ત્રણ. શ્વેત લોકોના દમન સામે અશ્વેત લોકોના આક્રોશને કારણે શહેરોમાં તોફાનો થઈ રહ્યાં હતાં અને આગ ચાંપવાની ઘટનાઓ થઈ રહી હતી. બાળકો પણ અગાઉ ક્યારેય વ્યક્ત ન કર્યો હોય એ રીતે પોતાનો અવાજ ઉઠાવવા લાગ્યાં હતાં."
આમાં યુદ્ધવિરોધી દેખાવો અને યુવાનોમાં ઊભી થયેલી કાઉન્ટરકલ્ચર ચળવળનો પણ સમાવેશ થતો હતો.
'ભયાનક ટૅક્નૉલૉજી'
1970ના દાયકામાં 'ધ લેટ ગ્રેટ પ્લૅનેટ અર્થ' નામનું પુસ્તક લોકપ્રિય થયું હતું. તેમાં અંતિમ સમયની ભવિષ્યવાણીઓને તે સમયની ઘટનાઓ અને વિશ્વરાજકારણના ઘટનાક્રમ સાથે સીધી રીતે સાંકળવામાં આવી હતી.
પુગ કહે છે, "ત્યારથી દરેક સામાજિક ઊથલપાથલને અંતિમ સમય સાથે જોડીને જોવામાં આવવા લાગી."
શીતયુદ્ધ દરમિયાન સોવિયેત સંઘ અને સામ્યવાદને ખ્રિસ્તવિરોધી માનવામાં આવતાં હતાં. 9/11ના હુમલા પછી કેટલાક ખ્રિસ્તીઓ માટે ઇસ્લામ ખ્રિસ્તવિરોધી બની ગયો.
ડૉ. પુગ કહે છે, "તમે જે પણ સમયગાળામાં જીવતા હો, તે સમયની ચિંતાઓ ઘણી વાર અંતિમ સમયની આ કથાઓ સાથે જોડાઈ જાય છે."
'મેડ ઇન અવર ઇમેજ: ગૉડ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઍન્ડ યુ' પુસ્તક લખનાર ઑસ્ટ્રેલિયાના પાદરી સ્ટીફન ડ્રિસ્કોલને ખ્રિસ્તવિરોધી કોણ છે કે શું છે, તેની ખાતરી નથી.
તેઓ કહે છે કે એઆઈ "આપણે અત્યાર સુધીમાં બનાવેલી સૌથી ભયાનક ટૅક્નૉલૉજીમાંની એક" છે અને તેથી તે "સંભવિત ઉમેદવાર" હોઈ શકે છે. જોકે, ભવિષ્યની આગાહી કરવાનો પ્રયાસ કરવા માટે બાઇબલનો ઉપયોગ કરવો ખાસ ઉપયોગી નથી.
ડૉ. ડ્રિસ્કોલ કહે છે, "બાઇબલ ખ્રિસ્તવિરોધી કોણ છે એ વિશેની અટકળો કરતાં ઘણું વધારે આપે છે. તે આપણને પરિવર્તન માટે તૈયાર કરે છે, કામ અંગેની ધાર્મિક સમજ આપે છે અને એઆઈને માનવહિત સાથે સુસંગત બનાવવાના પ્રયાસોને વાસ્તવિક રીતે સમજવા માટેનાં સાધનો આપે છે."
'ઈશ્વરની આજ્ઞાનું પાલન કરો'
ઑલ્ડ ટેસ્ટામેન્ટમાં "કૃષિ ક્ષેત્રની ટૅક્નૉલૉજિકલ નવીનતાઓ વિશે વાત કરવામાં આવી છે-જેમ કે અનાજ ઝાટકવાનાં સાધનો અને બીજી કેટલીક વસ્તુઓ... અને તેમાં કહેવામાં આવ્યું છે કે આ બધું પ્રભુ તરફથી આવે છે."
તેઓ કહે છે, "ઈશ્વર ટૅક્નૉલૉજીના જ્ઞાનનો ઈશ્વર છે." પથ્થરથી કાંસું, લોખંડ, સ્ટીલ, પરમાણુ ટૅક્નૉલૉજી અને હવે એઆઈ સુધીની દરેક ટૅક્નૉલૉજીના યુગ પર આખરી નિયંત્રણ "ઈશ્વરનું જ છે."
ડૉ. ડ્રિસ્કોલ કહે છે કે ઑલ્ડ ટેસ્ટામેન્ટમાં દેશનિકાલ થયેલા ડૅનિયલનું જીવન જુદી જુદી ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરતાં અનેક સામ્રાજ્યોના શાસન હેઠળ વીતે છે.
તેઓ કહે છે કે ડૅનિયલ "સમયને પોતાના કાબૂમાં રાખી શકતો નથી કે આવનારાં સામ્રાજ્યોને રોકી શકતો નથી, ભલે એ સામ્રાજ્યોના કારણે દુઃખદ ઘટનાઓ બનવાની હોય."
"પરંતુ તે જ્યાં હોય ત્યાં ઈશ્વર પ્રત્યે વફાદાર અને આશાવાદી રહી શકે છે, સારું જીવન જીવી શકે છે, લોકોને પ્રેમ કરી શકે છે અને ઈશ્વરની આજ્ઞાનું પાલન કરી શકે છે.
"તે સમયને કાબૂમાં રાખી શકતો નથી-પણ સારું જીવન તો જીવી શકે છે."
આપણે દુનિયાના અંતનો સામનો કરી રહ્યા છીએ કે નહીં, આખરે બધું સારું જ થશે.
ડૉ. ડ્રિસ્કોલ કહે છે, "બનતી દરેક ઘટના સારી હોતી નથી"-પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે "ઈશ્વર સારા છે અને બધું તેમના નિયંત્રણમાં છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















